Bollywood Literature Movies Music

યે દુઃખ કાહે ખતમ નહિ હોતા બે..?

આપણી મોટા ભાગની જિંદગી બીજા સાથે નહિ, પણ પોતા સાથે જ ‘સેટ’ થવામાં વીતી જતી હોય છે…

e5d65b74474a85929ac8d0ec0cd29c26

એક ટચુકડી સ્ટોરી થોડા સમય પહેલા લખેલી: શેરીને છેક છેવાડે એક ફેમીલી રહે. ચાર જણ. મમ્મી-પપ્પા, દીકરો અને દીકરી. પપ્પાને પીસીઓ કહે બધા. એ નામથી ઓળખાય. બધા મેલાઘેલા. વધેલું જમવાનું લોકો આપવા જાય. હું મમ્મી સાથે શેરીને છેક છેલ્લે ઘણી વાર ગયો છું, ડરામણું લાગતું બધું. જગ્યા ગંદી રહેતી કદાચ. હું બહુ નાનો હતો. એ પીસીઓ; એમનું નામ પુરષોત્તમભાઈ હતું. એમને ટીબી હતો. એ ગુજરી ગયા.. વર્ષો પહેલા!

એ યાદોં મારા ઝહનમાં બહુ ઓછી અને આછી છે. પછી એ છોકરો સાગર, જેના સાથે હું બહુ નહિ તો પણ થોડું તો રમ્યો છું. મેં અને સાગરે દિવાળી વખતે ફટાકડા સાથે ફોડ્યા છે. મારાથી એક વાર લવિંગીયુ એના શર્ટમાં જતું રહ્યું હતું, કાંડાના ભાગમાં અને એ ભાગ બળવા લાગ્યો હતો. મને યાદ છે એણે હસીને એ કાઢી નાખ્યું હતું. બહુ ગાળો બોલતા એ બધા. આખી શેરી ગાજતી. એક દિવસ એ સાગરને કૈંક લાગ્યું. વાગ્યું. દુખ્યું. થોડા દિવસો ધ્યાન ન આપ્યું અને ગુજરી ગયો.

..ત્યારે બહુ બધા દુઃખ લગાડવાની ઉમરેય નો’તી. પણ કૈંક લાગ્યું હતું. એક દિવસ ખબર પડી કે એ પુષ્પા પણ ગુજરી ગઈ છે. ત્યારે લાગી આવ્યું. પુષ્પા એટલે પુષ્પાબેન. સાગરના મમ્મી. એમને તાવ આવ્યો, ઘરમાં પડી ગયા. લોકો દવાખાને લઇ ગયા. અને ન બચાવી શક્યા. ગરીબોની જિંદગી સસ્તી હોય છે… અને ઔર સસ્તી થતી જાય છે. એમની દીકરી ભૂરી; જેનું નામ હર્ષિદા હતું. એ પણ બહુ અમારા ઘર પાસે આવતી-રમતી. મને એનો ચહેરો બરોબર યાદ છે. આંખો અને વાળ ભૂરા હતા એટલે બધા ભૂરી કહેતા. એમને બોલાવવામાં શિષ્ટાચાર તો કોઈનામાં ક્યાંથી આવે. અને આમ એમને પણ એવું સાંભળવાની ટેવ નહોતી. એ ભૂરીના લગ્ન થઇ ગયા છે અને ક્યારેક ક્યારેક આવે છે.

એ હજુ એવી છે, જેવી ત્યારે હતી. આ બધી વાતો એક દિવસ જમીને વાતો કરતી વખતે બાએ કહી. બા છેલ્લે બોલ્યા: એમનો યુગ પૂરો થઇ ગયો.

b0ac632a4fa521bdb400e423a61ac2a8.jpg

***

દરેકનો યુગ પુરો થાય છે. દરેક વસ્તુ, બાબત, ચીજ, થિંગ –ખતમ થાય છે. સિવાય બે: એક તો જે પોતે અજરામર છે ને પૃથ્વી પર વસતા દરેક જીવને પૂરો કરી નાખે છે એ સમય અને બીજી, માણસ જીવશે ત્યાં સુધી ખલાસ ન થનારું તેનું દર્દ. તેનું દુઃખ. દુઃખની એક્સપાયરી ડેટ નથી હોતી.. હા, ક્યારેક થોડોક સમય ગેરહાજર હોય છે!

ઉપરોક્ત મુન્દ્રાવાળો પીસ ઠીક સમય પહેલા લખાયેલો છે. વર્ષો પહેલા એ વખતે કદાચ દુઃખ કેવું હોય એ ખબર નહીં હોય પણ છતાંય કશુંક લાગ્યું હતું, હ્રદયને ચૂંભ્યુ હતું. દુઃખ લાગવું, તકલીફ થવી, પીડા પહોંચવી, દર્દ થવું, પેઈન ફિલ કરવું- વગેરે આ બધા શબ્દો આપણે વાપરીએ ઓછા અને અનુભવીએ વધારે છીએ.

Review of Tamil movie 96 : વિરહની આગમાં બળી, ગમતાની આંખનું કાજળ થવા મથતું પતંગિયું

છેલ્લા થોડા સમયથી દુઃખોમાં પડવાની માત્રા વધી ગઈ છે. લોકો હાલતેચલતે દુઃખમાં સરી પડતા હોય છે. અહીં એ દુઃખની વાત નથી થતી. એની વાત થાય છે જે એક વાર ‘થયા’ પછી નીકળવાનું નામ નથી લેતું. આખી જિંદગી સાથે રહેતા કોઈ રોગની જેમ આપણા રગેરગમાં ભમ્યા કરે છે. ઘણાને દુઃખની આદત પડી જતી હોય છે. ન હોય તો શોધે, મળે ત્યારે શાંતિ થાય! (બકૌલ અમૃત ઘાયલ, દુ:ખ વગર, દર્દ વગર, દુ:ખની કશી વાત વગર/ મન વલોવાય છે ક્યારેક વલોપાત વગર) કહે છે, અને લગભગ સુધી સાચું જ હશે કે મોટા ભાગનું શ્રેષ્ઠ સર્જન પીડામાંથી થયું છે. કોઈનું લખાણ વાંચીને કે ફિલ્મ જોઇને પૂછવાનું મન થઇ જાય કે ‘ઈતના દર્દ લાતે કહાં સે હો?’ ચાર્લ્સ ડિકન્સની ‘ગ્રેટ એકસ્પેક્ટેશન્સ’ પર આધારિત ‘ફીતુર’માં પ્રેમમાં પીડાઈ પીડાઈને પેલો પ્રેમી સર્જન નથી કરતો? ‘રોકસ્ટાર’માં જોરડન પ્રેમમાં પડીને, નિષ્ફળ થઈને પોતાના અવાજમાં દર્દ ઘૂંટીને ‘રોકસ્ટાર’ બને છે. જગજીત સિંહના યુવાન પુત્રનું મૃત્યુ અને પત્ની ચિત્રાસિંહની ગાયન ક્ષેત્રમાંથી નિવૃતિ; અને પછી એમના અવાજમાં એક અલગ જાદુ ભળ્યો હતો.. કેટલાક તો પોતાથી જ રૂઠેલા હોય છે. ‘મરીઝ’ યાદ આવે: ‘છે મારી મુસીબતનું મરિઝ એક આ કારણ, હું મુજથી રૂઠેલો છું, મને કોણ મનાવે?’ આપણી મોટા ભાગની જિંદગી બીજા સાથે નહિ, પણ પોતા સાથે જ ‘સેટ’ થવામાં વીતી જતી હોય છે.

7d159514d28f10e8b734a045cef2b3efઘણા ખુદથી જ દુખી હોય છે. ‘મિસ્કીન’સાહેબ મુજમ પોતાના ડાબા હાથે મુકાઈ ગયેલા માણસો બધા! ખેર, દુઃખ, તકલીફ, પોતાથી રીસાવું, ડિપ્રેશન, અશ્રુ, વાસના-આ બધું ઘણી વખત મિક્સ થઇ જતું હોય છે. અને બધાના સરવાળારૂપે એક ‘ખાલીપો’ જન્મતો હોય છે.

માસ્ટર પીસ મૂવી ‘મસાન’માં જયારે પેલા દીપકની પ્રેમિકાનું અવસાન થાય છે. અને એને જે રીતે એની જાણ થાય છે; ત્યારે વેદનાની ચરમસીમા હોય છે.. દુઃખ, આઘાત, પીડા-બધું ભેગું હોય છે મગજમાં. પણ આંસુ નથી આવતા અને એક વાર મિત્રો સાથે પસાર થતી ટ્રેનના પુલ નજીક બેસીને એની પ્રેમિકાને ગમતી દુષ્યંત કુમારની ગઝલની બે પંક્તિ દિપક બોલે છે: ‘તું કિસી રૈલ સી ગુઝરતી હૈ..’ અને કહે છે: ‘સાલા.. યે દુઃખ ખતમ કયું નહિ હોતા બે? ..અને હ્રદયફાટ રડે છે. દોસ્તને ભેટીને રડે છે. આ ડાયલોગ, સિન તમને હચમચાવા પૂરતું છે.

11737838_434433506743569_4866972838623593812_n

અમદાવાદ આવેલા ત્યારે ‘મસાન’ના લેખક વરુણ ગ્રોવેરે કહેલું કે, એકચ્યુલમાં આ સીન લાંબો છે. દીપક એ દોસ્તો પાસે બેસે છે અને એકલો જ બબડવા લાગે છે, કે આ દુનિયામાં, પૃથ્વી પર જે-જે વસ્તુની જરૂર નથી હોતી એ નાશ પામે છે. પહેલા વાનર હતા, માણસ થયા. પૂંછડી હતી; જરૂર નહોતી તો નીકળી ગઈ. ઉત્ક્રાંતિ થતી ગઈ. આધુનિક સાધનો આવ્યા. જેનો વપરાશ બંધ થયો એ વસ્તુઓ લુપ્ત થતી ગઈ. ધ્યાનથી જોશો તો એવું બધું જ ખતમ થઇ ચૂક્યું છે જેની માણસને ખપ નથી. તો પછી સાલા યે દુઃખ કાહે ખતમ નહિ હોતા?-આમ આખો મોનોલોગ હતો. હજુ પણ ‘મસાન’નો બેસ્ટ સીન એ જ છે, પણ જો કટ ન થયો હોત તો ઔર ઉમદા સીન બની શકત. સ્વામી વિવેકાનંદે એક પત્રમાં એની શિષ્યાને કહેલું કે, ‘દુનિયામાં બે પ્રકારના માનવી હોય છે. એક પ્રકાર છે: મજબૂત છાતીના શાંત, પ્રકૃતિને નમતું આપવાવાળા, અતિ કલ્પનાશિલ નહીં છતાં ભલા, માયાળુ મીઠા, વગેરે. આ દુનિયા આવા માણસો માટે છે. એકલા એ જ સુખી થવાને સર્જાયેલા છે. બીજા પ્રકારના છે એ આવેગશીલ, અસાધારણ કલ્પનાશીલ, અતિ માત્રામાં લાગણીપ્રધાન, સદાય એક ક્ષણમાં આવેશમાં આવી જતા અને બીજી ક્ષણે શાંત પડી જતા… એ લોકો માટે સુખ નથી. જેમને આપણે પ્રતિભાશાળી વ્યક્તિઓ કહીએ છીએ એ આ પ્રકારમાંથી જ નીકળે છે.’ Also Read:‘મસાન’નો એ સીન અને વિકી ને દીપક ને રડવું ને ટ્રેન ને દુઃખ ને દારુ…

ક્રિયેટિવીટી કે સર્જન શું માંગી લે છે? કે પછી એ પોતા પાસેથી જ શું ચાહે છે?

..દરેક સર્જકને નત મસ્તકે નમન!

ffd53bc5540d74f45854714ddda1a718

 

જે બાત!

આ લેખ લખતી વખતે મને બે શેર તીવ્રતાથી યાદ આવતા રહ્યા:

૧) પરિશ્રમ જાગરણ સાહિત્યનો કાનૂન માગે છે,
બીજા શબ્દોમાં કહીએ તો જિગરનું ખૂન માગે છે  -મરીઝ

૨) જાતમાંથી કંઈક જાતું હોય છે.
આ બધું ત્યારે લખાતું હોય છે – નીતિન વડગામા

@Parth Dave (Janmbhoomi Group- Kutchmitra)

Date: 30-04-2017

Image source: Pinterest

‘ફિતુર’ના અલમસ્ત સૉન્ગ જોવા માટે; અમિત ત્રિવેદનું કર્ણપ્રિય સંગીત, કેટરીનાની સુંદરતા અને આદિત્ય રોયની પ્રેઝન્સ. અરિજિત સિંહનો અવાજ <3 જૂઓ વિડીયોઃ

 

 

 

2 comments on “યે દુઃખ કાહે ખતમ નહિ હોતા બે..?

  1. Niraj bhatt

    Nice

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: