કલર્સ ગુજરાતીએ દર્શકોમાં પોતાનું વિશેષ સ્થાન બનાવ્યું છે. સાથે જ તેની સિરિયલ્સ પણ લોકપ્રિય થઈ રહી છે. તેમાં ‘મહેક – મોટા ઘરની વહુ’ તો લગભગ દરેક ઘરમાં જોવાય છે. અને મહેકનું પાત્ર ભજવતા વિશા વીરા પણ લોકોના દિલમાં સ્થાન બનાવવામાં સફળ રહ્યા છે. જો કે તમને જાણીને આશ્ચર્ય થશે કે વીશા આ સિરીયલ માટે ઓડિશન આપવા પહોંચ્યા જ નહોતા. હકીકતમાં તો વિશા એક હિન્દી સિરીયલ માટે ઓડિશન આપવા ગયા હતા, અને ત્યારે તેમને સામેથી ‘મહેક’ની સ્ક્રીપ્ટ આપી ઓડિશન માટે બોલાવવામાં આવ્યા હતા.
છે ને આશ્ચર્યની વાત. તમારી પોતાની મહેક એટલે કે વિશા વીરાએ સિનેમા સાહિત્ય સાથેની ખાસ વાતચીતમાં કંઈક આવા જ બીજા રહસ્યો પણ ખોલ્યા છે. તમને ખબર છે વિશા નામ ક્યાંથી પડ્યું ? વિશા પોતાના નામ વિશે વાત કરતા કહે છે કે,’મારી મમ્મીને આ નામ ખૂબ જ ગમતું હતું, એમણે પહેલેથી નક્કી રાખ્યું હતું કે આ જ નામ પાડવું. અને મને પણ ખૂબ ગમે છે, કારણ કે મારું નામ યુનિક છે.
વિશા વીરા મૂળ કચ્છી જૈન છે. જો કે ઘણા કચ્છીઓની માફક તેઓ પણ મુંબઈમાં જ જન્મીને મોટા થયા છે. વિશાના પરિવારમાં તેમના મમ્મી, પપ્પા અને એક બહેન છે. વિશા કહે છે કે, ‘મારો ડોગ હાચીકો પણ પરિવારનો જ સભ્ય છે. એ મારા માટે ભાઈ સમાન જ છે.’ જી હાં, વિશાને ડોગ ખૂબ જ ગમે છે. એક્ટિંગ સિવાયના શોખમાં પણ વિશા પોતાને એનિમલ લવર જ ગણાવે છે. કહી શકાય કે વિશાને ડોગ્સ સાથે ટાઈમ સ્પેન્ડ કરવો ગમે છે. આ ઉપરાંત વિશા ક્યારેક સિંગિંગ પણ કરી લે છે. પોતાના એક્ટિંગ કરિયરમાં સફળતાનો શ્રેય વિશા માતા-પિતાને આપે છે. તેમનું કહેવું છે કે, ‘નાનપણથી જ મને એક્ટિંગનો શોખ હતો, સ્કૂલમાં કામ કર્યું, કોલેજમાં પણ કામ કર્યું. અને એક દિવસ પપ્પાને કહ્યું હતું, કે આ જ કરવું છે. માતા-પિતાનો સાથે મોટી વાત છે. મનેપણ મમ્મી પપ્પાએ સાથ આપ્યો. મમ્મી ઓડિશનમાં પણ આવતી, શૂટમાં પણ આવતી. પરિવારના સપોર્ટ સાથે જર્ની શરૂ થઈ.’
એન્ડ ટીવીની ફેમસ સિરીયલ ‘લાલ ઈશ્ક’માં દેખાશે અમદાવાદી છોકરો ધ્યેય મહેતા
પછી તો વિશાએ ‘જાને ક્યા હોગા રામ રે’ શૉમાં કામ કર્યું. ચેનલ વી પર આવતી ‘સડ્ડા હક’માં પણ દેખાયા અને માતૃભાષામાં ઈટીવી ગુજરાતીની ‘હિરજીની મરજી’ની સાથે સાથે અન્ય કેટલાક એપિસોડિક શૉઝ પણ કર્યા. જો કે વિશાને લોકપ્રિયતા મળી ‘મહેક – મોટા ઘરની વહુ’થી. મહેકનું પાત્ર વિશા માટે પણ ખાસ છે. આ શો મળ્યો ત્યારે વિશા એક હિન્દી શોનું ઓડિશન આપવા પહોંચ્યા હતા પણ તેમને જોતાની સાથે જ પૂછવામાં આવ્યું કે ગુજરાતી આવડે છે? વિશાનો જવાબ હા હતો. તેમને ગુજરાતી સ્ક્રીપ્ટ મળી, એનું ઓડિશન આપ્યું. અને મહેક મળી ગઈ. મહેક વિશે વિશા કહે છે,’ મહેકે મારી લાઈફમાં ખૂબ મોટો ભાગ ભજવ્યો છે. ત્રણ વર્ષથી હું આ કેરેક્ટર જીવું છું. હવે તો વિશા મહેક જ બની ગઈ છે. મને ઘરમાંય બધા મહેક કહીને બોલાવે છે. મહેકને કારણે મને ઘણું શીખવા મળ્યું છે. એટલે ઓલમોસ્ટ મહેક અને વિશા સેમ છે.’ સિરીયલમાં એક ઉત્તમ વહુનું પાત્ર ભજવતા વિશા છોકરીઓને મેસેજ પણ આપે છે, વિશા કહે છે કે, ‘લગ્ન કરો ત્યારે એ અપેક્ષા ન રાખો કે સાસુ તમને પુત્રીની જેમ રાખશે, પણ એવી અપેક્ષા રાખો કે તમે સાસુને માની જેમ રાખશો.
Movie Review: વાંચો ‘ગુજરાત 11’નો ગોલ ઓડિયન્સની ગોલ પોસ્ટમાં થશે કે નહીં ?
જો વિશા એક્ટ્રેસ ન હોત તો ? મોટા ભાગના એક્ટર્સ આનો જવાબ કંઈક અલગ આપે છે, પણ વિશાના જવાબમાં એક્ટિંગ પ્રત્યેનું તેનું પેશન ઝળકે છે. વિશા કહે છે કે,’મારા માટે એક્ટિંગ જ બધું છે, હું એના માટે જ જન્મી છું. એના વગર તો ખબર નહીં..’ અને કદાચ આ જ પેશનના કારણએ ટ્રાન્સ મીડિયાનો બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ પણ જીતી ચૂક્યા છે.
મહેકના પાત્રમાં તો વિશા જબરજસ્ત લોકપ્રિય બની ચૂક્યા છે, તો શું ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કરવાનો કોઈ ઈરાદો ખરો ? એક પણ સેકન્ડ બગાડ્યા વગર વિશા કહે છે,’યસ અફકોર્સ, હું તો રાહ જોઉં છું કે કોઈ પ્રોડ્યુસર-ડિરેક્ટરની નજર મારા પર પડે.’ તો આપણે પણ વિશ કરીએ કે વિશા ટૂંક સમયમાં આપણને કોઈ મસ્ત ગુજરાતી ફિલ્મમાં જોવા મળે.
0 comments on “…અને વિશા બની ગયા ‘મહેક – મોટા ઘરની વહુ’, વાંચો કેવી રીતે મળ્યો આ રોલ ?”