Movies Review

મણિકર્ણિકાઃ ધ ક્વીન ઑફ ઝાંસી

કંગના રાજ

બાકી નારાજ

Rating: 2.7 Star

1928થી 1958 વચ્ચેના સમયગાળામાં જીવી ગયેલી રાણી લક્ષ્મીબાઈની જીવન-ગાથા રજૂ કરતી ફિલ્મ ‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઑફ ઝાંસી’ ઍવરેજ છે. લક્ષ્મીબાઈ તરીકે કંગના રણોત અવ્વલ છે. ફિલ્મના સેટ્સ તથા જ્વેલરી ડિઝાઈન જોવાલાયક છે! ફાઈટ સીક્વન્સીસ પ્રમાણમાં સારા છે, પણ  CGI નબળું છે. કંગના સિવાયના પાત્રોનું પાત્રાલેખન ડેપ્થ વિનાનું છે. કંગનાની ઍક્ટિંગ તથા રાણી લક્ષ્મીબાઈની ક્રીએટિવ લીબર્ટી સાથેની જીવન-ગાથા જોવાની ઈચ્છા હોય તો જઈ શકાય. ફિલ્મ લાંબી લાગશે! 

12319 નવેમ્બર, 1828ના રોજ વારાણસીના મણિકર્ણિકા ઘાટે બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલી લક્ષ્મીબાઈ, જેનું મૂળ નામ મણિકર્ણિકા હતું અને હુલામણું નામ હતુ મનુ, તે વર્ષ 1842માં ઝાંસીના મહારાજા રાજા ગંગાધર નેવાલકર સાથે લગ્ન કરે છે. હિન્દુ દેવી લક્ષ્મી પરથી તેનું નામ લક્ષ્મીબાઈ રાખવામાં આવે છે. તેને દામોદાર રાવ નામનો પુત્ર થાય છે જે ચાર મહિનામાં જ મૃત્યુ પામે છે. રાજા તેમના પિતરાઈ ભાઈના પુત્રને દત્તક લે છે. તેના બીજા દિવસે ગંગાધર રાવ પણ મૃત્યુ પામે છે.

મણિકર્ણિકાના પિતા નાના સાહેબના પિતરાઈ થતા હતા. મણિકર્ણિકા તાત્યા ટોપે તથા નાના સાહેબ પાસે મોટી થઈ છે. ઘેર ભણી છે, તલવારબાજી અને ઘોડેસવારીમાં માહેર છે. તો.. આ બાજુ પતિનું મૃત્યુ થતા વિધવા લક્ષ્મીબાઈને મૂંડન કરાવીને કાશી જવાનું કહેવામાં આવે છે પણ તે આ રિવાજ ન માનીને પોતે ગાદી સંભાળશે અને અંગ્રેજો સામે લડવાનું નક્કી કરશે તેવો એલાન કરે છે. તે કહે છે કે, લક્ષ્મીબાઈ વિધવા થઈ છે, કાશી હજુ સુહાગન જ છે…

તો… વારાણસીમાં જન્મેલી અને 18 જૂન 1958ના રોજ ગ્વાલિયર સ્ટેટ મધ્યે લડતે લડતે મૃત્યુ પામેલી રાણી લક્ષ્મીબાઈ વિશે આપણે ક્યાંક ને ક્યાંક વાંચ્યુ છે, સાંભળ્યું છે. તેના જન્મ અને મૃત્યુ સ્થળ બેઉ જૂદા છે પણ તે કહેવાઈ ‘ઝાંસીની રાણી’, જ્યાં તેણે ખુદ્દારૂપગ રાજ કર્યું, અંગ્રેજો સામે ન ઝૂકતા લડત ચલાવી. ઉપર રાણી લક્ષ્મીબાઈની જીવન-ઝરમર સંક્ષિપ્તમાં રજૂ કરી. બસ એ જ રીતે ‘મણિકર્ણિકાઃધ ક્વીન ઑફ ઝાંસી’માં રાણી લક્ષ્મીબાઈની જિંદગીના ભાગો દર્શાવવામાં આવ્યા છે. 29 વર્ષમાં સમેટાયેલી તેની આખી જિંદગી દર્શાવવી અશક્ય છે. લક્ષ્મીબાઈ પર અગાઉ  480 એપિસોડની ટીવી સિરીયલ બની ચૂકી છે અને સોહરાબ મોદીએ વર્ષો પહેલા ઝાંસી કી રાણી નામની ફિલ્મ પણ બનાવી હતી. ‘મનિકર્ણિકા’ની ઑપનિંગ ક્રેડિટ્સ પહેલા ડિસક્લેમર મુકી દેવાયું છે કે, ફિલ્મમાં ક્રીએટીવ લીબર્ટી માટે અમુક ફેરફારો કરવામાં આવ્યા છે. જે ઈતિહાસકારોએ પાસેથી માહિતી મેળવવામાં આવી છે તેમના નામ આપવામાં આવ્યા છે. માટે ફિલ્મમાં વાસ્તવિક વાર્તા વચ્ચે ક્યાંક ક્યાંક કલ્પનાની રંગોળી પૂરવામાં આવી છે, જેથી સિનેમા વધુ મનોરંજક અને મજેદાર બને.

તો.. ફિલ્મ એટલી મજેદાર અને મનોરંજક બની છે ખરી?

આવો જોઈએ…

‘ક્વીન’ ઈઝ બૅક

ફિલ્મની શરૂઆત લક્ષ્મીબાઈના પરિચયથી થાય છે, તે પરિચય આપણને અમિતાભ બચ્ચનના વૉઈસ ઓવરથી કરાવવામાં આવે છે. બ્રિટિશ ઈન્ડિયા કંપની ભારત પર રાજ કરી રહી છે એવામાં વારાણસીમાં એક દીકરીનો જન્મ થાય છે, નામ મણિકર્ણિકા. એઝ અ મણિકર્ણિકા કંગના રણોતનો ઈન્ટ્રોડક્ટરી સીન સ-રસ છે. તે એકલે હાથે વાઘનો સામનો કરે છે અને તેને નાથે છે. ત્યાર પછી તે જંગલ વચ્ચે ઘોડેસવારી કરી રહી છે અને તેની સાડીનો છેડો દૂર સુધી હવામાં લહેરાય છે. આ વીઝ્યુઅલ જોતા ક્યાંક સંજય લીલા ભણશાળી તમને યાદ આવે ખરા. જોકે, ભવ્યતા અને સૌંદર્યતાની બાબતમાં આ ફિલ્મ તેમના કરતા થોડી વીક પડે છે.

મણિકર્ણિકા(કંગના)નું ઝાંસીમાં આગમન, ગંગાધર રાવ(જીસુસેન ગુપ્તા) સાથે લગ્ન, પુત્રનો જન્મ, બ્રિટિશરો સાથે લડાઈ, ઝાંસીનું ગુમાવવું, પાછું મેળવવું, ગ્વાલિયરમાં મરાઠાનું સામ્રાજ્ય અને બલિદાન. આ ઘટનાક્રમ બાહુબલીના લેખક કે. વી. વીજયેન્દ્રપ્રસાદે લખ્યા છે. ઘટનાઓ ઘણી છે, તેમાંથી કઈ લેવી, બાદ કરવી અને પછી એકબીજામાં પરોવવી આ સખત અઘરુ અને કૉમ્પેક્સ કામ છે. તેમા જરાક ચુંક થાય, વાર્તા ઝોલાં ખાય તો લોચો પડે. મણિકર્ણિકામાં આવું જ કંઈક થયું છે. ઈન્ટરવલથી તરત પહેલાનો થોડો ભાગ અને ઈન્ટરવલ પછી ફિલ્મ લાંબી લાગે છે. ત્રીસથી ચાલીસ મિનિટ જેટલી ફિલ્મ ટૂંકી થઈ શકી હોત.

‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઑફ ઝાંસી’નું કોઈ સબળું પાસું હોય તો તે છે, પ્રોડક્શન ડિઝાઈન. સુજીત સાંવત, શ્રીરામ અયંગર અને સુકાંત પનીગ્રહીએ સુંદર અને આકર્ષક સેટ ઊભા કર્યા છે. ‘બાજીરાવ મસ્તાની’ના સેટ ડિઝાઈનર પણ સુજીત અને શ્રીરામ હતા.(ધેટ્સ વાય ભણસાલીસાહેબ યાદ આવે છે!) બીજું અને મસમોટું ફિલ્મનું સબળું પાસું હોય તો તે છે અભિનેત્રી કંગના રણોત. અદભૂત, માશાઅલ્લાહ, શુભાનલ્લાહ! રાણી લક્ષ્મબાઈનું પાત્ર ફેસિનેટિંગ છે. તેની વીરતાની, સ્વાભિમાનની, ખુદ્દારીની વાતો આપણે સાંભળી છે. તેના પરથી બનેલી વાર્તાઓ અને કવિતાઓથી આપણે વાકેફ છીએ. અરે, સુભદ્રા કુમારી ચૌહાણની કવિતા જેની એક પંક્તિ છે, ‘ખુબ લડી મર્દાની થી… વો ઝાંસી વાલી રાની થી…’ આ પંક્તિ તો દરેકને મોઢે હશે. તો આ પાત્ર પોટ્રે કરવું; તેના જેવો ચહેરોમહોરો નહીં, પણ તેને સંપૂર્ણપણે આત્મસાત કરવું, તે અભિનય છે. અહીં મનમોહનસિંહની જેમ ચાલીને, ધીમા બોલીને નથી બતાવવાનું પણ એક જોશ, એક જૂનુન, યુદ્ધ માટેની વિકરાળતા આંખોમાં બતાવવાની છે. ફ્રેન્કલી, ‘મણિકર્ણિકા’ના ટીઝરમાં કંગના આ પાત્રમાં વિચિત્ર લાગી હતી પણ ટ્રેઈલર અને ફિલ્મમાં તે કન્વિન્સિંગ છે. હા, અમુક સીનમાં તે ઑડ લાગે છે. પણ જોકે, તેનું કારણ ઍક્શન સીન્સ છે. પાછલા ઍક્શન સીન્સ પ્રમાણમાં નબળા કૉરિયોગ્રાફ થયા છે. સ્લો-મોશન સ્ટન્ટ સીન્સ જામતા નથી. કંગનાનું સ્ક્રિન પ્રેઝન્સ નબળું પડે છે એ દ્રશ્યોમાં.

ગીતો કર્ણપ્રિય છે. ખાસ કરીને ‘ભારત’ અને ‘વિજયી ભવ’. તમામ ગીત પ્રશુન જોષીએ લખ્યા છે અને શંકર અહેસાન લૉયનું મ્યુઝિક છે. ફિલ્મનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક પણ પ્રમાણમાં સારું છે. એમાં પણ યુદ્ધમાં વીરાંગના લક્ષ્મીબાઈ જ્યારે અંગ્રેજોનો ખાત્મો બોલાવી રહી હોય ત્યારે બૅકગ્રાઉન્ડમાં ‘આઈ ગીરી નંદીની…’ વાગે છે. આહા હા! આવા દ્રશ્યો રૅર છે, એ યાદ રાખવું! હા, શંકર મહાદેવનના અવાજમાં આવતું ‘ભારત’ સૉન્ગ બહું જ મજાનું છે પણ તેનું લીપ સીંક સુરેશ ઓબેરોય કરે છે. નથી સેટ થવાતું! જોઈ લેજો!

હવે ફિલ્મનું સૌથી મોટું નબળું પાસુઃ ડિરેક્ટર કંગના રણોત! આમ તો વિવાદોમાંથી પસાર થઈને છેલ્લે આ ફિલ્મમાં ડિરેક્ટર તરીકે ક્રિશ જગરલમુડી અને કંગનાનું નામ આવે છે. ટ્રેઈલર લૉન્ચ વખતે કંગનાએ કહ્યું હતું કે, ફિલ્મનું સિત્તેર ટકા દિગ્દર્શન મેં કર્યું છે. જો આ સાચું હોય તો તેમાં કાચું કપાયું છે! કેમ કે, ફિલ્મમાં કગના સિવાયના ઍક્ટર્સના કૅરૅક્ટર બહુ જ નબળા ટ્રીટ કરાયા છે. એમાં તાત્યા ટોપે બનતા સુપર્બ અભિનેતા અતુલ કુલકર્ણી આવી જાય, બાજીરાવ બીજા બનતા સુરેશ ઓબેરોય આવી જાય અને ગુલામ ઘોસ ખાન બનતા ડેની ડોન્ગઝપા પણ આવી જાય. ડેની તથા સદાશીવનું પાત્ર ભજવતા મોહમમ્મદ ઝિશાન અય્યુબનો રોલો પ્રમાણમાં મોટો છે જોકે. પણ ઝિશાન જેવા કાબેલ અભિનેતા પાસેથી પણ અહીં અસરકારક કામ નથી નીકળી શક્યુ. ટેલિવીઝન સ્ટાર અંકિતા લોંખડે અહીં ઝલકરબાઈના પાત્રમાં છે. આ પાત્ર પણ બહાદુર અને રસપ્રદ છે. તેણે દેશ માટે, રાણી માટે પોતાનો જીવ આપી દીધો હતો. આ પાત્ર સખત નબળું લખાયું છે. સરવાળે કહ્યું એમ સુંદર સેટ, નીતા લુલાએ તૈયાર કરેલી અદભુત જ્વેલરી તથા સાડીઓ અને પ્રશુન જોશીના વજનદાર ડાયલૉગ્સ; આ બધું કંગનાની આસપાસ આવીને પૂરું થઈ જાય છે. ‘યે ભારત હૈ યહાં સબ છોડકર ખડા હૈ વોહ સબસે બડા હૈ’ પ્રકારના પેટ્રિઑટિક ડાયલૉગ્સની ભરમાર છે તો સામે બ્રિટિશ અફસરના મોઢે બોલીવુડની નિયમિત ગંદી ટેવ મુજબ એ જ ક્લિશે ને ભંગાર ડાયલૉગ્સ મુકાયેલા છે. ‘ઠગ્સ ઑફ હિન્દોસાત’ની જેમ અહીં પણ એક જગ્યાએ અંગ્રેજ અફસર હિન્દી બોલે છે, ‘આસમાં નીગલ ગયા યા ઝમીં ખા ગઈ..?!’ ડાયલૉગ્સ પ્રશુન જોશીસાહેબે લખ્યા છે.

જોવી કે નહીં?  

2015 અને 17માં આવેલી રાજામૌલીની ‘બાહુબલી’ એક અને બે પછી આ પ્રકારની વૉર પિરિયડ ડ્રામા ફિલ્મ પાસેથી અપેક્ષા સ્વાભાવિક રીતે વધારે હોવાની. અટલીસ્ટ, લાર્જર ધેન લાઈફ કૅરૅક્ટર હોય, તેના સિદ્ધાંત, વીરતા અને બલિદાન બતાવવાના હોય ત્યારે તો ખાસ. જેમ કે, અહીં શરૂઆતમાં કંગનાનું પાત્ર ત્રણ વ્યક્તિ પર કુદકો મારીને હાથી પર ચઢે છે. એ સ-રસ સીન છે, પણ તેનું CGI નબળું છે. જો તમે આ સીનને ‘બાહુબલી 2’ના ઈન્ટ્રોડક્ટરી સીન સાથે સરખાવો તો ખ્યાલ આવી જાય. બીજું એ કે, મણિકર્ણિકાનું CGI ફિલ્મ આગળ વધે છે તેમ નબળું થતુ જાય છે! છેલ્લા યુદ્ધના દ્રશ્યોમાં તો તે સાવ બાલિશ લાગે છે. તમને સરળતાથી ખ્યાલ આવી જાય કે આ ટેક્નોલોજી છે, રિઅલ નથી.

એ જ ‘બાહુબલી’ના લેખક વિજયેન્દ્રપ્રસાદ અહીં કથા અને પટકથા લેખક છે, પણ ફિલ્મ એક પૉઈન્ટ પછી ઝોલાં ખાય છે. પૂરી થયા પછી લાંબી જરૂર લાગે છે. તો… જો તમે કંગના રણોતના ગાંડા ફૅન હો, રાણી લક્ષ્માબાઈની ગાથા મોટા પડદા પર જોવાની અદમ્ય ઈચ્છા હોય, આ ગણતંત્ર દિવસ શૌર્યરસ જોઈને ઉજવવા હોય તો તમે જઈ શકો છો.

છેલ્લી લાઈનઃ એક દ્રશ્યમાં બ્રિટિશ અફસરો કંગનાના પાત્રની મશ્કરી કરે છે કે તને અંગ્રેજી નથી આવડતી. તે સડસડાટ અંગ્રેજી બોલીને સામો જવાબ આપે છે. યાદ કરો, એક સમયે કંગના રણોતની નબળી અંગ્રેજીની ઠેકડી ઉડાડવામાં આવતી હતી. ફિલ્મમાં કંગનાનું અંગ્રેજી સાંભળીને એક અંગ્રેજ કહે છે, ‘શી ઈઝ ક્વીન!’ બીજી વાત, અહીં તેનું હુલામણું નામ ‘મનુ’ છે. તેની સુપરહિટ ફિલ્મ‘તનુ વેડ્સ મનુ’માં ‘તનુ’ હતું!

@Parth Dave

(Review for Mid-day, Mumbai:  26 January 2019)

 

review p.n. 24
Mid-day, Mumbai. Page No. 24, Date: 26-01-2019

 

0 comments on “મણિકર્ણિકાઃ ધ ક્વીન ઑફ ઝાંસી

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: