ગુજરાતી સિનેમા Movies

ગુજરાતી ફિલ્મ ‘ચાલ જીવી લઈએ’એ ૫૦ અઠવાડિયા પૂરા કર્યા

~પાર્થ દવે

ફિલ્મના ડિરેક્ટર વિપુલ મહેતાએ કહ્યું કે, અમુક દ્રશ્યોના ઉમેરણ સાથે ફિલ્મ ૩૧મી જાન્યુઆરીએ રિ-રિલીઝ કરાશે

ગયા વર્ષે-૨૦૧૯ના ફેબ્રુઆરી મહિનાની પહેલી તારિખે આવેલી ગુજરાતી ફિલ્મ ‘ચાલ જીવી લઈએ’ને ૫૦ અઠવાડિયા પૂરા થયા છે. પિતા-પુત્રના સંબંધની વાત સાથે હકારાત્મક જિંદગી જીવવાની વાત પોઝિટીવ રીતે કહેતી આ ફિલ્મને દર્શકોએ ખોબલે ખોબલે વધાવી. અને કહી શકાય કે હજુ પણ વધાવી રહ્યા છે. ‘ચાલ જીવી લઈએ’ હજુ પણ ગુજરાતના ૧૪ થિએટરોમાં ચાલી રહી છે.

82154913_512343546073628_7389747822704197632_n

વાત એમ છે કે, મેકર્સે દર્શકોનો પ્રેમ જોતા નિર્ણય લીધો છે કે ‘ચાલ જીવી લઈએ’ને ફરી એટલે કે રિ-રિલીઝ કરવામાં આવે. ‘ચાલ જીવી લઈએ’ના ડિરેક્ટર વિપુલ મહેતાએ કહ્યું કે, ફિલ્મને આપણે ૩૧મી જાન્યુઆરીએ રિ-રિલીઝ કરવા જઈ રહ્યા છીએ. મને ખાસ એ કહેવું છે કે હજુ પણ શુક્રવાર, શનિવાર અને રવિવારે ફિલ્મ ઑલમોસ્ટ હાઉસફૂલ જાય છે, માટે અમે ખૂબ ખુશ છીએ. અમે ફરીથી ૧૨૦ સ્ક્રિન પર રિલીઝ કરી રહ્યા છીએ. અને આ વખતે એડિશનલ સીન્સ(વધારાના દ્રશ્યો) સાથે ફિલ્મ રિલીઝ કરવા જઈ રહ્યા છીએ. તેના માટે અમે રી-સેન્સરની જે પ્રોસેસ છે તે પણ કરાવી ચૂક્યા છીએ.’ ઉલ્લેખનીય છે કે ‘ચાલ જીવી લઈએ’માં જાણીતી અભિનેત્રી આરોહી પટેલ, યશ સોની તથા દિગ્ગજ નાટ્યકાર સિદ્ધાર્થ રાંદેરિયાની કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ જ પસંદ પડી હતી. સચિન-જીગરે આપેલા કર્ણપ્રિય મ્યુઝિકનો પણ ફિલ્મની સફળતામા મસમોટો ફાળો છે. જીગરદાન ગઢવીએ ગાયેલું પ્રણય-ગીત ‘ચાંદ ને કહો…’ હોય કે ભૂમિ ત્રિવેદીના અવાજમાં ગવાયેલું ‘તમે ઘણું જીવો…’ હોય; લોકો હજુ પણ ગણગણે છે.

82705136_516226762351973_8176298107177271296_n

આ પણ વાંચો:માધુરી દિક્ષિતે કર્યા ‘ચાલ જીવી લઈએ’ના વખાણ; આખી ટીમને પાઠવી શુભકામનાઓ

વિપુલ મહેતાના કહેવા પ્રમાણે ફિલ્મના બેએક સિન રિ-શૂટ થયેલા તથા બાકીના ડિલિટેડ સિન્સ પણ દર્શકોને જોવા મળશે. અગાઉ ‘બાએ મારી બાઉન્ડ્રી’ સહિતના અઢળક નાટકો તથા સુપ્રિયા પાઠક અને દર્શન જરિવાલાને ચમકાવતી ‘કેરી ઓન કેસર’ જેવી ગુજરાતી ફિલ્મ બનાવી ચૂકેલા વિપુલ મહેતા હાલ સિદ્ધાર્થ રાંદેરિયા સાથેની જ એક ફિલ્મ પર કામ કરી રહ્યા છે.


0 comments on “ગુજરાતી ફિલ્મ ‘ચાલ જીવી લઈએ’એ ૫૦ અઠવાડિયા પૂરા કર્યા

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: