Movies Review

Review of ‘ઉજડા ચમન’: બાલ બાલ નહીં બચે!

 1.3 star

૨૦૧૭માં આવેલી કન્નડ ફિલ્મની ઑફિશિયલ રિમૅક ‘ઉજડા ચમન’માં સની સિંહના માથા પરના વાળની સાથે ઑથેન્ટિસીટી પણ ગાયબ છે અને તેની ટાલની જેમ બધું જ આર્ટિફિશયલ લાગે છે. સપોર્ટિંગ કાસ્ટનો નર્યો શોર-બકોર કરે છે. સની સિંહનું પાત્ર કન્ફ્યૂઝ્ડ છે અને છેવટ સુધી એમા એક વાળ જેટલો ફરક નથી પડતો.  

બે વર્ષ પહેલા રાજ.બી શેટ્ટી નામના ડિરેક્ટરની ‘ઓન્ડુ મોટ્ટેયા કાથે’ નામની કન્નડ ફિલ્મ આવી હતી, જેમાં એક કન્નડ ભાષાના પ્રોફેસરની વાત હતી, જેના નાની ઉંમરે વાળ ખરી ગયા હતા, તેના કારણે તેને નોકરીમાં તકલીફ પડતી હતી અને છોકરી મળતી નહોતી. આ પ્રોફેસર જનાર્ધનનું પાત્ર ખુદ ડિરેક્ટરે જ ભજવ્યું હતું. આ ફિલ્મની ઑફિશિયલ રિમૅક ડિરેક્ટર અભિષેક પાઠકે હિન્દીમાં ‘ઉજડા ચમન’ના નામે કરી છે, જેમાં 30 વર્ષના ચમન કોહલી નામના હિન્દી ભાષાના પ્રોફેસરની વાત છે. મૂળ ફિલ્મમાં પૃષ્ઠભૂ મેંગ્લોર હતી, અહીં દિલ્હી છે.

વાર્તા અને બીજી બધી વાત કરીએ એ પહેલા એક મહત્વની વાત કહી દઉં. જનાર્ધનનું પાત્ર ભજવનાર રાજ. બી શેટ્ટીના માથામાં સાચ્ચેક ટાલ છે. તેઓ પાછા ડિરેક્ટર; એટલે તેમણે સટિક નિરીક્ષણ અને સટલ હ્યુમરનો બખૂબી ઉપયોગ પોતાના પાત્રની ઈર્દગિર્દ કન્નડ ફિલ્મમાં કર્યો છે. તેમણે કન્નડ ભાષા પ્રત્યેનો પ્રેમ પણ દર્શાવ્યો છે. અહીં આ બધું જ માથાના વાળની જેમ ગેરહાજર છે. સાઉથની ફિલ્મને નોર્થમાં ઢાળતા અમુક ઈરાદાપૂર્વક સ્કિપ કરાયું છે અને અમુક ચૂકી જવાયું છે.

ચાલો, હવે ડિટેઈલ્ડમાં બાલ કી ખાલ કાઢીએ!

ટૉમ ડિક એન્ડ ‘ચમન

કહ્યું એમ ૩૦ વર્ષનો પ્રોફેસર ચમન કોહલી(સની સિંહ) દિલ્હીની હંસરાજ કૉલેજમાં ભણાવે છે. વિદ્યાર્થીઓ તેની હંમેશ મસ્તી કરતા રહે છે. તેને ચીડવે છે, તેનો કોઈ ઢંગનો દોસ્ત નથી, સિવાય કૉલેજનો પિયૂન રાજ(શારિબ હાશમી). રાજની પારિવારિક લાઈફ સેટ છે, એટલે તે છોકરી શોધવા માટેના ઉપાગો ચમનને કહેતો રહે અને ચમન તે અજમાવતો રહે. જેમ કે, ભાઈબંધના લગ્નમાં જાય તો ત્યાં કોઈ છોકરીને પટાવવાની કોશિશ કરે કે પછી કૉલેજમાં સાથી-પ્રોફેસર્સ સાથે ફ્લર્ટની ટ્રાય કરે. ચમનના માતા-પિતા(અતુલ કુમાર અને ગ્રુષા કપૂર) ટિપીકલ મિડલ-ક્લાસ માતા-પિતા છે, જેઓ કોઈપણ ભોગે દિકરાને પરણાવવા માગે છે. પિતાને તો એ વર્જિન ન રહી જાય તેની ચિંતા વધારે છે! ચમનનો નાનો ભાઈ ગોલ્ડી(ગગન અરોરા) છે. એ પણ મમ્મી-પપ્પા જેવો લાઉડ છે. સ્પેશિયલ અપિયરન્સમાં ગુરુજી તરીકે સૌરભ શુક્લા પણ છે.(તેમણે ‘બાલા’ માટે સારું કામ અનામત રાખ્યું હોય એવું લાગે છે!)

આ બધા વચ્ચે ચમનની પ્રમાણમાં ડિપ્રેસીંગ જિંદગી જઈ રહી છે, તેને લોકો ‘ટોમ ડિક એન્ડ હેરી’ જેવો કોઈ ઑર્ડિનરી માણસ પણ નથી ગણતા. પ્રોફેસર હોવા છતાં તેની કોઈ ગણતરી નથી. ત્યાં તેને સોશિયલ મીડિયાઍપ ‘ટિન્ડર’ દ્વારા અપસરા બત્રા(માનવી ગાગરુ) મળે છે. શું હવે ચમનની લાઈફ ચમકશે? એ જોવા સહન કરો પોણા બે કલાક સુધી ચમનની આસપાસના પાત્રોની ચપડચપડ!

73252561_2564686920292195_6728774620960260096_n

સપાટ સ્ક્રિપ્ટ અને લાઉડ ડાયરેક્શન!

       સૌથી પહેલા તો આજે માથામાં વાળ સાવ ન હોય કે પછી ઉંમરના પ્રમાણે ‘સમાજે ધાર્યા છે’ એના કરતા ઓછા હોય તે કોઈ મહાપ્રશ્ન નથી. આજે લોકો માથું એકદમ ક્લિન કરાવીને કે પછી હૈર-ટ્રાન્સપ્લાન્ટ કરાવીને ફરે છે. અને ચાલો, માની લઈએ કે આ વર્ષો પૂરાણી આપણી તકલીફ છે, બાલ્ડ લૂકના કારણે મસ્તી થતી રહે છે તો એ કોઈ મહા ડિપ્રેશિંગ ઑવર-ડ્રામેટિક રીતે રજૂ કરવાની જરૂર નથી. અહીં લોચો એ થયો છે. રાઈટર ડેનિસ સિંહ અને ડિરેક્ટર પાઠક અહીં ઑવર-સેન્સેટિવ થઈ ગયા હોય તેવું લાગે છે. જેમ કે, ચમન વીગ પહેરીને કૉલેજ જાય છે. મજા નથી આવતી તો બાથરૂમમાં જઈને વીગ કાઢે છે. તેનો વિડીયો કૉલેજમાં વાયરલ થાય છે અને લોકો હસહસ કરે છે. આખી ફિલ્મ દરમ્યાન કૉલેજના મેચ્યોર યુવાનો ખાલી આવું જ કરવા આવતા હોય તેવા દર્શાવ્યા છે! બીજું, અહીં સૌથી પહેલા વાત કરી તે મૂળ ફિલ્મનો હાર્દ જ ગાયબ છે. કન્નડ ફિલ્મ ‘ઓન્ડુ મોટ્ટેયા કાથે’નો અર્થ થાય ‘સ્ટોરી ઑફ એગહેડ’. એગહેડના બે અર્થ થાય: સ્માર્ટ પર્સન, હોશિયાર. અને બીજો થાય ટકલો. અહીં મેકર્સ ખુદ જ ‘ઉજડો ચમન’ કહીને મસ્તી કરવાના મૂડમાં છે.

ઑકે. સેલ્ફ-અવેર સ્ટાઈલ છે એમ માની લઈએ. તો પણ ચમનનું પાત્ર કન્ફ્યુઝિંગ છે. તેને પોતાને જાતજાતના પૂર્વગ્રહો છે. તેના લગ્ન નથી થતા કેમ કે તેના માથે વાળ નથી, અને એક છોકરી તેને પસંદ કરે છે તેને તેની કથિત ‘શારિરીક અધૂરાશ’ના કારણે પોતે ના પાડી દે છે. બીજો અને સૌથી મોટો માઈનસ પૉઈન્ટ છે લાઉડનેસ. મેકર્સને જાણે ખબર જ છે કે અહીં દર્શકોનું હસવાની બદલે ખસવું થાશે માટે ઠુંસીઠુંસીને લાઉડ બૅકગ્રાઉન્ડ મ્યુઝિક ભર્યું છે. ચમનના માતા-પિતા પણ એટલા જ દિલ્હીના મિડલ-ક્લાસ ઑવર એક્સાઈટેડ લાઉડ છે! બંને કાબેલ અદાકારાઓને શરૂઆતમાં જોવા ગમે છે પણ પછી વેડફાઈ ગયાની ફિલ આવે છે. સની સિંહની આ પહેલી સોલો ફિલ્મ છે, પણ તેનું અહીં જાણે સોનુ કી ટીટુ કી સ્વીટીનું માત્ર ટાલીયુ વર્ઝન છે! ખિન્ન અને ઉદાસ ચહેરો અને શાંત આંખોઃ આખી ફિલ્મ દરમ્યાન તેના ચહેરા પર આ જ ભાવ રહે છે. માનવી ગાગરુની ઍક્ટિંગ સારી છે, પણ તે આવે છે ઠેઠ ઈન્ટરવલ ટાણે. શરિબ હાશમીનો સબપ્લૉટ પ્રેડિક્ટેબલ છે.

માથું ઓળાય કે નહીં?

બોડી શૅમિંગ-શારીરિક અધુરાશ એ કોઈ મહાપ્રશ્ન નથી. તેનાથી ડરવાનું કે રડવાનું નથી, લડવાનું છે. એ વારસાગત પણ હોઈ શકે. સ્વીકાર કરો અને જલ્સા કરોઃ ‘ઉજડા ચમન’ આટલોક મેસેજ આપવામાં માત્ર બે કલાક હોવા છતાંય સખત હાંફી જાય છે. દર્શકો દોઢ કલાકમાં હાંફી જાય છે, એટલે મેસેજનો સમય આવે છે ત્યાં સુધી શક્તિ નથી રહેતી રાજી થવાની!

છૂટક કૉમિક સિન્સ અને સિચ્યુએશન્સ અવશ્ય છે. અમુક ડાયલૉગ્સમાં પણ હસવું છે, પણ કહ્યું એમ પાત્રો અને પાત્રોના ડાયલોગ્સ મોટાભાગે ઉભડક ને છિછરા લખાયા છે. જેમકે, ચમનને લગ્ન કરવા છે કેમ કે તેને સેક્સ કરવું છે અને વાળ ન હોવાથી તેને કોઈ છોકરી નથી મળતી અને તેના કારણે તે ઘેર આવતી કામવાળીના ક્લિવેજ જોયા કરે છે! રાઈટર-ડિરેક્ટરે ત્યાં પાછો કૉમિક ડાયલૉગ મૂક્યો છે. મૂળ ફિલ્મમાં આ નથી અને અહીં પણ વિષય અલગ હોઈ ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’વેળા કરવાની જરૂર નહોતી.

છેલ્લું કટિંગઃ મૂળ ફિલ્મની વાર્તા અને માહ્યલો બંને મજબૂત હતા, અહીં લોસ્ટ ઈન ટ્રાન્સલેશનના કારણે ઑથેન્ટિસીટી ને સહજતા ગાયબ છે.

@Parth Dave (Written for Mid-day Gujarati, Mumbai) 

0 comments on “Review of ‘ઉજડા ચમન’: બાલ બાલ નહીં બચે!

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: