Literature

હેપિનેસ પ્રોગ્રામઃ તમારી ખુશીઓને માપી છે ક્યારેય?

દિલ્હીની સરકારી સ્કુલમાં ભણતા વિદ્યાર્થીઓને હોમવર્કમાં દાદા-દાદીની વાર્તાઓ અને તેમના બાળપણના કિસ્સા સાંભળવાનું કહેવામાં આવે છે! બીજા દિવસે વિદ્યાર્થી ક્લાસમાં પોતે સાંભળેલા કિસ્સા શેર કરે છે, જેથી બીજા બાળકો પણ તે સાંભળી શકે.

-‘અક્ષરત્વ’ કૉલમ

(જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’)

માણસ ચાલીસથી વધારે વર્ષ પૃથ્વી પર કાઢે એટલે મન તો મજબૂત હોય પણ શરીર નીતનવા બહાના ચાલુ કરે. પગ દુઃખે, પેટ દુઃખે, ઓછું સંભળાવવાની શરૂઆત થાય, આંખોમાં ઝાંખપ આવે, ઘૂંટણની ઢાંકણી બદલાઈ જાય, વગેરે વગેરે. માણસ પણ સમજવા માંડે કે હવે સ્પેર સ્પાર્ટ ઘસાઈ ચૂક્યા છે. આજ-કાલ જલ્દી જ ઘસાઈ જાય છે. પછી બૉડી ચેક-અપની રિત-રસમ શરૂ થાય. વહેલી સવારે ખાલી પેટે આખું શરીર સોંપી દેવાનું, બપોર સુધી તેનો રિપોર્ટ આવે. તેમાં તમારા શરીર વિશેનું વિધિસરનું નિવેદન ડૉક્ટરે રજૂ કર્યું હોય! ક્યાં અંગમાં કઈ ઊણપ છે, શું છે, શું નથી, તે તમામ બાબતોનું મેડિકલની ભાષામાં વર્ણન કરેલું હોય. એ હેવાલ ઉપરથી આપણા હાલ નક્કી થાય. ઘણી વખત એવું થાય કે આખો હાથી નીકળી જાય પણ પૂંછડી અટકી જાય એટલે કે બધું જ બરાબર આવે, મગજ દુઃખતુ હોય પણ એમઆરઆઈમાં બધું જ ક્લિઅર આવે, પણ અત્યાર સધી નોર્મલ રહેલું બીપી બંડ પોકારે! તે વધતું જાય! વેલ, વાત રિપોર્ટની છે.તે શરીર ચકાસણીના રિપોર્ટો તો માણસ જીવન દરમ્યાન બહુબધી વાર કઢાવતો હોય છે પણ મનને ચકાસીને તેનું રિપોર્ટ તે ક્યારેય કઢાવે છે?

31bfd992d6b2b972aac5a395fbc61c47

આજે દુઃખ કે વેદના કેટલા ટકા થઈ? પ્રસન્નતા, આનંદ, સુખ, ખુશી કેટલા ટકા મળી? વિતેલા વર્ષે કેટલી મજા આવી જીવવાની? એ મજા એથી અગાઉના વર્ષ કરતાં વધારે હતી? જેમ સ્કુલના રિઝલ્ટની ટકાવારી અગાઉના પરિણામ સાથે સરખાવી શકીએ છીએ એમ જિંદગી જીવવાના પરિણામને અગાઉ ‘જીવ્યા’ તેના સાથે સરખાવીએ છીએ? સરખાવી શકીએ છીએ ખરા? આપણે આપણા આનંદને ચેક કરીએ છીએ ખરા?

bc85d32f5085864c4e8247120f186ae3

આ બધી વાતોના વડા કે નકરી ફિલોસોફી લાગતી હોય તો કહી દઈએ કે, વર્ષ ૨૦૧૨થી યુનાઈટેડ નેશન્સ દ્વારા દર વર્ષે સત્તાવાર રીતે ‘વર્લ્ડ હેપિનેસ રિપોર્ટ’ બહાર પડે છે! જેમાં કયો દેશ સૌથી વધારે હેપી છે અને કયો નથી તે આંકડા સાથે રજૂ કરવામાં આવે છે. આપણે ત્યાં જીડીપીના અગડંબગડં આંકડાઓમાં લોકોનું ધ્યાન જાય છે પણ હેપિનેસ ઈન્ડેક્ષ વિશે ખબર નથી હોતી. સંયુક્ત રાષ્ટ્રે જાહેર કર્યું કે ૧૫૬ દેશોમાં ગયા વર્ષે ભારત ૧૩૩માં સ્થાને હતું અને આ વર્ષે ૧૪૦માં સ્થાને આવ્યું. એટલે કે, ૭ પગલા નીચે ઉતર્યું છે હેપિનેસ આંકમાં ભારત. ફિનલેન્ડ સતત બીજા વર્ષે હેપિનેસ દેશ તરીકે પહેલા નંબરે આવ્યું છે. તેના પછી ડેનમાર્ક, નૉર્વે, આઈસલેન્ડ અને નેધરલેન્ડ છે. રિપોર્ટ મુજબ પાકિસ્તાન ૬૭માં, બાંગ્લાદેશ ૧૨૫માં અને ચીન ૯૩માં સ્થાને છે. દુનિયાના અમીર દેશોમાં સ્થાન પામતું અમેરિકા હેપિનેસના મામલામાં ૧૯મા સ્થાન પર છે.

1e3559a84f11ed26fbd4324aa0113f50

યુનાઇટેડ નેશનની સંસ્થા ‘સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ સૉલ્યુશન્સ નેટવર્કે’ આ લીસ્ટ તૈયાર કરવા માટે સ્વાભાવિક છે કે અમુક પેરામીટર રાખ્યા હોય. તેનામાં જીડીપી, સામાજિક સહયોગ, ભ્રષ્ટાચારનું પ્રમાણ, સોશિયલ ફ્રિડમ, સ્વસ્થ જીવનની સંભાવના સામેલ છે. આ હેપિનેસ ઈન્ડેક્ષ જેવા રિપોર્ટની શરૂઆત વિશ્વની સંયુક્ત રાષ્ટ્ર જેવી ઈન્ટરગવર્મેન્ટલ સંસ્થા કરતી હોય, તેમને આવો, જેનો આકાર નથી તે પ્રસન્નતાને માપવાનો વિચાર આવ્યો હોય, તો આપણે વ્યક્તિગત થોડું તો ‘પોતાનામાં’ ધ્યાન આપી શકીએ જ! સવારે ઉઠીને રાત સુધી જુદા જુદા ઓળખીતા અને અજાણ્યા વ્યક્તિઓને મળતો માણસ, તેમની સાથે પૈસાથી લઈને પોલિટીક્સ સુધીના વિષયો પર ચર્ચા, વાદ-વિવાદ કરતો માણસ, દુન્યવી ચિજ-વસ્તુઓથી ઘેરાયેલો, પૈસા પાછળ ફરજિયાત દોડતો માણસ રાતના-શાંતિથી પોતાના મનની મહેફિલ માણે છે ખરો? આખા દિવસમાં પોતાને આનંદ ક્યારે મળ્યો? જ્યારે ઑફિસથી થાકીને પાછા આવતી વખતે ચાર રસ્તે ટ્રાફિકમાં કોઈ અજાણ્યા તેડેલા નાના બાળકે કારણ વગર સામે જોઈને સ્મિત કર્યું ત્યારે? તમે માર્ક કરજો તમારી જિંદગીની ખરેખર પ્રશન્નતા આવી અચાનક આવી ગયેલી ક્ષણોમાં જ સચવાયેલી હશે!

This slideshow requires JavaScript.

***

દિલ્હીની સરકારી શાળાઓમાં ગયા વર્ષથી ‘હેપિનેસ પ્રોગ્રામ’ શરૂ થયો છે. જેનો પહેલો મુખ્ય ઉદ્દેશ તો સરકારી શાળામાં બાળક આવતો થાય તે છે. બીજો તે ભણતરને બોજ ન સમજે અને ભણતર પ્રત્યે તેની રચિ વધે તે છે. આ પ્રોગ્રામને સફળતા મળી અને હવે અન્ય રાજ્યોના શિક્ષણ અધિકારીઓ તે જોઈ-સમજીને પોતાના વિસ્તારમાં અપનાવવાના છે. ઉદ્દેશ તો ખબર પડી પણ આ પ્રોગ્રામમાં કરવાનું શું હોય છે?

65fe33f3d08d5c79bcf8458198a9d4ed.jpg

દિલ્હીની સરકારી સ્કુલમાં ભણતા વિદ્યાર્થીઓને હોમવર્કમાં દાદા-દાદીની વાર્તાઓ અને તેમના બાળપણના કિસ્સા સાંભળવાનું કહેવામાં આવે છે! બીજા દિવસે વિદ્યાર્થી ક્લાસમાં પોતે સાંભળેલા કિસ્સા શેર કરે છે, જેથી બીજા બાળકો પણ તે સાંભળી શકે. આ શેરિંગ સોશિયલ મીડિયા પર શેર થતા સ્ટેટસ અને ફોટોઝ કરતા એનેકગણું સારું છે! વિદ્યાર્થીઓને મમ્મી-પપ્પા, કાકા-કાકી, સહિતના પરિવારના સભ્યો સાથે વાતચીત કરવાનું કહેવામાં આવે છે. પસાસ-સાંઠ વર્ષ પહેલા કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે ઘરના સભ્યો સાથે વાત કરવાનો પણ કોઈ અલગથી પ્રોગ્રામ સ્ટાર્ટ કરવો પડશે! કારણ સીધુસટ છે: અત્યારના છોકરાઓ અને જન્મી રહેલા બાળકો ટેક્નોલોજીથી ખચોખચ ભરાયેલા વિશ્વ વચ્ચે છે. તેમને એનાથી બચાવવા પડશે. વિકાસ અટકવાનો નથી પણ આપણે સંબંધ જીવંત રાખવો પડશે. દિલ્હીના આ પ્રયાસ પાછળનો ઉદ્દેશ પણ એ જ છેઃ બાળકોને મોબાઇલ ફોન અને ઓનલાઈન ગેમ્સથી દૂર રાખવા અને તેમને પારિવારિક સંબંધોનું મહત્વન સમજાવવું. ગેમ્સ પણ હવે સામાન્ય નથી આવતી, પબજીથી કરીને ટીકટોક સુધીની રમતો-એપ્લિકેશન મોબાઈલમાં છે, જેના પર ક્યારેય બૅન લાગે છે તો જેના કારણે કોઈ આત્મહત્યા કરી લે છે! વેલ, અત્યારે તો સ્કુલોમાં રજા છે, વેકેશન છે. પણ આ ‘હેપિનેસ પ્રોગ્રામ’ હમણાં જ-ઘરમાં સ્ટાર્ટ થઈ શકે એવો નથી?!

9491964e0beca3ab9f039b101cb6b43c

બની શકે કે બાળકોને શીખવતા શીખવતા-વાર્તાઓ કહેતા આપણો પ્રસન્નતા(હેપિનેસ)આંક વધી જાય! આપણું થોડું ઔર ‘જીવવાનું’ શરૂ થઈ જાય!

*જે બાત!*

આ જુઓ, બોલાવે માટી, સાથે એની રમવા દો ને,
છીપલાં, મોતી, શંખ જણસ છે, ગજવે થોડાં ભરવા દો ને,
કાલે મોટાં થઈ જાશું તો આજે થોડું જીવવા દો ને,

સમજો થોડી વાત તમે સૌ

હજુ તો નાના બાળ અમે સૌ.

શૈશવની શેરીમાં મારે મનમોજી થઈ ફરવું છે,
આવડતું ના હોય ભલે ને, છબ્બાક દઈને તરવું છે,
જે કરવાની ના પાડો એ સૌથી પહેલાં કરવું છે,

છો ને કાઢો આંખ તમે સૌ

હજુ તો નાનાં બાળ અમે સૌ

-પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ

@Parth Dave (Janmbhoomi Group- Kutchmitra)

Date: 05-01-2019

0 comments on “હેપિનેસ પ્રોગ્રામઃ તમારી ખુશીઓને માપી છે ક્યારેય?

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: