ગુજરાતી સિનેમા Interviews

‘અફરા તફરી’ના ડિરેક્ટર વિરલ રાવ ફિલ્મ વિશે શું કહે છે?

~પાર્થ દવે

વિરલ રાવ દિગ્દર્શિત ‘અફરા તફરી’ ૧૪મી ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે. ડિરેક્ટર ફિલ્મ વિશે વાત કરતા કહે છે કે..

અમદાવાદના કબીર ઠાકોરના થિએટર વર્કશોપમાં એક બહારનો યુવાન નામ નોંધાવે છે. એ વર્કશોપમાં બાકીના બધા જ થિએટર સાથે સંકળાયેલા લોકો છે. આ વિદ્યાર્થી વર્કશોપના અંતે એક પ્લે તૈયાર કરે છે, પ્લેનું નામ ‘ઓલ્ડ ઈઝ ગોલ્ડ’. એ પ્લેને શ્રેષ્ઠ દિગ્દર્શક, અભિનેતા અને સ્ક્રિપ્ટ માટે ઈનામ મળે છે. બીજા ક્ષેત્રમાં કામ કરી રહેલો તે યુવાન નક્કી કરે છે કે હવે આ જ કરવું છે!

તે વિદ્યાર્થીનું નામ વિરલ રાવ, જેમની પહેલી ફિલ્મ વર્ષ ૨૦૧૮માં ‘ફેમિલી સર્કસ’ નામની આવી હતી જેમાં મોનલ ગજ્જર, રૌનક કામદાર, મિત્ર ગઢવી, સ્મિત પંડ્યા, ભરત ચાવડા તથા મહેલુ બુચ સહિતના કલાકારોનો કાફલો હતો.

68699764_652740038537731_1329705566850777088_o
વિરલ રાવ

વિરલ રાવની બીજી ફિલ્મ વેલેન્ટાઈન ડેના દિવસે એટલે કે ૧૪મી ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે જેમાં સ્મિત પંડ્યા, ચેતન દૈયા, મિત્ર ગઢવી, ખુશી શાહ, આરજે હર્ષિલ શાહ તથા શેખર શુક્લા સહિતના કલાકારો છે. આજે જેનું ટ્રેલર લૉન્ચ થવાનું છે તે ‘અફરા તફરી’ એ એક સિચ્યુએશનલ હોરર-કૉમેડી ફિલ્મ છે. જેમાં એક પરિવારની વાત છે. ડિરેક્ટર વિરલ રાવ જન્મભૂમિ ગ્રુપ અખબાર સાથે વાતચીત કરતા કહે છે કે, ‘આ પરિવારના મુખ્યા એટલે કે દાદાજીને એક ડર છે જે ડર દુર કરવા તે એક સવારે પોતાની વાત રજુ કરે છે. હવે તેમની કહેલી તે વાત પ્રૂવ કરવા માટે આખું વિશ્રામપુર ગામ ગાંડુ થાય છે.  તે વાતના નિકાલ માટે તૈયારીમાં લાગે છે. એટલે કે સમજોને, અફરા તફરી મચે છે!’

52694950_560018521143217_2974079954137907200_o
મિત્ર ગઢવી અને શેખર શુક્લા સાથે ડિરેક્ટર વિરલ રાવ

‘અફરા તફરી’ની વાર્તા વિરલ રાવે પોતે લખી છે તેમજ સ્ક્રિનપ્લે જયેશ મોરે, ગિરીશ પરમાર તથા હેમિલ ત્રિવેદીનો છે. ફિલ્મના સિનેમૅટોગ્રાફર શ્રીધર ભટ્ટ છે અને મ્યુઝિક હેમાંગ ધોળકીયાનું છે.

આ પણ વાંચો:હવે મચશે ડરની અફરા તફરી: જુઓ ગુજરાતી હોરર-કોમેડી ફિલ્મ ‘અફરા તફરી’નું ટ્રેલર

વિરલ રાવ અત્યારે ‘અફરા તફરી’ બાદ બે ફિલ્મો લખી રહ્યા છે, જેમાંની એક તેમના કહેવા મુજબ હિસ્ટોરીકલ લવસ્ટોરી છે. વિરલ રાવ કહે છે કે, ‘મારું આમ ઝોનર લવસ્ટોરીનું છે પણ મને પહેલાથી પ્રિયદર્શનની ફિલ્મો બહુ ગમે, જેમાં સિચ્યુએશનલ કૉમેડી હોય. ‘અફરા તફરી’નો વિષયવસ્તુ મારા રેન્ડમ થોટમાંથી આવ્યો હતો. સામાન્ય રીતે ગુજરાતી ફિલ્મોમાં કૉમેડી ‘ભજવાય’ છે. તે ઊભી કરાય છે. મારે સિચ્યુએશનલ કૉમેડી નેચરલ વેમાં દર્શાવવી હતી. ‘અફરા તરફી’ની સ્ક્રિપ્ટ મેં કોઈપણ એક્ટર્સને આપી નહોતી. હું સિનની દસેક મિનિટ પહેલા જ દરેક કલાકારને હાથમાં કાગળ આપતો હતો. એટલે કે અહીં કંઈ પ્રિપેર કરવામાં નથી આવ્યું.’

વિરલ રાવ કબિર ઠાકોરવાળી પેલી વર્કશોપમાં વિજેતા બન્યા ત્યાર બાદ તેઓ જાણીતા લેખક, ગીતકાર અને નાટ્યકાર સૌમ્ય જોશીના વર્કશોપમાં જોડાઈ ગયા. ત્યાં તેઓ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં કામ કરતા કરતા દિગ્દર્શન, અભિનય, વાર્તા વગેરે પાસાઓ વિશે શીખ્યા.

આ તેમની બીજી ગુજરાતી ફિચર ફિલ્મ છે. ૧૪મી ફેબ્રુઆરીએ જોઈએ આ હોરર કૉમેડી કેવીક બની છે!


0 comments on “‘અફરા તફરી’ના ડિરેક્ટર વિરલ રાવ ફિલ્મ વિશે શું કહે છે?

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: