ગુજરાતી સિનેમા Movies

આગામી ગુજરાતી ફિલ્મ ‘કેમ છો?’

~પાર્થ દવે

‘દરેક પરણિત પુરુષની આત્મકથા’ની ટેગ-લાઈન સાથે ૧૭મી જાન્યુઆરીએ રિલીઝ થઈ રહેલી ગુજરાતી ફિલ્મ ‘કેમ છો?’ના ડિરેક્ટર વિપુલ શર્મા ‘જન્મભૂમિ ગ્રુપ ’ અખબાર સાથે વાતચીત કરતા કહે છે કે…

૨૦૦૫માં જ્યારે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ અર્બન જેવું કંઈ નામ નહોતું સાંભળ્યુ ત્યારે ‘લવ ઈઝ બ્લાઈન્ડ’ નામની એક ફિલ્મ આવી હતી જેમાં જાણીતી અભિનેત્રી સોનાલી કુલકર્ણી મુખ્ય પાત્રમાં હતી. બોલીવુડના સિંગર શાન અને શ્રેયા ઘોષાલે તેમાં ગીતો ગાયા હતા. એ ફિલ્મના ડિરેક્ટર હતા વિપુલ શર્મા જેમની ૧૭મી જાન્યુઆરીએ એક ઔર ફિલ્મ આવી રહી છે. તુષાર સાધુ અને કિંજલ રાજપ્રિયા અભિનિત તે ફિલ્મનું નામ છેઃ ‘કેમ છો?’.

75595362_701256073731754_7863265169480243608_n

વિપુલ શર્મા ફિલ્મ વિશે વાત કરતા કહે છે કે, ‘કેમ છો?એ એક ફૅમિલી-કૉમેડી ડ્રામા ફિલ્મ છે, જેનો હિરો એક એવો માણસ છે જે સોશિયલ અને પ્રોફેશનલ લાઈફ વચ્ચે ઝોલા ખાય છે. તે સોશિયલ લાઈફ એટલે કે ઘર અને પ્રોફેશનલ લાઈફ એટલે કે ઑફિસ વચ્ચે પીસાઈ રહ્યો છે. તેના પૉઈન્ટ ઑફ વ્યુથી મેં આ ફિલ્મ બનાવી છે.’

‘સવારે ઉઠતા તેની પત્નિ અને અને દીકરો તેની પાસે કંઈક માગે છે. ત્યાંથી ઑફિસ જાય તો બોસની ડિમાન્ડ ઊભી છે. બધું પતાવીને ઘેર પહોંચે તો પત્નિ દિવસનો હિસાબ માંગે છે.’ વિપુલ શર્મા ફિલ્મના વિષય વિશે ઊંડાણમાં ઉતરતા કહે છે કે, ‘આ વાર્તા દરેક પરણિત પુરુષ જીવે છે. તેની આ સેન્ડવિચ જેવી થઈ ગયેલી જિંદગી અને છતાંય મોં પર દેખાતું હાસ્ય મેં પડદા પર ઉતારવાની કોશિશ કરી છે.’

આ પણ વાંચો:જુઓ ‘છેલ્લો દિવસ’ ફેમ કિંજલ રાજપ્રિયાનો એક્સક્લૂઝિવ ઇન્ટરવ્યુ

વિપુલ શર્મા લિખીત અને દિગ્દર્શિત ‘કેમ છો?’ની ટેગ-લાઈન છેઃ ‘દરેક પરણિત પુરુષની આત્મકથા’. વિપુલભાઈ ઉમેરે છે કે, ‘આ વિષય દરેક વ્યક્તિને લાગુ પડે છે. મુકેશ અંબાણીને પણ અને કોઈ ઑફિસમાં કામ કરતા નાનકડા કર્મચારીને પણ.’

75169223_194065611641367_5433381514005932045_n.jpg

વર્ષોથી નાટ્યક્ષેત્રે એક્ટિવ રહ્યા બાદ વિપુલ શર્માએ વાત કરી તે ‘લવ ઈઝ બ્લાઈન્ડ’થી ફિલ્મ-ક્ષેત્રે પર્દાપણ કર્યું. તેમણે અમદાવાદમાં ફ્રેન્ચ થિએટરમાં કામ કર્યું છે. વર્ષ ૨૦૦૦માં તેમનું પહેલું નાટક ‘ફૅમિલી નંબર વન’ આવ્યું હતું. તેઓ કહે છે કે, ‘ફૅમિલી નંબર વને મને આત્મવિશ્વાસ અપાવ્યો કે હું લખી શકું છું. ત્યાર પછી મેં ચલ રે સજન કરી લગન, ભાઈ મારો ભાઈબંધ, હું જ મારો વિધાતા સહિતના ૨૫ જેટલા નાટકો લખ્યા. જેમાં સુરેજ રાજડા સાથેના બે દુની પાંચ, સખણા રહેજો રાજ જેવા નાટકો પણ આવી જાય. દુરદર્શન પર આવેલી ‘સુહાસિની’ નામની સિરીયલ કરી, ઝીટીવી ગુજરાતી પર ‘કાકા કૌઆ વિલા’ તથા દેવેન્દ્ર પટેલની જાણીતી સિરીઝ ‘કભી કભી’ પર આધારિત સિરીયલ મેં કરી.’ વિપુલભાએ ‘કૉમેડી એક્સપ્રેસ’ અને ‘ફડકસિંહનો હાસ્ય દરબાર’ જેવા શોઝ લખ્યા છે.

આ પણ વાંચો:ગુજરાતી સિનેમા: ૨૦૧૯ના ટોપ ફાઈવ મ્યુઝિક આલ્બમ કયા છે? જુઓ વિડીયો

તુષાર સાધુ અને કિંજલ રાજપ્રિયા ઉપરાંત જૈમિની ત્રિવેદી, હરીશ ડાગિયા, કલ્પેશ પટેલ, ચૈતન દૈયા, જય પંડ્યા તથા મમતા ભાવસાર સહિતના કલાકારોને ચમકાવતી ‘કેમ છો?’નું ટ્રેલર જોતા તે હલકી-ફૂલકી ફિલ્મ લાગે છે. વિપુલ શર્મા કહે છે કે, ‘ઋષિકેશ મુખરજી મારા ગમતા ડિરેક્ટર રહ્યા છે. તેમની ગોલમાલ, ગુડ્ડી, ચુપકે ચુપકે જેવી ફિલ્મો હસાવતી હસાવતી કંઈક શીખવતી જાય. મને એવી જ કંઈક વાત ‘રતનપુર’ ફિલ્મ પછી કરવી હતી, જે વાત દરેક સામાન્ય વ્યક્તિને સ્પર્શે.’

વિપુલ શર્માની ગયા વર્ષે માર્ચમાં ‘રતનપુર’ નામની પોલિસ-ઑફિસરની વાત કરતી ફિલ્મ આવી હતી, જેમાં પણ તુષાર સાધુ મુખ્ય પાત્રમાં હતા.

‘લવ ઈઝ બ્લાઈન્ડ’ બાદ વિપુલભાઈની સરદાર પટેલની વિચારધારા પર આધારિત ‘દેશબુક’ નામની ફિલ્મ આવી હતી. ત્યાર પછી તેમણે રોમકોમ, રોમિયો એન્ડ રાધિકા, શુભારંભ અને ઑર્ડર ઑર્ડર આઉટ ઑફ ઑર્ડર, તું તો ગયો ફિલ્મની સ્ક્રિપ્ટ લખી હતી.

આ પણ વાંચો:લવની લવસ્ટોરીસ: આ ‘લવની ભવાઈ’ કરવામાં લવ ‘રોંગસાઈડ’ જશે કે પછી..

‘લવ ઈઝ બ્લાઈન્ડ’ વિશે વાત કરતા વિપુલ શર્મા કહે છે કે, ગાયક દેવાંગ પટેલના ભાઈ સંદિપ પટેલ મારું નાટક જોવા આવ્યા હતા. તેમને ગુજરાતી ફિલ્મ બનાવવાની ઈચ્છા હતી. તેમણે મને કહ્યું કે મારે એવી ફિલ્મ બનાવવી છે જે મોર્ડન હોય. ત્યારે ‘અર્બન’ શબ્દ પ્રચલિત નહતો. એ વખતે અમે બોલિવુડના સિંગર્સ અને કલાકારોને કાસ્ટ કર્યા. મલ્ટિપ્લેક્સમાં ગુજરાતી ફિલ્મ ત્યારે નહોતી લાગતી. અમે લવ ઈઝ બ્લાઈન્ડને મલ્ટિપ્લેક્સના પ્રેક્ષકો જોઈ શકે તેવી ટ્રીટમેન્ટ આપી હતી. લવ ઈઝ બ્લાઈન્ડની સ્ક્રિપ્ટ મૂળરાજ રાજડાએ લખી હતી.’

કેમ છોનું સંગીત રાહુલ પ્રજાપતિએ આપ્યું છે અને ગીતો મિલીંદ ગઢવી તથા રાહુલ પ્રજાપતિએ લખ્યા છે. જીગરદાન ગઢવી, લાવણ્ય ચક્રવર્તી તથા વ્રતિની ઘાડગેએ તે ગીતો ગાયા છે.

 કેવી છે ‘દબંગ 3’?

 ૨૦૧૦માં આવેલી ‘દબંગ’ અને ૨૦૧૨માં આવેલી ‘દબંગ ૨’ની પ્રિક્વલ ‘દબંગ 3’ અગાઉની બેઉ કરતા બધી રીતે નબળી છે. સલમાન ખાનનું પાત્ર ચુલબુલ પાંડે શા માટે ગુંડાઓને લૂંટીને ગરિબોમાં પૈસા વહેંચતો હતો, શા માટે થોડો મસ્તીખોર ને થોડો ઈમોશનલ હતો તે બધા રાઝ ‘દબંગ 3’માં ખૂલે છે. ફિલ્મની વાર્તા સલમાન ખાને પોતે લખી છે જે જોઈએ તેટલી ચોટદાર નથી. વિનોદ ખન્ના ‘દબંગ ૨’ બાદ અલવિદા કહી ગયા હોવાથી તેમના ભાઈ પ્રમોદ ખન્ના સલમાનના પિતા બન્યા છે. બાકી, ડિમ્પલ કાપડીયા, સોનાક્ષી સિન્હા, અરબાઝ ખાન સહિતના કલાકારો યથાવત છે. આ વખતે વિલનમાં સાઉથનો જાણીતો અભિનેતા કિચ્ચા સુદીપ છે; પણ કહ્યું એમ ફિલ્મ લાંબી છે, ગીતોમાં દમ નથી, ઍક્ટિંગ એવરેજ છે, ફિલ્મની ઓળખસમા ઍક્શન સિન્સ પણ ફિક્કા છે. ટૂંકમાં સલમાનના ફૅન્સને પણ નિરાશ કરી શકે તેવી ‘દબંગ 3’ છે.


0 comments on “આગામી ગુજરાતી ફિલ્મ ‘કેમ છો?’

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: