Movies Television

રાહુલ પટેલઃ’ધ વર્ડિક્ટ’ સહિત સંખ્યાબંધ શૉ લખનાર આ યુવાન એક સમયે કરિયાણાની દુકાનમાં કરતા હતા કામ

બોલીવુડ અને ગુજરાતીઓનું કનેક્શન આ ઈન્ડસ્ટ્રીની શરૂઆતથી ચાલતુ આવ્યુ છે. કદાચ ગુજરાતીઓ વગર બોલીવુડ કલ્પી શકાય તેમ નથી. એક્ટર્સ જ નહીં, પ્રોડ્યુસર, ડિરેક્ટર, રાઈટર સહિત બોલીવુડના લગભગ બધા જ કામમાં ગુજરાતીઓની હાજરી ઉડીને આંખે વળગે એવી છે. હમણાં જ આવેલી આયુષ્માનની 100 કરોડી ફિલ્મ બાલા જ લઈ લો. આ બાલાની સ્ટોરી આપણને ગુજરાતીમાં “વ્હાલમ આવો ને’ જેવા હિટ સોંગ આપી ચૂકેલા નિરેન ભટ્ટે લખી છે. તો રોંગ સાઈડ રાજુ જેવી ગુજરાતી ફિલ્મ ડિરેક્ટ કરી ચૂકેલા મિખિલ મૂસળેએ ‘મેન ઈન ચાઈના’ બનાવી. હવે આવો જ એક અન્ય ગુજરાતી યુવાન પણ બોલીવુડમાં પોતાના પગ મજબૂત કરી રહ્યો છે.

રાહુલ… નામ તો સુના હી હોગા. રાહુલના નામે આમ તો ગુજરાતી નાટકો, ટીવી શો, રિયાલિટી શૉ, વેબ શૉથી લઈને સંખ્યાબંધ નામ બોલે છે. તાજેતરમાં જ આવેલી અલ્ટ બાલાજીની વેબસિરીઝ ‘ધ વર્ડિક્ટઃસ્ટેટ વર્સિઝ નાણાવટી’ રાહુલે લખી છે. આ તો થયો રાહુલની હાલની ઓળખાણ. પણ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં રાહુલ વર્ષોથી કામ કરી રહ્યા છે. 2008માં અત્યંત રોચક વાર્તા ધરાવતી એક્સિડેન્ટ ઓન અ હિલ રોડને પણ રાહુલ પટેલે જ લખી હતી. જ્યારે 2017માં નેશનલ એવોર્ડ વિજેતા એનિમેશન ફિલ્મ મહાયોદ્ધા રામના સંવાદો પણ રાહુલ પટેલે લખ્યા હતાં. તેમની લખેલી બે મૂવીઝ સોલિડ પટેલ અને વેડિંગ પુલાવ રિલીઝ થવા જઈ રહી છે. જ્યારે અન્ય એક મૂવી લે લે મેરી જાનનું પ્રાઈમરી શૂટિંગ પૂર્ણ થયું છે.

આજે ઘરમાં ઘરમાં જાણીતા બિગબોસની પહેલી સિઝનમાં રાહુલ પટેલની કલમ ચાલી હતી તો આજે બિગ બોસ 13ના સુપરહોસ્ટ સલમાન ખાનની દસ કા દમમાં પણ તેમની જ કલમનો જાદૂ ચાલ્યો હતો. રાહુલ પટેલના નામે સૌથી જાણીતા ટીવી શૉ જોવા જઈએ તો તેમનું નામ ક્યુકી સાસ ભી કભી બહુથી સાથે પણ જોડાયેલું છે આ ઉપરાંત સાવધાન ઈન્ડિયા, ધ ગ્રેટ ઈન્ડિયન કોમેડી શૉ, ગુમરાહ, સંજોગ સે બની સંગીની, કાલી એક અગ્નિ પરીક્ષા, ઈમોશનલ અત્યાચાર, યેય ઈટ્સ ફ્રાઈડે સહિતના અનેક જાણીતા બનેલા ટેલિવિઝન શૉ માટે તેમણે સ્ક્રીન રાઈટર તરીકે કામ કર્યું છે. આ ઉપરાંત તેમણે બિન્દાસ પર પ્રસારિત થયેલી પ્યાર તૂને ક્યા કિયા, બિગ મેજિક પર આવેલી પ્યાર, મેજીક, શ.., સબ ટીવી પરની પોલીસ ફેક્ટરી, બિગ મેજિક પરની પોલીસ ફાઈલ્સ, એનડીટીવી ઈમેજિન પર પ્રસારિત ઘર કી બાત હૈ, એનડીટીવી ઈમેજન પર જ આવેલી શેખર સુમનને ચમકાવતી સ્ટીલ મૂવિંગ સ્ટીલ શેકિંગ સ્ટાર વન પર પ્રસારિત થયેલી રણવીર, વિનય ઓર કૌન, આજ તક પર પ્રસારિત થયેલી રાજુ શ્રીવાસ્તવને ચમકાવતી ઐસી કી તૈસી સહિત અનેક સિરિઝ કે ટીવી શૉ માટે પોતાની કલમ અજમાવી. તો ઈન્ટરનેટ પર ખાસ્સો પોપ્યુલર થયેલો કોમેડી શૉ જય હિન્દ પણ તેમણે લખ્યો. આટલું જ નહીં તેમણે લાઈવ શો કે ઈવેન્ટ માટે પણ પોતાની કલમનું તેજ પ્રસરાવ્યું. તેમણે સ્ટાર પ્લસના સ્ટાર પરિવાર, બિગ એન્ટરટેઇનમેન્ટ એવોર્ડ્ઝ અને કલર્સ પર પ્રસારિત થયેલા આઈટા એવોર્ડ્ઝ તેમજ એરટેલ એવોર્ડ્ઝ માટે પણ સ્ક્રીન રાઈટર તરીકે કામ કર્યું. તેમણે બે ગુજરાતી નાટકો પણ લખ્યાં છે. જેમાં ડાયાભાઈ દોઢ ડાહ્યા અને સાત તરી એકવીસની ત્રીજી સિઝનનો સમાવેશ થાય છે.

rahul-patel-2

આ બે ફકરા રાહુલની ટેલેન્ટનું ઉદાહરણ આપવા પૂરતા છે. અને હજીય જો રાહુલની સફળતા જાણવી હોય તો જાણી લો કે આ ગુજરાતી યુવાન ડિસ્કવરી જીત પર આવતી બાબા રામદેવ અને શાદી જાસૂસ લખી ચૂક્યાં છે જ્યારે સબ ટીવી પરની સાત ફેરો કી હેરાફેરી પણ તેમણે જ લખી છે. જ્યારે સબ ટીવીની વધુ એક સિરીઝ બાવલે ઉતાવલેમાં તેમની કલમનો કસબ જોવા મળે છે. જ્યારે દેશના સૌપ્રથમ ઈન્ટરનેટ શો, ધ લેટનાઈટ કોમેડી શોમાં પણ સ્ક્રીન રાઈટર તરીકે રાહુલ પટેલનું નામ છે. આમ ટેલિવિઝન અને વેબસિરીઝમાં રાહુલ પટેલની કસાયેલી કલમનો રસાસ્વાદ દર્શકો માણી ચૂક્યાં છે. તેમની લેખન શૈલીને બોલિવૂડ, ટેલિવૂડ અને વેબ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજોએ પણ આવકાર આપ્યો છે.

rahul-patel

જો કે રાહુલની આ સફળતા સુધીની સફર સંઘર્ષપૂર્ણ રહી છે. રાહુલના પિતા હીરાના સામાન્ય કારીગર હતા, જ્યારે તેમના માતા શિક્ષિકા તરીકે કામ કરતા. આજે ભલે રાહુલનું નામ ભવિષ્યના સફળ રાઈટર તરકે લેવાતું હોય પરંતુ રાહુલ મમ્મી પપ્પાને મદદ કરવા માટે એક સમયે કરિયાણાની દુકાનમાં એકાઉન્ટન્ટ તરીકે પણ કામ કરી ચૂક્યા છે. એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં રાહુલની સફર શરૂ થઈ હતી 19 વર્ષની ઉંમરેથી, જ્યારે તેમણે ઈન્ટરકોલેજ નાટ્ય સ્પર્ધામાં ભાગ લીધો. રાહુલે શરૂઆત એક્ટિંગથી કરી હતી. ચીલો પારસી નામના નાટકમાં નાનકડી ભૂમિકા ભજવી. એ નાટકને શ્રેષ્ઠ નાટ્યનું ઈનામ પણ મળ્યું. અને એ સાથે જ રંગમંચ સાથે રાહુલની કિસ્મત જોડાઈ ગઈ.  જાણીને આશ્ચર્ય થશે કે રાહુલની ટેલેન્ટના ચર્ચા એટલા હતા કે બે જ સપ્તાહમાં એક કમર્શિયલ નાટકમાં કામ મળ્યું. અને પછી તો પાછુ વળીને જોવાની વાત જ નથી આવતી. એક સમયે અનાજની દુકાનમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા કરતા રાહુલે શૉર્ટ સ્ટોરીઝ લખવાનું શરૂ કર્યું અને 1999માં ફીરોઝ ભગત સાથે બ્લાઈન્ડ ગેઇમ નામના નાટકમાં કામ મળ્યું. એ સમયે બાલાજી ટેલિફિલ્મના વિવિધ શોને ઘણી ખ્યાતિ મળી રહી હતી. ગુજરાતી નાટક ઈન્ડસ્ટ્રીના બે ડિરેક્ટર રાજેશ જોશી અને વિપુલ મહેતા પણ બાલાજી ટેલિફિલ્મની કોશિશ એક આશા અને ક્યુકી સાંસ ભી કભી બહુથી કરી રહ્યાં હતાં રાહુલ પણ તેમની સાથે આસિસ્ટન્ટ તરીકે જોડાઈ ગયા. ત્યારપછી તેમણે બે વર્ષ સુધી બાલાજી ટેલિફિલ્મ્સ માટે કામ કર્યું. તે પછી નોન ફિક્શન શૉ લખવાનું પણ ચાલુ કર્યું. ત્યારથી આજ સુધી રાહુલ પટેલની કલમની ગાડી સડસડાટ દોડી રહી છે. રાહુલ પટેલની પ્રતિભાવાન કલમથી અનેક વેબસિરિઝ અને મૂવીઝ આવનારા સમયમાં લખાવાની છે તેમાં કોઈ બેમત નથી. ત્યારે ગુજરાતી રાહુલ પટેલની કલમ ડ્રામાથી માંડીને વેબસિરીઝ અને ટેલિવૂડથી માંડીને બોલિવૂડ સુધીના માધ્યમોમાં પોતાની અલગ ઓળખ બનાવી રહી છે.

આ પણ વાંચોઃ‘ડેયલી બોનસ’ના હોસ્ટ સોહન માસ્ટરને એક સમયે નહોતું કરવું ગુજરાતીમાં કામ!

 

0 comments on “રાહુલ પટેલઃ’ધ વર્ડિક્ટ’ સહિત સંખ્યાબંધ શૉ લખનાર આ યુવાન એક સમયે કરિયાણાની દુકાનમાં કરતા હતા કામ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: