Interviews Television

ખીચડી, બા બહુ ઔર બૅબી, સારાભાઈ Vs સારાભાઈના લેખક આતિશ કાપડિયા

લેખક-દિગ્દર્શક આતિશ કાપડિયા કહે છે કે, ‘ખીચડી’નો જન્મ વિદ્રોહમાંથી થયો છે!

મેકડોનાલ્ડ્સમાં તારાચંદ ભગત કરતા વધારે લાઈન જોઈને ‘ભાખરવડી’ લખવાનો વિચાર આવ્યોઃ આતિશ કાપડિયા

લોકપ્રિયતાના શીખરો સર કરી ચૂકેલી ‘ખીચડી’, ‘બા બહુ ઔર બેબી’ અને ‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’ જેવી સીરીયલ્સ અને તેનાથી અધિક લોકપ્રિય તેના પાત્રોનો જન્મ કેવા સંજોગોમાં થયો? લેખક-દિગ્દર્શક આતિશ કાપડિયા જણાવે છે તેમની રસપ્રદ લેખન-જર્ની.

Written by Parth Dave

-‘મધ્યાંતર’ કૉલમ

(જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’, ‘ફૂલછાબ’, ‘જન્મભૂમી’)

aatish kapdia
આતિશ કાપડિયા

સબ ટીવી પર ૧૧મી ફેબ્રુઆરીથી એક અનોખા નામવાળો શો શરૂ થયોઃ ‘ભાખરવડી’ સામાન્ય રીતે આ નામ વાંચતા આપણને ખાવાનું યાદ આવે પણ હવે તે જોવાનું યાદ આવશે! ‘ભાખરવડી’ શોમાં ગુજરાતી અને મરાઠી એમ બે પરિવારની વાત છે, જેઓ ભાખરવડીની દુકાન ધરાવે છે. મરાઠી પરિવારના મોભીના પાત્રમાં ગટ્ટુ ફૅમ દેવેન ભોજાણી છે તથા ગુજરાતી વડિલના પાત્રમાં પરેશ ગણાત્રા છે. ‘ભાખરવડી’ શોના પ્રોડ્યુસર ‘ખીચડી’, ‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’, ‘મીસીસ તેંદુલકર’ અને ‘બા બહુ ઔર બેબી’ સહિતની સીરીયલોના નિર્માતા જે.ડી મજેઠીયા છે. આ તમામ કલાકાર-કસબીઓએ તાજેતરમાં અમદાવાદની મુલાકાત લીધી. ‘કચ્છમિત્રે’ આ તમામ શોનો આઈડિયા લાવનાર, તે લખનાર અને તેમાંના અમુક ડિરેક્ટ કરનાર આતિશ કાપડિયા સાથે વાત કરવાની તક ઝડપી લીધી.

આતિશ કાપડિયાનો સીધો પરિચય આપવો હોય તો ‘સપનાના વાવેતર’ અને તેના પરથી જે હિન્દી સિરીયલ બની તે ‘એક મહેલ હો સપનો કા’ના લેખક. ત્યાર બાદ આતિશભાઈના ‘આંધળો પાટો’ નાટક પરથી મોટા બચ્ચનને ચમકાવતી ફિલ્મ ‘આંખે’ બની અને તેમના ‘આવજો વ્હાલા ફરી મળીશું’ નાટક પરથી અક્ષય કુમાર-બચ્ચનની ‘વક્ત’ ફિલ્મ બની. આ ઉપરાંત તેમણે ‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’, ‘ખીચડી’, ‘બા બહુ ઔર બેબી’(એઝ અ રાઈટર) વગેરે અત્યંત સફળ થયેલી સિરીયલો લખી અને ડિરેક્ટ કરી છે. ‘ભાખરવડી’ વિશે વાત કરતા આશિત કાપડિયાએ કહ્યું કે, ‘આ શોનો જન્મ હું ભાખરવડી ખાઈ રહ્યો હતો ત્યારે-એ ક્ષણે જ થયો! મને અચાનક વિચાર સ્ફુર્યો અને હું જેડી(પ્રોડ્યુસર)ની કૅબિનમાં ગયો. મેં એને ભાખરવડીની દુકાન ચલાવતા બે અલગ-અલગ પરિવારની વાર્તા સંભળાવી. તેને ગમી ગઈ અને મેં વાર્તા ડેવલોપ કરવા માંડી.’

Bhakharwadi
સબ ટીવી પર આવતી સિરીયલ ‘ભાખરવડી’

‘હું મોલમાં જ્યારે તારાચંદ ભગતની જગ્યાએ મેકડોનાલ્ડ્સ પર વધારે લાઈન જોઉં ત્યારે સાલું દુઃખ થાય છે. મારો શો બનાવવા પાછળનો લાગેલો મૂળ ધક્કો આ જ હતો!’ આતિશ કાપડિયા આજે ગુજરાતમાં ફૂડ કલ્ચરમાં જોવા મળતા ધરખમ ફેરફાર વિષે વાત કરે છે. આજના આપણા નાસ્તાની પસંદગી આતિશભાઈએ સિફતપૂર્વક ઓબ્સર્વ કરી છે. તેઓ કહે છે કે, ‘મેં મારા દીકરાને પણ કહ્યું છે કે મને મેકડોનાલ્ડ્સ સામે કોઈ વાંધો નથી; અને જો તમે તેને સ્ટાન્ડર્ડડાઈઝ ફૂડ માનતા હો તો તેની સામે આપણો નાસ્તો પણ સારો છે જ. બાકી જો તમારે કચરો જ ખાવો હોય તો આપણો કચરો ખાવ! મને તકલીફ થાય છે જ્યારે સાંભળુ છું કે તારાચંદ ભગતની દુકાન બંધ થઈ! એક રીતે જોતા હું અન્ના(‘ભાખરવડી’ સિરીયલનું મરાઠી પાત્ર) છું!’

with atish kapdiya.png
આતિશ કાપડિયા સાથે લેખક-પત્રકાર પાર્થ દવે

આપણા ગુજરાત પાસે તો જગદીશનો ચેવડો, લીલવાની કચોરી, કચ્છની દાબેલી, વગેરે અઢળક ચટાકેદાર આઈટમો છે! જેને કેન્દ્રમાં રાખીને  ઘણી સિરીયલો અને હવે તો ગુજરાતી ફિલ્મો બની શકે એમ છે. આતિશભાઈ કહે છે કે, ‘‘ભાખરવડી’ ટાઈટલ મેં પહેલાથી જ નક્કી રાખ્યું હતું. કેમ કે, અન્ય ખાદ્ય આઈટમમાં હું વિચારધારાને નહોતો જોઈ શક્તો. ‘ભાખરવડી’ તો પુનામાં પણ ફૅમસ છે અને આપણા ગુજરાતમાં પણ, અને રિસર્ચમાં અમને જાણવા પણ મળ્યું કે આ બે પ્રાંત વચ્ચે ભાખરવડીને લઈને વર્ષોથી નાનો-મોટો સંઘર્ષ પણ ચાલ્યા કરે છે! પુનામાં તે ‘બાકરવડી’ કહે છે. તો બે પ્રાંતને જોડતી વસ્તુ હોવાથી અમે ‘ભાખરવડી’ નામ રાખ્યું.’

khichdi_0.jpeg
અત્યંત લોકપ્રિય સિરીલય ‘ખીચડી’

અગાઉ કહ્યું એમ આતિશ કાપડિયાએ ‘ખીચડી’ સિરિયલ લખી અને ડિરેક્ટ કરી છે. તેના પ્રફૂલ, હંસાથી લઈને બાબુજી સુધીના પાત્રો ઘેર ઘેર જાણીતા થયા છે. આ પાત્રોના સર્જન વિશે વાત કરતા આતિશભાઈ કહે છે કે, ‘‘ ખીચડી’ સિરીયલનો જન્મ વિદ્રોહમાંથી થયો છે! વાત એમ છે કે ‘એક મહેલ હો સપનો કા’ અને ‘અલ્પવિરામ’ સિરીયલ બાદ હું મારો એક નવો આઈડિયા લઈને નિર્માતા પાસે ગયો હતો. મેં એને કહ્યું કે મારે આના પરથી સિરીયલ બનાવવી છે અને મારે જ પ્રોડ્યુસ કરવી છે. એમણે મને જવાબ આપ્યો કે, તને ટીવી લખતા જ નથી આવડતું! હું સમસમી ગયો. પોતાના પર ગુસ્સે થયો. મેં ફરી જેડીને બોલાવ્યો; તેને ખીચડી ‘સિરીયલ’નો વન-લાઈન આઈડિયા સંભળાવી દીધો. મેં એને કહ્યું કે, આપણે અત્યારે જે ટીવીમાં થઈ રહ્યું છે તેનાથી ઊલટું કરીશું. એ વખતે(૨૦૦૨)માં ટીવી પર વડીલોને આદર, છોકરાઓ અસંસ્કારી અને બાકી ઘરના ઝઘડાઓ-દર્શાવાતા. અમે ‘ખીચડી’માં તદ્દન ઊલટું  કર્યું. ‘ખીચડી’નો એકપણ પાત્ર રીલેટેબલ નહતું. દરેક પાત્રો નફ્ફટ અને ધીટ હતા! આશ્ચર્યજનક રીતે તે સિરીયલ અત્યંત સફળ પૂરવાર થઈ! બધા જ રૂલ્સ તૂટી ગયા. અમારી તરફ જે જે થિઅરીઓ ફેંકવામાં આવી હતી તેને અમે તોડી નાખી.’

sarabhai-vs-sarabhai-take-2
સારાભાઈ વર્સિસ સારાભાઈ, જેનો બીજો ભાગ 2017માં હોટસ્ટાર પર રિલીઝ કરાયો

આતિશભાઈ એક રસપ્રદ વાત કરે છે કે, ‘તમે માર્ક કરજો, ખીચડીના એકેય પાત્રમાં દંભ નહતો. એ લોકો આખાબોલા હતા પણ સાચા હતા! પાત્રોને એકબીજા પ્રત્યે દ્વેષ નહતો. બીજું એ કે, એ તમામ પાત્રો વાસ્તવિક જિંદગીમાંથી આવેલા છે. જે ખૂબ જ પોપ્યુલર થયું તે હંસાનું પાત્ર મેં મારી મા પરથી બનાવ્યું હતું. મારી મમ્મી અતિ શ્રીમંત કુટુંબમાંથી આવી હતી. તેર ભાઈ-બહેનોમાં એ સૌથી નાની. એને કામ શું છે તે ખબર જ નહોતી. મારા પપ્પા પણ શ્રીમંત, તેથી મમ્મીની ખૂબ કૅર કરે. તેને રાણીની જેમ રાખતા. અને એક વખત એવો આવ્યો કે અમે બધા પૈસા ગુમાવી દીધા. ત્યારે મારી માને કંઈ સમજાયું નહીં. પણ એ ખૂબ જ ભોળી; તેનામાં છળકપટ નહીં, પણ સાથે આવડત પણ નહીં! તે પ્રયત્ન કરે પણ કંઈ આવડે નહીં. આ તમામ બાબતોનું મિશ્રણ કરીને મેં કૅરૅક્ટર બનાવ્યું. અમે એ વખતે દેરાણી-જેઠાણીના સંબંધને પણ રી-ડિફાઈન્ડ કર્યો. એ વખતે લોકો રસોડા-રૂમમાં ગંભીર થઈને ઝઘડ્યા જ કરતા!’

‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’ સિરીયલનો બીજો ભાગ સાત વર્ષ પછી-૨૦૧૭માં વેબ પ્લેટફૉર્મ ‘હોટસ્ટાર’ પર રિલીઝ કરાયો. એ પણ ખૂબ જ લોકપ્રિય રહ્યો. તેના વિચિત્ર રોસેઝનું પાત્ર ખૂબ વખણાયું, એ પાત્ર પણ આતિશભાઈએ કહ્યું કે વાસ્તવિક જિંદગીમાં છે અને તે વ્યક્તિ ‘સારાભાઈ…’શોનો દિવાનો છે!

baa bahu aur baby
ઘેર ઘેર જાણીતી ટીવી સિરીયલ ‘બા બહુ ઔર બૅબી’

‘બા બહુ ઔર બૅબી’ સિરીયલની વાત કરીએ તો તમે નોંધ્યું હશે કે એમાં કોઈ સળંગ વ્યવસ્થિત વાર્તા નહોતી છતાંય દર્શકોએ તેને વધાવી. તેનું કારણ આપતા આતિશ કાપડિયા કહે છે કે, ‘અમારા પાત્રો મજબુત હતા. તેના કારણે અમે વાર્તા વગર દર્શકોને હોલ્ડ કરી શક્યા.’ આતિશભાઈ ચ્વીંગમની જેમ ખેંચાયા કરતી અને બિનજરૂરી લંબાયા કરતી શોપ ઑપેરા તરફ નિર્દેશ કરતા કહે છે કે, ‘સામાન્ય રીતે સીરીયલના અંતે પરાણે કોઈ હૂક પૉઈન્ટ રાખવામાં આવે છે જેથી દર્શકો રાહ જુએ અને પછી(ના હપ્તામાં) કંઈ ખાસ વળાંક આવતો હોતો નથી! એ દર્શકો સાથેની છેતરપીંડી છે. અમે તે હૂક પૉઈન્ટવાળી વાત જ કાઢી નાખી, પણ પાત્રો આપ્યા. લોકોને પાત્રો એટલા ગમી ગયા કે તેને માણવા માટે લોકો સિરીયલ જોવા આવતા.’

deven bhojani (1)
બ્રિલિયન્ટ અભિનેતા દેવેન્દ્ર ભોજાણી સાથે

પૅક અપઃ વિપુલ શાહ, દેવેન ભોજાણી, પરેશ ગણાત્રા, જેડી મજેઠિયા અને આતિશ કાપડીયાઃ આ પાંચ દોસ્તોની જર્ની રસપ્રદ છે. પાંચેય એક જ- એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં છે પણ દરેકમાં અલગ-અલગ ટેલેન્ટ છે. વર્ષોથી આ પાંચેય ગુજરાતી દોસ્તારો એકબીજાની સાથે રહ્યા છે. એકબીજાને મદદ કરતા રહ્યા છે. આ પાંચેયની દોસ્તી પર એક અદભૂત ફિલ્મ કે ટેલીફિલ્મ બની શકે એમ છે! (દેવેન ભોજાણી સાથેની વાતચીતમાંથી)

@Parth Dave (Janmbhoomi Group- Kutchmitra & Phulchhab & Janmbhoomi Newspaper)

Date: 22-02-2019

bhakharvadi kutchmitra 22-02.jpg
“મધ્યાંતર”, જન્મભૂમિ ગ્રુપ-કચ્છમિત્ર, પાના નં. 6; તારિખઃ 22-02-2019
bhakharvadi janmbhoomi 22-02
“મધ્યાંતર”, જન્મભૂમિ ન્યુઝપેપર, પાના નં. 7; તારિખઃ 22-02-2019

0 comments on “ખીચડી, બા બહુ ઔર બૅબી, સારાભાઈ Vs સારાભાઈના લેખક આતિશ કાપડિયા

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: