Literature

જ્યાં જિંદગી અટકતી નથી…

ફરી પાછા એ જ શહેરની વાત…

બહુ ડિફેન્સીવલી અને ડરથી જીવીએ તો જિંદગી જોખમકારક બની જાય! એને છૂટી મૂકી દેવી પડે છે

2. Mumbai Monsoon. Landscapes from India.

-‘અક્ષરત્વ’ કૉલમ

(જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’)

‘લર્ન્ટ ફ્રોમ લાઈફ’ પુસ્તકમાં મહેશ ભટ્ટ કહે છે કે, ગુલાબ ક્યારેય બીજા ફૂલોને કહેતું નથી કે ગુલાબ બનો, મારી જેમ જીવો; એ(ગુલાબ) પોતે માત્ર ખીલે છે, પોતાની લાઈફ જીવે છે અને મુરજાઈ જાય છે..’ આટલું કહી મહેશ ભટ્ટ ઉમેરે છે કે, ‘જિંદગી ક્યારેય શીખવતી નથી. એ ફક્ત જીવાડે છે!’

અને એ જિંદગી પ્રમાણે, એની શરતોને આધીન આપણને જીવવાનું છે! આપોઅપ શીખવાનું છે, શીખી જવાય છે. જે પરીસ્થિતિમાં આપણે બે મિનીટ પણ રહી ન શકીએ એમ માનતા હોઈએ, એવી પરિસ્થિતિમાં લોકો આખું જીવન પસાર કરી નાખતા હોય છે. જિંદગીને નજીકથી જોવી હોય, થ્રીલ અનુભવવી હોય તો રિસ્ક જરૂરી છે! બહુ ડિફેન્સીવલી અને ડરથી જીવીએ તો જિંદગી જોખમકારક બની જાય! એને છૂટી મૂકી દેવી પડે છે. ડિફેન્સથી વધારે અટૅક વધુ કારગર નીવડે એ આપણે ‘ઉરી’ ફિલ્મમાં પણ જોયું!

બહુ બધું ‘શાંત શાંત’, ‘ખાલી ખાલી’, ‘શૂન્ય શૂન્ય’, ‘સુવાળું સુવાળું’  લાગતું હોય તો એકવાર દોડતા મહાનગર મુંબઈમાં આંટો મારી આવવું. અહીં ‘સ્ટોપ’ જ નથી. જિંદગી અટકતી નથી. લોકો દૌડે છે, ભાગે છે, ચિલ્લાય છે, રડે છે. જિંદગીનો મોટાભાગનો સમય સવારની સાત ત્રીસ અને સાંજની આઠ ચાલીસની લોકલ ટ્રેન વચ્ચે પસાર થઈ જાય છે. રવિવારે નૌકરીમાં છૂટી હોય તો ઘર કહે, ‘ભાઈ મારી પાસે બેસ!’ લોકોને ઉતાવળ છે, ઈસ્ટ-વેસ્ટના ફાંટા છે, તૈયાર થયેલી માનુનીઓ અને સુંદરીઓ; ખબર નથી ક્યાં જવાની છે અને સાંજે ક્યાંથી આવવાની છે. અક્સા બીચ અને જુહુ બીચ વચ્ચેનો ફર્ક બધા સમજે છે…

3    ચિક્કાર ભીડ વચ્ચે કોઈ લંગડો માણસ ફંગોળાઈને પડે છે તો એની નજીકથી પસાર થતો માણસ એની પાસે ઊભશે? હાથ આપશે? સહારો આપશે? સવાલ અઘરો છે.. અહીં સહાનુભૂતિની દુનિયા ખત્મ થાય છે અને બેપર્વાઈ, ખુદગર્ઝ દુનિયાની શરૂઆત થાય છે. લોકલમાં મોદીને ગાળો ભાંડતા બે જણ ઉતરતી વખતે ત્રણ જણને ‘ચોપડતા’ જાય છે…

‘મલાડ’ના એક રીકશોમાં બેઠો તો એ ભાઈ ગુજરાતી હતા. મને કહે કે, અહીં ચાર-પાંચ રીક્ષાવાળા ગુજરાતી જ છે! સાલા હવે મરાઠી જેવા થઈ ગયા છે! ખરેખર અહીં કોઈ રાજ્યની સરહદો કે વાડાબંધી છે જ નહીં. સોળમાં માડેથી લીફ્ટમાં ઉતરતા કે લોકલમાં જતા કે કોલેજની સામે વડાપાઉં ખાતા ટોળામાં કોણ ગુજરાતી કે કોણ મારવાડી કે મરાઠી છે એ તમે નહીં શોધી શકો. ગુજરાતી માણસ પરફેક્ટ મરાઠી બોલે છે, મરાઠી ફિલ્મો દિલથી ખુશ થઈને જોય છે અને મરાઠીઓને તો રાજેસ્થાનીની જેમ ગુજરાતી(અને કેટલાકને તો કચ્છી) આવડી ગઈ છે…! માણસનો બેઝીક સ્વભાવ જ ‘સ્વીકાર’નો છે, એનાથી વ્યવહાર સહેલો પડે છે; મજા આવે છે. તો પછી તેની બીજી બાજુ ‘ઠાકરે’ જેવી ફિલ્મો પણ છે જે ભૂલાયેલા દ્વેષ, વેર ને ફાંટા યાદ અપાવે છે. ઝેર ફેલાવવું એકદમ સહેલું છે, અમૃત ફેલાવવું અઘરું છે! વિસ્ફોટો થાય તો અવાજ આવે, કૂંપણ ફૂટે તો ન આવે! ફિલ્મો ષડયંત્ર છે કે નહીં એ ખબર નથી પણ માણસ ષડયંત્ર થઈ ચૂક્યો છે. એક વાત વર્ષોથી યાદ રાખી છેઃ લોકો દુશ્મનો ઊભા કરે છે, આપણે દોસ્તો ‘ઊભા’ કરવાના છે!

1અહીં સો ટકા સજાગ રહીને જીવવું પડે છે. ગમે ત્યારે વરસાદથી જેમ માણસ પણ વરસી પડે, કંઈ કહેવાય નહિ! કેટકેટલી પરેશાનીઓ અને હેરાનીઓમાં એ જીવે છે. સવારે ઉઠે અને રાતના સુએ એ બે સમયે જ તે તેના ઘરમાં રહે છે. બાકી કહ્યું એમ, સવારે જતી અને રાત્રે રીટર્ન આવતી ટ્રેન વચ્ચે જિંદગી દોડ્યા કરે છે. રેલવેના અટકેલા પાટાઓ સતત ધમધમ્યા કરે છે. અનિલ ચાવડાની ગઝલના એક શેરમાં ફેરફાર કરીને કહું તો, ‘અહીં રાત ક્યારેય ઊગતી જ નથી, માત્ર દિવસનો કલર બદલાય છે!’ સૌમ્ય જોશીનું નાટક ‘વેલકમ જિંદગી’ મુંબઈબેઝ્ડ છે. તેનું બૅકગ્રાઉન્ડ મુંબઈનું છે. તેમાં મુંબઈગર બાપ કહે છે કે, મેં મારા દીકરાને આડો વધતા જ જોયો છે! કેમ કે, સવારે ઑફિસ જાઉં ત્યારે વહેલું હોય એટલે તે સુતો હોય અને રાતના પાછો ફરું ત્યારે મોડું થઈ ગયું હોય એટલે સુતો હોય! આ કડવી વાસ્તવિકતા છે જે દરેક મુંબઈગરે પચાવી લીધી છે. તેઓ તો વાસ્તવિકતા પ્રેમથી ખાઈ જતા હોય છે! આ કડવી વાસ્તવિકતાઓમાં પણ, રોજિંદી હાડમારી અને અફડાતફડીમાં પણ ખુશીઓનો એક ખુણો તેમના ચહેરા પર તરતો રહે છે  ‘હેન્ડિકેપ્ડ’ ડબ્બામાં એક મુક છોકરો વિડીઓ કોલિંગમાં ઈશારાથી વાત કરી રહ્યો હતો! એ ખુશ હતો…

કેટલાય એવા માણસો અહીં જીવે છે જેઓ આખો દિવસ કામ પતાવીને પાછા આવશે ત્યારે એના ફ્લેટનું તાળું પોતે જ ખોલવાના છે. અને વર્ષોથી તેઓ આમ કરી રહ્યા છે અને ખબર નથી કેટલા વર્ષો સુધી આમ જ કરવાનું છે! આ જિંદગીનું એક પ્રેઝન્ટ સત્ય છે, જે સ્વીકારાઈ ચૂકયું છે. અને એટલે જ, ગયા બુધવારે વાત કરી તે ‘હ્યુમન્સ ઑફ બોમ્બે’નો આઈડિયા સુપર-સક્સેક જાય છે. અહીં તરહ-તરહની માનવામાં ન આવે એવી વાર્તા જિંદગી બનીને જીવી રહી છે…

mumbai-sunset-small

***

તમારી સુખી થવાની, આનંદમાં રહેવાની વ્યાખ્યા શું છે? ક્યારેક શાંત ચિત્તે વિચાર કરજો. ઈન્ટરનેટ ઉપર કે બજારમાં જઈને વસ્તુઓ ખરીદવાથી મજા આવે છે, આનંદ નથી મળતો. કોઈ સાથે લડાઈ-ઝઘડા કરીને કદાચ પાશવી આનંદ મળતો હશે પણ એ ક્ષણભંગુર છે. લખલૂંટ પૈસા ભેગા કરવાથી ખુશી અને આનંદ મળતા હોય એવું તમે માનતા હો તો એકાદ પૈસાદાર ભાઈબંધ જોડે રાતના બેસજો. તેના દુઃખો સાંભળીને તમારા દુઃખ ઓછા લાગવા માંડશે! આનંદ… (કદાચ) સંતોષમાં હોય છે.

એટલે જ… તાજની સામે, દરિયાકિનારે ચાય વેચતા ફેરિયાને તાજની અંદર આલીશાન રૂમમાં રોકાયેલા શેઠ કરતાં રાતના સારી ઊંઘ આવતી હોય, એવું બની શકે! દુનિયામાં દેખાતા લોકોમાં ખરેખર ખુશ કોણ છે, એ શોધવું અને કહેવું… સાલું અઘરું છે!

Mumbai-Intro-16X7-780x405.jpg

જે બાત!

સૃષ્ટિ છે એક કોયડો ને અણઉકેલ છે
જાણ્યું તો જાણ્યું એ કે તે દુર્ભેદ્ય જેલ છે.

છે પગ તળે પથ્થર તરફ લઈ જાતા માર્ગ, ને
લોકો ખુદાના નકશા લઈ નીકળેલ છે.

ઉઘરાવી ઝેર, વ્હેંચે છે ખૈરાતમાં અમી
– એવું અમે તો સંત વિષે સાંભળેલ છે.

ચહેરો વીંછળતી જેના વડે મારી જિંદગી
એ જળને મૂળસોતાં સૂરજ પી ગયેલ છે.

પહોંચ્યા છે તરસ્યા પ્રાણ સરોવર સુધી, રમેશ
કોને કહું કે એ બધું જળ ચીતરેલ છે ! 

– રમેશ પારેખ

@Parth Dave (Janmbhoomi Group- Kutchmitra)

Date: 06-02-2019

jya jindgi atkti nthi... 06-02 (2).jpg
“અક્ષરત્વ”, જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’; પાના નં. 6,  તા. 06-02-2019

0 comments on “જ્યાં જિંદગી અટકતી નથી…

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: