Movies Review

એક લડકી કો દેખા તો ઐસા લગા

એક લડકી કો દેખા તો અચ્છા લગા

Rating: 3.0 Star

ડિરેક્ટર શેલી ચોપડા ધરની પહેલી ફિલ્મ અનોખા અને અઘરા વિષયવાળી હોવા છતાં હળવીફૂલ અને મનોરંજક છે. અનિલ-રાજકુમારની ઍક્ટિંગ ટૉપ છે. શેલી અને ગઝલ ધલિવાલની પટકથા મજબૂત છે. મ્યુઝિક કર્ણપ્રિય છે. વિષય વિશે ખ્યાલ હશે તો આશ્ચર્ય થશે, ઝટકો નહીં લાગે.

1545881314-ek_ladki

પ્રેમ સરળ છે. સરળ છતાંય ગૂઢ અને ગહન છે. એવો છે જેનો ખુલાસો ઝટ ન થઈ શકે. થાય તો એના વિશે સૂઝ-સમજ પડતાં વાર લાગે. એનો ઉકેલ ઝટ ન મળે. સમજાવી ન શકાય કોઈને તરત જ. છતાંય પ્રેમ કુદરતી છે, એ સરળ છે! એ કોઈની પણ સાથે થઈ શકે. કોમ, જાતિ, લિંગ, વિસ્તાર એ નથી જોતો. એ થાય છે.

બસ ઇતની સી બાત હૈ, હમ કો તુમ સે પ્યાર હૈ. પણ આ વાત શીરાની જેમ ગળે ઉતરાવવી (દર્શાવવી) ભયંકર અઘરી છે. બહુ ઉદાર થઈને હઈશો હઈશો કરીને બતાવો તો કચરો ‘દોસ્તાના’ બને અને ભારે ભરખમ વાસ્તવિક બનાવવા જાઓ તો દીપા મેહતાની ‘ફાયર’ બને. આ બેઉ ફિલ્મો અહીં મુખ્ય નથી, પણ મહત્વનું એ છે કે બન્નેમાંથી એકેય સ્વીકારાઈ નહીં. ‘ફાયર’ને લઈને જબરા વિવાદો-વિરોધો થયા, ‘દોસ્તાના’ને કોઈએ સિરિયસલી લીધી નહીં. આ બન્નેની વચ્ચે, મેઇનસ્ટ્રીમ બૉલીવુડ સિનેમા જેને કહે છે એમાં બની છે ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’, જેમાં વિષય લેસ્બિયન પ્રેમકહાણીનો છે છતાંય ક્યાંય કઠતી નથી. લાઉડ નથી થતી અને સાવ બોરિંગ પણ નથી બની.

ડેબ્યુટાન્ટ ડિરેક્ટર શેલી ચોપડા ધરની વાત કહેવાની રીત સરળ છે, પણ એમાં શરૂઆતથી જ સબટેક્સ્ટ અને અન્ડરકરન્ટનો ધોધ વહ્યા કરે છે. મૂળ વાત પહેલાં એની વાત કરી લઈએ. બલબીર ચૌધરી (અનિલ કપૂર) પંજાબના મોગા શહેરના મુકેશ અંબાણી છે. તેમની ગાર્મેન્ટ્સની ફૅક્ટરી છે, પણ શોખ રસોઈ કરવાનો છે. તેમને ભારતના સૌથી બેસ્ટ શેફ બનવાની ઇચ્છા હતી; પણ માતા ગિફ્ટી (હા નામ છે!)નું કહેવું છે કે મર્દ તો રસોડામાં માત્ર સિલિન્ડર બદલવા જ જાય, રસોઈ તેમનું કામ નહીં. એ કામ તો મહિલાઓનું. એટલે બલબીરભાઈ લપાઈ-છુપાઈને સ્વાદિક્ટ રસોઈ બનાવે! (પ્રોફેશન પસંદગી-સમાજની નજરે). આ બલબીરની દીકરી સ્વીટી (સોનમ કપૂર)નાં લગ્નની વાતો થઈ રહી છે, પણ તેની ઇચ્છા નથી. તેનું પોતાનું એક સીક્રેટ છે!

સ્વીટી પોતાના ઘેરથી ભાગીને દિલ્હી જાય છે અને ત્યાં તેનો ભેટો સાહિલ મિર્ઝા (રાજકુમાર રાવ) સાથે થાય છે. મિર્ઝાસાહેબને નાટકો લખવાં છે, પણ હજી સ્ટ્રગલના પિરિયડમાં છે. બેઉને પહેલી નજરનો પ્રેમ થઈ જાય છે. સ્વીટીના ભાઈને એ ગમતું નથી. તે ઘરે કહી દે છે કે સ્વીટી એક મુસલમાન છોકરાના પ્રેમમાં છે. ઘરમાં ભૂકંપ આવી જાય છે. બીજા ધર્મના છોકરા સાથે અને એમાં પણ મુસલમાન છોકરા સાથે લગ્ન કેમ થઈ શકે? (છોકરા/છોકરીની પસંદગી – સમાજની નજરે). સાહિલ મોગા આવે છે. ઇન્ટરવલ સુધી તેમના વચ્ચેનો પ્રેમ, સ્વીટીનું કન્ફ્યુઝન ચાલે છે. એ દરમ્યાન સાહિલ સાથે આવેલી કેટરર્સનું કામ કરતી છત્રો (જુહી ચાવલા) અને બલબીર ચૌધરી એકમેકને મળે છે. વર્ષો પછી અનિલ કપૂર-જુહી ચાવલા સ્ક્રીન પર મળ્યાં હશે! જોવાં ગમે છે બૉસ! આમેય ૨૫ વર્ષ પહેલાં એક છોકરીને જોઈને આ ફિલ્મનું ટાઇટલ એવું આ ગીત અનિલ કપૂરે જ ગાયું હતુંને! આજે એ તેની દીકરી અન્ય છોકરી માટે ગાઈ રહી છે! ઉપમાઓથી ભરપૂર જાવેદસાહેબે લખેલું એ ગીત આર. ડી. બર્મને કરેલી છેલ્લી ફિલ્મનું હતું. અહીં એ ગીત ફિલ્મ દરમ્યાન જ્યારે આવે છે ત્યારે જોવું-સાંભળવું ગમે છે.

તો… એક દિવસ સ્વીટી રિવીલ કરે છે કે મારો પ્રેમ કોઈ મુસલમાન છોકરો નથી. અરે, મારો પ્રેમ કોઈ છોકરો જ નથી. હું છોકરીને પ્રેમ કરું છું. ધૅટ્સ ઇન્ટવરલ પૉઇન્ટ. અહીંથી-આ જગ્યાએથી ફિલ્મ ગમે ત્યારે ખાડે જઈ શકી હોત, પણ રાઇટર-ડિરેક્ટર શેલી ધર તથા કો-રાઇટર ગઝલ ધલિવાલે સિફતપૂર્વક ફિલ્મને સંભાળી છે. સ્ક્રીનપ્લે ટાઇટ છે. જે વાત કહેવી છે એ અસરકારક રીતે કહેવાય છે છતાંય ફિલ્મમાં પૂરતા પ્રમાણમાં હ્યુમર, લાગણી અને મનોરંજન છે. કપૂર, રાવ, બિજેન્દ્ર કાલા, સીમા પાહવા આ કલાકારો તમને હસતાં રાખે છે. સંવાદો અને સિચુએશન્સ એટલાં સારાં છે કે એ હાસ્યાસ્પદ એક પણ વાર નથી લાગતાં.

ફિલ્મની સ્ક્રિપ્ટ તથા ડાયલૉગ્સ રાઇટરમાં પણ સહલેખિકા તરીકે ગઝલ ધલિવાલનું નામ છે, જેણે ‘કરીબ કરીબ સિંગલ’ લખી હતી. ગઝલ ધલિવાલ ખુદ ટ્રાન્સવુમન છે. તે સર્જરી કરાવીને છોકરામાંથી છોકરી બની છે. આ મેન્શન એટલે કર્યું કે લખાણમાં ગઝલનાં અંગત અનુભવો અને નિરીક્ષણો દેખાય છે. આ પ્રકારના લોકો બીજાની નજરે કેવા છે એનું વર્ણન અહીં કરાયું છે. પણ આ બધું જ લાઇટ વેમાં અને ભદ્દું ન લાગે એ રીતે. રાઇટર-ડિરેક્ટરે ફિલ્મનો મુખ્ય હેતુ મનોરંજન રાખ્યો છે. એની વચ્ચે-વચ્ચે લાગણીમાં લપેટીને ઉપદેશ આપ્યો છે.

એક લડકી કો…ની પ્રેરણા પી. જી. વુડહાઉસની જાણીતી વાર્તા ‘ડૅમ્સલ ઇન ડિસ્ટ્રેસ’ પરથી લીધેલી છે. સ્વીટીનું બાળપણ, મુગ્ધાવસ્થા અને યુવાની આ ત્રણેય કાળમાં તે ગૂંગળાય છે. તે કોઈને કહી નથી શકતી. તેણે અત્યાર સુધીની જિંદગી જાણે જેલમાં વિતાવી છે. આ વાત ફિલ્મમાં ફ્લૅશબૅકનો ઉપયોગ કરીને તથા નાટકરૂપે દર્શાવાઈ છે. સોનમનું બાળપણનું પાત્ર સારા અજુર્નેિ સ-રસ ભજવ્યું છે. તેના લવ-ઇન્ટરેસ્ટનું પાત્ર દક્ષિણની અભિનેત્રી રેજિના કૅસેન્દ્રાએ ભજવ્યું છે. અનિલ કપૂર ટૉપ ફૉર્મમાં છે. આખી ફિલ્મ દરમ્યાન તે ચાહે મમ્મીથી ડરતો હોય, દીકરીને વઢતો હોય કે જુહી ચાવલા સામે શરમાતો હોય; પ્રેમાળ લાગે છે. રાજકુમાર રાવ ઍઝ ઑલ્વેઝ સુપર્બ છે. ફિલ્મનું સેન્ટર કૅરૅક્ટર ભજવનારી સોનમ નબળી લાગે છે ઘણી જગ્યાએ. તેની ગૂંગળામણ અને માનસિક સંઘર્ષ બરાબર બહાર નથી આવી શક્યાં. માઇનસ પૉઇન્ટમાં આ ઉપરાંત ફિલ્મનો ધીમો ફસ્ર્ટ હાફ છે. આપણે રાહ જોઈએ છીએ કે સોનમ ક્યારે પોતાની વાત રજૂ કરશે. બીજું એ કે બિજેન્દ્ર કાલા, સીમા પાહવાનાં પાત્રો ક્યાંક આપણને ઇરિટેટ પણ કરે છે. પંજાબી લગ્નો-ગીતો-સંવાદોની ભરમાર છે. માર્ક કરીએ તો સેમ સેક્સ રિલેશનશિપનો મુદ્દો ન હોત તો આ ફિલ્મમાં કંઈ જ નવું નથી. બધું જ ક્લિશેમાં ખપ્યું હોત.

જોવી કે નહીં?

ફિલ્મનો આ વિષય તમને વિચિત્ર કે વિકૃત લાગતો હોય અને આવું તે જોવાય પ્રકારનું કંઈ પણ થતું હોય તો આ ફિલ્મ ખાસ જોજો. બહુ નૉર્મલ અને નિખાલતાથી આ વિષય રજૂ કરાયો છે. ક્યાંય છીછરો કે ભદ્દો નથી લાગતો અને ક્યાંય વધારે પડતું પણ નથી કરાયું. તમારા વિચાર કે મત અલગ હોઈ શકે, પણ આ અન્ય લોકોની વાસ્તવિકતા છે. તેમના વિચારો છે. પૂરેપૂરી અસહમતી ધરાવતા મૅચ્યોર દર્શકોને આ ફિલ્મ ગમશે.

ફિલ્મ છે પણ બે કલાકની એટલે કદાચ બોર થશો એ પહેલાં ફ્રી થઈ જશો!

@Parth Dave

(Review for Mid-day, Mumbai:  02 February 2019)

ek ladki ko dekha to... 02-02
Mid-day, Mumbai. Page No. 18, Date:02-02-2019

 

 

 

0 comments on “એક લડકી કો દેખા તો ઐસા લગા

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: