ગુજરાતી સિનેમા Movies

ખાટા-મીઠા સંબંધોની વાત લઈને આવી રહી છે ‘ગોળકેરી’ (વાંચો આ ગુજરાતી ફિલ્મ વિશે)

એકાદ વર્ષ પહેલાં દર્શકોને ‘મિડનાઇટ્સ વિથ મેનકા’ નામની ગુજરાતી ફિલ્મ આપનારા દિગ્દર્શક વિરલ શાહ ફરી એક વાર દર્શકોના મનોરંજન માટે 28 ફેબ્રુઆરીના રોજ ‘ગોળકેરી’ નામની ફિલ્મ લઈને આવી રહ્યા છે. આ ફિલ્મ સંબંધોના ખાટા મીઠા લેખાંઝોંખાને રજૂ કરે છે. ‘ગોળકેરી’ ફિલ્મમાં લીડ રોલમાં ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકર જોવા મળશે. તો મલ્હાર સાથે જોડી જમાવવા માટે તૈયાર છે માનસી પારેખ ગોહિલ. હિંદી ફિલ્મો અને સિરિયલની આ જાણીતી અભિનેત્રી મલ્હાર સાથે આ પહેલા ‘ડુ નોટ ડિસ્ટર્બ’ નામની ગુજરાતી વેબ-સિરિઝમાં દેખાઈ ચૂકી છે. માનસીની આ પહેલી ગુજરાતી ફિલ્મ છે તો સાથે સાથે જાણીતા મરાઠી અભિનેતા સચિન ખેડેકર અને ‘હમ પાંચ’, ‘ખિચડી’ ફેમ વંદના પાઠક પણ આ ફિલ્મ દ્વારા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી રહ્યા છે.

આ પણ વાંચો:‘લવની ભવાઈ’ના ડિરેક્ટર સંદિપ પટેલ તેમની આગામી વેબ-સિરીઝ ‘ડુ નોટ ડિસ્ટર્બ’ વિશે શું કહે છે?; વાંચો અહીં…

ફિલ્મનું ટ્રેલર દર્શકોને ખૂબ જ ગમ્યું છે. પોતાની હાજરજવાબી અભિનય ક્ષમતા માટે જાણીતો મલ્હાર અહીં પણ સ્ક્રીન પર રીતસરનો છવાઈ જશે તેમ લાગે છે. તો માનસી ગોહિલ, સચિન ખેડેકર અને વંદના પાઠક પણ અભિનયના મંજાયેલા કલાકારો છે. હાલના સમયમાં યંગસ્ટર્સ વચ્ચેના પ્રેમસંબંધો અને પછી થતા અચાનક બ્રેકઅપ તેમના માતાપિતાની સમજણ બહાર હોય છે. માતાપિતા તેમને કોઈ પણ ભોગે સાથે જ જોવા માટે ઈચ્છતા હોય છે અને જ્યારે યુવાપેઢી પોતાની લાઈફને મુવ ઓન કરવા નામે એકબીજાથી અલગ થઈ જાય તે તેમના માતાપિતા સમજી શકતા નથી. સાહિલ અને હર્ષિતા આવા જ એક લવબર્ડસ છે જે અચાનક અલગ થાય છે અને શરૂ થાય છે સાહિલના માતાપિતાની મીઠી મુંઝવણો. આમ ખાટા મીઠા સંબંધોનું અથાણું અહીં બનવા જઈ રહ્યું છે જેની લિજ્જત માણવા માટે તૈયાર રહો! સાહિલ અને હર્ષિતા એક થશે કે કેમ એ જાણવા ફિલ્મ જોવી રહી.

આ પણ વાંચો:ડુ નોટ ડિસ્ટર્બ: એક્ટ્રેસની સાથે પ્રોડ્યુસર પણ છે માનસી પારેખ ગોહિલ; વાંચો એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ

ફિલ્મના બે ગીતો ‘સોની ગુજરાતની’ અને ‘અમસ્તુ અમસ્તુ’ના કમ્પોઝર અનુક્રમે મિકા સિંહ અને હૃષિકેશ-સૌરભ-જસરાજ છે. સોની ગુજરાતની ગીતથી મિકા સિંહે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું છે અને આ ગીત ઓલરેડી ધૂમ મચાવી રહ્યું છે. આ ગીતમાં પાર્થિવ ગોહિલે પણ અવાજ આપ્યો છે. જાણીતા કોરિયોગ્રાફર પ્રિન્સ ગુપ્તાએ આ સોન્ગની કોરિયોગ્રાફી કરી છે. તો તમે તૈયાર છો ને 28 ફેબ્રુઆરીના રોજ ‘ગોળકેરી’નો સ્વાદ માણવા માટે?


0 comments on “ખાટા-મીઠા સંબંધોની વાત લઈને આવી રહી છે ‘ગોળકેરી’ (વાંચો આ ગુજરાતી ફિલ્મ વિશે)

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: