ગુજરાતી સિનેમા Movies

હરખનો હેલ્લારોઃકેમ ખાસ છે અને કેમ જોવી જરૂરી છે ફિલ્મ ?

નેશનલ એવોર્ડ વિનર ફિલ્મ ‘હેલ્લારો’ વિશે ઘણું લખાઈ ચૂક્યુ છે, ઘણું તમે વાંચી ચૂક્યા હશો. અને આવનારા દિવસોમાં ઘણું લખાવાનું છે ખાસ કરીને સોશિયલ મીડિયા પર. કદાચ તમે પણ લખશો. આમ તો ફિલ્મ જોયા પછી એના રિવ્યુ થતા હોય છે, પરંતુ આનો રિવ્યુ નથી કરવો. બસ ફિલ્મની વાત કરીએ.

કેમ ખાસ છે આ ફિલ્મ ? કેમ જોવી જરૂરી છે ? દર્શકો તરીકે આપણી મેન્ટાલિટી હજી પણ એવી છે કે પ્રાયોરિટી હોલીવુડને આપીએ, પછી બોલીવુડની જોઈએ, અને છેક છેલ્લે ગુજરાતી ફિલ્મોનો વારો આવે. (ઢોલીવુડ જાણી જોઈને નથી લખ્યું, તમને નવો શબ્દ સૂજે તો જરૂર કહેજો.) એટલે હવે જ્યારે સારી ફિલ્મ આવી છે, તો એને જોઈએ, વધુ લોકો સુધી પહોંચાડીએ. પણ એ પહેલા આપણે જાણી લઈએ કે હેલ્લારો કેમ જોવી જોઈએ ?

  • કારણ કે ફિલ્મ માતૃભાષામાં છે, ગુજરાતીમાં છે.

સૌથી પહેલું કારણ તો એ કે ફિલ્મ આપણી માતૃભાષામાં છે, ગુજરાતીમાં છે, એટલે જોવી જોઈએ. આપણે ફરિયાદ કરીએ છીએ કે ગુજરાતી ફિલ્મો સારી નથી બનતી, વ્હોટ્સેપિયા જોક્સ જેવી બને છે. જો તમારી પણ આવી ફરિયાદ હોય તો એકવાર હેલ્લારો અચૂક જોજો. અને ન જુઓ તો ગુજરાતી ફિલ્મો વિશે આવું વિચારતા જ નહીં. જ્યારે સારુ કન્ટેન્ટ બને તેને આવકારવા ફિલ્મ જોવી જોઈએ.

  • સ્ટોરી

બીજુ કારણ છે ફિલ્મની કથા એટલે કે સ્ટોરી. આ ફિલ્મનો હીરો સ્ટોરી છે. કોઈ પણ ફિલ્મ સારી ત્યારે જ બને જ્યારે એનો પાયો એટલે કે સ્ટોરી મજબૂત હોય, કારણ કે એના પર જ આખી ફિલ્મ ઉભી થાય છે. ડિરેક્ટર અભિષેક શાહે જ ફિલ્મની સ્ટોરી લખી છે. અને આ સ્ટોરી જ શાનદાર છે. ફિલ્મનો ફ્લો તમને ખુરશી નહીં છોડવા દે. સામાન્ય રીતે એવી છાપ હોય છે કે નેશનલ એવોર્ડ જીતનાર ફિલ્મ આર્ટ ફિલ્મ હોય. પણ હેલ્લાઓ આ માન્યતા તોડે છે.

  • ડાઈલોગ્સ

હેલ્લારોના ડાઈલોગ્સ લખ્યા છે જાણીતા ડિરેક્ટર, કવિ સૌમ્ય જોશીએ. અને દરેક ડાઈલોગમાં તમને સૌમ્ય જોશીની સ્ટાઈલ એમની છાપ વર્તાશે. વન લાઈનર્સમાં કટાક્ષ પર વાહના ઉદ્ગાર નીકળી જશે. કેટલાક ડાઈલોગ્સ છપાઈ ગયા છે દિલ પર, પણ અહીં લખીને તમારી મજા નહીં બગાડું. એના માટે તો ફિલ્મ જ જોવી પડે.

  • કોસ્ચ્યુમ

ફિલ્મની સ્ટોરી કચ્છની છે. એ પણ 1975ના સમયની. કચ્છએ હસ્તકલાઓનું એપિસેન્ટર છે. અને અહીં વસતા લોકોના કપડા પણ સુંદર જાતજાતના હોય છે. ખાસ તો વિચરતી જાતિઓમાં મહિલાઓ માટે જ્ઞાતિ પ્રમાણે જુદા જુદા કપડા હોય છે. હેલ્લારોના જુદા જુદા સીનમાં આ કપડા કલર્સ પૂરે છે. અને એનો શ્રેય જાય છે કોસ્ચ્યુમ ડિઝાઈનર નિકી જોષીને. ફિલ્મના સીન પ્રમાણે કોસ્ચ્યુમ્સ પણ એક કેરેક્ટર તરીકે ઉભરે છે. ખાસ તો લાલ રંગ !!

  • ગરબા (તલવાર રાસ)

ગરબા તો આ ફિલ્મનું કેરેક્ટર જ છે, કારણ કે સ્ટોરી જ એની આસપાસ ફરે છે. પણ તમે ક્યારેય ગુસ્સામાં ગરબા કર્યા છે કે ગુસ્સામાં કોઈને ગરબા રમતા જોયા છે ? અનુભવ્યા છે ? ફિલ્મમાં એ અનુભવી શક્શો. તલવાર રાસના વીડિયોઝ ન્યૂઝમાં જોયા હશે, પણ મોટી સ્ક્રીન પર જોશો તો રૂંવાડા ઉભા થઈ જશે. ફિલ્મમાં ગરબા કોરિયોગ્રાફ કર્યા છે અર્શ તન્ના અને સમીર તન્નાએ.

  • મ્યુઝિક

મેહુલ સુરતી. ગજબ છે આ સંગીતકાર. કચ્છના સ્થાનિક વાદ્યોનો ઉપયોગ કરીને એમણે જે બેકગ્રાઉન્ડ સ્કોર તૈયાર કર્યો છે, કેટલાક સીનમાં તમને ખાલી મ્યુઝિક જ એટલી જબરજસ્ત ફીલ આપશે કે ન પૂછો વાત. અને ફિલ્મના ચારેય ગીતો તો તમે સાંભળી જ ચૂક્યા હશો. તમને થિયેટરમાં જ ગરબા કરવાની ઈચ્છા થઈ જશે.

આ પણ વાંચોઃજુઓ મલ્હાર ઠાકરનો નવો લુક, ફોટો શેર કરીને ‘વિકીડા’એ લખ્યું- ‘સુશીલ સ્ટડ’

એક ઈન્ટરવ્યુમાં શાહરુખ ખાને વાત કરી હતી કે દિલીપકુમારને તેની એક્ટિંગ વિશે વાત કરતા કહ્યું હતું કે જ્યારે તારી આંખો બોલશેને ત્યારે તું સફળ થઈશ. આ ફિલ્મમાં બધા જ એક્ટર્સની આંખો બોલે છે. ખાસ તો જયેશ મોરે અને શ્રદ્ધા ડાંગરની આંખો. કેટલાક સીનમાં જયેશ મોરેની આંખોમાં જે ખાલીપો દેખાય છે, અને શ્રદ્ધાની આંખમાં ખુશી… એ ડિરેક્ટર અને એક્ટર્સ બંનેની સફળતા છે. સાથે જ એક્સ્પ્રેશન્સ પણ આ ફિલ્મનો પ્લસ પોઈન્ટ છે. નેચલર સ્માઈલ, ગુસ્સો, ખુશી શું શું લખવું અને ક્યાં ક્યાં સમાવવું ? સાચુ કહુ તો હેલ્લારો જોવીને એ ખુદને ટ્રીટ આપવા સમાન જ છે.

0 comments on “હરખનો હેલ્લારોઃકેમ ખાસ છે અને કેમ જોવી જરૂરી છે ફિલ્મ ?

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: