Movies Review

વાય ચીટ ઈન્ડિયા

(વાય) ચીટ ઑડિયન્સ

Rating: 1.3 Star

સૌમિક સેન દિગ્દર્શિત અને ઈમરાન હાશ્મી અભિનિત ‘વાય ચીટ ઈન્ડિયા’ ભારતની ઍજ્યુકેશન સિસ્ટમમાં થતા કોઠાકબાળા, કૉલેજોમાં થતા ભ્રષ્ટાચાર, ભણતરના પ્રેશરમાં થતી વિદ્યાર્થીઓની આત્મહત્યાઓ, વગેરે મુદ્દાઓ પર પ્રકાશ પાડે છે; પણ… પ્રકાશ નબળો પડે છે એટલે કે એક્ઝિક્યુશન સખત ડલ છે. સ્ક્રિપ્ટ નબળી છે. ડાયલૉગ્સમાં ક્યાંક તીખારા છે, પણ સટલ્ટી નથી. ટૂંકમાં, સ-રસ વિષયવાળી નબળી ફિલ્મ. ફિલ્મમેકર મૂંઝવણમાં છે કે, ગેરકાયદે વિદ્યાર્થીઓને પાસ કરાવનાર વ્યક્તિને સારો ગણવો કે ખરાબ?!    

Why_Cheat_India-250_1547712796.jpgપાંચ વર્ષ પહેલા માધુરી દિક્ષીત-જૂહી ચાવલા અભિનિત એક પ્રમાણમાં ઠિકઠાક ફિલ્મ આવી હતી, નામ ‘ગુલાબ ગૅન્ગ’. બૉક્સ ઑફિસ પર પટકાયેલી આ ફિલ્મને મિક્સ રિવ્યુઝ મળ્યા હતા. આ ફિલ્મનું લેખન-દિગ્દર્શક અને સંગીત સૌમિક સેનનું હતું. ‘ગુલાબ ગૅન્ગ’ પછી સીધી સૌમિક સેને બનાવી ‘ચીટ ઈન્ડિયા’, જેનું નામ પાછળથી ‘વાય ચીટ ઈન્ડિયા’ કરી નાખવામાં આવ્યું! વાય?  ટ્રેલર સુધી બરાબર હતું, તો પછી કેમ આગળ ‘વાય’ લગાડી દેવામાં આવ્યો?! હશે, જે પણ હોય. પણ ફિલ્મ જોયા પછી આપણા મગજમાંય એ જ પહેલું આવે, કે ‘વાય? શું કામ?’ આટલા સ-રસ આઈડીયા અને વિષયને આમ નબળા એક્ઝિક્યુશન સાથે વેડફી શુકામ નાખ્યો?!

સૌમિક સેને મુખ્ય પાત્ર તરીકે 2017માં ‘બાદશાહો’માં દેખાયેલા ઈમરાન હાશ્મીને પસંદ કર્યો. જોકે, ઈમરાને વચ્ચે સ્ટ્રીમિંગ પ્લેટફૉર્મ ઝી5ની ‘ટાઈગર્સ’ નામની ફિલ્મ કરી, જે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ઑન ઍર થઈ. તેનું પાત્ર અને આ- ‘ચીટ ઈન્ડિયા’નું રાકેશ સિંહ ઉર્ફે રૉકીનું પાત્ર ક્યાંક  ક્યાંક મૅચ થાય છે.

સલામ રૉકીભાઈ!

તો રાકેશ સિંહ(ઈમરાન હાશ્મી)મેડિકલનો વિદ્યાર્થી હતો પણ ત્રણ-ચાર વખત ટ્રાય કરી, પાસ ન થયો. તેનો ભાઈ ડૉક્ટર બની ગયો. પપ્પા આખી જિંદગી સંભળાવતા રહ્યા કે તું મેડિકલ એન્ટ્રસ એક્ઝામ પણ ઢંગથી પાસ નથી કરી શક્યો, તું શું આગળ વધવાનો. આવું બધું થયું એટલે સંજોગોનો માર્યા રાકેશભાઈ ‘રૉકી’ બની ગયા! પોતે પાસ ન થયા પણ જે છોકરાઓને એન્જિનિયરિંગની એન્ટ્રસ એક્ઝામમાં પાસ થવું છે તેમને ચોરીથી, ઇલ્લગલી પાસ કરાવવા માંડ્યા! પણ સાવ એવું કરે તો ભાઈ વિલન થઈ જાય એટલે ડિરેક્ટર ભાઈસૌમિકે અહીં રૉબીનહૂડ ઍન્ગલ ગોઠવી દીધો. રૉકી ભાઈ જે હોનહાર અને ગરિબ વિદ્યાર્થી હોય તેને પૈસાદાર બાપની બીગડી હુઈ ઔલાદનું પેપર લખવા માટે મનાવી લે! તવંગરોના ખિસ્સામાંથી પૈસા જાય, તેનો દીકરો એન્જિનિયર બને અને ગરિબ છોકરાને સારાએવા પૈસા મળે. ગરીબો ખુશ, અમીરો ખુશ. (અને ‘ફિલ્મ જોતા દર્શકો ખુશ’ એમ ડિરેક્ટરે ધાર્યું હશે!) ઈન શૉર્ટ, આ રીતે રૉકીભાઈનો ધંધો જામી ગયો!

એવામાં એક આશાસ્પદ ટૉપર સત્યેન્દ્ર ઉર્ફે સત્તુ(સ્નીગદીપ ચૅટરજી) વિશે રૉકીભાઈને જાણ થાય છે. મેરિટ લિસ્ટ બહાર પડે છે એમાં સત્તુનો નંબર આગળ આવે છે. રૉકી તેની સામે લલચામણી ઑફર મૂકે છે, મજબૂરીનો માર્યો સત્તુ તેની હા પાડી દે છે અને ચાલુ થાય છે તરકટબાજીની રમત. અલગ અલગ શહેરની કૉલેજોમાં જઈને સત્તુ પેપર લખી આવે, બીજો છોકરો પાસ થાય, સત્તુને પૈસા મળે. એક પૉઈન્ટ પછી સત્તુ કોઈ જગ્યાએ ફસાય છે અને તે જાળ રોકી ઉપર આવી ચડે છે. ત્યાં સુધી રૉકીએ તો ઍજ્યુકેશન સિસ્ટમના છીંડા શોધીને મલ્પિપલ લેવલે ગેરકાયદેસર ધંધા ચાલુ કરી નાખ્યા છે. બસ, ત્યાર પછીની વાર્તા રૉકી કઈ રીતે આ ધંધામાં પડ્યો(જે મેં પહેલા જ કહ્યું) અને શા માટે આ કરી રહ્યો છે, તે કરી રહ્યો છે તે ખોટું નથી, એ બધું સમજાવવામાં જાય છે.

ફિલ્મનો સેકન્ડ પાર્ટ સાવ, પહેલા કરતા પણ ફિક્કો છે. એન્ડ કંગાળ છે. ઉપર વાત કરી તે ભાગ થોડો દિલચશ્પ રીતે દર્શાવાયો છે.

ડિરેક્શન, ઍક્ટિંગ, મ્યુઝિક

        અગાઉ વાત કરી તે ‘ગુલાબ ગૅન્ગ’નું ડિરેક્શન પ્રમાણમાં સારું હતું. તેનામાં અમુક થ્રીલ મોમેન્ટ્સ ઝિલાઈ હતી. જુહી-માધુરીના સામસામા ડાયલૉગ્સ પણ મજેદાર હતા. અહીં તેનો સદંતર અભાવ છે. ડાયલૉગ્સમાં હ્યુમરના ચમકારા છે પણ બહુ જૂજ. આપણી માર્ક્સ ઓરિએન્ટેડ પરિક્ષા પદ્ધતિ, સ્કૂલ-કૉલેજોમાં થતા ભ્રષ્ટાચાર, એજ્યુકેશન સિસ્ટમની નબળાઈઓ, આ મુદ્દાઓ વિશે અગાઉ ફિલ્મોમાં ઘણી વાતો થઈ ચૂકી છે. અહીં તેની ઈર્દગિર્દ, થોડું એક્સપ્લોર થાય તેવા પ્રયત્ન સાથે દર્શાવવાની કોશિશ કરાઈ છે.

ઍકચ્યુઅલી એક નાની એવી સ્ક્રિપ્ટને ખેંચીને બે કલાકની ફિલ્મ બનાવી નાખી હોય તેવું લાગે છે!(હા, બે કલાકની છે તો પણ લાંબી લાગે છે!) ફિલ્મની શરૂઆતમાં સમયગાળો 1998નો દર્શાવાયો છે. તેમ બતાવવા પાછળનું ખાસ કોઈ કારણ નથી દેખાતું. પેલો આપણો ટૉપર સત્તુ ‘ગુપ્ત’ ફિલ્મ જોઈ રહ્યો છે. બે-ત્રણ ગુંડામલાવી આવીને તેને ઉઠાડે છે ત્યાં આપણો હિરો રૉકીભાઈ આવી જાય છે. તે સત્તુની રક્ષા કરે છે અને પેલાને મેથીપાક આપે છે. વાત અહીં અટકતી નથી.(આ સીનનો ખાસ ઉલ્લેખ કર્યો એના પાછળનું કારણ હવે આવે છે.) રૉકી એટલે કે ઈમરાન હાશ્મી ગુંડા લોગને સાવ નબળા ઍક્શન સાથે ફાઈટ કરીને છેલ્લે ‘ગુપ્ત’માં મર્ડરર કોણ છે તે સ્પોઈલર એન્ડ કહીને નીકળી જાય છે! (આ પ્રકારનું, ‘ગુપ્ત’ ફિલ્મનું એન્ડ ઉગાડું પાડી દેવાનું હિન્દી ફિલ્મોમાં ચલણ વધુ ગયું હોય એવું લાગે છે!)

વેલ, સૌમિક સેનનો કહ્યું એમ વિષય મજેદાર છે. સીસ્ટમ સામે ગેમ રમીને, છેતરપિંડી કરીને, તરકટ રચીને પરિક્ષા આપવી, કૌભાંડો આચરવા અને પકડાવું નહીઃ આ તમામ બાબતોનું જો સ્માર્ટલી ફિલ્માંકન થયું હોત તો જોવાની મોજ પડત. એના બદલે ફિલ્મ ટિપિકલ બૉલીવુડ ક્લિશેના ખાનામાં જઈને પડે છે. જેમ કે, ઉપર ઉલ્લેખ કર્યો તે ફાઈટનો સીન ખાસ એન્ટ્રી માટે જ ઘુસાડવામાં આવ્યો છે. ક્લિશેનો સતત ઉમેરો થતા એક પૉઈન્ટ પછી સ્ક્રિપ્ટ મોનોટોનસ થઈ જાય છે. આખી ફિલ્મમાં ક્યાંય સ્પાર્ક નથી વરતાતો. કહ્યું એમ, મીષ્કા શેખાવત તથા જૂહી સખલાણીના રમૂજી ડાયલૉગ્સ ક્યાંક દેખા દે છે, પણ સટલ્ટી ગેરહાજર છે. ‘માયા હૈ.. સબને ખાયા હૈ…’ કે પછી ‘ન્યુટન કા ફોર્થ લોઃ ગરિબ આદમી સે કોઈ પ્યાર નહીં કરતા’ આ પ્રકારના પરાણે જોડકણા જોડીને વન-લાઈનર ઠોકી બેસાડી હોય એવા અમુક ડાયલૉગ્સ પણ છે. પ્રોડક્શન વૅલ્યુ પણ ડલ લાગે છે. કદાચ તેના કારણે જેને રન-ઑફ-ધ-મીલ કહેવાય એવું તદ્દન સામાન્ય કક્ષાનું, ખાસ ઍસ્પેક્ટ્સ વિનાનું ડિરેક્શન થઈ ગયું છે. સૌમિકભાઈએ અહીં ફૅક્ટ્સ અને ફિક્શનને મીક્સ કરવાનો પ્રયત્ન કર્યો છે પણ તે એટલો અસરકારક નથી લાગતો. જેમ કે, વિદ્યાર્થીઓ માર્ક્સ લાવવાના દબાણમાં પંખા પર લટકીને આત્મહત્યા કરી લે; માતા-પિતા સતત તેમના સંતાનોની કૉલેજની ફિઝમાં, તેની લોન માટે હેરાન થતા રહે; બાકીના હોશિયાર વિદ્યાર્થીઓ ટેક્સ્ટબુક ગોખ્યા કરે; કોચિંગ ક્લાસિસનું હબ એવું કોટા, ત્યાંનું વાતાવરણ; આ તમામ બાબતો ડિરેક્ટરે વાર્તામાં જોડીને દર્શાવી છે. અને ફિલ્મ પૂરી થાય છે ત્યાં- અંતે આપણને આંકડાઓ જોવા મળે છે, જેમાં લખ્યું છે કે IIT મુંબઈના 50 ટકા વિદ્યાર્થીઓ ચીટીંગ કરે છે, આટલી ઍજ્યુકેશન કૉલેજો ફૅક છે, આટલા વિદ્યાર્થીઓએ વરસે દહાડે આત્મહત્યા કરી છે, વગેરે.

હવે મૂળ મુદ્દો એ છે કે,(વાંચોઃ વાંધો) કે, આખી ફિલ્મમાં ઈમરાન હાશ્મીના રૉકીના પાત્રને રોબિનહૂડ ટાઈપ બતાવ્યું છે. ઠોઠડા વિદ્યાર્થીના પૈસાદાર પિતા પાસેથી પૈસા લઈને ગરિબ પણ હોશિયાર વિદ્યાર્થીને તે આપે છે! અને જ્યારે પણ પોતાના આ ગુના પકડાય તો શીખ આપવાનું શરૂ કરી દે. પોતાના ભૂતકાળની વાતો કરવા માંડે. યે તો ગલત બાત હૈ! રૉકી સારો છે કે ખરાબ તે મેકર્સ છેલ્લે સુધી નક્કી જ નથી કરી શક્યા!

ઈમરાન હાશ્મી, સ્નીગદ્દીપ ચૅટરજી ઉપરાંત ફિલ્મમાં સત્તુની બહેન નૂપુરના પાત્રમાં શ્રેયા ધન્વંતરી છે. શ્રેયા વેબ સિરીઝ ‘લેડિઝ રૂમ’માં ચમકી ચૂકી છે. અહીં તેનો મુખ્ય રોલ છે. સ્નીગદ્દીપ અને શ્રેયા બેઉએ કમાલ ઍક્ટિંગ કરી છે. ઈમરાન હાશ્મીની પત્નીના રોલમાં શિબાની બેદી છે, જેને તે ઝાંસી મૂકી આવ્યો છે. રૉકીના મિત્ર બબલુના પાત્રમાં મનુજ શર્મા છે, જેના ફાળે અમુક કૉમિક ડાયલૉગ્સ આવ્યા છે ખરા. રૉકી અને નૂપુર વચ્ચેનો પ્રણય પણ થોડો દર્શાવ્યો છે, જેથી આપણને બેસૂરા રોમૅન્ટિક ગીતો સાંભળવા મળે, સૉરી સાંભળવા પડે! ફિલ્મનું મ્યુઝિક નબળું છે. બૅકગ્રાઉન્ડ સ્કોર પણ ઠીક છે.

જોવી કે નહીં?

ઈમરાન હાશ્મી એક જગ્યાએ ઑલિવર સ્ટોનની ક્લાસિક ‘વૉલ સ્ટ્રીટ’ની લાઈન બોલે છે, ‘ગ્રીડ ઈઝ ગુડ’. પણ આ લાઈન અસંગત લાગે છે. એ દ્રશ્યમાં ફીટ જ નથી થતી. જેને ‘વૉલ સ્ટ્રીટ’ નો સંદર્ભ ખબર નહીં હોય તેને એમ થશે કે, રૉકીભાઈને શું થઈ ગયું છે?!

વેલ, ‘વાય ચીટ ઈન્ડિયા’ એ ચીટીંગ અને ફૅકીંગ તથા હાર અને જીતની વાર્તા છે. શીખવાનું ઑબ્વિઅસલી એ જ છે કે, ચીટીંગ ન કરવી અને મહેનત કરીને પરિક્ષા પાસ કરવી.(ફિલ્મમેકર તો કન્ફ્યુઝ્ડ જ છે!) તો… એક સ-રસ મજાના આઈડિયાને ખાઈમાં પડતો જોવો હોય તો થીએટર ભણી જઈ શકાય. ઈમરાન હાશ્મીના તમે ફૅન હો, તેની સિરિયલ કિસરમાંથી નવીનવી પરિવર્તિત થયેલી રૉબિનહૂડની ઈમેજ જોવી હોય તો જઈ શકાય. રરૉબિનહૂડ એટલે અહીં એવું કે ભઈ માણસ સારો છે, ખાલી તે કરે છે તે કામો ખરાબ છે! ઈન્ટરવલ પછી તે જ-રા-ક ‘જન્નત’ની યાદ અપાવે તેવો લાગે છે! બાકી… તેની ઍક્ટિંગ ઠીક લાગી, અદભૂત નહીં.(અદભુત ક્યારે લાગી છે હેં?!)

છેલ્લી વાતઃવાય ચીટ ઈન્ડિયા’ પોણી પૂરી થવા આવી ત્યાં મને ‘સિંઘમ’નું બહું જાણીતું થયેલું જયકાંત શિક્રે(પ્રકાશ રાજ)નું પાત્ર યાદ આવવા માંડ્યું. એ એક ગંભીર સિચ્યુએશન્સમાં રમૂજી રીતે બોલે છે, ‘યે ચીટિંગ કરતા હૈ… ચીટિંગ કરતા હૈ… યે ચીટિંગ હૈ… ચીટિંગ હૈ…’

બસ, એમ જ-યાદ આવ્યું!

@Parth Dave

(Review for Mid-day, Mumbai:  19 January 2019)

why cheat india 19-01
Mid-day, Mumbai. Page No. 24, Date: 19-01-2019

0 comments on “વાય ચીટ ઈન્ડિયા

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: