Literature

એક શહેર, શહેરના લોકો, તેમની વાર્તાઓ

એવા મુંબઈકરની વાત છે જે બહારથી-નેપાળથી આવીને વસ્યા છે. આવા સેંકડો મુંબઈકરની વાત સોશિયલ મીડિયા પરના પેજ ‘હ્યુમન્સ ઑફ મુંબઈ’ પર ૨૦૧૪થી લખાય છે. તેમાં મુંબઈની સડકો, રસ્તાઓ, ગલીઓમાં ફરતી કોઈપણ સામાન્ય વ્યક્તિની વાર્તા, તેની પર્સનલ કે ધંધાકીય જિંદગી વિશે તેના એક ફોટોગ્રાફ સાથે લખેલી જોવા મળે. લોકોનું ધ્યાન આ ફેસબુક પેજ અને ત્યાર બાદ બનેલી વેબસાઈટ પર એટલે ગયું કે…

-‘અક્ષરત્વ’ કૉલમ

(જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’)

હું વર્ષ ૧૯૭૦માં નેપાળથી અહીં(મુંબઈ) આવ્યો. મેં અહીંના નાના રેસ્ટોરાંમાં રસોઈયા તરીકે કામ કરવાનું શરૂ કર્યું. પંદરેક વર્ષ પછી મારા એક દોસ્તે જોયું કે હું દરરોજ પાછો ફરું છું ત્યારે મારા ઘરે કોઈ દરવાજો ખોલનારું નથી! તેણે મને કહ્યું કે, તારે લગ્ન કરી લેવા જોઈએ. લાઈફ સેટ થઈ જશે! મેં એને પૂછ્યું કે, મારા જેવા નાનકડા હોટલવાળા માણસ સાથે કોણ લગ્ન કરશે? તેણે કહ્યું, એની ચિંતા ના કર! તે મને અલીબાગ પાસે આવેલા તેના ગામડે લઈ ગયો.

ત્યાં હું મારી થનાર પત્નીને મળ્યો! તેનો પરિવાર કોઈ એવા (યોગ્ય)વ્યક્તિની શોધમાં હતો જેની સાથે તેની દીકરીને પરણાવી શકે. મારા દોસ્તે તેના પરિવાર અને મારો ભેટો કરાવ્યો. તે સ્ત્રીએ આ હોટલવાળા સાથે લગ્ન કરવાની હા પાડી દીધી!

અમે બંને લોનાવાલા સેટલ થયા. અમારી જિંદગી આગળ વધતી ગઈ. એવામાં- લગ્નને ૬ વર્ષ થયા હશે, એક દિવસ રેલવે ટ્રેક પર મારો અકસ્માત થયો અને એમાં મારે બંને પગ ગુમાવવા પડ્યા. તે સમયે મારા બે નાના બાળકો હતા. હું ભાંગી પડ્યો હતો. સખત ચિંતામાં હતો, પણ મારી પત્ની અમારા ઘરની કરોડરજ્જુ હતી. તે ખડકની જેમ ઊભી રહી. મને સાજો કરવામાં તેણે મદદ કરી અને હું મારી જિંદગી પ્રત્યે હકારાત્મક થાઉં તે માટે પ્રેરણા પણ આપી.

પછી… હું ફરીથી બેઠો થયો. મેં નોકરી માટે તકો શોધવા માંડી. નિશ્ચય કર્યો કે હવે હાર નહીં માનું. ક્વિટ નહીં કરું ક્યારેય. પત્નીએ મને કોઈપણ હાલમાં છોડ્યો નહોતો. જે રીતે મારી પત્નીએ મારા પર વિશ્વાસ રાખ્યો તેવી જ રીતે હું પણ મારા અને મારા પરિવારમાં વિશ્વાસ રાખીશ એવો નિશ્ચય કર્યો. આખરે, એક ચાઈનીઝ રેસ્ટોરાંના માલિકે મારી તકલીફ તરફ નજર કરી અને તેણે મને પોતાના રેસ્ટોરાંમાં કામ આપ્યું. હવે તો હું ત્યાં કામ કરું છું તેને વર્ષો થયા પરંતુ હું આજે પણ માનું છું કે મારી પત્ની દુનિયાની સૌથી સારી શૅફ(રસોઈયણ) છે. તેના હાથનું ખાવા માટે હું તલપાપડ હોઉં છું. હું જેના માટે જીવું છું, જેના કારણે મારા ચહેરા પર મુસ્કાન છે તે મારી પત્ની છે.

***

        કેટલી સાદી-સરળ છતાંય રસપ્રદ વાર્તા! એક ઑફબીટ ફિલ્મ બની શકે એવી વાર્તા છે. પણ વાસ્તવિક વાત છે, એવા મુંબઈકરની વાત છે જે બહારથી-નેપાળથી આવીને વસ્યા છે. આવા સેંકડો મુંબઈકરની વાત સોશિયલ મીડિયા પરના પેજ ‘હ્યુમન્સ ઑફ મુંબઈ’ પર ૨૦૧૪થી લખાય છે. તેમાં મુંબઈની સડકો, રસ્તાઓ, ગલીઓમાં ફરતી કોઈપણ સામાન્ય વ્યક્તિની વાર્તા, તેની પર્સનલ કે ધંધાકીય જિંદગી વિશે તેના એક ફોટોગ્રાફ સાથે લખેલી જોવા મળે. લોકોનું ધ્યાન આ ફેસબુક પેજ અને ત્યાર બાદ બનેલી વેબસાઈટ પર એટલે ગયું કે ગયા અઠવાડિયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પેજને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, ‘દિવાળીના પાંચ દિવસો હું જંગલમાં જતો રહેતો. ત્યાં ખુદની શોધમાં માત્ર શુદ્ધ પાણી પીને પાંચ દિવસ પસાર કરતો. લોકો એ વખતે મને પૂછતા કે, કોને મળવા જાઓ છો? હું કહેતો કે ખુદને મળવા જઉં છું!’

humens of bombay.jpg             આ મોદીસાહેબવાળું સમાચારમાં તમે વાંચ્યુ જ હશે. ન વાંચ્યું હોય તો ગયા ગુરુવાર(૨૪મી તારીખ)ના અખબારમાં મળી જશે. નવું એ છે કે તે ઈન્ટરવ્યુ જેમાં આવ્યો તે ફેસબુક પેજ ‘હ્યુમન્સ ઑફ મુંબઈ’ એક મૂળ ગુજરાતી યુવતી કરિશ્મા મહેતા ચલાવે છે. રાધર, તેણે તેની શરૂઆત કરી હતી. અત્યારે તે તેની સીઈઓ અને ફાઉન્ડર તરીકે ઓળખાય છે. મૂળ તો ‘હ્યુમન્સ ઑફ ન્યુયોર્ક’ પેજ પરથી આ નામ પડાયું છે. કહ્યું એમ, તેમાં દુનિયાભરમાંથી આવીને મુંબઈમાં વસતા લોકોની વાતો છે. કરિશ્માને લખવાનો પહેલાથી શોખ હતો. તે અને તેની સાથે એક ફોટોગ્રાફર મિત્ર બહાર નીકળે, ત્યાં ફરતા-કામ કરતા લોકોને મળે, તેમની વાતો જાણે અને લખે. આ વસ્તુ ક્લિક કરી ગઈ!

તો કોણ છે કરિશ્મા મહેતા અને કઈ રીતે શરૂઆત થઈ આ ફેસબુક પેજની?

karishma
કરિશ્મા મહેતા

કરિશ્મા મહેતાએ સ્કુલમાં ઈતિહાસ, થીએટર આર્ટ્સ અને અંગ્રેજી વિષય રાખ્યા હતા. કૉલેજમાં એનાથી તદ્દન અલગ: બિઝનેસ અને ઈકોનોમિક્સ રાખ્યા, અને કરિયર ફોટોજર્નાલીઝમમાં આગળ ધપાવ્યું! ટૂંકમાં બધું જ અલગ! તે કહે છે કે, ‘મને ‘હ્યુમન્સ ઑફ બોમ્બે’નો વિચાર અચાનક જ આવી ગયો! જેમ દરેકને જિંદગી બદલી નાખનારા વિચારો અચાનક જ કોઈપણ સમયે આવતા હોય છે તેમ!’

કરિશ્મા આગળ કહે છે કે, ‘કૉલેજ દરમ્યાન હું બહુ વાંચતી. એ દરમ્યાન મેં ‘હ્યુમન્સ ઑફ ન્યુયોર્ક’ની એક વાર્તા વાંચી અને મારી નજર ત્યાં ચોંટી ગઈ. મને તે વાર્તામાંથી પ્રેરણા મળી, કંઈક ફિલ થયું અને વિચાર આવ્યો કે હું જે જગ્યાએ મોટી થઈ છું, ત્યાં મંબઈમાં આવું કંઈક કરીએ તો…’

કરિશ્મા મહેતાએ ગ્રેજ્યુએશન પૂરું કર્યું. એકાદ-બે સાહસ કર્યા પણ તે નિષ્ફળ રહ્યા. પછી પેલો જૂનો વિચાર યાદ આવ્યો. જેમાં લોકો સાથે વાતો કરવાની હતી, તેમના વિશે લખવાનું હતું. ‘ટેડ ટોક’ની એક ઈવેન્ટમાં કરિશ્મા કહે છે કે, ‘એક રવિવારે હું સખત કંટાળેલી હતી, ત્યારે અચાનક જ મેં નિર્ણય લીધો કે ચાલો, ગુમાવવાનું તો કંઈ છે નહીં, કરીએ શરૂઆત! સૌથી પહેલા તો મેં મારી બહેનપણી જે પ્રોફેશનલ ફોટોગ્રાફર છે તેને ફોન કર્યો. તેને આ વિશે વાત કરી. લખવાનું તો મને પહેલાથી જ ગમે છે. અમે બેઉ નીકળી ગયા મુંબઈના હ્યુમન્સને શોધવા…’

પણ આ એટલું સરળ નહતું. પહેલા દિવસે કરિશ્માને દસમાંથી નવ વ્યક્તિએ કહ્યું કે અમારે પોતાની વાતો તમારી સાથે શેર નથી કરવી! એમને લાગતું હતું કે કરિશ્મા અને તેની બહેનપણી ગાંડી છે! કોઈને રસ્તા વચ્ચે ઊભા રાખીને એમની અંગત વાતો કોણ પૂછી શકે?!

Karishma mehta       પણ દસમી વ્યક્તિ વૃદ્ધ માજી હતા. તેમણે કરિશ્માને હા કહી અને પૂરો અડધો કલાક તેની સાથે વાતો કરી. દસેક આ પ્રકારની વાર્તાઓ-ઈન્ટરવ્યુ ભેગા થયા બાદ કરિશ્માએ ૨૦૧૪માં એક સાવ સાદું ફેસબુક પેજ બનાવી નાખ્યું. કરિશ્મા કહે છે કે, ‘મારો વિચાર એકદમ સીધો અને સરળ હતો. મારે એવા હિરોઝનો લોકોને પરિચય કરાવવો હતો જેમને કોઈ ઓળખતું નથી. તેઓ કોઈ ટીવી-ફિલ્મ કે મેગેઝિનોમાં ચમકતા નથી. મારે કહેવું હતું કે આ લોકો પણ એટલા જ મહેનતુ અને હોશિયાર છે, આમની જિંદગી પણ એવી જ રોમાંચક અને રસપ્રદ છે કે આપણે તેમાથી પ્રેરણા મેળવી શકીએ!’

દસમાંથી સો અને સોમાંથી હજાર એમ વાર્તાઓ વધતી ગઈ. શરૂઆતમાં કરિશ્મા મહેતાના આઈડિયાને લોકોએ સ્ટુપિડ કહ્યો હતો. તેણે જ્યારે લોકોને કહ્યું કે મારે ફૂલ-ટાઈમ આ જ કામ કરવું છે ત્યારે લોકોએ સામા સવાલો કર્યા હતા કે, પૈસા ક્યાંથી આવશે? ફન્ડ ક્યાંથી આવશે?

આજે ‘હ્યુમન્સ ઑફ બોમ્બે’ના નવ લાખ ઉપર ફોલોઅર્સ છે, અલાયદી વેબસાઈટ છે. કરિશ્માએ પોતાની ટીમ બનાવી છે. જેમાં કોઈ વિડીયો એડિટિંગ કરે છે તો કોઈ ફોટોગ્રાફી. આ પાંચ-સાત યુવાનો ભેગા મળીને મુંબઈના સામાન્સ મોણસોની જિંદગી લોકો સમક્ષ ખોલી નાખે છે. એવા માણસોની જિંદગી કે તેમની આમ જોતા કોઈ જ ઓળખ નથી, પણ ‘હ્યુમન્સ ઑફ બોમ્બે’માં આવ્યા બાદ તેઓ જાણીતા થઈ જાય છે! કોઈ જરૂરિયાતમંદ વિશે આ પેજ પર લખાય તો તેના માટે ભંડોળ પણ ચંદ દિવસોમાં એકઠું થઈ જાય છે.

આજે એમેઝોન, એચડીએફસી બેન્ક, બ્રાન્ડ ફેક્ટરી, અલ્ટ્રા બાલાજી સહિતની કંપનીઓએ ‘હ્યુમન્સ ઑપ બોમ્બે’ સાથે હાથ જોડ્યા છે. નાની-મોટી ફિલ્મ કે સીરીયલનું માર્કેટિંગ પણ આ પેજ પર થોડી હટકે રીતે ચાલતું હોય છે.

તો આ છે… ખરા અર્થમાં નવી દુનિયા! જેમાં યુવાનો ક્યાં, કેમ, કઈ રીતે ‘સેટ’ થશે અને ખુબ ખુબ આગળ વધશે એ કોઈ નથી જાણતું!

જે બાત!

‘હ્યુમન્સ ઑફ બોમ્બે’ પછી હ્યુમન્સ ઑફ ઈન્ડિયા, રાંચી, રાયપુર, જયપુર વગેરે નામના ઘણા પેજિસ અને વેબસાઈટ આજે ચાલે છે. જેમાં સામાન્ય વ્યક્તિઓની ઓળખ, તેમને પડતી તકલીફો વિશે લોકોને માહિતગાર કરાય છે. તેમના જ શબ્દોમાં તેમની વાર્તા અને તેમનો એક ફોટો માત્ર! હા, ‘હ્યુમન્સ ઑફ અમદાવાદ’ પણ છે. ‘હ્યુમન્સ ઑફ કચ્છ’ નથી, શું વિચારો છો?!

@Parth Dave (Janmbhoomi Group- Kutchmitra)

Date: 30-01-2019

Ek shaher, shaher na loko, temni... 30-01 (1)
“અક્ષરત્વ”, જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’; પાના નં. 6,  તા. 30-01-2019

0 comments on “એક શહેર, શહેરના લોકો, તેમની વાર્તાઓ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: