Movies Review

મુરાંબા, મહાનટી, મીર્ઝાપુર અને પીરીયડ

ભારતમાં બનેલી ઑસ્કાર વિનર ડૉક્યુમેન્ટ્રી ‘પીરીયડ. એન્ડ ઑફ સેન્ટેન્સ’માં શું છે?

ત્રણ ભાષા અને ત્રણ ફૉર્મઃ મુરાંબા, મહાનટી, મીર્ઝાપુર અને પીરીયડ

Desktop.jpgએક મરાઠી અને એક તેલુગુ ફિલ્મ, એક ડૉક્યુમેન્ટ્રી તથા વેબ સીરીઝ વિશે આજે વાત કરીશું

Written by Parth Dave

-‘મધ્યાંતર’ કૉલમ

(જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’, ‘ફૂલછાબ’, ‘જન્મભૂમી’)

આજે હિન્દી ફિલ્મોમાં ‘લુકા છુપી’ અને ‘સોન ચીડિયા’ રિલીઝ થઈ રહી છે. બીજી બાજુ ‘ગલી બૉય’ સફળ પૂરવાર થઈ છે અને તેની સાથે ખભેખભા અને થીએટર ટુ થીએટર મિલાવીને ગુજરાતી ફિલ્મ ‘ચાલ જીવી લઈએ’ ચાલી રહી છે. વચ્ચેની ફિલ્મો આવી ને ગઈ પણ જેને દર્શકોએ સ્વીકારી, વધાવી તે હજુય થીએટર હૉલ ગજવી રહી છે, પણ આજે આ બધાથી હટીને વાત કરવી છે. અલગ-અલગ ભાષા અને ફૉર્મની વાત કરવી છે. આજે વાત કરી છે તે ફિલ્મોની વાર્તા, ભાષા, વાતાવરણ, લંબાઈ, ફ્લેવર, પ્લેટફૉર્મ બધું જ જૂદું જૂદું છે. બસ, સિનેમેટિક એક્સપિરિયન્સ સરખો છે!

પેશ છે ચાર વાનગીનો રસથાળ…

મુરાંબા: પ્રણય પછીની વાત દર્શાવતી કેટકેટલીય ફિલ્મો આજ સુધી બની ચૂકી છે. જેમાં પ્રેમી-પ્રેમિકા કે પતિ-muramba.jpgપત્નિને એકબીજા ભેગું ફાવે નહીં, લડે-ઝઘડે અને અંતે છૂટા પડે. બે વર્ષ પહેલા ૨જી જૂને આવેલી મરાઠી ફિલ્મ ‘મુરાંબા’(એટલે કે અથાણું)માં પણ ટીનએજ લવસ્ટોરી બતાવી છે. આવી કિશોર- પ્રણય કથાઓ હોલીવૂડ તથા બોલિવૂડમાં પણ સારા એવા પ્રમાણમાં બની ચૂકી છે. એમનો પ્રેમ પાકટ હોય- ન હોય, પ્રશ્ન વિકટ હોય- ન હોય આ બધું ફિલ્મોમાં દર્શાવવું રસપ્રદ બની રહે છે.

‘મુરાંબા’ ફિલ્મ કિશોરો અને તેના વાલીઓએ ખાસ જોવા જેવી છે. તેમાં દીકરો(અમેય વાગ) તેની સાથે મોટી થયેલી છોકરી(મિથીલા પાલકર) સાથે સંબંધમાં છે. અલોકના માતા-પિતા(સચિન ખેડેકર, ચિન્મયી સુમિત) તે જાણે છે; છોકરીને પણ અચ્છી રીતે ઓળખે છે. અચાનક એક દિવસ અલોક કહે છે કે, અમારું બ્રેક-અપ થઈ ગયું! મમ્મી-પપ્પા જૂનવાણી છે. તેમને આમ અચાનક સંબંધ તોડી નાખવાવાળી વાત મંજૂર નથી. પપ્પા દીકરા સાથે બેઠક કરે છે, પેલી છોકરીનો એન્ગલ પણ જાણે છે. પપ્પા કહે છે કે, લગ્નજીવનમાં તો ઝઘડા થાય, ફટ દઈને તોડી નાખવું એ કોઈ સોલ્યુશન નથી!

‘મુરાંબા’માં ઘણા લેયર્સ છે. છોકરાને કરિયરમાં અસફળતાનો ડર લાગતો હોય છે. પિતા તે ડર દૂર કરે છે. છોકરીને સંબંધમાં ઈનસિક્યૉરિટી ફિલ થતી હોય છે. આખી ફિલ્મમાં એકપણ દ્રશ્ય કે ડાયલૉગ મેલોડ્રામેટિક કે વધારાનો નથી. વરુણ નાર્વેકરે આખી ફિલ્મ વાસ્તવિક અને આપણી આજુબાજુ ભજવાઈ રહ્યું હોય એ રીતે લખી છે. ‘મુરાંબા’ નાટક પણ બની શકે એમ છે! નેટફ્લિક્સ પર ઉપલબ્ધ છે. બે જૂદી-જૂદી પેઢી સમજદારીપૂર્વક બેસીને વાતચીત કરે તો ‘જનરેશન ગેપ’ નામના ઘણા પ્રશ્નો સરળતાથી સોલ્વ થઈ શકે તે આ ‘મીઠું અથાણું’ કહી જાય છે!

મહાનટી: વર્ષ ૧૯૩૬થી ૧૯૮૧ વચ્ચે તેલુગુ ઈન્ડસ્ટ્રીમાં એક ઍક્ટ્રેસ આવી, નામ સાવિત્રી રામાસામી. તે અભિનેત્રી ઉપરાંત ગાયિકા, ડાન્સર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર હતી. તેલુગુ સિનેમામાં તેણે ચિક્કાર કામ કર્યું. વિષમ પરિસ્થિતિઓ અને પહાડ જેવા પડકારોને કુદીને આગળ આવી, ટોચ પર પહોંચી, ખોટા નિર્ણયો લીધા અને એક દિવસ ટોચ પરથી નીચે ગબડી. ૧૯ મહિના કૉમામાં રહ્યા બાદ ૪૫ વર્ષની ઉંમરે મૃત્યુ પામી. આ સુપરસ્ટાર સાવિત્રી રામાસામીના જીવન પર ગયા વર્ષે ડિરેક્ટર નાગ અશ્વિનની તેલુગુ ફિલ્મ આવી ‘મહાનટી’, જેમાં સાવિત્રીનો રોલ કિર્તી સુરેશે, તેના પતિ જેમિની ગણેશનનો રોલ દુલકર સલમાને ભજવ્યો છે. જેમિની ગણેશનના સાવિત્રી સાથે આ ત્રીજા લગ્ન હતા. તેની બીજી પત્ની પુષ્પાવલીની બે દીકરી; તેમાંની એક દીકરી એટલે રેખા, જેણે બોલીવૂડમાં તરખાટ મચાવી!mahanati

‘મહાનટી’ ફિલ્મ સાવિત્રીની આખી જિંદગી મોટા લેન્ડસ્કેપ પર રજૂ કરે છે. સાવિત્રી કૉમામાં છે, તેનું રિપોર્ટિંગ કરવા મધુરવાની(સામંથા) ફોટોગ્રાફર એન્થની(વિજય દેવરકોંડા) સાથે આવે છે અને ફિલ્મની શરૂઆત થાય છે. આખી ફિલ્મમાં સાવિત્રીની લાર્જર ધેન લાઈફ ઈમેજ દર્શાવાઈ છે, કદાચ એ જ કારણસર પથારી પર સૂતેલો સાવિત્રીનો ચહેરો એકપણ વાર નથી બતાવાયો! એ વખતે બ્લૅક એન્ટ વ્હાઈટ ફિલ્મો બનતી પણ અહીં બધું જ રંગબેરંગી દર્શાવાયું છે. સામંથા અને વિજય દેવરકોંડા બેઉ દક્ષિણ ફિલ્મોના અત્યંત લોકપ્રિય કલાકારો છે; તેમણે સેકન્ડ રોલ પસંદ કર્યા તે નોંધનીય વાત છે. ૧૭૩ મિનિટની આ ફિલ્મ ગયા વર્ષે ‘ગોવા ફિલ્મ ફેસ્ટિવલ’માં કિર્તી સુરેશ તથા ડિરેક્ટર-પ્રોડ્યુસરની હાજરીમાં જોવાની તક મળી હતી. કિર્તી સુરેશ હજુ સુધી માત્ર કોમર્શિયલ ફિલ્મમાં શો-પીસ તરીકે જ દેખાતી હતી, આ તેનું ખરેખરું પરફૉમન્સ છે! તેની અને સ્વર્ગસ્થ સાવિત્રી રામાસામીની ઍક્ટિંગનો ચમકારો દેખાડતો એક સીન ‘મહાનટી’માં છે. સાવિત્રીની શરૂઆતી ફિલ્મ-કારકિર્દી દરમ્યાન માત્ર એક આંખમાંથી આંસુ પડે તેવા સીનની માંગ હતી. થયું એવું કે ગ્લિસરીનનો ડબ્બો મળતો નહતો. ડિરેક્ટર હાંફળોફાંફળો અને ગુસ્સે હતો. આંસુ એક જ આંખમાંથી પાડવાનું હતું. સાવિત્રીએ સામો પ્રશ્નો કર્યોઃ ‘એક આંખમાંથી કેટલા આંસુ ટપકાવવાના છે?’ આ એક દ્રશ્યમાં જ તેની અભિનય-પ્રતિભાનો પરચો મળી જાય છે! અને તે ભજવતી વખતે કિર્તી સુરેશના અભિનયનો પણ.

પીરીયડ. એન્ડ ઑફ સેન્ટેન્સઃ ‘મને કહીશ તું? તું ડરે છે?’ આ સવાલ જે છોકરીને પુછાઈ રહ્યો છે તે તેની બાજુમાં બેઠેલી છોકરીને કોણી મારીને કહે છે કે, ‘પહેલા આને પૂછો!’ સામે બેઠેલી વ્યક્તિ કહે છે,  ‘પીરીયડ?’ અને બધા હસી પડે છે! એક ઓરડામાં બધી જ છોકરીઓ છે ત્યારે પણ એ છોકરી જે માસિક-ગાળામાં પ્રવેશી છે તે શરમાઈ અને મૂંઝાઈ રહી છે એટલો ભારતના ગામડાઓમાં આજે પણ ટેબૂ વિષય છે પીરીયડ નો. આજે પણ ચિત્ર-વિચિત્ર માન્યતાઓ પિરીયડ અને તે દરમ્યાન પહેરાવવામાં આવતા કપડા, પેડ, નેપકીન વગેરેને લઈને પ્રવર્તી રહી છે. મેઈનસ્ટ્રીમ બોલીવુડમાં આ વિષયને લઈને અક્ષય કુમાર અભિનીત ‘પેડમેન’ ફિલ્મ બની ગઈ, છતાંય હજુય ગામડાઓમાં એ જ સ્થિતિ છે.

period end of sentence  આ વિષયને લઈને દિલ્હીથી ૬૦ કિલોમીટર દૂર યુપીના હાપુર જિલ્લામાં કાઠીખેડા ગામની સ્નેહા નામની છોકરી, જે સેનિટરી નેપકિન બનાવે છે, તેના પર ઈરાનિયન ડિરેક્ટર ડૉક્યુમેન્ટ્રી બનાવે છે; સ્નેહા રિઅલ-હિરો છે. તે એવા ગામડામાં રહે છે જ્યાં પુરુષોને ખબર નથી પીરીયડ  અને પેડ શું છે, ત્યાં સ્ત્રીઓ જ તેને ‘ખરાબ લોહી’ કહે છે, મંદિરોમાં જવાતું નથી; આ બધા વચ્ચે તે અરુણાચલમ મુરુગનાથમે (જેના જીવન પર ‘પેડમેન’ ફિલ્મ બની.) તૈયાર કરેલા મશીનનો ઉપયોગ કરીને સસ્તા સેનિટરી પેડ્સનું ઉત્પાદન કરે છે. છોકરીઓનું ગ્રુપ બનાવે છે, પોતે આગેવાની લે છે. આ વિષય પર ૨૫ મિનિટની અદભૂત ડૉક્યુમેન્ટ્રી  ફિલ્મ ફેસ્ટિવલમાં થઈને થોડા દિવસો પહેલા ‘નેટફ્લિક્સ’ પર રિલીઝ કરાઈ. તેની ખૂબ સરાહના થઈ. ચાર દિવસ પહેલા ઑસ્કાર એવૉર્ડ્સમાં ‘પીરીયડ. એન્ડ ઑફ સેન્ટેન્સ’ને ઓરિજનલ શૉર્ટ ડૉક્યુમેન્ટ્રીમાં વિજેતા જાહેર કરાઈ. રસપ્રદ વાત એ છે કે, તેના પ્રોડ્યુસર્સ પૈકી એક પ્રોડ્યુસર ભારતીય ગુનિત મોંગા છે, જેણે અગાઉ ‘મસાન’, ‘વાસેપૂર’, ‘રંગરસિયા’ સહિતની ઘણી લીકથી હટીને ફિલ્મો બનાવવામાં ફાળો આપ્યો છે.

‘પીરીયડ. એન્ડ ઑફ સેન્ટેન્સ’ સીધીસટ રીતે કાઠીખેડા ગામની વાસ્તવિકતા રજૂ કરે છે. બે દ્રશ્યમાં અરુણાચલમ ખુદ દેખાય છે. એક જગ્યાએ તે કહે છે, ‘ભગાવાનનું સૌથી તાકાતવર સર્જન સિંહ, વાઘ કે હાથી નથી, પણ સ્ત્રી છે!’ ઑસ્કારમાં જીત્યા બાદ આ ડૉક્યુમેન્ટ્રી યુ ટ્યુબ પર પણ ફ્રિમાં મૂકાઈ છે, ૨૫ મિનિટ ચોક્કસ આપી શકાય!

મીર્ઝાપુર: ઉપરોક્ત ત્રણેય કરતા બધી રીતે કાચી એવી આ સિરીઝ ‘મીર્ઝાપુર’ અનુરાગ કશ્યપને તાવ આવ્યો હોય અને બનાવી નાખી હોય હોય એવી છે! પ્રાઈમ પર ખૂબ જોવાઈ પણ છે અને નેટફ્લિક્સની ‘સેક્રેડ ગેમ્સ’ કરતાં પણ અમુક લોકોએ વધુ પસંદ કરી છે! તેનું કારણ એક તો કાલિન ભૈયાનું પાત્ર ભજવતા પંકજ ત્રિપાઠી છે. mirzapurતેમના દમદાર અભિનયના કારણે ૯ એપિસોડ સુધી બેઠા રહેવાનું મન થઈ જાય. બીજું એ કે, મીર્ઝાપુર ગામનું વાતાવરણ, અમુક એપિસોડના ધારદાર સંવાદ અને રોચક દ્રશ્યો આકર્ષે છે. નબળાઈ ઘણી છે. ગેન્ગ વૉર, મારધાર, ગાળાગાળી, બદલા-બદલીના આશિકોને એટલું જ કહેવું છે કે, ‘ગેન્ગ્સ ઑફ વાસપૂર’ની જેમ આ નેચરલ અને હોનેસ્ટ ફિલ્મ નથી. અહીં જાણીજોઈને બિન-જરૂરી ગાળો ઠુંસવામાં આવી છે. બહરહાલ, સેક્સ સીન્સ ઓછા છે. પંકજ ત્રિપાઠી ઉપરાંત ગુડ્ડુ પંડિત બનતા અલી ફૈઝલ, બબ્લુ પંડિત બનતા વિક્રાંત મેસીનો અભિનય અફલાતૂન છે. મુન્ના ભૈયા એટલે કે કાલિન ભૈયાના દીકરાના પાત્રમાં દિવ્યેન્દુ શર્મા જામે છે!

કુલ મિલા કે, સમય હોય અને આ પ્રકારનું મનોરંજન ગમતું હોય તો જોવાય. બાકી ફ્રેશ અને ક્રિએટિવ ફિલ્મો માટે ઉપરની ત્રણે જોવાય. ભલે ત્રણેયની ભાષા અલગ છે, પણ એક પૉઈન્ટ પછી પ્રેમની જેમ ફિલ્મોમાં પણ ભાષા મહત્વની નથી રહેતી!

કઈ ફિલ્મ ક્યાં?

‘મહાનટી’ અને ‘મિર્ઝાપુર’ પ્રાઈમ પર તથા ‘મુરાંબા’ અને ‘પીરીયડ’ નેટફ્લિક્સ પર અવેલેબલ છે. ‘પીરીયડ’ યુ-ટ્યુપ પર પણ ઉપલબ્ધ કરાવાઈ છે.

 

@Parth Dave (Janmbhoomi Group- Kutchmitra & Phulchhab & Janmbhoomi Newspaper)

Date: 01-03-2019

tran bhasha ane tran form
“મધ્યાંતર”, જન્મભૂમિ ગ્રુપ-કચ્છમિત્ર, પાના નં. 6; તારિખઃ01-03-2019
WhatsApp Image 2019-03-03 at 11.46.32 AM
“મધ્યાંતર”, જન્મભૂમિ ન્યુઝપેપર, પાના નં. – ; તારિખઃ 01-03-2019
WhatsApp Image 2019-03-03 at 11.46.31 AM (1)
“મધ્યાંતર”, જન્મભૂમિ ગ્રુપ-ફૂલછાબ, પાના નં. 3; તારિખઃ 01-03-2019

0 comments on “મુરાંબા, મહાનટી, મીર્ઝાપુર અને પીરીયડ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: