ગુજરાતી સિનેમા Movies Review

‘પડદો નાનો પડે છે, અભિષેકભાઈ!’ (વાંચો કેવી છે ‘હેલ્લારો’?)

ગયા અઠવાડિયે- તારિખ 8 નવેમ્બરે રિલીઝ થયેલી નેશનલ એવૉર્ડ વિનર ગુજરાતી ફિલ્મ હેલ્લારો વિશે જાણીતા લેખક, પત્રકાર અને ફિલ્મ-ક્રિટીક પાર્થ દવે શું કહે છે, વાંચો અહીં.

(‘હેલ્લારો’ જોયા પછી વાંચશો તો મજા આવશે. અમુક દ્રશ્યો અને ડાયલૉગ્સની વાત કરી છે એટલે. ફિલ્મ જોજો જ, કેમ કે મેં બહુ સારું લખ્યું છે!  )

-આમ તો એવું વિચાર્યું હતું કે નિરાંતે-શાંતિથી, વ્યવસ્થિત લખીશ. વિચારીને લખીશ. બધું મગજમાં સેટ બેસે પછી લખીશ.

-ગુરુવારે રાતના જોયા પછી અને એના વિશે ત્રણ કલાક સુધી શૂટિંગ દરમ્યાનની વાતો સાંભળ્યા-કર્યા પછી, પરોઢના સુવાની ટ્રાય કર્યા પછી ને નીંદર ન આવતા એક જ ઑપ્શન હતોઃ હેલ્લારો!

-નીલમબેનનું કૅરૅક્ટર બોલે છે કે, જેમ ભાયડાઓને અફિણની તલપ લાગે એમ ગરબાની લાગી છે એમ મને ‘હેલ્લારો’ બીજી વાર જોઈશ પછી જ શાંતિ થશેઃ એવું કંઈક થતું હતું!

-હું ને નિરાલી ગયા બીજી વાર. એની આમેય બાકી હતી અને મારે ફરી વાર જોવી જ હતી. છૂટકારો જ નહતો. અમુક ક્રિએશન જોયા પછી આપણને અધૂરું લાગતું હોય છે, એ બીજી વાર માણ્યા પછી જ શાંતિ થાય.

-અત્યારે અધૂરું ‘અક્ષરત્વ’ પૂરું કરવાનું હતું પણ મજા ન આવતા ગીતો સાંભળવા માંડ્યો. એમાં ‘હેલ્લારો’નું ગીત સ્ટાર્ટ કર્યું. ચારેય વારા ફરતી વારા આંખો બંધ કરીને સાંભળ્યા. થયુંઃ જેવું લખાય એવું લખી નાખું. 

71840009_139925597362048_2905666094389788672_o

-ફિલ્મની વાર્તા કાગળ પર વાંચીએ તો કદાચ સાવ સરળ લાગે. પણ… જોયા પછી પહેલો વિચાર મને એ આવ્યોઃ બોસ, પડદો નાનો પડે છે!

આ પણ વાંચો:મારા મીઠાંના રણમાં વાગ્યો રે ઢોલ: હેલ્લારોના આ અદ્ભુત ગીત વિશે ગીતકાર સૌમ્ય જોશી કહે છે કે..

અભિષેકભાઈએ કહ્યું હતું, મેં લખ્યું હતું એનાથી જોતી વખતે મને કંઈક વિશેષ લાગે છે. એમણે જે કૅરૅક્ટર લખ્યા, સર્જ્યા અને જે આપણને દેખાયા; લખતી વખતે એમણે એ બધી જ અનુભૂતીઓ કરી હશે જે આપણે જોતી વખતે કરીએ છીએ.

-ફિલ્મની બધી બહેનોની ઍક્ટિંગ, નૃત્ય, બધું જ ઍ-વન છે. મહેનત સખત છે એ કહેવાની જરૂર જ નથી. પહેલી વખત ઢોલના તાલે રમાતો ગરબો, બીજી વખત ‘વાગ્યો રે ઢોલ’, ત્રીજું ‘અસવાર’, ચોથું એન્ડ અને એ વચ્ચે જ્યારે જ્યારે બહેનો ગરબા કરે છે ત્યારે તમામના એક્સપ્રેશન્સ જોજો. માઈન્ડબ્લોઈંગ!

-કોરિયોગ્રાફર સમીર અને અર્શ તન્નાએ દરેક વખતે અલગ ભાવ રજૂ કર્યો છે. સૌમ્યભાઈના શબ્દો તો છે જ, પણ આપણને તે શબ્દો દેખાય પણ છે. પહેલી વખત ડરતે ડરતે કરેલા ગરબા, બીજી વખત ગુસ્સામાં, ત્રીજી વખત ખુલ્લીને અને છેલ્લી વખત; એ ‘છેલ્લી વખત’ વન ઑફ ધ બેસ્ટ ક્લાઈમેક્સ છે મેં જોયેલી આજ સુધીની ફિલ્મોમાંનો.

આ પણ વાંચો:‘હેલ્લારો’ના બીજ ક્યાં રોપાયા અને તેના સર્જકો કોણ છે?

-‘વાગ્યો રે ઢોલ’ વખતે ઊંધા ઊભેલા જયેશ મોરેના ચહેરાના ભાવ જોઈને મને વિચાર આવેલોઃ પડદો નાનો પડે છે, ત્રિભુવન બાબુ!

72450296_139925427362065_2941010746068172800_o

-ફિલ્મ પૂરી થયા પછી મારા મગજમાં બે પાત્રો હતાઃ ભગલો અને મુખી. ભગલાની એન્ટ્રી, કટોકટીવાળા જબ્બર ડાયલૉગ, તોપ-મ્યુઝિયમની વાત, ‘સીધો ભુજ પોગાળજે ઘોડા’, શોલેના ‘ફિલ્મી ડાયરો’થી કરીને રણમલ તલવાર લેવા જાય છે ત્યારે જમણી બાજુ ઊભેલો ભગલો, વચ્ચે બોલતો ભગલો અને છેલ્લે એ જ તોપની બાજુમાં ઊભેલો ભગલોઃ ઓહ માય ગોડ!

ક્લાઈમેક્સ વખતે ઊભો ઊભો સ્ત્રીઓ જેટલો જ અંદરથી ખુશ ને બેખૌફ અને બહારથી હાથ પછાડતા ભગલામાં મને અભિષેક શાહ દેખાય છે. એ બેખૌફ જ હોય ને, કેમ કે એની અંદર અસ્ત્રીનું કાળજું છે!

-ઘણા દ્રશ્યો અતિશય ગમ્યા છે. ઉલ્લેખ કરીશ તો લાંબુ થશે. મા એની દિકરીને સુઈ જવાનું કહે અને એ જ ઘડીએ ‘સપના વિનાની રાત’નો અંતરો શરૂ થાયથી કરીને મોરે જ્યારે દિકરી કેવું ગરબા રમે એ કહે કે પછી એની ફ્લૅશબૅક સ્ટોરી પછી સીધો વર્તમાનમાં ગામડામાં વગાડતો ઢોલઃ આ બધું જ કાબિલેદાદ છે.

આ પણ વાંચો:મારા મીઠાંના રણમાં વાગ્યો રે ઢોલ: હેલ્લારોના આ અદ્ભુત ગીત વિશે ગીતકાર સૌમ્ય જોશી કહે છે કે..

-મૌલિક જગદીશ નાયક, આર્જવ ત્રિવેદી, શૈલેષ પ્રજાપતિ, કિશન ગઢવી, રાજન ઠાકર, નિલેશ પરમાર, વગેરે તમામએ જબરદસ્ત કામ કર્યું છે.

-અને જયેશ મોરે. પહેલા સિનની- ‘તમે મારો જીવ બચાવ્યો છે’ વખતની મોરેની સૂમસાન આંખો અને ક્લાઈમેક્સ વખતની-‘નાચ રેવા, આજે તારો વારો છે’ વખતની આંખોઃ ગુલામી અને આઝાદી માણસ આંખોથીય વ્યક્ત કરી શકે છે!

-મને ‘જોતાઓને નજર ના હટે, પગમાં જાણે વીજળી’ આ વખતનું વિઝ્યુઅલ, બેકગ્રાઉન્ડમાં અવાજ ખબર નહીં પણ કંઈક અલગ રીતે અડે છે. 

-સામાન્ય રીતે હું બીજી કોઈ ફિલ્મો જોઉઃ સાઉથની કે બંગાળી કે મરાઠી કે વિદેશી અને દાદુ હોય એટલે આંખો પહોળી થઈ જાય. જાત-જાતના વિષયો અને અનોખી રજુઆત જોઈને ખુશીના માર્યા ડગાઈ જઈએ. હાલમાં જ જર્સી, જલીકટ્ટુ, એના જ ડિરેક્ટરની ઈ. મા. યુ. પછી પારુથીવિરન, આ બધી જોઈ અને મજા આવી. ‘જલીકટ્ટુ’ જોઈને આંખો ફાટી ગઈ. બસ, ‘હેલ્લારો’ જોઈને એવું જ થયું. અને ગર્વ છે કે એવું થયું. થવું જોઈએ. થતું રહેવું જોઈએ.

આ પણ વાંચો:તમે ફિલ્મ નથી બનાવતા પરંતુ ફિલ્મ તમને બનાવે છે: એવૉર્ડ વિનર ‘હેલ્લારો’ના ડિરેક્ટર અભિષેક શાહ

-પ્રતિકભાઈ, આ ‘જલીકટ્ટુ’ નથી. એનાથી ઉતરતી નથી અને એના જેવીય નથી. આ ‘હેલ્લારો’ છે. આપણો ‘હેલ્લારો’. આપણો મિજાજ! અને તમે ચારેય ભાઈઓએ મીઠાના રણમાં આ ઝાળ વાવ્યું છે. અદભૂત ત્રણ-સાડા ત્રણ વર્ષ! થેંક્યુ ફોર ‘હેલ્લારો’! 


0 comments on “‘પડદો નાનો પડે છે, અભિષેકભાઈ!’ (વાંચો કેવી છે ‘હેલ્લારો’?)

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: