ગુજરાતી સિનેમા Movies

મહેનત કે કોમ્પ્રોમાઈઝઃ ચોઈસ ઈઝ યોર્સ

‘ઈન્ટરનેશનલ વુમન્સ ડે’એ દિગ્ગજ અભિનેત્રી સુજાતા મહેતાએ કહ્યું કે મહેનત કરવાથી થોડી મોડી પણ સફળતા તો મળે જ છે. રડવાનું નહીં, લડવાનું ચાલું રાખવાનું!?

વુમન્ડ ડેનું સૌથી મોટું સેલિબ્રેશન ત્યારે કહેવાશે જ્યારે એક સ્ત્રી બીજી સ્ત્રીની પરમ મિત્ર બનશે: ભાવિની જાની

womens-day

Written by Parth Dave

-‘મધ્યાંતર’ કૉલમ

(જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’, ‘ફૂલછાબ’, ‘જન્મભૂમી’)

આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓ કાર્યરત છે. કોઈ ક્ષેત્ર એવું નહીં હોય જ્યાં મહિલાઓની હાજરી ન હોય. એ રીતેગુજરાતી કે હિન્દી સિનેમા, જ્યાં મનોરંજનની બોલબાલા છે, ત્યાં પણ તેઓ પુરુષોના ખભાથી ખભા મિલાવીને કામ કરી રહી છે. આ એન્ટરટેન્મેન્ટ ઈન્ડસ્ટ્રીમાં ગ્લેમર અને ચમકદમકની સાથે એટલી જ નિષ્ઠા અને મહેનતની જરૂર પડે છે. અહીં ક્યારેક તેમને થતા અન્યાયની વાતો મીટુરૂપે બહાર આવે છે, તો ક્યારેક અંદર જ ધરબાઈને પડ્યા રહે છે. આજના દિવસે ગુજરાતી નાટક, સિરીયલ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે વર્ષોથી સંકળાયેલા દિગ્ગજ અભિનેત્રી સુજાતા મહેતા અને ભાવિની જાની સાથે વાતો કરી. તેમનો આ ઈન્ડસ્ટ્રીમાં અનુભવ કેવો રહ્યો અને પર્દાપણ કરવા માગતી યુવતીઓને તેઓ શું કહેવા માગે છે, એ વિશે ‘કચ્છમિત્રે’ જાણવાની કોશિશ કરી. ભાવિની જાની ઈન્ટરનેસનલ વુમન્સ ડે વિશે વાત કરતા કહે છે કે, ‘દરેક સ્ત્રી એક લાઈટહાઉસ છે, એ જ્યાં પણ હોય તેની આજુ-બાજુના વિસ્તારને પ્રકાશિત કરતી રહે છે, અને સ્ત્રીઓનું એ જ કર્તવ્ય છે. ઈશ્વરને ખબર છે કે સ્ત્રી વધુ શક્તિશાળી છે એટલે જ તેને અવતરણ કરવાનું કામ સોંપ્યું છે, તે કામ પુરુષોને નથી આપ્યું.’

મનોરંજન ક્ષેત્ર વિશે વાત કરતા ભાવિની જાની કહે છે કે, ‘હું ફિલ્મોની દુનિયામાં કામ કરું છું જ્યાં કાસ્ટિંગ કાઉચ જેવા દુષણો છે. ઈન ફેક્ટ, આજે કયું ક્ષેત્ર એવું છે જ્યાં કાસ્ટિંગ કાઉચ નહીં હોય? જો તમે શૉર્ટકટ અપનાવશો તો તમારે તેનો ભોગ બનવું પડશે, પણ જો તમે સ્પષ્ટ હશો કે મારે મહેનત કરીને આગળ આવવું છે તો તમને કોઈ ડિસ્ટર્બ નહીં કરી શકેઃ આ મારો અનુભવ છે. તમારે કમ્પ્રોમાઈઝ   કરીને આગળ આવવું છે કે મહેનત કરીને, તે તમારા પર આધાર રાખે છે. વુમન્સ ડેનું સૌથી મોટું સેલિબ્રેશન ત્યારે કહેવાશે જ્યારે એક સ્ત્રી બીજી સ્ત્રીની પરમ મિત્ર બનશે. પુરુષો એટલી ઈર્ષ્યા ને અદેખાઈ નથી કરતા જેટલી સ્ત્રીઓ એકબીજાની કરે છે! જ્યારે સ્ત્રીઓ સ્ત્રીઓની મિત્ર બનશે ત્યારે દરેક દિવસ વુમન્સ ડે કહેવાશે.’

bhavini jani
વુમન્સ ડે(03-08-2019)એ પોતાની ફેસબુક પ્રોફાઈલમાં ભાવિની જાનીએ અપડેટ કરેલ ફોટો

ભાવિની જાની પ્રાથમિક શાળામાં હતા ત્યારથી તેમને અભિનય કરવો ગમતો. તેઓ કહે છે કે, ‘હું જ્યારે ત્રીજા ધોરણમાં હતી ત્યારે મેં અમદાવાદની સ્કુલમાં સાહેબને કહ્યું હતું કે, મને નૃત્ય નાટિકામાં કાનુડો બનવું છે! તેમણે મને બે ફુટપટ્ટી મારીને કહેલું કે પહેલા ભણો! કારણ કે હું ભણવામાં ઠોઠ હતી. આ વાત મારા સબ-કોન્સિયસ માઈન્ડમાં ઘર કરી ગઈ. અભિનય કરતા પહેલા ભણવું પાડશ! બે વર્ષ પછી મારી મમ્મી મૃત્યુ પામી અને અમે મોરબી મારા મોસાળે શિફ્ટ થયા. ત્યાં દરબારગઢમાં એક દિવસ ફિલ્મ ‘શેઠ સગાળશા’નું શુંટિગ ચાલતું હતું. મને ખબર પડતા જ હું સુધી સ્કુલથી સીધી ત્યાં ગઈ. મેં ડિરેક્ટર ગિરીશ મનુકાંતને કહ્યું, મારે કામ કરવું છે. એમણે કહ્યું, તને ક્યાં આવડે છે!? મેં કહ્યું, તમે ડિરેક્ટર છો, નહીં શીખવાડો?! (હસે છે…) આ રીતે મારા કામની શરૂઆત થઈ.’

આજે ગુજરાતી ઈન્ડસ્ટ્રી પણ કહી શકાય કે ધમધમી રહી છે. એમાં આવવા ઈચ્છુક યુવતીઓને ભાવિની જાની કહે છે કે, ‘પહેલા તો સ્કિલ ડેવલપ કરો. કોઈ કોર્સ કે વર્કશૉપ કરો અને કોઈ પ્રોપર ચેનલ દ્વારા આવો, જેથી તમારો કોઈ ઘેરલાભ ન ઉઠાવી શકે. હમણાં સારી ફિલ્મો બની રહી છે, દરેકને કામ કરવું છે પણ આજકાલ કોઈ પાસે સમય નથી કોઈને ઘડવાનો. હા વર્કશોપ અને રિહર્સલ થાય છે ખરા.’

‘ટૂંકમાં એટલું કહીશ કે આત્મવિશ્વાસ ખૂબ જ જરૂરી છે. બીજું એ કે, હોમવર્ક કરીને તમારા ફિલ્ડમાં પહોંચો. મને ૪૨ વર્ષ થયા છે આ ફિલ્ડમાં; કોમ્પ્રોમાઈઝમાં નથી માનતી એટલે આજે પણ સ્ટ્રગલ ચાલુ છે! એક કામ પૂરું થાય પછી બીજું કામ મેળવવા અમે સ્ટ્રગલ કરીએ જ છીએ. આજીવન મેરેથોન ચાલુ રાખવી પડે અહીં. કારણકે તમે જો ‘ઈત્તર પ્રવૃત્તિ’માં બીલીવ નથી કરતા તો તમારે મહેનત કરવી જ પડશે.’

***

35521વર્ષ ૧૯૮૭માં ડિરેક્ટર એન. ચંદ્રાની ‘પ્રતિઘાત’ જેવી ખરેખર ફેમિનિસ્ટ ડ્રામા જેને કહેવાય, તેવી ફિલ્મથી ડેબ્યુ કરનાર દિગ્ગજ અભિનેત્રી સુજાતા મહેતાએ સરળ ભાષામાં સ્ત્રીઓને સંબોધીને કહ્યું કે, ‘જેટલા પણ તડકા-છાંયા આવે મહિલાઓએ હાર માનવી નહીં. કહેવાય છે કે સ્ત્રીઓ બળવાન છે તો પછી તેને સાબિત કરવું! જે પણ કરવા માગો છે તેને સમજીને શાંતિની કરજો, ગીવ-અપ કરવાની જરૂર નથી.’

સુજાતા મહેતાએ ‘પ્રતિઘાત’ના એક વર્ષ બાદ જ જે.પી દત્તાની ‘યાતિમ’ ફિલ્મ કરી જેના માટે તેમને બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસના ફિલ્મફેર એવૉર્ડનું નોમિનેશન પણ મળ્યું અને ક્રિટિક્સ દ્વારા સારાએવા વખાણ થયા. ટીવી સીરીઝ ‘ખાનદાન’ તથા ‘શ્રીકાંત’માં સુજાતાબહેને કામ કર્યું. અઢળક ગુજરાતી નાટકો કર્યા અને વર્ષો બાદ હિતેનકુમાર સાથે ગુજરાતી ફિલ્મ ‘ચિત્કાર’ દ્વારા ફરી આગમન કર્યું. એ વિશે

Sujata mehta1
સુજાતા મહેતા

આપણે અત્રે વાત કરી ગયા છીએ.(‘મધ્યાંતર’ તારીખ:૨૦-૦૪-૨૦૧૮) સુજાતા બહેન કહે છે કે, ‘મેં કોમ્પ્રોમાઈઝ કર્યા વિના કામ કર્યું છે. ‘પ્રતિઘાત’ જેવી ફિલ્મ કર્યા પછી મને જે હાઈટ પર પહોંચવું જોઈએ ત્યાં હું ન પહોંચી શકી એનું એક કારણ એ પણ કે મેં કોમ્પ્રોમાઈઝ નથી કર્યું. ક્યારેક નાસીપાસ થઈ જવાય, કંટાળી જવાય પણ આ જ સાચો રસ્તો છે. જોકે, હવે પહેલા કરતા જમાનો સુધર્યો છે એવું લાગે છે. ઈન્ડસ્ટ્રીમાં પણ પરિવર્તન આવ્યું છે અને એમાંથી પોતાનો રસ્તો કાઢનારને કામ મળી જ રહેશે.’

આજકાલ ‘સ્ત્રી સશક્તિકરણ’ની ચર્ચાઓ ખૂબ થાય છે. મીટુ મૂવમેન્ટ પણ વચ્ચે ગાજી હતી. એ વિશે સુજાતાબહેન કહે છે કે, ‘એ ચર્ચાઓ તો થતી રહેવાની! એનાથી પાવર મળે છે સ્ત્રીઓને. ‘વુમન એમ્પાવરમેન્ટ’માં ‘એમ્પાવર’નો અર્થ જ એવો થાય કે તમે બીજાને પાવર આપો છો. વચ્ચે જે મીટું મુવમેન્ટનો જુવાડ આવ્યો જે સમય જતા સમી ગયો. કેમ કે આવી બાબતોમાં બધાનું સમર્થન મળવું અઘરું છે, તે વ્યક્તિગત મુદ્દો હતો. પણ તેમાંથી બે કે પાંચ ટકા પણ ફેર પડે તો લેખે લાગ્યું કહેવાય.’

Sujata mehta
આપણે જે-તે સમયે આપણી સમજ અને પરિસ્થિતિ મુજબ નિર્ણયો લેતા હોઈએ છીએ એ નિર્ણયો ત્યારે સાચા જ હોય છે. પછી આગળ જઈને આપણે વિચારીએ છીએ કે એ વખતે આમ ન કર્યું હોત તો સારું થાત. એનો કોઈ અર્થ નથી. મારા માટે જિંદગી સફર છે; લાઈફ ઈઝ જર્ની! અને દરેક જન્મ(જિંદગી) મને આર્ટિસ્ટનો જ મળે એવી મારી ઈચ્છા છે, જેથી હું વધુ ને વધુ લોકો સુધી પહોંચી શકું. -સુજાતા મહેતા   
Sujata mehta
દિગ્ગજ અભિનેત્રી સુજાતા મહેતા સાથે લેખક-પત્રકાર પાર્થ દવે

@Parth Dave (Janmbhoomi Group- Kutchmitra & Phulchhab & Janmbhoomi Newspaper)

Date: 08-03-2019

WhatsApp Image 2019-03-08 at 7.35.14 AM (1)
“મધ્યાંતર”, જન્મભૂમિ ગ્રુપ-ફૂલછાબ, પાના નં. 6; તારિખઃ 08-03-2019
WhatsApp Image 2019-03-08 at 7.35.14 AM
“મધ્યાંતર”, જન્મભૂમિ ન્યુઝપેપર, પાના નં. 6; તારિખઃ 08-03-2019

0 comments on “મહેનત કે કોમ્પ્રોમાઈઝઃ ચોઈસ ઈઝ યોર્સ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: