Literature

ગોર હરિ દાસઃ આ ફ્રિડમ ફાઈટરને તમે ઓળખો છો?

જે વ્યક્તિએ પોતાનું આખું બાળપણ આઝાદ ભારત માટે હોમી દીધું તે આઝાદ ભારતે તેમનું આખું જીવન ધક્કા ખવડાવીને વ્યર્થ કરી નાખ્યું. ગોર હરિ દાસને પોતે સ્વાતંત્ર્ય સૈનિક છે તેવું પ્રમાણપત્ર મેળવતા ૩૦ વર્ષ લાગ્યા!

-‘અક્ષરત્વ’ કૉલમ

(જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’)

ભારત દેશને આઝાદી મળી તેને ૭૨ વર્ષ થયા અને ભારતનું અલાયદું બંધારણ-કોન્સ્ટિટ્યુશન ઑફ ઈન્ડિયા અમલમાં આવ્યું તેને ૬૯ વર્ષ થયા. આટલા વર્ષોમાં દેશે ખૂબ પ્રગતિ કરી, ખૂબ આગળ વધ્યો. સરકારો બદલી, નેતાઓ બદલાયા. દેશે પોતાના સીમાળા વટાવીને ‘વિકાસ’ કર્યો. અરે! પૃથ્વી પરના દેશોએ અન્ય ગ્રહો સુદ્ધાને નથી છોડ્યા તો ભારત દેશ શેનો છોડે! સારું છે, ઉત્ક્રાંતિ, પ્રગતિ અને વિકાસ અટકવાનો નથી, તે અટકી શકવાનો નથી.

ભારત દેશ આઝાદ થયો ત્યારે તેનુ કાયમી બંધારણ નહતુ. દેશના વડાના સર્વોચ્ચ પદ- ગવર્નર જનરલના પદ પર લોર્ડ માઉન્ટબેટન બેસતા હતા. ત્યાર બાદ કાયમી બંધારણની રચના થઈ, કેટકેટલાય વિચારવિમર્શ અને સુધારાઓ પછી ૩૦૮ સભ્યોની બંધારણ સભાએ ૨૪ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ હિન્દી અને અંગ્રેજીમાં હસ્તલિખિત બે નકલો પર હસ્તાક્ષરો કર્યા. ને બે દિવસ પછી ભારતના બંધારણે કાયદાનું સ્વરૂપ ધારણ કર્યું. એ દિવસ એટલે કે, ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ સુધી કહ્યા તેમ ઘણા બદલાય થયા પરંતુ અમુક બાબતો એમ જ રહી. જેમ પ્લાસિસ્ટને તમે ખતમ ન કરી શકો તે પર્યાવરણને દુષિત કરે જ; જમીનમાં નાખો તો જમીનને બગાડે, બાળો તો હવાને. પ્લાસ્ટિકનું પરિવર્તન ન થાય, તેની ઉત્ક્રાંતિ કે વિકાસ પણ ન થાય. એ રીતે ભારતમાં પણ અમુક બાબતો એવી જ રહી, કેમ કે પ્રજા એ જ રહી. અંગ્રેજો ક્રુર હતા, ઝુલમ કરતા હતા. તેઓ તેમનું કામ કરીને જતા રહ્યા. પ્રજા ઝુલમ સહન કરતી હતી અને સહન કરતી રહી..

તમને વિચાર આવશે કે પ્લાસ્ટિકની જેમ બીજી કઈ કઈ બાબતો ભારતમાં રહી? ગરિબી? બેરોજગારી? ગંદકી? અન્યાયી અનામત વ્યવસ્થા?(જોકે, તે તો પરિવર્તન પામે છે!) આનો જવાબ છેઃ આપણી ખખડી ગયેલી સિસ્ટમ. અને આ સિસ્ટમનો ભોગ એવી વ્યક્તિઓ બની જેણે ભારતને આઝાદી અપાવવામાં, આઝાદ ભારત માટે લડવામાં એક મહત્વનો ભાગ ભજવ્યો છે.

***

નામઃ ગોર હરિ દાસ. જન્મ ૧૯૩૧માં. સ્થળ: ઓરિસા. તેર ભાઈબહેનોમાં બીજા દિકરા ગોર હરિ દાસ નાનપણથી ગાંધીજીના પ્રભાવમાં હતા. તેમના પિતા પણ ગાંધીવાદી હતા. ગાંધીજીએ તેમના જેટલા વર્ષો ઓરિસામાં કાઢ્યા એ દરમ્યાન ગોર હરિ તેમના સંપર્કમાં આવ્યા. તેમને હજુ પરિપક્વ થવાની પણ વાર હતી, એવી નાની ઉંમરે વાનર સેનામાં જોડાયા. પણ એટલી સમજ હતી કે, આઝાદ  દેશમાં હજુ અંગ્રેજો છે અને આપણે ભારતીયો છીએ, અને આ એક કપડું પહેરતો ફકિર તે માટે ઝઝૂમી રહ્યો છે. વર્ષ ૧૯૪૪માં પશ્ચિમ બંગાળની એક મિટિંગ દરમ્યાન ગોર હરિ દાસના કામથી ખૂશ થઈને ગાંધીજીએ તેમના વખાણ કર્યા હતા અને કપાળ પર તેમને ટપલી મારી હતી!

તારિખ ૨૬ જાન્યુઆરી, ૧૯૪૫ એટલે કે આજથી બરાબર ૭૪ વર્ષ પહેલા ગોર હરિ દાસે ઓરિસાના ઈકડા ગામમાં એક મકાનની છત ઉપર ભારતનો ઝંડો ફરકાવ્યો હતો. તેના કારણે તેમની ધરપકડ થઈ હતી. તેમના સાથે ભાઈ અને પિતા પણ હતા. એ વખતે ગોર હરિ દાસની ઉંમર હતી, ૧૪ વર્ષ!

પછી તો દેશ સંપૂર્ણ આઝાદ થયો, કહ્યું એમ સ્વતંત્ર બાદ ગણતંત્ર પણ થયો. ગોર હરિ દાસે લગ્ન કર્યા, તેમને પુત્ર થયો. એ એન્જિનિયરિંગની કૉલેજમાં અભ્યાસ કરતો હતો. વર્ષ ૧૯૭૨માં આઝાદ ભારતની આઝાદ સરકાર દ્વારા એક સરક્યુલર બહાર પાડવામાં આવ્યુ જેમાં લખેલું હતું કે જેમણે ભારત દેશને આઝાદી અપાવવા માટે ભાગ લીધો હોય, જેઓ સ્વાતંત્ર્ય સૈનિક(ફ્રિડમ ફાઈટર) હોય તેઓ પોતાનું નામ અને એપ્લિકેશન લેટર ખાદી એન્ડ વિલેજ ઈન્ડસ્ટ્રી કમિશનને મોકલે. ગોર હરિ દાસે પણ તેમ કર્યું, પરંતુ કંઈ રિસ્પોન્સ ન મળ્યો.

એવામાં ગોર હરિ દાસના પુત્રને એન્જિનિયરિંગ કૉલેજમાં એડમિશન માટે કોઈએ સૂચન કર્યું કે, પિતાનું  સ્વાતંત્ર્ય સૈનિક તરીકેનું સર્ટિફિકેટ હશે તો તને તક મળી શકે એમ છે. તે કૉલેજ ધ વીરમાતા જીજાબાઈ ટેક્નોલૉજીક ઈન્સ્ટિટ્યુટ હતી. દીકરાએ પિતાને વાત કરી. ગોર હરિ દાસ પાસે સર્ટિફેકટ તો નહોતું પણ એ વખતે-ઓરિસામાં જેલમાં દિવસો કાઢ્યા હતા તેનું જેલ લિવિંગ સર્ટિફેકેટ હતું. તેમણે તે આપ્યું. દીકરાએ તે પ્રિન્સિપાલ સમક્ષ રજૂ કર્યું. તેમણે તેને નકારી દીધું અને કહ્યું કે, આવા ફર્જી સર્ટિફિકેટ તો ગમે ત્યાં(વાંચો: ભારતમાં) બનાવી શકાય! અને જેલમાં તો ચોર, ગુંડા-મવાલી પણ જતા હોય! દીકરાને પ્રવેશ ન મળ્યો. પોતાની સરખામણી ચોર-ધુતારા સાથે થતી સાંભળીને ગોર હરિને દુઃખ થયું. તેમણે ફરીથી પોતાના સર્ટિફિકેટ માટે ટહેલ નાખી. રિસ્પોન્સ ન મળ્યો. તેઓ કલેક્ટરને મળ્યા, મંત્રીઓને મળ્યા. મહારાષ્ટ્રમાં તેમને એક જગ્યાએ એવો જવાબ મળ્યો કે તમે તો ઓરિસાથી લડ્યા હતા ને, તો ત્યાં જઈને અરજી કરો. ગોર હરિનો એ વખતે તેમને જવાબ હતો: ભાઈ હું તો દેશ માટે લડ્યો હતો! આ રાજ્ય ને વિસ્તારના ભાગલા ક્યાંથી અને ક્યારથી થયા?!

ગોર હરિ દાસે જ્યારે પોતાના સ્વાતંત્ર્ય સૈનિકના પ્રમાણપત્ર માટે પહેલો પત્ર લખ્યો તે વર્ષ હતું ૧૯૭૬નું, અને ગોર હરિ દાસને પોતે ફ્રિડમ ફાઈટર છે તેવું સરકાર તરફથી સર્ટિફિકેટ મળ્યું તે વર્ષ ૨૦૦૯નું; પૂરા ત્રીસ વર્ષ! જે વ્યક્તિએ પોતાનું આખું બાળપણ આઝાદ ભારત માટે હોમી દીધું તે આઝાદ ભારતે તેમનું આખું જીવન ધક્કા ખવડાવીને વ્યર્થ કરી નાખ્યું.

શરૂઆતમાં જે પ્લાસ્ટિકની વાત કરી તે હવે યાદ કરો. સીસ્ટમમાં પ્લાસ્ટીકથી પણ વધારે દુષ્કર સડો પેસી ગયો છે જેમાંથી પસાર થતા, એક મામૂલી પ્રમાણપત્ર લેતા ૩૦ વર્ષ લાગી જાય છે. કહ્યું એમ ગોર હરિ દાસ તો ગાંધીવાદી હતા. તેમણે આઝાદીમાં પોતાનું યોગદાન પણ ગાંધીયનને છાજે એ રીતે આપ્યું, અને પછી પોતાની લડાઈ પણ અહિંસાથી લડી. એકપણ વખત કોઈ સામે ઊંચા અવાજે વાત ન કરી. ‘ફર્સ્ટપોસ્ટ’ અખબારના અહેવાલ અનુસાર, ગોર હરિ દાસે પોતે આઝાદી લડતમાં હતા તેનું પ્રૂફ માગવા માટે કુલ ૩૨ વર્ષની લડતમાં ૩૨૧ વખત દરવાજા ખટખટાવ્યા, ૬૬૦૦૦ પગથિયાઓ ચડ્યા, ૧૦૪૩ પત્રો લખ્યા અને ૨૩૦૦ વખત વિનંતી કરી, આ આઝાદ દેશમાં!

 

gour-hari-dastan
ફિલ્મ ગૌર હરિ દાસ્તાનમાં અફલાતૂન અભિનય કરનાર વિનય પાઠક

વચ્ચે તેમને ઘણી જગ્યાએ લાંચ-રૂશવત આપવા માટે કહેવામાં આવ્યું. ‘સેટિંગ’ કરવાનું કહેવામાં આવ્યું. બીજા-ત્રીજા પ્રકારે દબાણ કરવામાં આવ્યું. અપમાન કરવામાં આવ્યું. પણ તેમના કપાળે એક વખત ગાંધીએ હાથ મુક્યો હતો. એ માણસ હિંસા, ભ્રષ્ટાચાર, અસત્યને વહારે તો કેમ થઈ શકે? ગાંધીડો લાજે આપણો! નવાઈની વાત એ છે કે, ગોર હરિ દાસ વિશે બહુ ઓછાને જાણ હતી. આ તો ૨૦૧૫માં અનંત મહાદેવને ‘ગોર હરિ દાસ્તાન’ નામની ફિલ્મ બનાવી તેના કારણે તેઓ લાઈમલાઈટમાં આવ્યા.

ફિલ્મમાં ગોર હરિ દાસને સર્ટિફિકેટ મળી જાય છે પછી તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને કહે છે કે, ‘માફ કરજો સાહેબ, કહેતા ખરાબ લાગે છે પણ બ્રિટિશ રુલમાં ઘણું બધું સારું હતું. કમ સે કમ એ તો ખબર હતી કે આપણો દુશ્મન કોણ છે!

       *જે બાત!*

હાલમાં ગોર હરિ દાસ હાલ મુંબઈના દહિંસર પરામાં રહે છે. અલ્ઝાઈમરની થોડી અસર છે તેમને. ફિલ્મ આવ્યા બાદ કોઈએ તેમને પૂછ્યું કે, આ ફિલ્મ તમારા માટે કેટલી મહત્વની છે? એમનો જવાબ હતો: આ મારા માટે મહત્વની નથી. તે આવનારી પેઢી માટે મહત્વની છે.

@Parth Dave (Janmbhoomi Group- Kutchmitra)

Date: 23-01-2019

gaur hari daas 23-01-2019 (2)

gaur hari daas 23-01-2019 (1)
“અક્ષરત્વ”, જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’; પાના નં. 6,  તા. 23-01-2018

 

0 comments on “ગોર હરિ દાસઃ આ ફ્રિડમ ફાઈટરને તમે ઓળખો છો?

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: