Literature

પત્રકારત્વ, લેખન, કામ અને સંવેદના

વાત કેલ્વિન કાર્ટર નામના એક ફોટો જર્નાલિસ્ટની, જેના ફોટોને જર્નાલિઝમનું ટોચનું એવું પુલિત્ઝર પ્રાઈઝ મળ્યું, પણ એ જ ફોટાના કારણે અપરાધભાવના બોજા તળે તેણે આપઘાત કરી લીધો!

-‘અક્ષરત્વ’ કૉલમ

(જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’)

KevinCarter.jpgથોડા દિવસો પહેલા એક એન્યુઅલ ફંક્શનમાં વિદ્યાર્થીઓને સંબોધવાના હતા. લેખન-પત્રકારત્વ વિશે થોડી વાતો કરવાની હતી. લેખક કઈ રીતે બનાય કે જર્નાલિઝમમાં આગળ વધવા શું કરવું કે આ ક્ષેત્રની જવાબદારીઓ, પ્રશ્નો, ગંભીરતા, જોખમો વગેરે વિશે થોડી ચર્ચા કરવાની ઈચ્છા હતી. પત્રકારત્વ ડિજિટલ મીડિયાના આગમનથી દરેક સુધી પહોંચી ચૂક્યું છે, પરંતુ તેની ગંભીરતા ગાયબ થઈ ગઈ છેઃ આ પ્રકારની ઘણી વાતો થઈ શકે! પણ મારે એક થોડી એક્સ્ટ્રીમ વાત કરવી હતી. પત્રકારોને બહુધા વખત ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લેવામાં આવતા હોય છે. આજના ઈલેક્ટ્રોનિક, વેબ અને સોશિયલ મીડિયા જર્નાલિઝમ માધ્યમના જમાનામાં ચટપટી ખબરો પાછળ મરતા પત્રકારો જ જાણે બચ્યા હોય એવું લાગે છે, લોકોને. પણ દરરોજ કંઈક ને કંઈક લખતા, માહિતીઓ ફંફોસતા, ફંફોસીને સરળ રીતે રજૂ કરતા પત્રકારોને પણ હૃદય હોય છે. તેઓ પણ વિચારતા હોય છે. અહીં લેખકોની વાત નથી થતી, તેઓ તો શરીર બીમાર પડી જાય એટલું મનથી વિચારી નાખતા હોય છે, પણ દરરોજ કોઈ સમાચાર માટે બહાર નીકળી પડતા અને સાંજ પડે ને ફટાફટ લખવા બેસી જતા રિપોર્ટરોની અહીં વાત થઈ રહી છે.

થોડા દિવસો પહેલા જ એક વડિલ પત્રકારે કહેલું કે, ફોટો જર્નાલિસ્ટો કેટલા વર્ષો સુધી દોડી શકે? સવારે અહીં આગ લાગી તો ત્યાં જાય, સાંજે બીજે ક્યાંક એક્સિડન્ટ થયું તો ત્યાં જાય. એ દોડતો રહેશે અને પિસ્તાલીસનો થશે ત્યાં સુધી તેનું શરીર ખખડું ગયું હશે. આખું શહેર તે ખુંદી વળ્યો હશે. મારે વાત એ દિવસે- એન્યુઅલ ફંક્શનમાં એક ફોટો જર્નાલિસ્ટની જ કરવી હતી.

૧૯૯૩નું વર્ષ. સુદાનનો દુકાળગ્રસ્ત વિસ્તાર. આમ તો દુકાળની આગળ કાળમુખા સિવાય કોઈ વિશેષણ ન હોય, છતાંય વજન પડે એ માટે કહેવું હોય તો કહી શકાય કે સંપૂર્ણપણે દુકાળગ્રસ્ત વિસ્તાર હતો. ખાવા-પીવા-પહેરવા કંઈ જ નહતું. એક જ કામ હતુઃ મરવાનું!  સાઉથ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં જન્મેલો એક ફોટો જર્નાલિસ્ટ, નામ કેલ્વિન કાર્ટર, ત્યાં ગયો. તેને ફોટો રિપોર્ટિંગ કરવાનું હતું. દુકાળ હતો, ભૂખમરો હતો. સુકી જમીન પર એક કૃશ થઈ ગયેલી બાળકી સુતી હતી, અને પાછળ તેનો કોળિયો કરવા માટે ટાંપીને બેઠેલું એક ગીધ હતું. કેલ્વિન કાર્ટરે આ ક્ષણ ઝડપી. ફોટો પાડ્યો.

આ પણ વાંચોઃ બાથરૂમ, પાણીના પરપોટા, ગ્રહો-નક્ષત્રો અને આઈન્સ્ટાઈન!

જોતજોતામાં, એ સમયે, આ ફોટો આખી દુનિયામાં પ્રચલિત થયો. એ સમયે એટલે કે, ત્યારે વસ્તુ કે વ્યક્તિ આજે થાય છે એટલા જલ્દી પ્રચલિત નહોતા થતા. માટે જૂજ લોકોને મળે એવી સફળતા કેલ્વિન કાર્ટરને મળી હતી. દુનિયાભરની ન્યુઝચૅનલો તેમને એક સેલિબ્રિટી તરીકે આમંત્રણ મોકલી રહ્યા હતા. પત્રકારત્વ ક્ષેત્રે અમેરિકાનું ટોચનું બહુમાન કહેવાય એ પુલિત્ઝર પ્રાઈઝ તેમને મળ્યું. તેમણે, કહ્યું એમ, ઘણા ઈન્ટરવ્યુઝ આપ્યા. એક ઈન્ટરવ્યુમાં કેલ્વિન કાર્ટરને કોઈએ પૂછ્યું કે, ‘પછી એ બાળકીનું શું થયું?’ કેલ્વિને જવાબ આપ્યો કે, ‘એ તો મને ખ્યાલ નથી. કેમ કે એ ફોટો લીધા પછી મારે ફ્લાઈટ પકડવાની હતી. હું ત્યાંથી નીકળી ગયેલો.’ ઈન્ટરવ્યુ લેનાર ફોન પર હતા. ફોન પર સામો જવાબ આવ્યો: ‘તો મને લાગે છે કે એ દિવસે ત્યાં બે ગીધ હતા, જેમાંના એક પાસે કૅમેરા હતો!’

આ જવાબ સાંભળીને કેલ્વિન કાર્ટરને ખૂબ આઘાત લાગ્યો. તેને પેલી બાળકી અને ગીધનું દ્રશ્ય ફરી ફરી દેખાવા લાગ્યું; એનો તો તેમણે ફોટો જ પાડ્યો હતો! પણ એ સાથે તે ફોન પર બોલાયેલા શબ્દો તેમને યાદ આવવા માંડ્યા. એમણે ધાર્યું હોત તો બાળકી જ્યા પહોંચવાના પ્રયાસમાં ભૂખને કારણે ફસડાઈ પડી એ યુનાઈટેડ નેશન્સની રાહત છાવણીમાં એને લઈ જઈ શક્યા હોત. તે બચી શકી હોત. તેમની ફ્લાઈટ કદાચ મિસ થાત પણ પેલી બાળકી બચી ગઈ હોત..

આ વિચાર તેમને કનડતો રહ્યો અને એક દિવસ, તારીખ ૨૪ જૂલાઈ, ૧૯૯૪ના રોજ- ૩૩ વર્ષની ઉંમરે ફોટો જર્નાલિસ્ટ કેલ્વિન કાર્ટરે આપઘાત કરી લીધો!

આ પણ વાંચોઃ તને ફકીરી મફતમાં મળી લાગે છે..!

તે ઝીરવી ન શક્યા આ ગિલ્ટને. થોડા સમય પહેલા અહીં ગિલ્ટ પર આર્ટિકલ (‘અક્ષરત્વ’, તારીખ: ૨૮-૧૧-૨૦૧૮) લખ્યો હતો જેનું શિર્ષક હતુઃ ‘ગિલ્ટ દૂર કરવા શું કરવું?’ પણ અમુક ગિલ્ટ આપણી સાથે જ રહેતા હોય છે. તેને ઝીરવવાના હોય છે, અમુક દુ:ખની જેમ. વિશાલ ભારદ્વાજની થોડા દિવસો પહેલા એક ફિલ્મ આવી હતી, ‘સોનચિડિયા’. ચંબલના ડાકુઓના ગુના અને પ્રતિશોધની વાત કહેતી ફિલ્મનો મુખ્ય ભાવ હતો, ‘અપરાધભાવ’, ગિલ્ટ. તે ડાકુઓ લોકોને મારીને લૂંટે છે પણ તેમ કરતા તેમનાથી નિર્દોષ બાળકોની હત્યા થઈ જાય છે, અને એ ગિલ્ટ તેમને કોરી ખાય છે. તે સૌ ડાકુઓને હવે મુક્તિ જોઈએ છે આ ગિલ્ટથી. કેલ્વિન કાર્ટરે આ મુક્તિ જ માગી લીધી ને, સામે ચાલીને!

તો.. થોડી ભારે વાત છે પણ એક ફોટો જર્નાલિસ્ટની વાત છે. કેલ્વિન કાર્ટરે કંઈ ખોટું નહોતું કર્યું, છતાંય માનવીય સંવેદના ઓછી દાખવી હતી, કદાચ. તેનો ફોટો અવ્વલ હતો, એટલો અદભૂત કે તેને બેસ્ટ કહેવાય એ પુલિત્ઝર મળ્યો. તેનામાં સમજ હતી નહીંતર તો ગિલ્ટ ન થાય. આત્મહત્યા ન કરત! પણ જે-તે સમયે ચૂક થઈ ગઈ. અજાણતા થયું હતું. તેણે દુનિયાને ગરીબી ને વિનાશકતા દેખાડી, પોતાના કામના વખાણ થયા પરંતુ હૃદય આગળ હારી ગયો. તે પોતાનાથી થઈ ગયેલી ભૂલ સહન ન કરી શક્યો.

ઘણી વખત ક્રાઈમ બીટ સંભાળી-સંભાળીને પત્રકારો બરછટ થઈ જતા હોય છે. એક સિનિયર પત્રકારે એક વખત કહ્યું હતું કે, આજુબાજુ લાશો પડી હોય અને કોઈ પૂછે કે, ચા પીશો અને આપણે સહજતાથી જવાબ આપીએ કે, ચાલો! આ વાસ્તવિકતા છે.

મારે ઉપરોક્ત વાત વિદ્યાર્થીઓને કહેવી હતી, કે પત્રકારત્વ જગતમાં સંવેદના પણ એટલી જ જરૂરી છે જેટલું જનૂન. પેશન હશે તો જ તમે લેખન કે પત્રકાર જગતમાં આવશો, અન્યથા નહીં. અને ‘ક્યાંય ન મળ્યું તો આ’ કરીને આવી જશો તો કંટાળશો.

…પણ આ વાત એ દિવસે હડબડાટીમાં કહેવાની રહી ગઈ હતી! તો સોચા, આજ હી સહી.

જે બાત!

ડંખે છે દિલને કેવી એક અક્ષર કહ્યા વિના
રહી જાય છે જે વાત સમય પર કહ્યા વિના. મરીઝ

@Parth Dave (Janmbhoomi Group- Kutchmitra)

Date: 03-04-2019

પત્રકારત્વ, લેખન, કામ અને સવેંદના 03-04.jpg
“અક્ષરત્વ”, જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’; પાના નં. 6,  તા. 03-04-2019

 

0 comments on “પત્રકારત્વ, લેખન, કામ અને સંવેદના

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: