Movies Review

ટોટલ ધમાલ

ટોટલ બકવાસ

Rating: 1.1 Star

2007માં આવેલી ‘ધમાલ’ની ત્રીજી કડીમાં નથી ધમાલ, નથી મનોરંજન, નથી મજા. ગલગલિયાં કરીને હસાવવા આના કરતાં વધારે ઉચિત માર્ગ છે! બાળકો માટેની કોઈ બીજી ફિલ્મ અથવા ‘ટૉમ એન્ડ જેરી’ તમે જોઈ શકો. ‘ગલી બૉય’માં બીજી વાર જઈ શકો, પણ અહીં… તમારા પૈસે, સમયે અને જોખમે. પછી ટોકતા નહીં કે રોક્યા નહીં!

ડિવૉર્સ લૉયરની સામે ગુજરાતી ભાઈ અવિનાશ પટેલ(અનીલ કપૂર) અને મરાઠી મુલગી  બિન્દુ(માધુરી દીક્ષિત) બેઠા છે. બંને એકબીજાથી કંટાળેલા છે. અવિનાશ કહે છે કે, 17 વર્ષ અમે એકબીજાની સાથે રહ્યા, હવે છૂટા પડવું છે. ઍકચ્યુઅલી, અનિલ અને માધુરી 17 વર્ષ પછી ફિલ્મમાં સાથે દેખાઈ રહ્યા છે તે વાત મેટાફરની સાથે ડિરેક્ટર કહી રહ્યા છે! પછી અનિલ કપૂરના મોઢે એક ડાયલૉગ છે કે મેં છેલ્લા 17 વર્ષથી કેવો પોતાને મેન્ટેન રાખ્યો છે! આ પણ અનિલ ‘ઝક્કાસ’ કપૂરના વ્યક્તિત્વને સલામ કરતો ડાયલૉગ છે. આ દ્રશ્યો પ્રતિકરૂપે રજૂ થયા છે તેમ દર્શકો સમજે અને મજા કરે તો બરાબર; બાકી આ સિવાય ફિલ્મમાં એક પણ મીનિંગફૂલ, અરે મીનિંગફુલ તો દૂરની વાત છે, સરખો માઈન્ડલેસ સીન પણ નથી! સામાન્ય રીતે આ પ્રકારની ફિલ્મો માટે કહેવાતું હોય છે કે મગજને ઘરે રાખીને જોજો, પણ અહીં એ પણ શક્ય નથી.

કારણ?

આપુ તમને; એક નહીં, હજાર આપુ તમને!

સૌથી પહેલું શીરાની જેમ ગળે ઊતરી જાય એવું કારણઃ આ ફિલ્મનું ટ્રેલર તમે જોયું? એ અઢી-ત્રણ મિનિટનું ટ્રેલર હથોડા ‘હાઉસફુલ’ના ત્રણેય ભાગને એકીસામટા મહાન કહેવડાવે તેવું લાગતું હોય તો વિચારી લો કે આ તેને ખેંચીને 129 મિનિટની ફિલ્મ બનાવી છે! પહેલા અતિશય લાઉડ(ડિરેક્ટરની નજરે ‘ધમાકેદાર’) ‘પૈસા પૈસા’ ગીતથી શરૂઆત થાય છે. પછી  ગુડ્ડુ(અજય દેવગન) અને જૉની(સંજય મિશ્રા)ની એન્ટ્રી પડે છે. તેઓ મુંબઈના કમિશનરે(બમન ઈરાની) ચોરેલા 50 કરોડ રૂપિયા ચોરે છે અને તેમની પાસેથી તે પીન્ટુ(મનોજ પાહવા) ચોરે છે. પીન્ટુ જનકપુરમાં આવેલા પ્રાણીબાગનો ટ્રેઈનર રહી ચૂક્યો છે. તે પોતાની આખરી ક્ષણો દરમિયાન ગુડ્ડુ અને જોની ઉપરાંત આદિ-માનવ, બિન્દુ, અવિનાશ, દેશબંદુ સહિત ડઝનેક જણાને માહિતી આપે છે કે, ૫૦ કરોડ જનકપુરમાં આવેલા ઝૂમાં ક્યાંક OKમાં સંતાયેલા છે.

ઈન્દ્રકુમારની પહેલી ‘ધમાલ’ જેમણે જોઈ હશે તેમને આ વન-લાઈનર વાર્તા યાદ હશેઃ લાલચુ માણસોનો સમૂહ ખજાનાની શોધમાં સાહસિક સફર ખેડે છે. તેમને વચ્ચે અવરોધો આવે છે અને ત્યાં હાસ્ય સર્જાય છે. ‘ધમાલ’ કલ્ટ કૉમેડી સાબિત થઈ હતી, તેનો બીજો ભાગ ‘ડબલ ધમાલ’ ભંગાર સાબિત થયો હતો અને આ ત્રીજો ભાગ, ‘ટોટલ ભંગાર’ સાબિત થયો છે!

ફિલ્મના અઢળક માઈનસ પૉઈન્ટસમાંથી મસમોટો માઈનસ પૉઈન્ટ તેની સ્ટારકાસ્ટ અને પાત્રાલેખન છે. (કેમ કે, વાર્તા તો કહ્યું એમ, કંઈ છે જ નહીં!) મૂળ ફિલ્મના ‘આદિ-માનવ’(અરશદ વારસી, જાવેદ જાફરી) અને ડિટેક્ટિવ રૉય(રિતેશ દેશમુખ) અહીંમાત્ર રિપીટ થયા છે, બાકીના નવા છે. આ ત્રણેય કલાકારોની અભિનયક્ષમતા જબરદસ્ત છે પણ અહીં ડિરેક્ટર-રાઈટર તે કઢાવવામાં નિષ્ફળ ગયા છે. માત્ર જાવેદ જાફરી, તેની પહેલી ‘ધમાલ’નું પાત્ર યાદ અપાવતા થોડી રિલીફ આપે છે. રિતેશ દેશમુખ અહીં દરેક વાક્યની આગળ ‘બે’ લગાડીને ભોજપુરી બોલવાનો ભ્રમ-સંતોષ માને છે. એ જ રીતે અનિલ કપૂર ગુજરાતી માણસ બન્યો છે જે ગુજરાતી નથી લાગતો અને માધુરી મરાઠી મુલગી બની છે જે મરાઠી નથી લાગતી! અને અજય દેવગન, તેની પાસે ઢંગની કૉમેડી રોહિત શેટ્ટી જ કરાવી શકે છે; અહીં તે શરમ આવે એ હદે હાસ્યાસ્પદ લાગે છે. આ તમામ પાત્રો પહેલી પંદર મિનિટ પછી OKની અંદર છૂપાયેલા ખજાનાની શોધમાં નીકળે છે અને આપણે થોડા..ક પણ મનોરંજનની શોધમાં. ઈટ ઈઝ નૉટ ઓકે! એમને તો ખજાનો મળી પણ જાય છે!

આટલા બધા પાત્રોની ભેળપૂરી ઉપરાંત ફિલ્મમાં જૉની લીવર, મહેશ માંજરેકર, પિતોબાશ ત્રિપાઠી, વિજય પાટકરના ટૂંકા રોલ છે. જૅકી શ્રોફનો વૉઈસ ઑવર છે. છેલ્લે છેલ્લે એષા ગુપ્તા અને વચ્ચે સોનાક્ષી સિન્હા પણ આવે છે. સોનાક્ષી ૭૭’ની ‘ઇનકાર’ ફિલ્મના ‘મુંગડા’ ગીતને બહુ જ ખરાબ રીતે પરફૉર્મ કરીને આપણો સમય બગાડે છે. ફિલ્મના સૌથી પહેલા, વચ્ચે અને છેલ્લે આવતા ત્રણેય ગીત નબળા છે.

ઈન્દ્ર કુમારની દરેક ફ્રૅન્ચાઈઝી ફિલ્મોની પહેલી ફિલ્મ સુપરહીટ રહે છે(મસ્તી, ધમાલ), પછીના ભાગોમાં ફન, હ્યુમર, કૉમેડી બધું જ ગાયબ થઈ જાય છે. આ ફિલ્મમાં તો ઝૂ છે અને ઝૂના ખરાબ VFXના નમૂનારૂપ પ્રાણીઓ પણ છે. પતિ-પત્ની વચ્ચેના વૉટ્સઍપ પર પણ વાસી લાગે એવા જૉક્સ છે. ઈન્દ્રકુમાર બ્રૅન્ડ તમામ પાત્રોની કૉમિક જર્ની છે; જેમાં ગાડી, હૅલિકોપ્ટર, બીલ્ડિંગ, બ્રિજ, લૉજિક બધું જ ક્રૅક થાય છે! ટૂકડાઓમાં કૉમેડી સર્જવા માટે દરેક પાત્રોને વેડફવામાં આવ્યા છે, એમાં સાઉથના જાણીતા કૉમેડીયન ઍક્ટર અલીનો પણ સમાવેશ થઈ જાય!

ફિલ્મની વાર્તા, ડાયલૉગ્સ અને સ્પાર્કનો દાંટ વાળવામાં ઈન્દ્ર કુમારને વેદ પ્રકાશ, પરિતોષ પરમાર અને બન્ટી રાઠોડે પૂરતો સાથ આપ્યો છે. જો તમને પહેલી ‘ધમાલ’ ગમી હોય તો એ ફરી જોઈ લેજો! ટીવી પર ગમે તેટલી વખત જોઈ હશે, ફરી મજા જ પડશે એટલી ફ્રેશ તેની ટ્રીટમેન્ટ હતી. અને જો… તમને ‘ડબલ ધમાલ’ સહેજ પણ ગમી હોય તો આ ફિલ્મ જોવા માટે થિએટર ભણી ડગ માંડજો. તમારા સમયે, પૈસે અને જોખમે! છૂટાછવાયા પાંચેક જૉક્સ પર જેન્યુઈન હસવું આવી જાય તો… નર્મદા નાહ્યા!

ઈટ્સ મૅડ, મૅડ, મૅડ, મૅડ વર્લ્ડઃ ના, આ ‘ટોટલ ધમાલ’ને આપેલું વિશેષણ નથી! ઈન્દ્રકુમારની પહેલી ‘ધમાલ’ આ નામની સ્ટૅનલી ક્રેમરની અમૅરિકન કૉમેડી ફિલ્મની ઑફિશિયલ રીમેક હતી, જેમાં ઊંધા Wની અંદર ખજાનો દાટેલો હતો!

@Parth Dave

(Review for Mid-day, Mumbai:  23 February 2019)

Total dhamaal 23-02
Mid-day, Mumbai. Page No. 38, Date: 23-02-2019

 

0 comments on “ટોટલ ધમાલ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: