Literature

સ્પર્શઃ ‘અડવાના’ ઘણા ફાયદા છે!

સ્તનપાન કરતું બાળક અને તેના માથા પર ફરતો માંનો હાથઃ આ દુનિયાનો કદાચિત સર્વશ્રેષ્ઠ સ્પર્શ છે

FW-Feather-Touch-Photography-Family-Photography-Birth-Cove-Maree-First-Glimpse-EG-8826-copy.jpg

-‘અક્ષરત્વ’ કૉલમ

(જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’)

ફોટો પડાવતી વખતે તમારા પાક્કા ભાઈબંધ કે બહેનપણીના ખભા પર વાળીને રાખેલો હાથ, એક ઉંમર પછી હાઈટ વધી જાય એટલે મમ્મી-પપ્પાની બાજુમાં ઊભી રહેતી વખતે તેમને ગળે વીંટળાયેલો હાથ, નજદીકી સગાને વર્ષો પછી ઉષ્માપૂર્વક ભેટવું, પતિ-પત્ની અથવા ભાવિ જીવનસાથીને વ્હાલથી ‘હળવું-મળવું’, આ તમામ વર્તણૂકમાં ‘સ્પર્શ’(અડવું-ટચ) હાજર છે! થોડા ગંભીર થઈએ તો, બહેનના પતિના મૃત્યુ બાદ તેની બાજુમાં બેસીને એકપણ શબ્દ બોલ્યા વિના માત્ર પકડેલો તેનો હાથ, કોઈ અકસ્માત કે ગંભીર ક્ષણ બાદ કે ટેન્શનના સમયમાં પાર્ટનરના ખભે મૂકેલો હાથ, શબ્દો ખૂટી પડે ત્યારે ભેટીને જતાવેલી લાગણી-આ બધા સ્પર્શના અદ્રશ્ય જાદૂ છે!

બાળક જન્મે ત્યારથી રોજબરોજની જિંદગીમાં કેટકેટલા સ્પર્શ અનુભવે છે. સુંઘવા, સાંભળવા, બોલવાની જેમ ‘સ્પર્શ કરવો’ એ પણ એક ઈન્દ્રિય છે; રાધર, ચામડી એક ઈન્દ્રિય છે. અ સેન્સ ઑફ ટચ! ટચ કરવાથી એકેન્દ્રિય એવી ઈયળ પણ હાલવા માંડે છે તો આપણે તો ૬ ઈન્દ્રિયોથી ભરાયેલા માણસો છીએ! આપણું સમગ્ર શરીર ચામડીનું બનેલું છે. સામાન્ય રીતે બીજા તમામ અવયવો અને માનવીના મન-મસ્તિષ્ક વિશે વાતો થતી રહે છે પણ ચામડી વિશે બહુ ઓછું બોલાય-લખાય છે. વિજ્ઞાનની ભાષામાં જોઈએ તો માનવીના આખા શરીરની ચામડી ૨૦,૦૦૦ ચોરસ સેન્ટિમીટર છે. તેની અંદર ૧૦૦ પ્રસ્વેદ ગ્લૅન્ડ, બે સેન્સરી બિંદુઓ જે ઠંડક આપવાનું કામ કરે છે. ગરમી માટે ૧૨ બિંદુઓ, ૩૦ લાખ કોષ, લગભગ ૧૦ નળી, ૧૫ અન્ય ગ્લૅન્ડ; ૧ વાર સુધીના રક્ત-વેસલ, નર્વ ફાઈબરને અંતે રહેલા ૩૦૦૦  સેન્સરી સેલ, ૪ વાર નર્વ્ઝ, ૨૫ પ્રેશર સ્વીકાર્ય બિંદુ; દુઃખ અનુભવવા માટે ૨૦૦ નર્વ-એન્ડિંગ્ઝ; આટલી વસ્તુ આપણા એક ચોરસ સેન્ટિમીટર ચામડી નીચે ગોઠવાયેલી છે, એમ વિજ્ઞાન-સંશોધકો કહે છે! આટલું વાંચીને સમજાઈ જ ગયું હશે કે માનવ-શરીરની ચામડીની રચના અજીબોગરીબ છે. આપણા શરીરની ગરમી છિદ્રો વાટે ચામડીમાંથી બહાર નીકળે છે પણ બહારનું પાણી અંદર નથી જતું! આપણું શરીર ભીનું થાય છે પણ ચામડી તે પાણીને બહાર જ ફેંકી દે છે! બળવું, વાગવું, છોલાવું, ચોંટવું, ખોતરવું, ઘસાવું, ચર કરવું: આ બધું જ આપણે ચામડી પર કરીએ છીએ! ચામડી છોલાય તો નવી ચામડી બની જાય છે. ચામડી છોલાય તો વેદના થાય છે. શરીરની એક જગ્યાએથી બીજી જગ્યાએ ચામડી ટ્રાન્સફર કરવામાં આવે છે.

communication means_4bb1dff3f0586_hires        મનુષ્ય એટલું વિચારશીલ અને લાગણીશીલ પ્રાણી છે કે તે (કહેવાયેલી) બાબતોને પણ અનુભવી શકે છે. અંગ્રેજીમાં એક વાક્ય છે કે, ‘આઈ એમ ટચ્ડ બાય યોર કન્સર્ન!’ લાગણી અને સ્પર્શનો સંબંધ કેવો છે? બાળક જન્મે ત્યારે દ્રષ્ટિવિહીન હોય છતાંય તે બુદ્ધિવાન અને શારિરીક રીતે સ્વસ્થ હોઈ શકે છે. એ જ રીતે તે બધિર જન્મે તો પણ મન અને મગજથી મજબૂત હોઈ શકે છે અને સુંદર જીવન જીવી શકે છે. પણ જો તેની નાનપણથી સ્પર્શેન્દ્રિય કામ ન કરતી હોય તો તે આ કંઈપણ ન કરી શકે!  સ્પર્શ એ કોમ્યુનિકેશનનું બેઝિક માધ્યમ છે. મા-દિકરા વચ્ચે બાળક બોલતું થાય ત્યાં સુધી આ માધ્યમ થકી જ વાતો થતી હોય છે. સ્તનપાન કરતું બાળક અને તેના માથા પર ફરતો માંનો હાથઃ આ દુનિયાનો કદાચિત સર્વશ્રેષ્ઠ સ્પર્શ છે! એ વખતે માતામાથી સ્ત્રાવ અને સ્નેહ બેઉ એકીસાથે નીકળતા હોય છે. આજે ડિજિટલ જમાનામાં કોમ્યુનિકેશન માટેના અધધધ સાધનો વિકસી ચૂક્યા છે. આજે લોકો ફેસટાઈમ પર વાત કરે છે પણ ફેસ ટુ ફેસ ઓછા થાય છે! અમરિકા જેવા સંપૂર્ણ વિકસિત દેશોમાં આ તકલીફ વધારે છે. કહે છે કે આજે ૨૭ ટકા અમેરિકનો એકલા(સિંગલ) રહે છે. તેઓ ડિજિટલી તો કનેક્ટ છે પણ પર્સનલી ડિસકનેક્ટ થઈ ચૂક્યા છે. તેના (સ્પર્શના અભાવના) કારણે સર્જાતી તકલીફોનું લિસ્ટ છે આપણી પાસે. જેમાં એગ્રેસીવ બિહેવીઅર, સ્ટ્રેસનું વધવું, એકલતા, માનસિક પ્રૉબ્લેમ્સ અને ડિપ્રેશન, સેક્સુઅલ ડિસ્ફંકશન, અટેચ થવાનો ડર, વગેરેનો સમાવેશ થાય છે. ઘણી વખત નાનપણમાં થયેલા વિકૃત સ્પર્શના કારણે પણ છોકરા/છોકરીમાં અજાણ્યા કે જાણિતા વ્યક્તિના સ્પર્શનો ડર પેસી જાય છે.

friends-from-collegeઆ વાતો ખયાલી પુલાવ લાગતી હોય તો આ ઉદાહરણ જૂઓ. ૨૦૦૮-૦૯ વખતે નેશનલ બાસ્કેટબોલ સિઝન રમાઈ હતી. એ વખતે સાયકૉલોજી ડિપાર્ટમેન્ટના હેડ અને રિસર્ચર ડૉ. કેલ્ટનરે એક પ્રયોગ કર્યો હતો. એમાં જોવા મળ્યું હતું કે જે ટીમના એથલીટે વારંવાર હકારાત્મક રીતે એકબીજાને સ્પર્શ કર્યો હતો તેમનો દેખાવ સારો રહ્યો હતો! રમતગમતમાં ‘ચેસ્ટ બમ્પ’ એટલે કે એકબીજાથી છાતી ટકરાવવી, ‘હાઈ-ફાઈ’ એટલે કે એકબીજાને હવામાં તાળી આપવી, ભેટવું, બટ પર મારવું, વગેરે રીતે ખેલાડીઓ એકબીજાને સ્પર્શતા હોય છે. આપણી રોજિંદી જિંદગીમાં પણ વાતોવાતોમાં તાળી આપીએ કે પાડીએ છીએ એ શું છે? અલગ-અલગ સંજોગોમાં જૂદી-જૂદી રીતે કરાયેલા પોઝિટીવ સ્પર્શથી ઑક્સિટોસિન, સેરોટીન અને ડોપામાઈન નામના હોર્મોન્સ શરીરમાંથી છૂટે છે. હા, ઘણી વખત, અને ખાસ તો અજાણ્યા શખ્સને સ્પર્શ કરવાથી તે કામ નથી કરતું.

***

idoh-socialise
મિત્રતાનો સ્પર્શ!

એ કેટલી વિચિત્ર અને રસપ્રદ વાત છે કે માણસ કે પૃથ્વી પરનો કોઈપણ જીવ જન્મે ત્યારથી તેના શરીર(ચામડી)નો કોઈએક ભાગ બહારની કોઈ વસ્તુ કે વ્યક્તિ સાથે હંમેશ સંપર્કમાં રહે છે, તેને અડતો રહે છે. સ્પર્શ વિશે હજુ અમુક રસપ્રદ વાતો જોઈએ: કૂતરા કે અન્ય કોઈ પાલતુ પ્રાણીના ગળા પર જ્યારે તમે હાથ ફેરવો, તેને સહેલાવો, તેની ગર્દન થપથપાવવો ત્યારે તેને વધારે આનંદ થયો હોય છે. તેને ‘પોતાપણું’ અનુભવાતું હોય છે! ફિલ્મોમાં હિરો અથવા વિલન શા માટે ગળા પર હાથ થપથપાવીને તેને છૂ કહેતો હોય છે તે હવે સમજાશે! ચુંબન એ સ્પર્શનું રૉમેન્ટિક ઍન્ગલ છે. સ્ત્રીને કાન અને ગળા અને સ્તન પર સ્પર્શ કરવો એ સ્ત્રી-પુરુષ બંનેની તબિયત માટે સારું છે! હૉસ્પિટલમાં બિછાને પડેલા દાદા/દાદીનો હાથ ગરમીથી હાથમાં લઈ જોજો, તેમનામાં સ્ફૂર્તિ આવી જશે! સ્વજનની હાથની ગરમાહટ તમે અનુભવી શકશો. એટલે જ પીઠ પાછળથી હાથ વડે આંખ બંધ કરીને ‘પહેચાન કૌન’ કરનારાને આપણે પળભરમાં ઓળખી પાડીએ છીએ! અંગત વ્યક્તિને સાજા કરવામાં થતા સ્પર્શના ઈનડાયરેક્ટલી ઉપયોગને આજ સુધી મેડિકલ વિજ્ઞાન નથી સમજી શક્યું!

તો… આજ પછી ક્યારેય કોઈ તમને ગુસ્સામાં કહે કે ‘હાથ લગાડીને તો બતાવ’, તો તેને પ્રેમપૂર્વક ભેટી પડવાનું! ‘મુન્નાભાઈ’ની જાદૂ કી જપ્પી એ જ હતી ને!

જે બાત!

હથેળી બહુ વ્હેમવાળી જગા છે અહીં સ્પર્શ ઘસતા  પ્રેતો થયા છે

હવે પાંપણોમાં અદાલત ભરાશે, મેં સ્વપ્નો નીરખવાના ગુના કર્યા છે

-રમેશ પારેખ

@Parth Dave (Janmbhoomi Group- Kutchmitra)

Date: 27-02-2019

sparsh advana fayda 27-02 (2).jpg

sparsh advana fayda 27-02 (1)
“અક્ષરત્વ”, જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’; પાના નં. 6,  તા. 27-02-2019

3 comments on “સ્પર્શઃ ‘અડવાના’ ઘણા ફાયદા છે!

  1. ભાઈ, તારો સંપૂર્ણ લેખ હ્રદય સ્પર્શી…

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: