Movies Review

લુકા છુપી

માટલી ચીરાણી!

Rating: 1.8 Star

કાર્તિક આર્યન અને ક્રિતી સૅનનની ‘લુકા છુપી’માં સેન્સ, લૉજિક, ઢંગની વાર્તા, સ્પાર્ક, નવીનતા, ફ્રેશનેસ, રમૂજ બધું જ છુપાઈ ગયું છે. આખી ફિલ્મ દરમ્યાન ગોતવાનો પ્રયત્ન કર્યો, ન મળ્યું! અંતે લિવ-ઈનના વિરોધીઓને કહેવામાં આવ્યું કે, આ કોઈ પ્રૉબ્લેમ નહીં, ચૂંટણીનો મુદ્દો છે! તો… કાર્તિકની ફૅન બ્રિગેડ તૈયાર હો જાઓ, બાકીના દૂર રહો!   

Luka Chuppi copy123201910657AM.jpgછોકરો અને છોકરી લગ્ન પછી એકબીજાની સાથે રહે તો પતિ-પત્ની કહેવાય અને લગ્ન પહેલા એકબીજા સાથે સંબંધ રાખે ને એક છત નીચે રહે તો એને લિવ-ઈન રિલેશનશિપ કહેવાય એ વાતથી આપણે સૌ અચ્છી રીતે વાકેફ છીએ. આધુનિક ભારતના દિલ્હી અને મુંબઈમાં આ સિનારિયો જોવા મળે છે, પણ વિચારસરણીમાં ‘પાતળા’ એવા ગામ અથવા શહેરમાં હજુય લોકો આ રીતે રહેતા યુવાનોને વિચિત્ર નજરે જૂએ છે. એવા જ એક શહેર મથુરામાં ખબર પડી કે ભારત દેશના સ્ટાર નઝિમ ખાને(અભિનવ શુક્લ) સરાજાહેર એકરાર કર્યો કે, હાં હુ લિવ-ઈનમાં રહું છું! મથુરાના લોકોથી તો નઝિમ ખાનનો વિરોધ થઈ ન શકે એટલે તેમણે ત્યાંના યુવાનો, જેઓ લગ્ન પહેલા એકબીજા સાથે સંબંધ રાખતા હતા, તેમને પકડવા માંડ્યા, ફટકારવા માંડ્યા, તેમનું મોં કાળું કરવા માંડ્યા. આમ કરવામાં સૌથી આગળ એવી મંડળીનું નામ ‘સંસ્કૃતિ રક્ષા મંચ’, જેના હેડ એટલે વિષ્ણુ ત્રિવેદી(વિનય પાઠક).

મથુરાની લોકલ કૅબલ ટીવી-ચૅનલમાં રિપોર્ટરનું કામ કરતો ગુડ્ડુ(કાર્તિક આર્યન) આ લિવ-ઈનવાળા ઈસ્યુને જ કૅમેરામૅન અબ્બાશ(અપારશક્તિ ખુરાના) સાથે કવર કરી રહ્યો છે. તે ચૅનલ વિષ્ણુ ત્રિવેદીની રહેમનજર હેઠળ ચાલી રહી છે. વિષ્ણુભાઈને આ મુદ્દાનો ઉપયોગ કરીને આગમી ચૂંટણી જીતવી છે. એક દિવસ તેઓ તેમની દિલ્હીથી જર્નાલિઝમનું ભણીને આવેલી સુપુત્રી રશ્મી(ક્રિતી સૅનન)ને લઈ આવે છે અને કહે છે કે, આને અહીં શીખવાડો! બસ, લિવ -ઈનનું કવર કરતે કરતે ગુડુ અને રશ્મી ખુદ એકબીજાના પ્રેમમાં પડી જાય છે અને પછી ટ્રેલરમાં બતાવ્યા પ્રમાણે રશ્મી ગુડ્ડુને કહે છે કે આપણે પહેલા ‘એમ જ’-લિવ ઈનમાં રહીશું, પછી નક્કી કરશું!

આ વિષય અથવા કહો કે ઈસ્યુ સ-રસ અને રસપ્રદ છે. આજે ભારતમાં ઘણા શહેરોમાં હજુય ટેબૂ છે લિવ -ઈન. ‘લગ્ન પહેલા સાથે કંઈ હોતું હશે ભલા’ કહીને લોકોનું મોં ફાટી જાય છે અને નાકનું ટીચકું ચડી જાય છે. આ વિષયને લઈને ‘શુભ મંગલ સાવધાન’ કે ‘બધાઈ હો’ જેવી નાનકડા ગામના લોકાલમાં આકાર લેતી એક હ્યુમરસ ફિલ્મ બની શકે પણ અહીં અદભૂત રીતે તેનો કચ્ચરધાણ સિનેમૅટોગ્રાફરમાંથી ડિરેક્ટર બનેલા લક્ષ્મણ ઉટેકર વાળ્યો છે. કહ્યું એમ, શાર્પ-સટલ કૉમિક સીચ્યુએશન્સ, સોશિયલ મેસેજ, સોસાયટીનું રીઍક્શન અને સ્વીકાર આ બધાની બદલે છીછરી કૉમેડી, કૉન્ડમ-પ્રોટેક્શનછાપ ડાયલૉગ્સ, આડોશ-પાડોશની ગૉસિપ્સ અને વર્ષો જૂના કચરાછાપ ફ્લર્ટિંગમાં જ ઑલમોસ્ટ ફિલ્મ પૂરી કરી નાખી છે. કાર્તિક આર્યન અને ક્રિતી સૅનનને વેડફ્યા એ તો કદાચ ખમી લઈએ પણ ઍક્ટિંગની શક્તિઓના ભંડાર એવા અપારશક્તિ ખુરાના અને ધ પંકજ ત્રિપાઠીને વેડફી માર્યા છે!

ઘણા વખતે એમ થાય કે પંકજ ત્રિપાઠી આ ક્યાં ભેરવાઈ ગયા! લાલ પૅન્ટ, પીળું શર્ટ અને લીલા કલરના ગૉગલ્સવાળી તેમની એન્ટ્રી જોઈને જ અંદાજો આવી જાય કે તેમનું પાત્ર કેવુંક હશે! તેઓ ગુડ્ડુના સૌથી મોટા ભાઈના સ્ત્રીઘેલા સાળા બન્યા છે. ગુડ્ડુ(કાર્તિક)ના લગ્ન થઈ રહ્યા છે કે તે પ્રેમમાં છે તેની તેમને બળતરા છે એટલે તેઓ મુશ્કેલી પેદા કર્યા કરે છે. એ પ્રૉબ્લેમ્સ સૉલ્વ કરવાનું કામ ગુડ્ડુના મિત્ર અબ્બાશ(અપારશક્તિ ખુરાના) કરે છે. ખુરાના અને આર્યન વચ્ચેના લિવ -ઈનને લઈને અમુક સંવાદ મજેદાર છે. આખી ફિલ્મમાં ક્યાંક રિલીફ મળતી હોય તો તે નબળા પાત્રાલેખન છતાં ત્રિપાઠી અને ખુરાના જ આપે છે, બાકી બધા દર્દ જ આપે છે!

લિવ-ઈનમાં બેઉ પાત્રો રહેવાનું નક્કી કરે પછી અલગ-અલગ ઉછેર અને વાતાવરણમાંથી આવતા હોવાના કારણે પડતી તકલીફો રમૂજી રીતે બતાવવાના બદલે વાર્તાની ગાડી લગ્નના સાત ફેરા ઉપર પહોંચી જાય છે, અને પછી છેવટ સુધી લગ્ન કઈ રીતે કરવા તેની જ મથામણ ચાલ્યા કરે છે. દરેક વસ્તુનું ઓવર કરી નખાયું છે. જેમ કે, ગુડ્ડનો વચલો ભાઈ(અવિનાશ કોહલી) લગ્નાતુર મુરતિયો છે પણ તેના લગ્ન નથી થતા. તો એક સીનમાં ગુડ્ડુ અને બડે ભૈયા લગ્ન પહેલા કોના થશે એ વાત ઉપર બાજી પડે છે અને ગુડ્ડુ તેમને ચૅલેન્જ આપે છે કે લગ્ન તો હું જ કરીશ! અહીં હાસ્ય નથી ઉપજતું, બલ્કે હાસ્યાસ્પદ થઈ જાય છે!

1762બીજું, ઓવર-લાઉડ મ્યુઝિક. તમને આ પ્રકારના દ્રશ્યોમાં હસવું તો આવવાનું નથી એટલે પરાણે લાઉડ બૅકગ્રાઉન્ડ મ્યુઝિક આપીને હસાવવામાં આવે છે. પંચાતિયણ આન્ટી જ્યારે ગુડ્ડુ-રશ્મિના ઘેર આવે ત્યારે ‘હાય, હેલો’ BGM વાગે છે તે અત્યંત ત્રાસદાયક છે. તનિશ બાગચીએ પાંચ ગીતો રિ-ક્રિએટ કર્યા છે, સાથે 4 બૉલીવૂડના જૂના ગીતોનો પણ ફિલ્મમાં ઉપયોગ કરાયો છે.

ફિલ્મમાં ઘણી જગ્યાએ સેલ્ફ-અવેર કૉમેડી છે. ક્યાંય કશું ગંભીર નથી. કારણ આપતા કહી શકાય કે ‘માઈન્ડલેસ કૉમેડી’ ફિલ્મ છે. પણ જે મુદ્દાની વાત છેડી છે એ વિશે પણ ફિલ્મ ગંભીર નથી! રોહન શંકરની સ્ક્રિપ્ટ અને કૅરૅક્ટરાઈઝેશન એટલા નબળા છે કે, વિનય પાઠક, ત્રિપાઠી, ખુરાના, અલ્કા અમીન, અતુલ શ્રીવાસ્તવ સહિતના બધા વેડફાયા છે. ભગવાનની કૃપાથી કાર્તિક આર્યન ક્યાંય લાંબો મોનોલોગ નથી બોલતો પણ જ્યારે પણ ત્રણ-ચાર લાઈન બોલે છે ત્યારે પેલો ‘પંચનામા’ જેવો જ લાગે છે. ફૅન ફોલોઈંગ બહોળી છે એ બરાબર પણ બહાર કઢાવનારું પણ કોઈ બળવાન જોઈએ!

તો… પંકજ ત્રિપાઠીનું ‘નવું રૂપ’, છૂટાછવાયા રમૂજી દ્રશ્યો, ક્રિતી સૅનન અને બે કલાકના ટ્રેલરમાં બતાવાઈ છે તેવી મથુરામાં આકાર લેતી પણ મથુરા જ ન બતાવતી ફિલ્મ જોવી હોય તો પોતાના જોખમે અને પૈસે જોઈ શકાય.

છેલ્લી લાઈનઃ નાના હતા ત્યારે લકાવ-લકાવ(સંતાકૂકડી) રમતા. દાવ લેનાર ભૂલથી એકની બદલે બીજાનો થપો કરી દે એટલે આપણે જોર જોરથી કહેતા, ‘અરે હું બિટ્ટુ નહીં, ગુડ્ડુ છું. માટલી ચીરાણી!’ અહીં પણ એવું જ છેઃ આ મસ્ત-મજાની નાનકડા નગરમાં આકાર લેતી રોમ-કોમની બદલે લૂઝ સ્ક્રિપ્ટવાળી ચ્યુઈંગ-ગમની જેમ ખેંચેલી કોઈ ભળતી જ ફિલ્મ બની ગઈ છે! માટલી ચીરાણી!

@Parth Dave

(Review for Mid-day, Mumbai:  02 March 2019)

luka chuppi 02-03
Mid-day, Mumbai. Page No. 26, Date: 02-03-2019

0 comments on “લુકા છુપી

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: