Literature

મરીઝ સાહેબની પુણ્યતિથિ: આવો તેમની અદ્ભુત ગઝલોનો આસ્વાદ માણીએ

‘મરીઝ’ શબ્દ ગુજરાતી ગઝલની ચરમસીમા છે. મેં એવા પણ વ્યક્તિઓ જોયા છે જે શાયરીમાં કોઈનું નામ ન સૂઝે તો છેવટે મરીઝનું નામ મૂકી દેતા હોય છે. આનાથી વિશેષ ઓળખ શું હોઈ શકે?

મરીઝની ગઝલની વાત કરીએ તો: અનેક વિષયો પર કલમ ચલાવીને બેનમૂન ગઝલો આપી છે. પણ એમને સૌથી પ્રતિષ્ઠા પ્રણય સંવેદન નિરૂપતી ગઝલો દ્વારા મળી છે. કહેવાય છે કે એમના લગ્ન દાઉદી વોરા કુટુંબની એક કન્યા સાથે થવાના હતાં પણ મરીઝનું ભણતર અને આર્થિક સ્થિતિ જોઇને કન્યાનાં પિતાએ એ લગ્ન માટે સંમત થયા ન હતાં. આથી પ્રણય વૈફલ્ય મરીઝનો જબરજસ્ત આઘાત લાગ્યો અને ગુજરાતને એક શ્રેષ્ઠ પ્રણય ગઝલકાર મળી શક્યો.

ઈશ્કે મિજાજીને લગતીને લગતી માતબર કવિતાઓ મળી છે. મુગ્ધ હૈયાનાં પ્રણય નિવેદન, પ્રેમની ફનાગીરી, ફરિયાદ, મિલન-વિરહ ‘આગમન’નાં શેરમાં અભિવ્યક્ત થયો છે. સામજિક જીવનમાં ‘મિસફિટ’ થયેલા, અણઘડ અને અવ્યવહારુ કવિતાનાં શબ્દોમાં ચિંતક તરીકે ઉપસી આવ્યા છે.

આ જગતમાં પ્રેમીઓ એવા પણ આવી જાય છે.

જે વચન દેતા નથી, તોયે નિભાવી જાય છે

પ્રણય એ બિનશરતી ઘટના છે. પ્રણય પામવો કે પ્રણય કરવો એ તદ્દન સહજ ઘટના છે. ઉચ્ચ પ્રેમ કેવો હોય એનું સ્પષ્ટ ઉદાહરણ મરીઝ આ પંક્તિઓ દ્વારા કઈ જાય છે કે પ્રેમીઓ વચનનાં મોહતાજ નથી હોતા એ તો ફક્ત જીવી જાણે છે.

દર્દ એવું કે કોઈ ના જાણે

હાલ એવો કે જે બધા જાણે.

આ બે પંક્તિઓ દ્વારા કવિ જે શબ્દની સાધના કરી છે એ કાબિલેતારીફ છે. પ્રણયનો દર્દ સૌનો પોતિકો હોય છે છતાં સૌનો અંત એકસરીખો હોય છે.

પ્રેમની અંદર ભૂત-વર્તમાન-ભવિષ્યની ભાન પણ નથી રહેતી. પ્રેમીઓ માટે સમય ગૌણ વસ્તુ બની જાય છે. એવા સંજોગોમાં કવિ કહે છે,

શું થયું? તેય ક્યાં ખબર છે મને

શું થવાનું હશે ખુદા જાણે.

પ્રેમમાં હિંમત હોય તો જ આગળ વધી શકાય છે. જગતમાં પ્રેમ તો સૌ કોઈ કરી લેતા હોય છે પણ દરેકમાં હિંમત નથી હોતી એ પ્રેમને સ્વીકાર કે કબૂલ કરવાની. એ અંગે મરીઝ કહે છે

ફક્ત એક ટકો જોઈએ મહોબ્બત,

બાકીનાં નવ્વાણું ખર્ચી નાખ હિંમતમાં

******

પ્રેમમાં કઈ જ અંતરાય નથી,

હો ન હિંમત તો કઈ ઉપાય નથી.

72787151_587838051755279_894318342020814917_n

મહોબ્બતમાં પરસ્પર મિલનનો રોમાંચ અને એનું મહત્વ સવિશેષ હોય છે. મરીઝની ગઝલોમાં મિલનનાં રોમાંચ કરતા મિલનની ઝંખના વધારે પડતી દેખાય છે. ઘણી વખત મરીઝે મિલનની સુંદર કલ્પનાઓ કરી હોય એવું પણ લાગી આવે.

સાચી છે મહોબ્બત તો એક એવી કલા મળશે

મળવાનાં  વિચારોમાં મળવાની મજા મળશે.

*****

થોડા અધૂરા રહી છૂટાં જો પડી શકીએ,

તો પાછું મિલન થતાં થોડીક મજા મળશે.

તો મરીઝની ગઝલોમાં એકમેકનાં થઈ અભિન્ન અંગ બનીને રહેવાની તમન્ના પણ વ્યક્ત થઈ છે

મહેલ કે ઝૂંપડી હો,બાગ હો કે જંગલ હો

આપણે બંને ફક્ત એકબીજામાં રહેશું.

ગમે તેવી પરિસ્થતિ આવશે- સુખ હો કે દુઃખ મરીઝ અહી ભૌતિકતા ભૂલી એકમેકમાં રહેવાની સ્પષ્ટ વાત કરે છે.

72750792_201226527541423_5168010100257983173_n

મરીઝની ગઝલોમાં સુંદર અને માર્મિક અભિવ્યક્તિ જોવા મળે છે. જે મરીઝની ખાસિયત રહી છે. કવિએ પોતાની પ્રિયતમાની છબીને સામે રાખીને ગઝલ લખી છે પરંતુ અહી પ્રણય તો એકપક્ષી છે આથી પ્રિયતમા એ ગઝલ વાંચીને પોતાના પ્રિયતમનાં ખ્યાલમાં ખોવાઈ જાય છે.

મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલનાં શેર,

વાંચીને એ રહે છે બીજાનાં ખયાલમાં

મરીઝને ઊંઘતો નિહાળી એની પ્રિયા મલકાય છે. એને થતું હશે કે મરીઝ એમના સ્વપ્ન જોઈ રહ્યા છે પણ અહી તો કવિ જુદું જ કહે છે,

મરીઝ ઊંધે છે ત્યારે એમને હસતાંય દીઠા છે જ

જરૂરી તો નથી એને ફક્ત તારા જ ખ્વાબ આવે.

તો કવિએ આગળ હિંમતને કઈ રીતે ઉપકારક ગણાવી છે એ જણાવ્યું છે અને તો બીજી બાજુ સંકોચથી કેવી સ્થિતિ ઉદભવે છે એ પણ અહી આલેખ્યું છે,

રૂબરૂમાં એની સામે જોવાયું નહી,

જેવી રીતે જોઉં છું એ એમની તસવીરને

કવિએ પ્રકૃત્તિ સાથેના પ્રેમને કઈ રીતે પ્રિયતમા સાથેનાં પ્રેમ સાથે આલેખ્યો છે એ અહી સુંદર રજૂઆત સાથે રજૂ કર્યો છે,

હા, સૌને પ્રેમ કરવા લીધો તો મેં જનમ

વચમાં તમે જરાક વધારે ગમી ગયા.

મિલનનાં તબક્કાનાં કવિએ ઉચ્ચ તબક્કો ગણાવ્યો છે. પ્રેમીઓ મળ્યા પહેલા અનેક યોજના ઘડી નાખતા હોય છે પણ જ્યારે મળે છે ત્યારે હોઠ પણ ઉઘડતા નથી,

મરીઝની ખુદા વિષયક, ધર્મ અને દંભ, ફિલસૂફી જેવા વિષયો પર પણ માતબર ગઝલો લખી છે. જગતનાં અનુભવો પછી એમને જગતનું દર્શન પ્રાપ્ત થયું છે એના વિશેની રોચક વાતો ફરી ક્યારેક!

Image source: bookganga/wikipedia

0 comments on “મરીઝ સાહેબની પુણ્યતિથિ: આવો તેમની અદ્ભુત ગઝલોનો આસ્વાદ માણીએ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: