Hollywood Movies Review

Review | પ્રિડેટર (1987) : ખૌફનાક જંગલ મધ્યે અજુગતું અવકાશી શિકારી

● ફિલ્મ: પ્રીડેટર (૧૯૮૭)
● પ્રકાર/શૈલી: સાયન્સ ફિક્શન, એક્શન
● કલાકારો: આર્નોલ્ડ શ્વાર્ઝનેગર, કાર્લ વેધર્સ, એલ્પિડીયા કેરિલો, કેવિન પીટર હોલ
● લંબાઈ: ૧૦૭ મિનિટ
● નિર્દેશક: જ્હોન મેકટીયરનન
● લેખક: જીમ થોમસ, જ્હોન થોમસ

images

અબજો તારામઢ્યાં અંધકારમય અંતરીક્ષમાં પૃથ્વી ફરતે ચકરાવો લેતા અવકાશયાન જેવા લાગતા કોઈક ભેદી પદાર્થની હલચલથી ફિલ્મ શરૂ થાય છે. ભેદી અવકાશયાન ચકરાવો લેતું પૃથ્વીની કક્ષા નજીક પહોંચે છે અને તેમાંથી ગોળ ટપકાં જેવો કોઈક રહસ્યમય પદાર્થ વછૂટીને સીધો જ પૃથ્વીની કક્ષામાં પ્રવેશીને તેજ લીસોટારૂપે પૃથ્વીના વાતાવરણમાં ક્યાંક ઓઝલ થઇ જાય છે. બીજી તરફ, મધ્ય અમેરિકાના જંગલમાં, દરિયા કિનારે હેલિકોપ્ટર્સમાં અમેરિકાની સ્પેશિયલ ઓપરેશન્સ ફોર્સનો નિવૃત્ત મેજર એલન શેફર (આર્નોલ્ડ) તેના અન્ય કમાન્ડો સાથીઓ સાથે ઊતરે છે. મધ્ય અમેરિકાના જંગલમાં યુ.એસ.ના એક ઉચ્ચ અધિકારી અને તેના સહાયકોને કેટલાક બળવાખોર ગેરિલાઓએ કબજે કર્યા હોવાથી તેમને સહીસલામત પાછા લઈ આવવાનું રેસ્ક્યૂ ઓપરેશન એલન અને એની ટીમને સોંપવામાં આવે છે. મિશનમાં એલનને તેનો જૂનો મિત્ર અને હાલ CIA ઓપરેટીવ ડીલન સંચાલન કરવામાં મદદ કરવાનો હોય છે.

આ પણ વાંચો: ‘લવની લવ સ્ટોરીસ’ કેવી છે? વાંચો ફિલ્મ રિવ્યુ

કમાન્ડો ટુકડી જંગલમાં ઊતરે છે ત્યારે તેમને એક ઝાડ પર લટકતો આર્મી હેલિકોપ્ટરનો ભંગાર જોવા મળે છે, સાથે જ થોડે દૂર અત્યંત ક્ષતવિક્ષત અને જુગુપ્સાપ્રેરક હાલતમાં ઝાડ પર લટકતી અમેરિકન સૈનિકોની લાશો મળે છે, જેમની ચામડી ઉતરડી નાખવામાં આવી હોય છે. કંઈક ભેદી બન્યું હોવાની આશંકા વચ્ચે ટુકડી ગેરિલા કેમ્પમાં પહોચી, કેમ્પ ધરાશાયી કરી અપહ્યતોને મેળવે છે ત્યારે ખબર પડે છે કે આ આખુંય મિશન બાનમાં રહેલા યુ.એસ. જાસૂસોને છોડાવવાનું હતું અને થોડા સમય પહેલાં ગૂમ થયેલા સૈનિકોની ભાળ મેળવવાનું હતું. તેમને અહીંથી એક રશિયન જાસૂસ પણ મળે છે. કમાન્ડો ટુકડી તેમને લેવા આવનાર એક્સ્ટ્રેકશન પોઈન્ટ સુધી પહોંચે એ પહેલાં ન બનવાની ઘટનાઓ બની જાય છે. એક એલિયન પ્રાણી તેમના પર સતત નજર રાખી રહ્યું હોય છે. તે માણસને મારીને તેના શરીરની ચામડી ઉતરડી નાખવાનું આદી છે. ધીમે ધીમે એક પછી એક કમાન્ડોનો તે શિકાર કરે છે અને છેવટે બિહામણા અને વિશાળ જંગલમાં એકલો અટૂલો એલન તેના નિશાના પર છે.

images (4)

હકારાત્મક બાબતો:
૧૯૮૭માં બનેલી ફિલ્મની દૃષ્ટિએ ફિલ્મની કથા એકદમ હટકે છે. એક સાયન્સ ફિક્શન ફિલ્મ છે. પરંતુ ખરું જોતાં તેમાં એક્શનનો ડોઝ ભરપુર છે. સૌથી પહેલાં તો સેન્ટ્રલ અમેરિકાનું જંગલ જ અહીં એક પાત્ર છે! કેટલું ભયંકર! કેટલું બિહામણું! કેટલું ગીચ! નિર્દેશક જ્હોન મેકટીયરનને જંગલને જ ફિલ્મમાં જીવતું કરી દીધું છે. વળી, ફિલ્મમાં હોરર એલિમેન્ટ્સ પણ છે. ઝાડ પર લટકતી એ માંસના લોચા જેવી લાશો, એક ઝાડ પરથી બીજા ઝાડ પર છલાંગો લગાવીને પોતાના થર્મલ વિઝનમાં કમાન્ડો પર સતત નજર રાખી રહેલું એ પ્રાણી, જેની પાસે અદૃશ્ય થઇ જવાની ક્ષમતા છે. ઊંચા ઊંચા એક વૃક્ષ પર તે જ્યારે એક કમાન્ડોની લાશના ધડમાંથી આંતરડું ખેંચી કાઢીને જે ચીસ પાડે છે ત્યારે આખું જંગલ ધ્રૂજી ઊઠે છે. અહાહા… હોરર ફિલ્મ ન હોવા છતાં ડરનો જબરદસ્ત અહેસાસ કરાવે. બીજું સબળું પાસું ફિલ્મની એક્શન. ગેરિલા કેમ્પ ધ્વસ્ત કરવા જે બોમ્બમારો થાય છે એ માણવાલાયક છે. મશીનગનની ધણધણાટી બોલાવતો આર્નોલ્ડ ત્યારેય પૈસા વસૂલ લાગે છે અને જ્યારે તે એકલો જ કાળમૂખા જંગલમાં પ્રીડેટરને મહાત કરવા બેધડક પોતાના પ્લાન બનાવી રહ્યો હોય છે ત્યારેય જોરદાર લાગે છે. તેને કહેવા લાયક કંઈ છે જ નહીં! ફિલ્મનો જીવ આર્નોલ્ડ છે, અને પ્રીડેટર પણ. જ્હોન લીંક અને માર્ક હેલફ્રિચનું એડીટીંગ ચુસ્ત છે. ક્યાંય કંટાળો નહીં આપે. એલન સિલ્વેસ્ટ્રીનું સંગીત પળે પળે ઉત્તેજના આપનારું છે.

નકારાત્મક બાબતો:
ફિલ્મનું નકારાત્મક પાસું એ છે કે તેમાં સાયન્સ ફિક્શનને નામે ખાસ કંઈ નથી. અંતરીક્ષયાને છોડેલા પદાર્થ દ્વારા પૃથ્વી પર મોકલાયેલું એલિયન પ્રાણી એટલે કે પ્રીડેટર અને તેની ગતિવિધિ સિવાય આખી ફિલ્મ એક સર્વાઇવલ ફિલ્મ બની જાય છે. પ્રીડેટરને કોણે મોકલ્યું? શા માટે મોકલ્યું? ખરેખર પરગ્રહવાસીઓએ જ તેને મોકલ્યું છે કે પછી પૃથ્વીવાસીઓનું જ કામ હોઈ શકે? આ બધા સવાલોનો ફોડ પડાયો નથી. કદાચ આ શ્રેણીની બીજી ફિલ્મોમાં તે જણાવવામાં આવ્યું હોય. બીજી એક વાત બાલીશતાભરી એ લાગી કે એક કમાન્ડો જાતે જ પ્રીડેટરનો શિકાર થઈ જાય છે. આ જરા ન રુચ્યું. તે એક કમાન્ડો છે, તેનામાં એટલું જોમ હોય જ કે તે છેલ્લા શ્વાસ સુધી લડી લે. સામે ચાલીને શિકાર બની જવું એ થોડું અસંગત લાગ્યું. બાકી બધું ઠીકઠાક છે.

images (5)

આખરી અભિપ્રાય:
ફિલ્મ હોલિવુડની છે, એટલે ધારી જ લેવું કે બોલિવુડ કરતાં વધુ સારી હશે. આર્નોલ્ડના ચાહકોએ તો મૂકાય જ નહીં. પ્લસ, જે લોકો રોમાંચના આશક છે, એક્શનના આદી છે, કંપારી છોડાવી મૂકતા જંગલોની કથાઓ જેમને ગમે છે, કશુંક વિચિત્ર અને ભેદી જોવું ગમે છે એમના માટે આ ફિલ્મ બેસ્ટ છે. આખરે એ હતું શું અને શા માટે હતું? એવા પ્રશ્નો જરૂર ઊભા થશે, પણ ફિલ્મ બેશક જોવાય. બે-ચાર નેગેટિવ વાતોને ભૂલી જાઓ તો આ ફિલ્મ જબરદસ્ત છે.

તમે જાણો છો?:
ફિલ્મમાં દર્શાવવામાં આવેલાં જંગલનાં દૃશ્યો વાસ્તવમાં મેક્સિકોના પ્યુએર્ટો વેલાર્ટા અને પેલેન્કનાં જંગલોમાં શૂટ થયાં હતાં. આ જંગલો પાનખરાઉ હોવાથી વૃક્ષો પર નકલી પાંદડાં અને ઝાડીઓ લગાવીને જંગલને ગાઢ અને ભયાનક બનાવાયું હતું!

Rating: 3.5/5

(Images: Pinterest)

0 comments on “Review | પ્રિડેટર (1987) : ખૌફનાક જંગલ મધ્યે અજુગતું અવકાશી શિકારી

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: