ગુજરાતી સિનેમા Interviews

‘સાહેબ’નું આંદોલન ‘તણખો’ બનશે?

‘સાહેબ’ ફિલ્મના ડિરેક્ટર સાથે ખાસ વાતચીત

મલ્હાર ઠાકરની  ફિલ્મ ‘સાહેબ’ આજે રીલીઝ

૨૦૦૬માં પરેશ વ્યાસે એક એકાંકી નાટક લખ્યું હતું ‘તણખો’, જેમાં ગુજરાતમાં થયેલા નવનિર્માણ આંદોલનની ઇર્દગીર્દ વાર્તા ફરતી હતી. ‘સાહેબ’ ફિલ્મનો વિચાર આ અંદોલન અને ‘તણખો’ નાટકમાંથી આવેલો છે.

-‘મધ્યાંતર’ કૉલમ

(જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’, ‘ફૂલછાબ’)

‘મલ્હાર પલાડીયા નામનો એક સામાન્ય છોકરો કોલેજમાં અભ્યાસ કરે છે. મિલનસાર સ્વભાવના કારણે ધીમે ધીમે તે સૌનો લાડલો બની જાય છે. થાય છે એવું કે નાનપણથી તેના ખુબ જ નજીક રહેલી છોકરી આપઘાત કરે છે. તે આપઘાતના કારણો શોધતા મલ્હારને કોલેજમાં ચાલતા ભ્રષ્ટાચારની ખબર પડે છે. તે તેની સામે લડત ઉઠાવે છે. એમાં તેનો સામનો અનાયાસે રાજ્યના મુખ્યમંત્રી સાથે થઇ જાય છે અને તે તેમને ચેલેન્જ આપી બેશે છે કે, હું ૩૦ દિવસની અંદર આ સરકાર ઉથલાવી નાખીશ!’ આ શબ્દો છે આજે રીલીઝ થઇ રહેલી ગુજરાતી ફિલ્મ ‘સાહેબ’ના ડિરેક્ટર શૈલેશ પ્રજાપતિના.

‘સાહેબ’ ફિલ્મનું ટ્રેલર જોતા તેમાં એક સ્ટુડન્ડ રિવોલ્યુશનની વાર્તા હોય એવું લાગે છે. ફિલ્મમાં મલ્હાર પલાડીયાનું પાત્ર મલ્હાર ઠાકર ભજવે છે. તેની સાથે અભિનેત્રી તરીકે તાજેતરમાં આવેલી ફિલ્મ ‘શોર્ટ સર્કીટ’માં દેખાયેલી કિંજલ રાજપ્રીય છે. શૈલેશ પ્રજાપતિ આગળ કહે છે કે, ‘કોલેજમાં થતી જીઆર કે જીએસની ચૂંટણી, કોલેજોમાં થતા ભ્રષ્ટાચાર, વગેરે આ બધું ગુજરાતી ફિલ્મોમાં અગાઉ આવ્યું જ નથી. હું સેન્ટજેવીઅર્સમાં કૉલેજમાં ભણતો ત્યારે-અમારા વખતે ઘણા યુવાનો કૉલેજમાંથી ચૂંટણી લડીને રાજકારણમાં આગળ આવ્યા હતા. ત્યારે સગાવાદ જેવું નહતું. હવે રાજકારણમાં આવનારા લોકોની પસંદગી જૂદા પ્રકારની થઈ ગઈ છે. જેમને આવવું છે અથવા ખરેખર આવવું જોઈએ તેઓ આવી નથી શકતા. હોશિયાર અને પ્રભાવશાળી યુવાનો રાજકારણથી દૂર થઇ રહ્યા છે. આ વિષયને અમે ફિલ્મમાં રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે.’

૨૦૦૬માં પરેશ વ્યાસે એક એકાંકી નાટક લખ્યું હતું ‘તણખો’, જેમાં ગુજરાતમાં થયેલા નવનિર્માણ આંદોલનની ઇર્દગીર્દ વાર્તા ફરતી હતી. ‘સાહેબ’ ફિલ્મનો વિચાર આ અંદોલન અને ‘તણખો’ નાટકમાંથી આવેલો છે. પરેશ વ્યાસે અગાઉ ‘પાસપોર્ટ’ ફિલ્મ લખી હતી અને તે રાજેશ શર્માએ ડિરેક્ટ કરી હતી. ‘સાહેબ’ ફિલ્મની વાર્તા પરેશ વ્યાસે લખી છે અને સ્ક્રીનપ્લે પરેશ વ્યાસ, રાજેશ શર્મા તથા શૈલેશ પ્રજાપતિએ લખ્યો છે.

શૈલેશ પ્રજાપતિ આગળ કહે છે કે, ‘ફિલ્મમાં નવનિર્માણના વિચારને આજના પરિપ્રેક્ષ્યમાં જોડીને વાર્તા લખવામાં આવી છે. તેમાં તેની સાથે લવ-સ્ટોરી પણ છે. ફિલ્મમાં પોલિટિક્સ તથા સીસ્ટમ સામે લડવાની વાત છે, પણ કોઈ રાજકીય પક્ષનો વિરોધ કે સમર્થન નથી. ફિલ્મમાં કોઈ રાજકીય પક્ષ સત્તામાં આવે ત્યારે તેના વહીવટ અને તેમાં થતા ભ્રષ્ટાચારની વાત છે. બીજું એ કે, પ્રાઇવેટ કૉલેજમાં થતા વિધાર્થીઓ સાથેના અન્યાયનો મુદ્દો પણ અહીં ઉઠાવવામાં આવ્યો છે. પ્રાઇવેટ કૉલેજોમાં વિધાર્થીઓ પાસે લાખો પૈસા ઉઘરાવવામાં આવે છે અને કોલેજ પત્યા પછી તેમને હજારના આંકડાની સામાન્ય નોકરી પણ નથી મળતી. આ આજના સળગતા મુદ્દાને પણ અમે રજુ કર્યો છે.’

ફિલ્મનું મ્યુઝીક ‘રેવા’ ફૅમ અમર ખાંધાએ આપ્યું છે. બેકગ્રાઉન્ડ મ્યુઝીક પણ તેમનું જ છે. ફિલ્મમાં મલ્હાર ઠાકર, કિંજલ રાજપ્રીય ઉપરાંત અર્ચન ત્રિવેદી, નિસર્ગ ત્રિવેદી, પ્રશાંત બારોટ અને નીલેશ પરમાર સહિતના કલાકારો છે.

કોણ છે ‘સાહેબ’ના ડિરેક્ટર?  

શૈલેશ પ્રજાપતિએ ૧૭ વર્ષની ઉંમરે નાટ્યસંસ્થા ‘દર્પણ’માં અભિનેતા તરીકે કામ કરવાની શરૂઆત કરી હતી. તેમની સાથે નિસર્ગ ત્રિવેદી, અર્ચન ત્રિવેદી, રૂપા દિવેટિયા, મલ્લિકાબેન સારાભાઇ, વગેરે કલાકારો હતા. તેઓ કહે છે કે, ‘તે વર્ષો ૧૯૮૨ અને ૮૪ની આસપાસના હતા. મેં ‘દર્પણ’માં રહીને જ ભવાઈમાં ડીપ્લોમાં કર્યું. ત્યાર પછી વિઝ્યુઅલ આર્ટ સેન્ટરમાં કામ કર્યું. ‘સપ્તસિંધુ’ સંસ્થામાં ભારત દવે સાથે નાટકો કર્યા.’

shailesh prajapatiશૈલેશભાઈએ ભરત દવેના નાટક ‘માનવીની ભવાઇ’માં બેકસ્ટેજ કામ કર્યું હતું, અને સાથે તેમાં નાના નાના રોલ પણ કર્યા. એ નાટક ખુબ ચાલ્યું. એક વખત તે જોવા માટે દુરદર્શનના ડિરેક્ટર ગયા હતા. તેમને આ નાટક અને કલાકારોનું કામ ખુબ ગમ્યું. તેમણે શૈલેશભાઈને દુરદર્શનમાં પ્રોગ્રામ અસિસ્ટન્ટ તરીકે નીમ્યા. સમય જતા ત્યાં તેમણે  એડિટર અને ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું. શૈલેશભાઈએ અભિજાત જોશીએ લખેલા નાટક ‘મર્મભેદ’માં મુખ્ય અભિનેતા તરીકે કામ કર્યું છે. દુરદર્શન પર સલીલ મહેતાની સીરીયલ ‘સરસ્વતીચંદ્ર’ આવતી હતી, તેમાં શૈલેશભાઈ એસોશિએટ પ્રોડ્યુસર અને એડિટર હતા. રમેશ પારેખે લખેલું નાટક ‘સુરજને પડછાયો હોય’ નાટકનું સંકલન અને દિગ્દર્શન શૈલેશ પ્રજાપતિએ કર્યું હતું. આજે તેમની પ્રોડકશન કંપની બર્મુડા ફિલ્મ કંપની છે. જેના હેઠળ તેમણે ૧૯૯૫માં ગુજરાતી ફિલ્મ ‘દીકરી વ્હાલનો દરિયો’ પ્રોડ્યુસ, એડિટ અને ડિરેક્ટ કરી હતી.

વચ્ચેના વર્ષો શૈલેશભાઈ ન્યુઝીલેન્ડ રહ્યા. વર્ષ ૨૦૧૩-૧૪ દરમ્યાન નીક ચેનલ પર ‘પાવર રેન્જર્સ’ નામની ટીવીસીરીઝ આવતી, તેના ૩૩ એપિસોડમાં શૈલેશભાઈએ કામ કર્યું છે. તેમના પાત્રનું નામ ‘એરિન’ હતું જે ખાસું એવું જાણીતું થયું હતું. તેઓ કહે છે કે, ‘પણ મેં ત્યાં ગુજરાતી ફિલ્મો અને નાટકો ખુબ મિસ કર્યા. દરમ્યાન અહીં ફરી સરસ મજાની ગુજરાતી ફિલ્મો બનવા લાગી. સયોંગ એવા સર્જાયા કે હું પાછો આવ્યો, મલ્હાર સાથે મારી આ-‘સાહેબ’ ફિલ્મના વિષયને લઈને વાત થઇ અને ડિરેક્ટર તરીકે મારા પર કળશ ઢોળાયો.

પેક અપ: પહેલા આ ફિલ્મનું નામ અમે ‘તણખો’ જ વિચાર્યું હતું. ત્યાર પછી મલ્હારે અમને સાહેબ નામ સૂચવ્યું. એઝ અ એક્ઝીકયુટીવ પ્રોડ્યુસર મલ્હારે સંગીત અને ગીતોમાં પણ ખુબ જ સરસ ઇનપુટસ આપ્યા છે. તે કવિ છે તે કદાચ લોકો જાણતા જ હશે, મલ્હાર ગાય પણ સારું છે! – શૈલેશ પ્રજાપતિ

@Parth Dave (Janmbhoomi Group- Kutchmitra & Phulchhab)

Date: 08-02-2019

1A95E13
“મધ્યાંતર”, જન્મભૂમિ ગ્રુપ-ફૂલછાબ, પાના નં. 3; તારિખઃ 08-02-2019 (Byline is Mistaken! 😀 )
saheb 08-02 kutchmitra
“મધ્યાંતર”, જન્મભૂમિ ગ્રુપ-કચ્છમિત્ર, પાના નં. 6; તારિખઃ 08-02-2019

 

 

0 comments on “‘સાહેબ’નું આંદોલન ‘તણખો’ બનશે?

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: