ગુજરાતી સિનેમા Interviews Movies

ચાલો… થોડું જીવતા શીખી લઈએ!

સિદ્ધાર્થ રાંદેરિયા, યશ સોની અને આરોહી પટેલ અભિનિત તથા વિપુલ મહેતા દિગ્દર્શિત રોડટ્રીપ ફિલ્મ ‘ચાલ જીવી લઈએ’ આજે રિલીઝ થઈ રહી છે.

-‘મધ્યાંતર’ કૉલમ

(જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’)

chaal jeevi laiyeઆજે બે ગુજરાતી ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. એક, ધ્વનિ ગૌતમ દિગ્દર્શિત ‘ઑર્ડર ઑર્ડર આઉટ ઑફ ઑર્ડર’ અને બીજી વિપુલ મહેતા દિગ્દર્શિત ‘ચાલ જીવી લઈએ’. ‘ઑર્ડર ઑર્ડર…’ વિશે આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ.(મધ્યાંતરઃ ૦૭-૧૨-૨૦૧૮) નોંધનીય છે કે, એ ફિલ્મમાં બૉલીવુડના જાણીતા ગાયક કે.કે.(કૃષ્ણકુમાર કુનાથ)એ એક ગીત ગુજરાતીમાં ગાયું છે, તો ‘ચાલ જીવી લઈએ’નું એક ગીત સોનુ નીગમે ગાયું છે.

‘ચાલ જીવી લઈએ’ના મુખ્ય કલાકારોમાં ‘છેલ્લો દિવસ’ અને ‘શું થયું?!’ ફૅમ યશ સોની, ‘પ્રેમજી: ધ વોરિયર’ અને ‘લવની ભવાઈ’ ફેમ આરોહી પટેલ તથા ‘ગુજ્જુભાઈ’ તરીકે અત્યંત જાણીતા અભિનેતા સિદ્ધાર્થ રાંદેરીયા છે. ફિલ્મનું દિગ્દર્શન કરનાર જાણીતા નાટ્યનિર્માતા અને નાટ્યકાર વિપુલ મહેતા કહે છે કે, ‘આ ફિલ્મમાં પિતા-પુત્રની રોડટ્રીપ સાથેની એક અનોખી સ્ટોરી છે, જેમાં હાસ્ય, પ્રેમ અને ફન છે તથા થોડું દુઃખ પણ છે. પિતા અને પુત્ર ગુજરાતથી બહાર ઉત્તરાંચલ બાજુ રોડ ટ્રિપ પર નીકળે છે જ્યાં ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ તેમની અને દર્શકોની રાહ જોઈ રહ્યા છે…’

vipul mehta
ડિરેક્ટર વિપુલ મહેતા

 

વિપુલ મહેતાની આ અગાઉ ૨૦૧૭ના ફેબ્રુઆરી મહિનામાં ‘કૅરી ઓન કેસર’ તથા ઑક્ટોબર મહિનામાં ‘બેસ્ટ ઑફ લક લાલૂ’ ફિલ્મ રિલીઝ થઈ હતી. બે વર્ષ બાદ તેઓ ‘ચાલ જીવી લઈએ’ ફિલ્મ સાથે પાછા ફર્યા છે. પોતાની સ્વતંત્ર ગુજરાતી ત્રીજી ફિલ્મમાં નવું શું છે એ વિશે વાત કરતા તેઓ કહે છે કે, ‘આ ફિલ્મમાં એક નાનકડી સરપ્રાઈઝ પણ છે. આ વખતે અમે ગુજરાતની બહાર, ઉત્તરાખંડમાં ફિલ્મનું શૂટિંગ કર્યું છે. ઋષિકેશ, ચોપતા, કેદારનાથ અને ત્યાંથી ચાઈના-તિબેટ બૉર્ડર પાસે એક એક ગામ છે. ત્યાં પણ અમે શૂટિંગ કર્યું. આ બધો અનુભવ જ નવો હતો.’

આ ઉપરાંત ફિલ્મનું આકર્ષન સ્ટારકાસ્ટ પણ છે. યશ સોનીની એઝ અ લીડ ઍક્ટર આ પહેલી ફિલ્મ છે. આરોહી પટેલની આ ત્રીજી ફિલ્મ છે અને સિદ્ધાર્થ રાંદરિયાની ચોથી ફિલ્મ છે. વિપુલ મહેતા એક રસપ્રદ વાત જણાવતા કહે છે કે, ‘અગાઉ સિદ્ધાર્થ રાંદેરિયાએ મારા માટે નાટકો લખ્યા છે! હું એમને ડિરેક્ટ પહેલી વખત કરી રહ્યો છું! ‘અમે રહી ગયા તમે લઈ ગયા’ નાટક સિદ્ધાર્થભાઈએ લખ્યું હતું તથા મારી બીજી ફિલ્મ ‘બેસ્ટ ઑપ લક લાલૂ’ જે  નાટક પરથી પ્રેરિત હતી તે નાટક સિદ્ધાર્થભાઈ લખ્યું હતું. તે બંને નાટકો ડિરેક્ટ મેં કર્યા હતા.’ વિપુલભાઈ કહે છે કે, ‘સિદ્ધાર્થ રાંદેરિયાને લોકોએ નાટકોમાં કૉમેડી કરતા જ જોયા છે, માટે એક લેખક તરીકે તેમનો પરિચય આપવો નવાઈ પમાડે તેવું છે!’

‘હું આ ફિલ્મ સુધી પહોંચતા ઘણો ઘડાયો છું.’ વિપુલ મહેતા કહે છે કે, ‘ઘણા બધા ટેક્નિકલ પાસાઓ આ ત્રીજી ફિલ્મ સુધી પહોંચતામાં સમજ્યો છું! હું પોતે લેખક છું એટલે ઈમ્પ્રોવાઈઝેશન કરવાના હોય એમાં પણ હું ઈન્વોલ્વ રહું છું. પાછા સિદ્ધાર્થભાઈ જેવા માંજેલા કલાકારો હોય એટલે ઔર મજા પડે. આરોહી આ વખતે બિલકુલ નેચરલ છે. આ ત્રણેયની કૅમેસ્ટ્રી પણ અદભૂત રીતે પડદા પર આવી છે!’

યશ સોનીએ આ ફિલ્મ વિશે વાત કરતા કહ્યું કે, ‘મારી આ પહેલી ફિલ્મ છે. વર્કશોપથી લઈને શૂટિંગ સુધી ખૂબ જ મજા પડી અમને. અહીં મારું પાત્ર ‘છેલ્લો દિવસ’ અને ‘શું થયું?’થી બિલકુલ અલગ છે. અહીં તે બિઝનેસમેન છે અને કામને ધ્યાનમાં રાખીને જ જીવતો વ્યક્તિ છે. કામ જ તેના માટે બધું છે. આ વ્યક્તિ તેના મનમોજી અને મસ્તીખોર પિતા સાથે રોડટ્રિપ પર જાય ત્યારે શું બને તે આ ફિલ્મ છે.’

yash soni
અભિનેતા યશ સોની

સિદ્ધાર્થ રાંદેરિયા નાટક હોય કે ફિલ્મ તેઓ ઓન ધ સેટ, તત્કાળ ઇમ્પ્રોવાઈઝેશન કરતા હોય છે. એટલે કે નાટક કે ફિલ્મ માટેના દ્રશ્યમાં પહેલાથી નક્કી ન હોય પરંતુ તો અચાનક સૂઝે તે સંવાદ ઉમેરે, હાવભાવ ઉમેરે! આ કોઈ પૂર્વતૈયારી વિના થયેલું હોય. મોટાભાગે કૉમેડી દ્રશ્યોમાં આ બહુ જ કામ આવતું હોય છે. સીન વધારે કૉમેડી, ધારદાર બનતો હોય છે. યશ એ વિશે વાત કરતા કહે છે કે, ‘એમનું ઓન ધ સ્પોટ ઇમ્પ્રોવાઈઝેશનમાં મારા અને આરોહીથી હસી જ પડાતું હતું! ઘણા સીન એવા હતા જેમાં તેને એડીશન કર્યું હોય. અમને પણ ઘણું શીખવા મળ્યું. તેમની સાથે કામ કરતા સહેજ પણ એવું ન લાગે કે તેઓ અમારાથી મોટા છે, અમે યુવાનો છીએ.’

ફિલ્મનું દિગ્દર્શન ઉપરાંત લેખન પણ વિપુલ મહેતાએ જૈનિશ ઈજરદાર સાથે મળીને કર્યું છે. ફિલ્મના ગીતો નીરેન ભટ્ટે લખ્યા છે તથા મ્યુઝિક સચિન-જીગરનું છે. ‘ચાલ જીવી લઈએ’ના ગીતો કર્ણપ્રિય છે. ‘ચાંદને કહો હવે આથમે નહીં’ જીગરદાન ગઢવીએ તથા ‘પા પા પગલી’ સોનુ નિગમે ગાયું છે. સિનેમેટોગ્રાફર પ્રતિક પરમાર છે.

‘હવે ફક્ત માણસે પોતાને શોધવાનો બાકી છે, બાકી બધું ગુગલ પર અવેલેબલ છે.’ આ ડાયલૉગ ‘ચાલ જીવી લઈએ’ના ટ્રેલરમાં દેખાય છે. પહેલી નજરે ફિલ્મ ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ કે ‘દિલ ધડકને દો’ પ્રકારની- ખુદની શોધમાં થતા પ્રવાસની વાત કરતી હોય તેવું લાગે છે. નવી ગુજરાતી ઈન્ડસ્ટ્રીની નવી હવાનો અનુભવ થાય છે ટ્રેલર જોઈને. છેલ્લે ‘શૉર્ટ સર્કિટ’ ફિલ્મ જોઈને પણ એક ગુજરાતી તરીકે ગર્વની લાગણી મહેસૂસ થઈ હતી. ઈશ્વર કરે, આ વખતે પણ એવું જ થાય! જય ગુજરાતી સિને-મા!

@Parth Dave (Janmbhoomi Group- Kutchmitra & Phulchhab)

Date: 01-02-2019

chal jivilaiye 01-02 Kutchmitra
“મધ્યાંતર”, જન્મભૂમિ ગ્રુપ-કચ્છમિત્ર, પાના નં. 6; તારિખઃ 01-02-2019
chal jivilaiye 01-02 Phoolchhab
“મધ્યાંતર”, જન્મભૂમિ ગ્રુપ-ફૂલછાબ, પાના નં. 3; તારિખઃ 01-02-2019

 

0 comments on “ચાલો… થોડું જીવતા શીખી લઈએ!

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: