Marathi Movies

હૅપી બર્થ ડે ‘આનંદીબાઈ’!: માત્ર 22 વર્ષ જીવનાર ભારતના પહેલાં લેડી ડૉક્ટર વિશે જાણો

આજે ભારતના પહેલાં મહિલા તબીબ ડૉક્ટર આનંદીબાઈ જોશીનો જન્મદિવસ છે. જાણો તેમના સંઘર્ષમય જીવન વિશે, અને ગયા મહિને આવેલી, એમનાં જીવન પરથી બનેલી ફિલ્મ ‘આનંદી ગોપાલ’ વિશે.     

જ્યારે આપણે ત્યાં સ્ત્રીઓને ઘરની ચાર દીવાલ વચ્ચે બેસી રહેવાની ફરજ પડતી, મહિલા સશક્તિકરણ જેવા વિષયનું કોઈ અસ્તિત્વ જ ન હતું, બાળલગ્નની પ્રથાનું ખૂબ જોર હતું અને સ્ત્રીઓ અતિ સંકુચિત માનસના સમાજ વચ્ચે અત્યંત મર્યાદાપૂર્વક જીવતી, ત્યારે એક નીડર અને સાહસિક મહિલાએ અમેરિકા જઈને એ વખતે અધધ… કહેવાતી ‘એમ.ડી.’ની પદવી મેળવીને ભારતીય ઇતિહાસમાં સૌપ્રથમ મહિલા તબીબ તરીકેનું નામ સુવર્ણ અક્ષરે કોતરી કાઢ્યું તે મહિલા એટલે આનંદીબાઈ જોશી.

9ની ઉંમરે લગ્ન, 14ની ઉંમરે મા બનવું; 10 દિવસમાં બાળકનું મૃત્યુ ને 22 વર્ષે અવસાનઃ છતાંય અદભૂત જીવનનો પર્યાય એટલે આનંદબાઈ જોશી

52859452_261182671437601_6469316162004975616_n
ફિલ્મ ‘આનંદી ગોપાલ’નું એક દ્રશ્ય 

પૂણેમાં 31 માર્ચ, 1865ના દિવસે જન્મેલાં આનંદીબાઈ મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ હતાં. માતા ગંગબાઈ જોશી અને પિતા ગણપતરાવ જોશીના લાડકોડમાં ઉછરેલાં આનંદીબાઈનું જન્મ વખતનું તથા બાળપણનું નામ ‘યમુના’ હતું. પછી માત્ર 9 વર્ષની ઉંમરે જ્યારે તેમનાં લગ્ન તેમનાથી 20 વર્ષ મોટા ગોપાલરાવ જોશી સાથે થયાં ત્યારે, એ વખતની પ્રણાલી મુજબ તેમણે યમુનાનું નામ બદલીને આનંદી રાખ્યું. આનંદીબાઈ જ્યારે માત્ર 14 વર્ષનાં હતાં ત્યારે તેમણે સંતાનને જન્મ આપી દીધો હતો, પરંતુ તે દુર્ભાગ્યપૂર્ણ સંતાન માંડ 10 દિવસ જીવીને ગુજરી ગયું હતું.

આનંદીબાઈના પતિ ગોપાલરાવ ભલે ક્યારેક તેમને દબડાવતા પણ ખરા છતાં તેઓ સુધારાવાદી વિચારોમાં માનતા હતા. એટલે આનંદીબાઈને એ રીતે તેમણે વિલાયત જવા માટે પૂરું પ્રોત્સાહન આપ્યું હતું. સ્ત્રી સશક્તિકરણ પણ જ્યારે અસ્તિત્વમાં ન હતું એ સમયે તેમણે સંસ્કૃત અને અંગ્રેજી ભાષાઓ શીખી લીધી હતી. થોડા સમય પછી બાદ ગોપાલરાવની બદલી કલકત્તા થઈ જતા તેઓ મહારાષ્ટ્ર છોડીને કલકત્તા ચાલ્યા ગયાં, પરંતુ તેમના સંતાનના આમ અકાળે થયેલાં મૃત્યુનો એ જબરો આઘાત આનંદીબાઈને હંમેશા કઠતો રહ્યો હતો. કદાચ એ કારણસર જ, તેમનાં બાળકનાં કસમયનાં મૃત્યુને લીધે, તેમણે દાક્તરી અભ્યાસ કરીને ભવિષ્યમાં આવાં અકાળ મરણ નિવારવાનો મક્કમ નિર્ધાર કરી લીધો હતો. વાંચોઃ કેવી છે વિદ્યુત જામવાલની ફિલ્મ ‘જંગલી’?

એપ્રિલ, 1883માં આનંદીબાઈ કલકત્તાથી ‘ધ સિટી ઓફ કલકત્તા’ નામક જહાજમાં બેસીને અમરિકા ગયાં, ત્યાં પેનસિલવેનિયાની વિમન મેડિકલ કૉલેજમાં પ્રવેશ લીધો અને માર્ચ, 1886માં તેમણે મેડિકલની ‘એમ.ડી.’ ડિગ્રી લઈને ઇતિહાસ સર્જ્યો. તેઓ ભારતના સૌપહેલાં મહિલા ડોક્ટર બન્યાં અને ભારત આવ્યાં પછી તેમને મહારાષ્ટ્રના કોલ્હાપુરની ‘આલ્બર્ટ એડવર્ડ હોસ્પિટલ’ના મહિલા ફિઝીશિયન વિભાગના ઈન્ચાર્જ બનાવવામાં આવ્યાં. પરંતુ દુર્ભાગ્યવશ તેમને ટી.બી.નો રોગ લાગુ પડી ગયો અને તેઓ 26 ફેબ્રુઆરી, 1887ના દિવસે માત્ર 22 વર્ષની કાચી ઉંમરે દેવલોક પામ્યાં. અલબત્ત, તેઓ ભારતમાં મહિલા સશક્તિકરણનો પાયો નાંખવામાં અને સ્ત્રીશિક્ષણના વિષયના બીજ રોપવામાં ખૂબ અગત્યનો ભાગ ભજવી ગયાં હતાં.

54800498_272141863707468_8229308039487464614_n

આવાં આનંદીબાઈનાં સંઘર્ષમય અને પ્રેરણાદાયી જીવનને વણી લઈને ડિરેક્ટર સમીર વિદ્વાંસે મરાઠી ફિલ્મ બનાવી છે – આનંદી ગોપાલ. કરણ શ્રીકાન્ત શર્મા લિખિત આ ફિલ્મને સમીક્ષકોએ ખૂબ જ બહોળો પ્રતિસાદ આપીને આવકારી હતી. ફિલ્મમાં ભાગ્યશ્રી મિલિન્દે આનંદીબાઈનો રોલ બખૂબી નિભાવ્યો છે. તેમના પતિનું પાત્ર ભજવ્યું છે અભિનેતા લલિત પ્રભાકરે. ફિલ્મ દરેક તબક્કે ચઢિયાતી સાબિત થઈ છે. આ જ વર્ષના ફેબ્રુઆરી માસમાં તે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.

અહીં જુઓ ફિલ્મનું ટ્રેઇલર:

(Image Courtesy:  Facebook/ Instagram/Bhagyashree Milind )

0 comments on “હૅપી બર્થ ડે ‘આનંદીબાઈ’!: માત્ર 22 વર્ષ જીવનાર ભારતના પહેલાં લેડી ડૉક્ટર વિશે જાણો

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: