Movies Review

સોનચિડિયા

ચૌબેના ચંબલમાં બાગીઓની બગાવત

Rating: 2.9 Star

વિશાલ ભારદ્વાજની સિનેમા-સ્કુલના વિદ્યાર્થી અભિષેક ચૌબેની ‘સોનચિડિયા’ નિર્જન પહાડો વચ્ચે પનપતી બાગીઓની દુનિયા દર્શાવે છે. ‘બેન્ડિટ ક્વિન’ અને ‘પાનસિંહ તોમાર’ જેવી ફિલ્મોના ચાહકોને આ ફિલ્મ ગમશે. એકદંરે ધીમી ગતિએ ચાલતી ફિલ્મમાં હળવા હ્યુમરના ડોઝ સાથે ટ્વિસ્ટ ઍન્ડ ટર્ન્સ છે. ધ્યાન દઈને ને મગજ ખોલીને જોવાની ફિલ્મ.      

sonchiriya-759-1.jpgએકમેકની દુશ્મન એવી બે ટોળકી ગામ, શહેર કે પહાડોની વચ્ચે સામસામી આવી ગઈ છે. બેમાંથી એક જીતવાની છે પણ એ માટે કોઈ વ્યૂહરચના વિચારી નથી. બેઉ ટોળકીના સભ્યો સામાસામા છે, એકબીજાથી આઈ કૉન્ટૅક્ટ થઈ રહ્યો છે અને તેની સાથે ભાગી છૂટવાની કે સામો ઘા કરવાની સ્ટ્રૅટેજી પણ મનોમન વિચારી રહ્યા છે. ત્યાં ત્રીજી બાજુથી કંઈક થાય છે;કોઈ નાની-મોટી હલચલ, હુમલો, અવાજ, કંઈ પણ; અને આ સ્ટ્રૅટેજિક ટેન્શન સમાપ્ત થાય છેઃ આ સ્થિતિ અથવા ઘટનાને સિનેમેટિક લૅન્ગવેજમાં ‘મેક્સિકન સ્ટૅન્ડ-ઑફ’ કહે છે. વિકિપીડિયાનો એક સોર્સ કહે છે કે, 19મી સદીના છેલ્લા દાયકામાં મેક્સિકન-અમેરિકન વૉર દરમ્યાન આ ટેકનિકનો ઉપયોગ થયો હતો. વેલ, પછીથી વિવિધ દેશોની ફિલ્મોમાં પાત્રો એકબીજા પર ગન પૉઈન્ટ તાણીને ઊભાં હોય એવા દ્રશ્યો ફિલ્માવવા લાગ્યા.આ ‘મેક્સિકન સ્ટૅન્ડ-ઑફ’ના આપણા અભિષેક ચૌબેભાઈ જબરા ફૅન છે. એટલે એમની ‘સોનચિડિયા’માં આ પ્રકારના દ્રશ્યો એકાધિક જોવા મળે છે અને કહેવું પડશે કે તમામ ઈમ્પૅક્ટફૂલ છે.

આ દ્રશ્યોમાં ઘટનાને પૂરેપૂરી બિલ્ટ-અપ થવા દવામાં આવે, દરેકના ચહેરા અને આંખો પર કૅમેરા ફરી વળે અને પછી બીજે ક્યાંકથી જ પ્રહાર થાય અથવા તો કોઈ માણસ પડે કે મોટો અવાજ આવે; અને ફરી ઘર્ષણ ચાલુ! આ ઘટનામાં એક બાજુ છે ચંબલના ડાકુઓના મુખિયા માનસિંહ(મનોજ બાજપાઈ), તેનો એક સાથીદાર વકીલસિંહ(રણવીર શૌરી), બીજો સાથીદાર લખના(સુશાંતસિંહ રાજપૂત)અને સામે છે ઈન્સ્પેક્ટર વીરેન્દ્રસિંહ ગુજ્જર(આશુતોષ રાણા) અને તેની ટોળકી. માનસિંહ અને તેની ટોળકી કટોકટી(1975) વખતે એક ગામમાં લગનવાળું ઘર લુંટવા જાય છે, ત્યાં તેના પર ગુજ્જર હુમલો કરે છે. ગુજ્જરની આ લુંટારાઓ સામે અંગત દુશ્મની પણ છે. ડાકુઓની ગૅન્ગને આગળ જતા-ભાગતા એક સ્ત્રી ઈન્દુમતિ(ભૂમિ પેડણેકર) મળે છે. તેની સાથે 12 વર્ષની એક છોકરી છે જેનું નામ છેઃ સોનચિડિયા!

સૌથી પહેલી વાત એ કે ‘સોનચિડિયા’માં આ ડાકુઓને નથી ગ્લૉરિફાય કરાયા કે નથી ગુનેગાર  ઠેરવાયા! એટલે કે અભિષેકભાઈ ક્યાંય એક્સ્ટ્રીમ-વેમાં નથી ગયા. તેમણે પ્રમાણિકતાપૂર્વક જે છે તેવું દર્શાવવાના પ્રયત્નો કર્યા છે. અહીં ‘બાગી’નો અર્થ લુંટારા કે ડાકુની બદલે રૅબલ એટલે કે બળવાખોર કરાયો છે. ફિલ્મમાં એક ડાયલૉગ પણ છે કે, ‘જો પોલિસવાળાઓનો ધર્મ બાગીઓને પકડવાનો છે તો બાગીઓનો ધર્મ શું?’ અને ફિલ્મ એક પૉઈન્ટ પછી મારફાડ, વેર, બુંદેલખંડી ભાષાથી ઉપર જઈને આ સવાલનો જવાબ શોધવાની સફરમાં લાગી જાય છે, જેમાં અમુક લેયર્સ છે, ક્યાંક ફિલોસૉફી છે, ગિલ્ટ ને ધર્મ ને મુક્તિની વાત છે. પણ આ બધું બુંદેલખંડના નિર્જન પહાડોની કોતરો વચ્ચે!

3
સુશાંતસિંહ રાજપૂત

પ્લસ પૉઈન્ટની વાત કરીએ તો અહીં સાઠ અને સિત્તેરના દાયકામાં બૉલીવુડે જેવા ડાકુઓ ફૅમસ કરી નાખ્યા હતા એવા એકેય નથી, બધું જ હાર્ડકૉર છે. અહીં ગબ્બરસિંહની જેમ ડાકુઓ અટ્ટહાસ્ય નથી કરતા, પણ વેદના અને દર્દ વચ્ચે હસે છે, ગિલ્ટના માર્યા રડે છે. ફિલ્મમાં કાસ્ટ, સબ-કાસ્ટ, ક્લાસ, સ્ત્રી-પુરુષ વચ્ચેની સંપૂર્ણ અસમાનતા, મર્દાનગી અને નામર્દાનગી, ફિટેસ્ટ ઑફ સર્વાઈવલનો નિયમ: આ તમામ મુદ્દાઓ, રાધર, સવાલ ઉઠાવાયા છે. ટ્રેઈલર રસપ્રદ અને મનોરંજક લાગ્યું હતું પણ તે સપાટી હતી; ફિલ્મ એટલી રસપ્રદ અને કૅચી નથી, થોડી વધુ ઊંડી છે. બીજો પ્લસ પૉઈન્ટ ઑબ્વિયસ્લી સ્ટાર કાસ્ટ છે. સુશાંતસિંહ અને રણવીર શૌરીએ ભુક્કા બોલાવ્યા છે. સુશાંતે ‘ધોની’ પછી ફરી સાબિત કરી નાખ્યું કે તે પાત્રમાં પૂરેપૂરો ઢળી શકે છે. આ બેઉને સ્ક્રીન પ્રેઝન્સ પણ ભરપૂર મળી છે. મનોજ બાજપાઈએ તો ‘બેન્ડિટ ક્વિન’ કરી જ છે! સૌથી દમદાર કોઈ લાગ્યું હોય તો તે આશુતોષ રાણા; તેઓ મૂળ બુંદેલખંડના જ છે એટલે આમેય નેચરલ લાગે છે! ભૂમિ પણ ધગધગતા ચંબલ વચ્ચે ઊછરી હોય અને સતત શોષણના કારણે વિદ્રોહી થઈ ગઈ હોય તેવી લાગે છે. બાકીની

2
રણવીર શૌરી

કાસ્ટ પણ પરફૅક્ટ છે.

હવે લોચાની વાત. પહેલી વાત એ કે ચૌબેની અગાઉની ફિલ્મોની જેમ આ ફિલ્મ પણ લાંબી(143 મીનીટ) લાગે છે. કેમ કે, વચ્ચે-વચ્ચે ફિલ્મનો પૅસ ડાઉન થઈ જાય છે. કહ્યું એમ દ્રશ્યો વ્ચ્ચે ટેન્શન બિલ્ટ-અપ થાય, રસપ્રદ લાગે અને વળી સ્ક્રીન પર શુષ્કતા દેખાય. ચૌબેએ બાગીઓની વાસ્તવિક અને ક્રૂર જિંદગી દર્શાવી છે. તેમને ખૂબ તકલીફો છે, પણ તેઓ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે ઝોલા ખાય છે. સ્ત્રીઓ અને બાળકો પર હાથ નથી ઉપાડતા પણ સ્ત્રીઓને ઉતરતી તો ગણે જ છે. પ્રૉબ્લેમ એ છે કે, આ તમામ વાતો અતિશય ટૉકેટિવ થઈને કહેવાઈ છે. ડાકુઓ બોલબોલ બહુ કરે છે સાલા! બીજું એ કે સુશાંત અને રણવીરનો અવાજ ડબ થયેલો છે અને તે ક્યાંક ક્યાંક મિસફિટ લાગે છે.

4
‘સોનચિડિયા’ના કો-સ્ટોરી, કો-સ્ક્રીનપ્લે અને ડાયલૉગ રાઈટર સુદીપ શર્મા, તેમણે ‘ઉડતા પંજાબ’નો સ્ક્રીનપ્લે તથા ડાયલૉગ્સ પણ લખ્યા છે

‘સોનચિડિયા’ના ડાયલૉગ્સ સુદીપ શર્માએ લખ્યા છે, જે ઑલઓવર ઓકે છે. અનુજ રાકેશ ધવને દર્શાવેલા બુંદેલખંડના પહાડો અને કોતરો સખત છે. એ સુંદર નહીં પણ દઝાડે એવા છે! એ પહાડો અને તમામ કલાકારોની ઍક્ટિંગ જોવા માટે થીએટર ભણી જઈ શકાય. બાકી, મારામારી ને ડાકુગીરી ને ઢિસંક્યાઉ ઢિસંક્યાઉ ન ગમતું હોય તો છેટા રે’જો. કંટાળી જશો.

છેલ્લી લાઈનઃ ચંબલ વિસ્તારમાં જોવા મળતા ‘ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ’ને ‘સોનચિડિયા’ કહે છે. આ પક્ષી હવે નાશ પામવાને આરે છે. ‘સોનચિડિયા’નો અર્થ થાય સોનાની ચકલી. આ શબ્દ એક સમયે ભારત દેશ માટે પણ વપરાતો! ચંબલમાં આજે પણ સોન ચિડિયા નામના હોટલ અને ગેસ્ટ હાઉસ જોવા મળે છે!       

@Parth Dave

(Review for Mid-day, Mumbai:  02 March 2019)

sonchidiya 02-03
Mid-day, Mumbai. Page No. 26, Date: 02-03-2019

0 comments on “સોનચિડિયા

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: