Interviews Television

ઈન્ટરવ્યુ ઑફ સિંગર શાન

જાણીતા ગાયક શાનના મતે સંગીત એ મેડિટેશનની ગરજ સારે છે

આજના બાળકોમાં સંગીતને લઈને જબરદસ્ત ઝનૂન છે: શાન

જાણીતા ગાયક શાને રિઆલીટી શોમાં દર્શાવાતી બૅકસ્ટોરી, પોતાનો સંગીત સાથેનો વર્ષોનો સંબંધ તથા બાળકો માટે સંગીત કેટલું જરૂરી- સહિતના વિષયો ઉપર ‘કચ્છમિત્ર’ સાથે ખાસ વાતચીત કરી.

Interviewed by Parth Dave

-‘મધ્યાંતર’ કૉલમ

(જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’, ‘ફૂલછાબ’)

19f82651-8c66-49db-8df3-5f2b283c5310
અમદાવાદની પ્રાઈડ હોટલ ખાતે શાન

૨૦૦૬થી ઝી ટીવી પર બાળકોનો સિંગિગ રિઆલિટી શો ‘સા રે ગા મા પા લીટલ ચેમ્પ’ સમયાંતરે આવતો રહ્યો છે. આ વર્ષે તેની ૭મી સિઝન ઓનએર થશે. પહેલી સિઝનમાં હોસ્ટ તરીકે ગાયક શાંતનુ મુખર્જી એટલે કે શાન હતા. આજે-૧૩ વર્ષ પછી તેઓ ખુબ જાણિતા ગાયક બની ચૂક્યા છે અને આવી રહેલી સિઝનમાં તેઓ જજની ભૂમિકામાં છે. તાજેતરમાં અમદાવાદ આવેલા શાને ‘કચ્છમિત્ર’ સાથે ખાસ વાતચીત કરી.

પેશ છે…

આજે બાળકો પર વધારે પડતા પ્રેશરની વાત થઈ રહી છે, અને આ તો શો જ બાળકોનો છે. સ્પર્ધા દરમિયાન એમના માટે સ્ટ્રેસ મેનેજમેન્ટ જેવું કંઈ હોય છે?

જુઓ, હું શો સાથે ૨૦૧૪માં જજ તરીકે જોડાયો. ત્યાર પછી અમે સારાએવા ફેરફાર કર્યા. જેમ કે, બાળકોને ઘણા દિવસો રોકાણ કરવાનું હોય તો હોટલમાં ઉતારો નથી આપતા, બલ્કે ઝી ચેનલના પોતાના બંગલામાં તેઓ રોકાય છે. જ્યાં બિલકુલ ઘર જેવું વાતાવરણ છે. જે રીતે સ્કુલ કે ગુરુકુળમાં બાળકોની વ્યવસ્થા હોય છે એવી જ વ્યવસ્થા અહીં આપવામાં આવે છે, જેથી તેમને ભાર ન લાગે.

saregamapa-lilchamps-2019-judges.JPG
સા રે ગા મા પા લિટલ ચેમ્પ-2019, જ્યાં એક સમયે શાન એન્કર હતા ત્યાં હવે જજ તરીકે.

શો દરમ્યાન બાળકોમાં કેટલો બદલાવ આવે?

ઘણો જ.

પણ… સામાન્ય રીતે તેમને મળતા ગુરુ પર તે વધારે આધાર રાખે છે. કેમ કે, દરેક ગુરુની એક અલગ શૈલી અને ટેકનીક હોય છે, જે બાળકો અપનાવે છે. તેમને ગાતા તો આવડે જ છે પરંતુ અહીં તેની બારિકાઈ અને ફિનિશિંગ ટચ શીખે છે. રિયાઝ અને યોગા કરે છે તેઓ. આનાથી બાળકો તો શું, મોટાઓમાં પણ ઘણો બદલાવ આવે છે!

આજે યુ-ટ્યુબ અને મોબાઈલ; એમાંય પબજી રમતા બાળકોનો યુગ છે. તો તમને લાગે છે કે આપણી જે વિરાસત કે ગાયકી છે તે ભૂલાઈ રહી હોય?

આજના બાળકો…(વિચારીને) કંઈક વિચિત્ર છે! મારા બાળકો પણ સંગીત સાથે જોડાયેલા છે પરંતુ તેઓ પૂરતો સમય સંગીતને નથી આપતા. (હસતા હસતા)જોકે, બંને પબજી નથી રમતા પણ અભ્યાસ તથા ફૂટબોલ સહીત બીજી બધી રમતો રમ્યા કરે છે, પણ તેમનામાં સંગીતને લઈને ઝનૂન જબરદસ્ત છે. એટલે જ કહ્યું કે આ વિચિત્ર જનરેશન છે! આજે પાંચ વર્ષનો છોકરો કાગળમાં જોયા વિના અને ઉચ્ચારની એકપણ ભૂલ વિના જે રીતે સૂર-તાલમાં ગાય છે તે જોઈને છક થઈ જવાય. તેઓ ઉર્દુ શબ્દો સાચા બોલે છે, ખુશી અને દુઃખનો ભાવ તેઓ દર્શાવી શકે છે. તો મને લાગે છે કે આ બધું મા-બાપની સંભાળ અને યોગ્ય ટ્રેનિંગના કારણે જ શક્ય છે. આજના બાળકોમાં કંઈક ચમત્કાર હોય એવું મને લાગે છે! જેના કારણે આટલા પ્રલોભનો છતાં, ટેક્નોલોજીનો સતત ઉપયોગ કરીને પણ તેઓ સુંદર ગાઈ શકે છે!

Sa-re-ga-ma-pa-lil-champs-2019-696x392.pngતમને લાગે છે કે મ્યુઝિક બાળકો માટે ફરજિયાત હોવું જોઈએ?

એકદમ! તમે સૂરમાં ગાઓ કે ન ગાઓ પરંતુ મ્યુઝિક એ એક મેડિટેશનની ગરજ સારે છે. તેનાથી એકાગ્રતા વધે છે. મ્યુઝિકને છોડો, તમે માત્ર એક ઓમકાર જ ગાઈ-વગાડી-સાંભળીને તમારા છાતી-હૃદયના ધબાકાર માર્ક કરજો; તમે તમારા અન્ય વિચારોથી થોડા સમય માટે કટ-ઑફ થઈ જશો. આ બહુ જ સરળ છે. બાકી, ખાસ ધ્યાન ધરો અથવા દીવાને એકચિત્તે જોઈને ધ્યાન કરો- આ બધું બાળકો માટેમુશ્કેલ છે. એના બદલે એક સૂર પકડીને ગાવાનું કહેશો તો તેના પ્રયત્નમાં જ મગજ એક જગ્યાએ ફોકસ થશે. યોગા અને મેડિટેશનનો જ આ એક ભાગ છે. સંગીતનો એક ક્લાસ ફરજિયાત હોવો જોઈએ. પણ તે ભારતીય સંગીત; બોલીવૂડ કે હિપહોપ નહીં.

WhatsApp Image 2019-02-12 at 8.58.45 PMબાળકોને સિલેક્ટ અથવા જજ કરતી વખતે તમે કઈ બાબત ધ્યાનમાં રાખો છો?

બાળકોને જજ કરતી વખતે હું સતત યાદ રાખું છું કે તેઓ બાળકો છે! આ ઉંમરે તેમને લાગણી(ઈમોશન્સ) અને રજૂઆત(એક્સપ્રેશન) જેવી મેચ્યોર બાબતો માટે આગ્રહ કરું તો તે થોડું વધારે થઈ જશે. કેમ કે તે બાબતો અંગત જિંદગીના અનુભવોમાંથી આવે છે. ફૅક ઈમોશન નાખવાની જરૂર નથી. એટલે હું ગીતના ઝોન પ્રમાણે બાળકની એનર્જી મેચ થાય છે કે નહીં તે જોઉં છું. બીજું એ કે, જરાક સારું ગાતો હોય તો હું તેને સીધું કહી નથી દેતો કે તું આવી જા સ્ટુડિયોમાં અથવા તું લતા મંગેશકરથી વધારે સારું ગાશ! કેમ કે એ તો નાના છે, સાચું સમજી બેસસે! ટેલીવીઝન પર માત્ર દેખાડા માટે સારી સારી વાતો કરવાનો કોઈ અર્થ નથી, અને સામે અતિશય નેગેટિવ કોમેન્ટ પણ ન થઈ જાય તેની ધ્યાન રાખું છું. ઈન શૉર્ટ, હું સેસેન્ટિવ રહું છું.

જે બાળકો આ પ્રોગ્રામ જોઈ રહ્યા છે પણ ત્યાં પહોંચી નથી શક્યા એમને શું કહેવા માગશો તમે?

સૌથી પહેલી વાત તો એ કે, ટેલિવીઝન જોનારો એક મોટો વર્ગ હવે ડિજિટલ બાજુ વળી ગયો છે. હું આ ક્ષેત્રમાં મારા ૨૩ વર્ષના અંગત અનુભવના આધારે કહું છું કે, આ રિઆલીટી શો ૧૨થી ૨૨ વર્ષના દર્શકો માટે છે જ નહીં. ખરેખર ઑડિયન્સ આ બાળકોના વાલીઓ છે, જેઓ ઘરે પોતાના બાળકોને બેસાડીને ટીવી જુએ છે. તો હું હંમેશ ચેનલને કહું કે જેઓ આ શો જોય છે તેમને ટાર્ગેટ બનાવો! વાલી શો જોતા જોતા પોતાના દીકરાને કહેશે કે, જો કઈ રીતે કોઈ ગામડાનો છોકરો મહેનત કરીને આવ્યો છે અને આટલું સુંદર ગાય છે.

મારે એટલું જ કહેવું છે કે કોઈપણ આર્ટ ફોર્મ હોય; ગાવાનું, વગાડવાનું કે પેઇન્ટિગ દોરવાનું, રિયાઝ(મહેનત-સંઘર્ષ) ફરજિયાત છે. એ કરશો તો એક દિવસ જરૂર તમને જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચી શક્શો.

IMG-20190206-WA0002
ગાયક શાન, પત્રકાર-લેખક પાર્થ દવે સાથે

રિઆલિટી શોમાં જે ઈમોશનલ વાર્તા બતાવાય છે એનાથી રિઝલ્ટ પર કોઈ અસર પડે છે?

ટુ બી ફ્રેન્કલી, તેનાથી અમારા જજમેન્ટમાં કોઈ ફરક નથી પડતો. હા, તેના કારણે પબ્લિક વોટિંગમાં જરૂર ફરક પડે છે! પણ જે વાર્તા બતાવાય છે તે કોઈ મનઘંડત નથી. એ બૅકસ્ટોરી પણ જરૂરી છે. ઘણી વખત લોકો સિંગિગથી વધારે તેની વાર્તાથી પ્રેરણા મેળવતા હોય છે. અહીં પ્રોબ્લેમ ત્યારે થાય છે જ્યારે તેમના ક્ષેત્ર કે વિસ્તારને લઈને વોટ થાય છે. મોટા શહેરમાં એ નથી થતું પણ છોકરો કોઈ ગામડેથી આવ્યો હોય તો આખું ગામ તેને વોટ આપે છે. અલબત્ત, એક રીતે તે સારી બાબત છે પણ ઘણી વખત એમાં ટેલેન્ટેડ છોકરાને અન્યાય થતો હોય છે. ત્યારે હું થોડો અપસેટ થઈ જાઉં છું.

૧૭ વર્ષના હતા ત્યારથી તમે સંગીત સાથે જોડાયેલા છો. તમારા મતે સંગીત શું છે? વૉટ ઈઝ મ્યુઝિક ફોર યુ?

સંગીત એ મારું એક્સટેન્શન(વિસ્તરણ) છે! હું સંગીતમય પરિવારમાં જન્મ્યો, મોટો થયો. અમારા ઘરમાં ૨૪ કલાક સંગીત વાગતું રહેતું. મારા પિતા મ્યુઝિક સર્જતા, કમ્પોઝ કરતા. એટલે કાન વાટે  હૃદય સુધી તો તે પહોંચી જ ગયું છે. હું હંમેશ સંગીત ગણગણ્યા કરું છું. સૌથી નિકટનો સાથી સંગીત છે.

તમે આ સવાલ કર્યો ત્યારે મને એક વાત યાદ આવે છે. વચ્ચે મને કોઈએ કહ્યું કે વોઈસ ઈન્સ્યોરન્સ થાય છે, તમે કરાવી લો. મેં કહ્યું કે ભઈ, અવાજ જ નહીં રહે તો ઈન્સ્યોરન્સનું શું કરીશ! મારી પાસે જે પણ છે આ અવાજ છે. એટલે આજ-કાલ હું મારા અવાજનું બહું ધ્યાન રાખી રહ્યો છું. હવે ઉંમર થઈ છે એટલે રિયાઝ વધારી દીધો છે. જૂદી-જૂદી એક્સરસાઈઝથી પણ અવાજ જળવાઈ રહે છે તો એ પણ કરું છું.

Shaan-and-Radhika.jpg
શાન તેની પત્ની રાધિકા સાથે

પૅક અપઃ ઉલ્લેખનીય છે કે, શાને ગુજરાતી ફિલ્મ ‘દુનિયાદારી’માં એક ગીત ગાયું હતું. તેના સાસુ ગુજરાતના અમદાવાદના રહેવાશી છે. શાન હસતાં હસતાં કહે છે કે, ‘મારી પત્ની ગુજરાતી છે. મને ગુજરાતી ફૂડ ખુબ જ ભાવે છે અને ભાષા; બદનસીબે હું ભાષા નથી શીખી શક્યો. મારી પત્ની બંગાળી બોલતી થઈ ગઈ પણ મને ગુજરાતી ન આવડી!

@Parth Dave (Janmbhoomi Group- Kutchmitra & Phulchhab)

Date: 15-02-2019

shaan interview phoolchhab 15-02
“મધ્યાંતર”, જન્મભૂમિ ગ્રુપ-ફૂલછાબ, પાના નં. 3; તારિખઃ 15-02-2019

 

15966F5
“મધ્યાંતર”, જન્મભૂમિ ગ્રુપ-કચ્છમિત્ર, પાના નં. 6; તારિખઃ 15-02-2019

 

0 comments on “ઈન્ટરવ્યુ ઑફ સિંગર શાન

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: