Interviews Movies

ઈન્ટરવ્યુ ઑફ અંકિતા લોખંડે

અંકિતા લોખંડેએ પહેલી ફિલ્મ ‘મણિકર્ણિકા’, ડ્રિમ રોલ તથા સ્ત્રી સશક્તિકરણ વિશે પોતાના વિચારો રજૂ કર્યા

ઝાંસીની લક્ષ્મીબાઈને સૌ ઓળખે છે, ઝલકરબાઈને કોઈ નથી ઓળખતું…: અંકિતા લોખંડે

jhalkaribai
ઝલકરીબાઈના પાત્રમાં અભિનેત્રી અંકિતા લોખંડે

‘પવિત્ર રિશ્તા’ સિરીયલથી જાણીતી થયેલી અભિનેત્રી અંકિતા લોંખડે આજે રિલીઝ થઈ રહેલી ‘મણિકર્ણિકા’ ફિલ્મમાં ઝલકરબાઈનું પાત્ર ભજવી રહી છે. તેની ‘કચ્છમિત્ર’ સાથે થયેલી ખાસ વાતચીત અહીં પ્રસ્તુત છે…

Interviewed by Parth Dave

-‘મધ્યાંતર’ કૉલમ

(જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’)

આજે રિલીઝ થઈ રહેલી ફિલ્મ ‘મણિકર્ણિકાઃધ ક્વિન ઑફ ઝાંસી’ સૌ જાણે છે તેમ રાણી લક્ષ્મીબાઈના જીવન પર આધારિત છે. ઝાંસીથી અંગ્રેજો સામે લડવામાં ઔર એક વીરાંગના હતી, તેનું નામ ઝલકરબાઈ. વર્ષ ૧૮૩૦થી ૧૮૫૮ એટલે કે માત્ર ૨૮ વર્ષનું આયુષ્ય ભોગવનારી ઝલકરબાઈએ ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. તે કોલી પરિવારમાં જન્મી હતી અને રાણી લક્ષ્મીબાઈની ખૂબ નજદિક હતી. આજે કંગના રણૌતને મુખ્ય પાત્રમાં ચમકાવતી ‘મણિકર્ણિકા’ ફિલ્મ રિલીઝ થઈ રહી છે તેમાં ઝલકરબાઈનું પાત્ર ભજવનારી અભિનેત્રી અંકિતા લોખંડે સાથે તાજેતરમાં મુલાકાત થઈ.

ઈન્દોરમાં જન્મેલી અંકિતા લોખંડે ટીવીજગતનું જાણીતું નામ છે. તેણે ૨૦૦૯માં ઝી ટીવી પર શરુ થયેલી સિરીયલ ‘પવિત્ર રિશ્તા’થી ડેબ્યું કર્યું. તેના અર્ચના-અંકિતાના પાત્રો ખૂબ વખાણાયા, તે ઘેર ઘેર જાણીતી થઈ. ત્યાર બાદ તે ‘ઝલક દિખલાજા’ જેવા ડાન્સ રિઆલિટી શોમાં પણ દેખાઈ. ‘મણિકર્ણિકાઃ ધ ક્વિન ઑફ ઝાંસી’ જેવી ઐતિહાસિક ફિલ્મ થકી તે બોલીવૂડમાં પર્દાપણ કરી રહી છે ત્યારે ચાલો, તેની સાથે વાતો કરીએ.

હાય અંકિતા! સૌથી પહેલા તો તારા ‘મણિકર્ણિકા’ ફિલ્મના પાત્ર વિશે જણાવો.

ankita lokhande 3
અમદાવાદમાં ફોટોશુટ કરાવતી અંકિતા લોખંડે

‘મણિકર્ણિકા’માં મારું ઝલકરબાઈનું પાત્ર છે. સામાન્ય રીતે રાણી લક્ષ્મીબાઈને બધા ઓળખે છે પણ ઝલકરીબાઈને કોઈ નથી ઓળખતું. અથવા તો કહી શકાય કે બહુ જૂજ લોકો ઓળખે છે. ઝલકરીબાઈની ઓળખ બુંદેલખંડ અને ઝાંસીના લોકો પૂરતી સીમિત છે. રાણી લક્ષ્મીબાઈની જેમ ઝલકરીબાઈ આપણા ઈતિહાસનો મહત્વનો ભાગ રહી છે. ઝલકરીબાઈને કોઈ ચીજની પરવા નહોતી, ડર નહોતો. તે દેશ માટે બધું જ કુરબાન કરીને ઊભી રહી હતી. કહી શકાય કે તે આપણા દેશની ‘અનસંગ હીરો’ હતી. (એવી વ્યક્તિ જેમણે ભૂતકાળમાં બહું જ મોટું-મહત્વનું કામ કર્યું હોય, ભોગ આપ્યો હોય પણ તેનું સન્માન કે સ્વીકૃતિ એ સ્તરની ન થઈ હોય.)

ઑકે. તો આટલું દમદાર પાત્ર તમને મળ્યું ત્યારે તમારો પ્રતિભાવ કેવો હતો?

ઝલકરીબાઈનું પાત્ર મને ઑફર થયું ત્યારે સ્વાભાવિક છે કે હું બહું જ એક્સાઈટેડ હતી. ઑબ્વિઅસ્લી કોઈપણ ખુશ હોય, ઉત્સુક હોય. એમાં પણ જ્યારે તમે તમારું ડેબ્યુ કોઈ આવી ફિલ્મથી કરો છો ત્યારે તે બહુ જ અસરકારક રહે છે. તમને પોતાને ખૂબ જ પ્રાઉડ થાય છે. કેમ કે, હું એક એવું પાત્ર ચિત્રિત કરવાની છું જેના વિશે લોકોને ખબર જ નથી. ભારતની એક નવી અસલી હિરો લોકો સમક્ષ મારા દ્વારા રજૂ થશે એના માટે હું ખુદને નસીબદાર માનું છું.

આ ફિલ્મ માટે તમે તલવારબાજી શીખી છે. એ વિશે કહો.

kangana-ranaut_1
મણિકર્ણકિઃધ ક્વીન ઑફ ઝાંસી ફિલ્મના શૂટિંગ વખતે

આ ફિલ્મ માટે અમે ૪૦ દિવસની ટ્રેનિંગ લીધી હતી. એ ઉપરાંત ‘મણિક્રણિકાઃધ ક્વિન ઑફ ઝાંસી’ના ઍક્શન ડિરેક્ટર એનિક પવેલ છે તેઓ અમને હૉલીવુડથી શીખવવા માટે આવ્યા હતા. અમે ઘોડેસવારી, સ્પોર્સ ફાઈટિંગ શીખી. તલવારબાજી તથા બંદૂક ચલાવતા પણ અમે શીખ્યા! એ શીખવાનો અનુભવ પણ સ-રસ રહ્યો.

આ ફિલ્મની કોઈ ખાસ ક્ષણ..

        મારી બધી મોમેન્ટ્સ ખાસ છે. હું સાચું કહું છું. આ ફિલ્મ મને મળવી તે મારા માટે ખાસ જ છે. મારું આ બાળપણનું સપનું પૂરુ થયું છે. હું ચોથા ધોરણમાં હતી ત્યારથી મને હિરોઈન બનવું હતું. એટલે મને એવું લાગે છે કે, એ સપનું મારું પૂરું થયું છે. મારા માટે બધું જ સ્પેશ્યલ છે. અત્યારે મણિકર્ણિકાનું પ્રમોશન કરી રહી છું, તમારા સાથે વાતો કરી છું તે પણ મારા માટે ખાસ છે…

મણિકર્ણિકા ફિલ્મના ડિરેક્ટર્સ એકથી વધારે છે! થોડા વિવાદો પણ થયા તેને લઈને. એ સંદર્ભમાં તમારો ankita-birthday-girl-1545185894અનુભવ કેવો રહ્યો?

        હાહા! મારા માટે તો બહુ જ સારો અનુભવ રહ્યો! શરૂઆતના મારા પોર્શન ક્રિશે(રાધા ક્રિશ્ના જગરલામુડી) ડિરેક્ટ કર્યા. ક્રિશ સાથે બહુ જ સારો અનુભવ રહ્યો. કેમ કે, તેઓ સિનિયર ડિરેક્ટ છે. મારી તો આ પહેલી ફિલ્મ છે, તો તેમણે મારી ખુબ જ મદદ કરી. ઍક્શન સીનમાં તેમણે સપોર્ટ કર્યો. પછી કંગના આવી અને તેણે મારા અમુક સીન ડિરેક્ટ કર્યા. તે બહુ પ્રમાણિકપણે અને મહેનતથી કામ કરે છે. તેણે મને ડિરેક્ટ તો કરી જ, એ સિવાયના દ્રશ્યોમાં પણ કંગનામને ગાઈડ કરતી રહી, પોતાના ઈનપુટ્સ આપતી રહી.

મણિકર્ણિકાઃધ ક્વિન ઑફ ઝાંસીમાંથી શું મેસેજ મળશે?

વીરતા અને બહાદુરીનો મેસેજ મળશે. અત્યારે સ્ત્રીઓનું મૂલ્ય ઓછું આંકવામાં આવે છે ત્યારે લોકોને ખબર પડશે કે ભારતને આઝાદી અપાવવામાં આ સ્ત્રીઓએ કેટલો મોટો ભાગ ભજવ્યો હતો. લોકો આ જાણે અથવા તો ફરી યાદ કરે એ ખૂબ જરૂરી છે. આપણા દેશમાં લક્ષ્મીબાઈ અને ઝલકરીબાઈ જેવી સ્ત્રીઓ પણ હતી જેમણે પોતાનું બલિદાન આપીને દેશને આઝાદી અપાવી છે. એ સ્ત્રીઓના કારણે આજે મર્દો આઝાદ દેશમાં ઘૂમી રહ્યા છે.

 તમને ‘પદ્માવત’માં કોઈ રોલ ઑફર થયો હતો એવા સમાચાર હતા.

મારે એ વિશે વાત નથી કરવી.

ઑકે. તમારો કોઈ ડ્રિમ રોલ છે?

મારા ડ્રિમ રોલ જેવું તો હજુ સુધી કંઈ છે નહીં પણ હાં, મને મધુબાલાની બાયોપિક કરવાની ઈચ્છા છે. જોઈએ હવે, આ સપનું મારું ક્યારે પૂરુ થવાનું છે! પણ હું જે પણ કામ હાથમાં લઈશ અથવા મને મળશે તેમાં હું મારું સો ટકા આપવાનો પ્રયત્ન કરીશ. હજુ તો મારી આ બોલીવુડમાં શરૂઆત છે. દેખતે હૈ..

ગોડફાધર વિના બૉલીવુડમાં ટકવું સરળ લાગે છે?

whatsapp image 2019-01-17 at 3.27.48 pm
અંકિતા લોખંડે સાથે પત્રકાર-લેખક પાર્થ દવે

મને નથી ખબર! હું તો હજુ ડેબ્યુ કરી રહી છું. મને એ પણ ખબર નથી કે ટકી શકવું અને ન ટકી શકવું એટલે શું. મને બસ કામ કરતા આવડે છે…

તમે તમારા ફૅન્સને, ખાસ તો છોકરીઓને શું કહેવા માગશો? સંદેશો આપવા માગશો?

       હું છોકરીઓને કહેવા માગુ છું કે, તેમને કોઈ વ્યક્તિ કે વસ્તુથી દબાવવાની જરૂર નથી. જ્યારે છોકરીઓ ફરિયાદ કરે છે ત્યારે ઍક્ચયુલી તેઓ બીજાને તક આપતી હોય છે. સ્ત્રીઓને ખુશ રહેવાનો અધિકાર છે. હું જોઉં છું કે, તેઓ નાના ગામડામાં હોય કે મેટ્રો સિટીમાં, દબાયેલી રહે છે. એ એટલા માટે કે તેમણે જ કોઈને તેમ કરવાનો હક આપ્યો છે. એ હક છીનવી લો. બાકી કોઈમાં એટલી હિમ્મત નથી કે તેઓ સ્ત્રીઓને રંઝાડી શકે. પોતાના વિચારોને એડવાન્સ રાખો, લાઈફસ્ટાઈલ એડવાન્સ નહીં રાખો તો ચાલશે અને પોતાને ઓછી આંકવાનું બંધ કરી દો!

પૅક અપઃ

આ ફિલ્મ ખરા સમયે આવી છે. અત્યારે સ્ત્રીઓ પરના અત્યાચારોના સમાચારો અવારનવાર આવી રહ્યા છે ત્યારે આ ફિલ્મ તેમના માટે ખૂબ જ મોટી બની રહેશે. મને એવું લાગે છે કે, આ સ્કુલ અને બાળકો માટેની ફિલ્મ છે. હું ગુજરાતની દરેક સ્કુલના શિક્ષકોને કહેવા માગુ છું કે, તેમણે આ ફિલ્મ તેમના વિદ્યાર્થીઓને દર્શાવવી જોઈએ. કેમ કે આપણે ભારતીય ઈતિહાસ ક્યાંક ને ક્યાંક ભૂલી રહ્યા છીએ. ત્યારે અહીં આપણી હિસ્ટ્રી અને વીરતાની સાચી વાત આ ફિલ્મમાં દર્શાવાઈ છે. આ ફિલ્મ દરેક બાળકોને મોટિવેટ પણ કરશે.-અંકિતા લોખંડે

@Parth Dave (Janmbhoomi Group- Kutchmitra) 

This article also published in Janmbhoomi Group-Phulchhab

Date: 25-01-2019

ankita lokhande interview 25-01 kutchmitra
“મધ્યાંતર”, જન્મભૂમિ ગ્રુપ-કચ્છમિત્ર, પાના નં. 6; તારિખઃ 25-01-2019
ankita lokhande interview 25-01 foolchhab
“મધ્યાંતર”, જન્મભૂમિ ગ્રુપ-ફૂલછાબ, પાના નં. 4; તારિખઃ 11-01-2019

0 comments on “ઈન્ટરવ્યુ ઑફ અંકિતા લોખંડે

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: