Bollywood Movies Review

ધ સ્કાય ઇઝ પિંક: મરણના કૅનવાસ પર જીવનનું મેઘધનુષ્ય (વાંચો રિવ્યુ)

‘માર્ગરિટા વિથ અ સ્ટ્રો’ના ડિરેક્ટર શોનાલી બોઝની ‘ધ સ્કાય ઈઝ પિંક’ મૃત્યુને કેન્દ્રમાં રાખીને જીવનની વાત કરે છે. ફિલ્મ હસાવે-રડાવે છે. ઈન્સ્પિરેશનલ છે, એથી વધુ ઈમોશનલ છે. ફરહાન-પ્રિયંકા-ઝાયરા એ-વન છે. લાગણી નીતરતી મેચ્યોર્ડ ફિલ્મના રસિકો ૧૮ વર્ષોમાં ભરપૂર ‘જીવેલી’ આયેશા ચૌધરીની રિઅલ-લાઈફથી વાકેફ થવા તૈયાર થઈ જાઓ!

(3.3 Star)

-પાર્થ દવે

જિંદગીમાં ‘રહેવા’ની મજા જ એટલે આવે છે કે ખબર છે કે એક દિવસ અહીંથી બહાર ‘નીકળી’ જવાનું છે. મૃત્યુ નિશ્ચીત છે અને ત્યાં સુધીની જિંદગીની યાત્રા અનિશ્ચિતતાઓથી ભરપૂર છે. પણ જો ખબર હોય કે ૬ દિવસ, ૬ મહિના કે ૬ વર્ષમાં મૃત્યુ આવવાનું છે તો જીવવાની મજા રહે? જેનું મૃત્યુ સામે ઊભું છે તેના સ્વજનોની જિંદગી માણવાલાયક રહે?

69136136_930848347277414_5618316887196873671_n

૨૭ માર્ચ ૧૯૯૬ અને ૨૪ જાન્યુઆરી ૨૦૧૫: આ બે તારીખ વચ્ચે જીવી ગયેલી દિલ્હીની આયેશા ચૌધરી અને તેના માતા-પિતાના જીવન પર આધારિત ડિરેક્ટર શોનાલી બોઝની ‘ધ સ્કાય ઈઝ પિંક’ ઉપર વાત કરી તે દુનિયામાં લઈ જાય છે. આયેશાને સિવીયર ઇન્યુનોડેફિસીયન્સી નામનો જિનેટિક ડિસઑર્ડર હતો, જેનામાં વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ અત્યંત નબળી રહે. માતા-પિતા અદિતી-નિરેન ચૌધરીએ લંડન જઈ લોકોની મદદ માંગી, પૈસા ભેગા કરીને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કર્યો. આયેશાનું આખું બાળપણ આ ઓપરેશન બાદની કિમોથેરૅપી ટ્રીટમેન્ટ સાથે વિત્યું. ૧૩ વર્ષની થઈ ત્યારે આયેશાને આડઅસરરૂપે પલ્મોનરી ફાઇબ્રોસિસ નામની બીમારી લાગુ પડી, જેના કારણે ફેફસા ખલાસ થવા માંડ્યા, શરીર સાવ ગયું.. અને કહ્યું એમ, ૨૦૧૫માં ૧૮ની ઉંમરે આયેશા જતી રહી. પણ, ફિલ્મની શરૂઆતમાં જેમ આયેશાનો વૉઈસઓવર કહે છે તેમ મરી ગઈ છું તો શું થઈ ગયું? પીક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત!

યસ, આ જ એટિટ્યુડના કારણે તેના જીવન પર ફિલ્મ બની છે. બાકી વાર્તા તો રુટિન છે. વ્યક્તિ જન્મે તે વહેલોમોડો મરે જ પણ આયેશા, તેના માતા-પિતા અને તેનો મોટો ભાઈ ઈશાનઃ આ ચાર વ્યક્તિએ મૃત્યુ સાથે દરરોજ જીવતે જીવતે કઈ રીતે ડિલ કર્યું તે ‘સમાચાર’ છે!

the-sky-is-pink-real-story-759
રિઅલ આયેશા ચૌધરી અને ઝાયેરા વસીમ

આયેશા, જે આજે નથી, તે, જ્યારે તે નહતી ત્યારની- તેના માતા-પિતાની વાર્તા આપણી સમક્ષ ખોલે છે! દિલ્હીના  અદિતિ(પ્રિયંકા ચોપરા) અને નિરેન(ફરહાન અખ્તર) પ્રેમમાં પડ્યા. લગ્ન કર્યા. ઈશાન(રોહિત શરફ)-આયેશા(ઝાયરા વસિમ) આવ્યા. બેઉ મોટા થયા. આ તમામ છૂટાછવાયા ઘટનાક્રમ આપણને આયેશા હળવી રીતે કહે છે. આયેશા તેના માતા પિતાની પહેલી મિટીંગ ને પહેલા ચુંબનથી કરીને સેક્સ-લાઈફ પણ આપણી સાથે ડિસકસ કરે છે! ફિલ્મનું સ્ટ્રક્ચર નોન-લિનીયર રખાયું છે. ભૂત-વર્તમાન વચ્ચે ચાલતી વાર્તા આપણને સતત ભાન કરાવ્યા રાખે છે કે અહીં અડધો ગ્લાસ ખાલી નથી પણ અડધો ભરેલો છે એ યાદ રાખવાનું છે. તેમ છતાંય પોઝિટીવ વાત કરતા, પોઝિટીવ એટિટ્યુડ દાખવો એમ જણાવતા એકાધિક દ્રશ્યો દર્શકને હચમચાવી નાખે છે! તમે ગમે તેટલી ટ્રાય કરો મૃત્યુનો ડર, તેની ગમગીની તમારા સાથે રહે જ છે. પરિવારજનોના માથે પણ આયેશાના મૃત્યુની તલવાર લટકતી રહે છે.

Review of વૉર : સિદ્ધાર્થ આનંદની બીજી ‘બૅન્ગ બૅન્ગ’ ( 2 Star)

‘ધ સ્કાય ઈઝ પિંક’નો પ્લસ પૉઈન્ટ એ છે કે એ તલવારનો અનુભવ દર્શકને સતત થયા કરે છે. અદિતી-નિરેન, ઈશાન, આયેશા એ તમારા ફેમિલી મેમ્બર હોય અને એમાંનું એક તમને છોડીને જતું રહેવાનું હોય એવું તમને લાગ્યા કરે છે. કહેવાની જરૂર નથી કે ચારેય સશક્ત કલાકારોની ઍક્ટિંગનો એ કમાલ છે! ફિલ્મનો બીજો પ્લસ પૉઈન્ટ તેના ડિરેક્ટર ખુદ છે. ‘આમુ’ અને ‘માર્ગારિટા વિથ અ સ્ટ્રો’ જેવી થોટફૂલ ફિલ્મ બનાવી ચૂકેલા શોનાલી બોઝનો પુત્ર ૧૬ વર્ષની ઉંમરે અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો. ઈત્તેફાકન તેનું નામ પણ ઈશાન હતું! માટે આયેશાની જીવન-જર્ની પરથી ફિલ્મ બને તો એ શોનાલી જ બનાવે એવી તેના માતા-પિતાની ઈચ્છા હતી. આયેશાના મમ્મી(અદિતિ) આમ પણ જિદ્દી છે. તેણે પ્રેમલગ્ન કર્યા. પતિ સામે ખુલ્લીને પોતાની વાત મૂકી. દીકરીની હદ બહારની સંભાળ રાખી. સંતાન માટે કોઈપણ પેરેન્ટ્સ આ કરે તે સ્વાભાવિક છે અને એમાં પણ આયેશા બીમાર. તેનો ન હોવાનો ડર, પહેલી દીકરી ગૂમાવાનું દુઃખ, ફ્રસ્ટ્રેશન, ચાલીસી પછી પતિ સાથેની નોંકઝોક ને પ્રેમઃ આ તમામ ભાવો પ્રિંયકા ચોપરાએ આપણે હલબલી જઈએ એ રીતે પ્રેઝન્ટ કર્યા છે. તેની સાથે ફરહાન અખ્તર મેચ્યોર અને કન્વિન્સિગ રહ્યો છે. ઝાયરા વસીમ આયેશા માટે પરફૅક્ટ કાસ્ટિંગ છે. ભાઈઈશાન એટલે રોહિત શરફ પણ. પ્રિતમનું મ્યૂઝિક ને અરિજીતે ગાયેલું ‘દિલ હિ તો હૈ’ કર્ણપ્રિય છે.

69299442_2338524369588385_1108295302333656488_n

આયેશા ચિત્રો દોરતી. તેણે પોતાના અનુભવોને શબ્દોમાં ઉતારીને ‘માય લિટલ એપિફનિઝ’(મારા નાનકડા સત્યો) નામનું પુસ્તક લખ્યું, જે બહાર પડ્યું તેના થોડા કલાકોમાં આયેશા મૃત્યુ પામી. તેણે પ્રેરણાત્મક વક્તવ્યો આપ્યા. તેના પિતા પણ મોટિવેશનલ સ્પીચ આપે છે અને મા અદિતિ આજે પણ ઈન્ટરવ્યુઝ આપે છે. ‘ધ સ્કાય ઈઝ પિંક’માં આ પ્રેરણાત્મક પાસાના બદલે ઈમોશનલ મોમેન્ટ્સે વધારે જગ્યા લીધી છે. અહીં તેના પુસ્તક કે સ્પીચની માત્ર ઝલક છે. તેનો ઉછેર, એ દરમ્યાનની માતા-પિતાની મનોઃસ્થિતિ અગ્રતાક્રમે છે. તેના કારણે ક્યાંક ફિલ્મ લાંબી(અઢિ કલાક) પણ લાગે છે. ફિલ્મનો અંત આવ્યા પછી વળી બે-ત્રણ અંત આવ્યા હોય તેવું લાગે છે.

Review of દે દે શક્તિ દેઃ તબ્બુ કે અજય કી રકુલ (1.0 Star)

નિલેશ મનીયાર અને જુહી ચતુર્વેદીએ લખેલા ડાયલૉગ્સ ઊંડા છે; એ ચાહે કૉમેક સિચ્યુએશન્સ હોય કે ટ્રેજિક. અદિતિને હોસ્પિટલમાં એક લૅડી કહે છે કે મધર મૅરી તારું દુઃખ સમજે છે. અદિતિ પૂછે છે કે તો પછી મારી દિકરીને તે બચાવતી કેમ નથી? સામો જવાબ મળે છેઃ મધર મૅરી એનું દુઃખ પણ સમજે છે…

જોવી કે નહીં?

શોનાલી બોઝે એ વાત ચોટદાર રીતે કહી છે કે, દરેકનું પોતાનું આકાશ હોય અને દરેક બાળકના આકાશનો કલર જુદો હોય. આકાશ વાદળી જ હોય એ જરૂરી નથી, આકાશ ગુલાબી પણ હોઈ શકે! એ તેનું અંગત આકાશ છે!  

લાગણીનીતરતી, મેચ્યોર્ડ, અર્થસભર ફિલ્મ જોવી ગમતી હોય તો ‘ધ સ્કાય ઈઝ પિંક’ તમારા માટે છે. માત્ર ૧૮ વર્ષે મૃત્યુ પામેલી નહીં, પણ પૂરા ૧૮ વર્ષ જીવી ગયેલી આયેશા નામની એક છોકરી તથા તેના પરિવારની એ દરમ્યાનની સફરથી પરિચીત થવા માટે પણ આ ફિલ્મ જોવી જોઈએ. ઈન્ટરવલ પછી એકાધિક દ્રશ્યો રડાવે છે અને તે ડૂમો એન્ડ ક્રેડિટ્સમાં રિઅલ આયેશા દેખાય છે ત્યાં બાઝેલો રહે છે.

છેલ્લી વાતઃ આ ફિલ્મ અમુક જગ્યાએ ઈમોશનલના ચોકઠામાંથી ઓવર ઈમોશનલમાં કૂદી જાય છે, પણ તેનું ફિલ્માંકન એટલું મેચ્યોર છે કે તેને મેલોડ્રામા કહેવાનું મન નથી થતું!

@Parth Dave

0 comments on “ધ સ્કાય ઇઝ પિંક: મરણના કૅનવાસ પર જીવનનું મેઘધનુષ્ય (વાંચો રિવ્યુ)

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: