Movies Review

ગલી બૉય

બોલે તો એકદમ ઢાંસુ બૉય

Rating: 3.8 Star

 ઝોયા અખ્તરના આ વખતના આલિશન બૉમ્બેને નહીં પણ કઠણ ને વાસ્તવિક મુંબઈ તથા જય ઓઝાની આંખે ધારાવી ઝૂંપડપટ્ટીની ગલીઓ જોવા માટે પહોંચી જાઓ. શરત માત્ર એક જ છે કે, જે થિએટરમાં જાઓ તેની સાઉન્ડ સીસ્ટમ સારી હોવી જોઈએ, કેમ કે બાય ગૉડ 18 ગીતો છે અને બધામાં શબ્દોના સાથિયા પૂરેલા છે. ચિંતા ના કરો, અઘરા નથી; દેશી બમ્બૈયા ભાષાના શબ્દો છે! તો.. ક્યા સોચ રેલે હો? દેખી ચ ડાલો અપને ડિવાઈન ઔર નેઝીભાઈ સ્ટોરી કો.  

Ranveer-Singh-s-Gully-Boy-Posters-.pngકથી જ્ઞ સુધી માત્ર અક્ષરો છે, પણ આ બારાખડીના 34 અક્ષરો જો એકબીજા સાથે હળવા-મળવાનું શરુ કરી દે તો તેમાં એટલી તાકાત છે કે ભલભલના ભૂ પીવડાવી શકે! ગરીબી, બેકારી, લાચારી, મક્કારી-આ બધા પ્રકારની ‘રી’ને ખભે ચઢાવીને ફરતો અને નજીદીકી લોકોથી પરેશાન માણસ જ્યારે પોતાના મન-મસ્તિષ્કની ઘુટન બહાર કાઢવા શબ્દોનો સહારો લે, હૃદયની વેદના જ્યારે કાગળ પર ઉતારે, પોતાના દાઝી રહેલા સપનાઓ અને બાકી બચેલી અપેક્ષાઓ જ્યારે વ્યક્ત કરે અને તે વ્યક્ત કરનાર વ્યક્તિ મુંબઈની ધારાવી જેવી ઝૂંપડપટ્ટીમાં જન્મ્યો-મોટો થયેલો હોય, ત્યારે જે કવિતા કમ ગીત બહાર આવે તે કેવું હોય? તેને શું કહેવાય?

તેને રૅપ કહેવાય અને તે ગાનાર વ્યક્તિને હવેથી લોકો ‘ગલી બૉય’ કહેશે! ભારતના આવા જ જાણીતા રૅપર્સ નેઝી અને ડિવાઈનની જિંદગી પર લૂઝલી બેઝ્ડ ‘ગલી બૉય’માં ડિરેક્ટરે ઉપર વાત કરી તે વેદના અને ઘુટનને  સફળતાપૂર્વક કચકડે કંડાર્યા છે. બહુબધા પ્રશ્નો અને ઘરમાં બાપના ત્રાસથી કંટાળેલો મુરાદ(રણવીર સિંહ) એક અપરક્લાસ ફૅમિલીને ત્યાં ડ્રાઈવરની નોકરી કરે છે. ત્યાં તેના અસ્તિત્વની, તેના હોવાપણાની મજાક ઉડાવાય છે. મુરાદ કહ્યું એમ ગરિબ અને લાચાર છે. એ સિમ્બા નથી કે સામે બે દઈ દે; તે ચુપ રહે છે. પણ ગમ નથી ખાતો. ગાડીમાં બેસે છે, દરવાજો બંધ કરે છે અને જ્વાળા બની ચૂકેલી મનની ઘુટનને શબ્દોરૂપે બહાર કાઢે છેઃ ‘અપના ટાઈમ આયેગા. અપના ટાઈમ આયેગા. યે શબ્દો કા જ્વાલા મેરી બેડિયાં પીગલાએગા…’ દુઃખમાંથી સર્જન થાય તેને કચકડે કંડારવું એટલે આ. આ દ્રશ્યમાં મુરાદના હૃદયમાંથી શબ્દો અને આંખોમાંથી આંસુ બંને એકીસાથે નીકળી રહ્યા છે. વેલ ડન, ઝોયા અખ્તર!

‘અપના ટાઈમ આયેગા’ રૅપ ફિલ્મના ટ્રેઈલર અને ગીતો બાદ ખાંસુ એવું જાણીતું થયું. મૂળ ગીત રૅપર ડિવાઈને લખ્યું છે. ફિલ્મમાં આવા 18 રૅપ છે અને 54 આર્ટિસ્ટે(રૅપર્સ)એ તેમાં ફાળો આપ્યો છે. આ બધાનું સુપરવાઈઝેશન અંકુર તિવારીએ કર્યું છે.(એ માટે બધાની સાથે ક્રેડિટ્સમાં અંકુરભાઈનું પણ નામ આવે છે.) ફિલ્મમાં આ રૅપ સૉન્ગ્સ સૌથી મહત્વનું પાસું છે. એ નબળું પાસું પણ થઈ શકત અને સબળું પણ. અહીં સબળું થયું છે અને એટલું સ-રસ રીતે કે (મારા જેવા) જેને ભારતના કે કોઈપણ રૅપ -હિપ હૉપ કલ્ચર વિશે ખબર નથી એમને પણ આ ગીતો સાંભળવા ગમે છે. આ પૈકીના 4 ગીતો જાવેદ અખ્તરસાહેબે પણ અદભૂત લખ્યા છે. મૂળ ડિવાઈનનું ગીત ‘સબકા ટાઈમ આયેગા’ હતું તે ફેરવીને ‘અપના’ કરવાનું જાવેદ સાહેબે સૂચવ્યું હતું!

ફિલ્મની વાર્તા મુરાદ નામના છોકરાથી સ્ટાર્ટ થાય છે, જેનો બાપ આફતાબ(વિજય રાઝ) બીજી પત્ની લઈ આવ્યો છે. મુરાદની માતા આફરીન(અમૃતા સુભાષ) પુરુષપ્રધાન સમાજની વિક્ટિમ છે. દાદી(જ્યોતિ સુભાષ) દિકરાને કાંઈ કહી શકે એમ નથી. મુરાદ વર્ષોથી સફીના(આલિયા ભટ્ટ)સાથે રિલેશનમાં છે. સફીના હોશિયાર અને મહાત્વાકાંક્ષી છે. મુરાદની જ્વાળા બહાર નીકળે છે પછી તે શબ્દોને સંગીતમય બનાવવામાં અને તેને સ્ટેજ પર ધકો મારવામાં સૌથી મોટો ફાળો MCશેર(સિદ્ધાંત ચતુર્વેદી)નો છે. તે મુરાદનો મેન્ટર બને છે. મુરાદની યુ-ટ્યુબ પર લાઈકો વધવા માંડે છે ત્યાર પછી તે અને MCશેર સ્કાય(કલ્કિ કોચલીન) સાથે મળીને મ્યુઝિક સર્જે છે. વેલ, ફિલ્મમાં મુરાદની સ્લમ્સ ટુ સ્ટારડમની સીમ્પલ અન્ડરડૉગ વાર્તા છે, પણ તેમાં એકાધિક લેયર્સ છે, જેની આસપાસ આ તમામ પાત્રો વીંટળાયેલા છે. આ તમામ પાત્રો ફિલ્મનું બીજું સૌથી મહત્વનું અને સબળું પાસું છે. જેમ કે, આલિયા જે ભજવે છે તે સફીના ક્યારે શું કરશે એ તમે ધારી નથી શક્તા. તે તેના બૉયફ્રેન્ડ(મુરાદ)સાથે કોઈ ગુલુગુલુ કરશે તો તેને ધોઈ નાખશે! ધાંસુ ઍક્ટર વિજય રાઝ રણવીરના પિતા તરીકે પરફેક્ટ કાસ્ટિંગ છે. શફિનાની માતાના પાત્રમાં શીબા ચઢા પણ પરફૅક્ટ છે. સૌથી સુપર્બ ઍક્ટર, જે રણવીરની સાથે હોય ત્યારે પણ ઉતરતો નથી લાગતો તે ડેબ્યુટન્ટ સિદ્ધાંત ચતુર્વેદી છે. તેણે જાણે ઑરિજનલ રૅપર હોય તેમ રિતસરના ભુક્કા બોલાવ્યા છે. તેનું પાત્ર જ દમદાર છે. કલ્કિનો ટૂંકો પણ સારો રોલ છે. ફિલ્મનું ત્રીજું મહત્વનું પાસું મુંબઈની સ્લૅન્ગ ભાષામાં વિજય મૌર્યે લખેલા ડાયલૉગ્સ છે. માસ-મસાલા ફિલ્મની ડાયલૉગબાજી અને માત્ર શટલ ડાયલૉગ વચ્ચેનો ફરક ‘ગલી બૉય’માં દેખાય છે. એક જગ્યાએ મુરાદ પોતાની ગર્લફ્રેન્ડ માટે કહે છે કે, ‘એ નહીં હોય તો લાગશે કે હું બાળપણ વગર જ મોટો થઈ ગયો!’ એક ગંભીર-રડવાના દ્રશ્યમાં બૉયફ્રેન્ડ કહે છે કે, ‘ટાઈમ ચાહીએ!’ અને સામે ગર્લફ્રેન્ડ કહે છે કે, ‘મેં ક્યા ઘડિયાળ હું જો ટાઈમ દું!’

એક સીનમાં દીવાલ પર જીવન માટે જરૂરી બાબતોમાં રોટી, કપડા, મકાન અને પછી પ્લસ કરીને ઈન્ટરનેટ લખવામાં આવે છે; જે ઈન્ટરનેટના કારણે આ રૅપર્સ આટલા જાણીતા થયા, તેમનો અવાજ લોકો સુધી પહોંચ્યો. ફિલ્મમાં અમેરિકન રૅપર નાસનો ઉલ્લેખ આવે છે અને તેનું નામ એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર તરીકે પણ આવે છે! 2 કલાકને 36 મિનિટની આ ફિલ્મ પૂરી થાય છે ત્યારે તમને થાય છે કે બસ પૂરી થઈ ગઈ! અલબત્ત, એનું કારણ તેનો અંતિમ સીન છે. બહરહાલ, અમુકને થોડી લાંબી લાગી શકે છે.

અને હા, કહેવાની જરૂર નથી કે રણવીર ભાઉને એક નંબર કામ કિયેલા હૈ! એ અહીં હીરો નથી, માત્ર આ બધા કૅરૅક્ટર્સ વચ્ચે ઘૂમતો એક કૅરૅક્ટર માત્ર છે જેને નામ અપાય છેઃ ‘ગલી બૉય!’

@Parth Dave

(Review for Mid-day, Mumbai:  15 February 2019)

gully boy 15-02
Mid-day, Mumbai. Page No. 20, Date:15-02-2019

0 comments on “ગલી બૉય

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: