Movies Review

ધ ઍક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર

‘સંજય દ્રષ્ટિ’એ ડૉ. મનમોહન સિંહ

Rating: 2.4 Star

દરેક સત્યનું પોતાનું વર્ઝન હોય. ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના મીડિયા ઍડવાઈઝર રહી ચૂકેલા સંજય બારુએ લખેલા પુસ્તક ‘ધ ઍક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ પર આધારિત ફિલ્મમાં UPA શાસનના કાર્યકાળ 2004થી 2014 દરમ્યાનની વાતો છે. PMO હાઉસના પ્રસંગો છે. ફિલ્મના અંતમાં સંજય બારુ બનતા અક્ષય ખન્ના ખુદ કહે છે તેમ આ મારા સત્યનું વર્ઝન છે! તો રાજકારણના રસિયાઓ આ ફિલ્મ જોઈ શકે છે. જાણિતા-નામી ચહેરાઓને કલાકારો કઈ રીતે ભજવે છે તે જોવાની ઈચ્છા હોય તો પણ થીએટર સુધી લાંબા થઈ શકો છો. અને આ પ્રસંગો બહુ જૂના નથી એટલે બધું યાદ જ હશે, રિવાઈન્ડ થઈ જશે!

93922

‘ધ ઈકૉનૉમિક ટાઈમ્સ’ અને ‘ધ ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’ના એસોસિએટ એડિટર તથા ‘બિઝનેસ સ્ટાન્ડર્ડ’ના ચીફ એડિટર રહી ચૂકેલા પત્રકાર સંજય બારુ વર્ષ 2004થી 2008 સુધી UPA પાર્ટીના વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના મીડિયા ઍડવાઈઝર રહ્યા હતા. જ્યારે ડૉ. મનમોહન સિંહ નાણા સચિવ હતા ત્યારે સંજય બારુના પિતા બી.પી.આર. વિઠ્ઠલ તેમના ફાઈનૅન્સ અને પ્લાનિંગ સેક્રેટરી હતા. સંજય બારુની સલાહકાર તરીકે નિમણૂક ડૉ. મનમોહન સિંહે કોઈને પૂછ્યાકર્યા વગર કરી હતી, એટલે તેમની પહેલી ટર્મ પૂરી થાય એના એક વર્ષ પહેલા જ બારુએ રાજીનામું આપ્યું. અલબત્ત, પ્રેશર વધતા આપવું પડ્યું. 2008માં નોકરી છોડ્યા બાદ સંજય બારુ PMOમાં પોતાના કાર્યકાળ દરમ્યાનના સંસ્મરણો લખે છે, જે પુસ્તક 2014ના એપ્રિલ મહિનામાં પબ્લિશ થાય છે. 2014 એટલે એ જ ડૉ. મનમોહન સિંહજીની બીજી ટર્મ પૂરી થવાનો સમય. ચૂંટણીના માહોલ ટાણે આ પુસ્તક પબ્લિશ થાય છે, ખાસ્સો એવો ઊહાપોહ થાય છે અને જેના વિશે આ પુસ્તક છે, એ PMO ઑફિસમાંથી જ પત્રકાર પરિષદ ભરીને અનાઉન્સ કરવામાં આવે છે કે આ પુસ્તકમાં માત્ર કપોળકલ્પિત વાતો છે. ફિક્શન છે. એ પુસ્તક એટલે, ‘ધ ઍક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’. અને તેના પરથી જ એ જ નામની હિન્દી ફિલ્મ આવી જે રિલીઝ થઈ પરમદિવસે. એટલે કે, ફરી એ સમયે જ્યારે કૉન્ગ્રેસના આ વખતે વિપક્ષ તરીકેના પાંચ વર્ષ પૂરા થવા આવ્યા છે! વૉટ અ કૉઈન્સિડન્સ! કૉઈન્સિડન્સ એટલે કે ‘ધ ઍક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ના ડિરેક્ટર વિજય રત્નાકર ગુટ્ટે કહે છે કે, અહીં મેં કોઈ અતિશયોક્તિ નથી કરી કે નથી કોઈ મારો એજન્ડા, તમે ફિલ્મના ક્રીએટિવ પાસાને જોશો તો સમજાઈ જશે!

ઑકે. તો આપણે બીજી કોઈ ‘રાઈટ’ કે ‘લેફ્ટ’ બાજુ જવાની બદલે ફિલ્મના ક્રીએટિવ પાસા પર ફોકસ કરીએ.(ઔર કર ભી ક્યા સક્તે હૈ!)

પુસ્તક અને ફિલ્મ

ફિલ્મની શરૂઆત 2004ના લોકસભાની ચૂંટણીના પરિણામથી થાય છે. ભારતવાસીઓએ કૉન્ગ્રેસ પક્ષના સોનિયા ગાંધી(સુઝૅન બર્નેટ)ને પસંદ કર્યા છે. કૉન્ગ્રેસ ગૃહની બહાર ફટાકડા ફૂટી રહ્યા છે. જ્યૉર્જ ફર્નાન્ડિઝ, સુષમા સ્વરાજ, લાલકૃષ્ણ અડવાણી, વગેરે પોતપોતાની રીતે વિરોધ કરી રહ્યા છે. બંધ હૉલમાં રાહુલ ગાંધી(અર્જુન માથુર) અહમદ પટેલ, પ્રણવ મુખર્જી, સિબ્બલ, પી. ચિદમ્બરમની હાજરીમાં તેની માતાને કહે છે કે, મેં મારા પિતા અને દાદી ખોયા છે આ હોદ્દા પર હતા ત્યારે. હવે મારી માને ખોવા નથી માગતો. વાતાવરણ ટેન્સ છે, લોકો સોનિયાજીને જોવા માગે છે વડાપ્રધાન પદ પર અને સોનિયાજી સરપ્રાઈઝિંગલી પસંદગી ઉતારે છે ફાઈનૅન્સ મિનિસ્ટર ડૉ. મનમોહન સિંહ (અનુપમ ખેર) પર. ત્યાર બાદ 2004થી 2014 સુધી ડૉક્ટરસાહેબે કઈ રીતે દેશ ચલાવ્યો, ખાસ તો કઈ રીતે PMO ઑફિસમાં કામ થતું હતું એ અતથી ઈતિ સુધી ફિલ્મમાં દર્શાવવાની કોશિશ કરાઈ છે. હાલાંકી બધું દર્શાવવું શક્ય નથી એટલે ઉપરછલ્લા કિસ્સાઓ અને વાતો રજૂ કરાઈ છે. સંજય બારુનું પુસ્તક પણ કહ્યું એમ વિવાદાસ્પદ રહ્યું હતું. ઑબ્વિઅસ છે કે જેમના વિશે પુસ્તક છે તેઓ જ તેનાથી રાજી નથી. એ પુસ્તકના અમુક પાનાઓ રૅન્ડમલી (આમ તો જાણીજોઈને) પડદા પર રજૂ કરાયા છે.

તો કેવા છે એ ડૉક્ટરસાહેબની ઈર્દગિર્દ ફરતા પ્રંસગો અને કિસ્સાઓ?

આવો ને, થોડું હજી ડિટેલ્ડમાં જોઈએ…

ડિરેક્શન અને ઍક્ટિંગ 

એક દ્રશ્યમાં મનમોહન સિંહ બનતા અનુપમ ખેર કહે છે કે, PMO મીન્સ બિઝનેસ. તેની સામે બેઠેલા તેમના મિડીયા ઍડવાઈઝર સંજય બારુ(અક્ષય ખન્ના) કહે છે કે, ‘નહીં સર. ડૉ. સિંહ મીન્સ બિઝનેસ!’
વેલ, આ પ્રકારના સંવાદો અને દ્રશ્યોની ભરમાર છે ફિલ્મમાં. ક્યાં કઈ જગ્યાએ કઈ રીતે મનમોહન સિંહ બિચારા, દયાપાત્ર, વિક્ટીમ હતા અને કઈ રીતે પાર્ટીએ એટલે કે સોનિયા-રાહુલ-અહમદ પટેલે તેમને તેવા બનવા મજબૂર કર્યા એ પ્રકારના સીન્સ એકાધિક છે. ડૉક્ટરસાહેબની રમૂજવૃત્તિ રજૂ કરતા પણ દ્રશ્યો એકથી વધારે છે અને તે પ્રમાણમાં સ-રસ ફિલ્માવાયા છે. છેલ્લે તો તેમણે ખરેખર આ ફિલ્મ વિશે પણ કહ્યું હતું કે, હું ઍક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર નહીં, હું ઍક્સિડેન્ટલ ફાઈનૅન્સ મિનિસ્ટર પણ છું!

ડિરેક્ટર વિજય રત્નાકર ગુટ્ટેએ ફિલ્મનું નરેશન લાઈટ રાખ્યું છે. પૉલિટીકલ ડ્રામા છે પણ ગંભીર નથી. તેમણે તથા લેખક મયંક તિવારી(ન્યુટન ફૅમ), કાર્લ દુને અને આદિત્ય સિંહાએ ફિલ્મની સ્ક્રિપ્ટ લખી છે. ફિલ્મ જરાક ક્યાંક ગંભીર થાય કે અટવાય ત્યાં અક્ષય ખન્નાનું સંજય બારુનું પાત્ર ‘હાઉસ ઑફ કાર્ડ’ના કેવિન સ્પૅસીની જેમ ચોથી દીવાલ તોડીને આપણી સાથે વાતો કરવા માંડે છે. સંજય બારુના પાત્રને આખી ફિલ્મ દરમ્યાન સ્લાઈટલી અભિમાની દર્શાવ્યું છે. તેની અને મનમોહન સિંહની એટલે કે અક્ષય ખન્ના અને મનમોહન સિંહની કેમેસ્ટ્રી અચ્છી રીતે દર્શાવી છે. એ વખતે ‘કલ હો ના હો’ની ‘હર ઘડી બદલ રહી હૈ’ ગીતની નજીકની ટ્યુન જેવું કંઈક વાગે છે ત્યારે થોડું અજુગતું લાગે છે! બાકીના સમયમાં બૅકગ્રાઉન્ડ મ્યુઝિક વૉલ્ટ ડિઝનીના કાર્ટુન્સ જેવું છે! કદાચ ફિલ્મનો ટૉન હળવો રાખવા એવું રખાયું હશે! ક્રીએટિવ પાસું છે ભાઈ!

એકદમ કાલ્પનિક ન લાગે અને થોડી ડૉક્યુમેન્ટ્રીની ફિલ આવે એટલે કદાચ વચ્ચે વચ્ચે રિઅલ ફૂટેજ પણ દર્શાવવામાં આવ્યા છે. રાહુલથી કરીને ઠાકરે, લાલુ, મોદી સુધીના ચૂંટણી વખતના નારાઓ, સ્પીચ વગેરે દર્શાવાયું છે.

જેની સૌથી વધુ ચર્ચા ટ્રેઈલર જોઈને થતી હતી તે અનુપમ ખેરે ભજવેલું મનમોહન સિંહજીનું પાત્ર. તો તેમણે મિમિક્રીથી આગળ વધીને કૅરૅક્ટર ભજવ્યું છે પણ અમુક જગ્યાએ તે ઑવર થઈ જાય છે. મનમોહન સિંહજીની ચાલવાની સ્ટાઈલ, તેમની એકદમ ધીમેથી જેને ‘સૉફ્ટ સ્પોકન’ કહે છે એ રીતે બોલવાણી શૈલી, તેમના ફ્લૅટ હાવભાવ, આ બધું જ અનુપમજીએ રજૂ કરવાના પૂરતા પ્રયત્નો કર્યા છે. પણ એ સાથે તેમણે ડૉક્ટરસાહેબમાં જાણે આત્મવિશ્વાસનો અભાવ હોય અને સતત નર્વસ રહેતા હોય એ રીતે તેમનું જેસ્ચર પ્રેઝન્ટ કર્યું છે. કોઈ નાનકડા સરદારજી દરેકની વાત માની લેતા હોય અને પોતાની વાત ન કરી શક્તા હોય એ રીતે આ પાત્ર રજૂ કરાયું છે, જે જોતી વખતે દુઃખની સાથે ખૂંચે છે. વડાપ્રધાન પદની એક ગરિમા છે. દર્શકો સમજુ હતા કે થીએટર હૉલમા તેમના પર હસતા નહોતા! એક વાત ખાસ પુનરાવર્તન કરીને કહેવી છે કે, જે રીતે અનુપમ ખેર ફિલ્મમાં ચાલે છે એટલું ખરાબ કે વિચિત્ર કે હસવું આવે એ રીતે મનમોહન સિંહજી ક્યારે નથી ચાલતા. (મજાક જ કરવી હોય તો વાત અલગ છે.) દેશના વડાપ્રધાનનું પાત્ર અભિનેતાએ આત્મસાત કરવાનું હોય. એક સેકન્ડ પછી એ વાત ભૂલાઈ જવી જોઈએ કે ફલાણો ઍક્ટર જે-તે જાણીતું પાત્ર ભજવી રહ્યો છે. જે રીતે ‘સંજુ’માં રણબીર કપૂરે ભજવ્યું હતું. અહીં તમને સતત એ યાદ રહે છે કે આ અનુપમ ખેર છે અને પ્રોસ્થેટિક મેક-અપ ચડાવીને પપેટની જેમ મૂવમેન્ટ કરી રહ્યો છે.

બાકીના પાત્રોમાં તત્કાલીન રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ, સોનિયાની પુત્રી પ્રિયંકા ગાંધી(આહના કુમરા), અહમદ પટેલ(વિપિન શર્મા), પ્રણવ મુખર્જી, અડવાણી, શિવરાજ પાટીલ, અમર સિંહ, મુલાયમ યાદવ, પી.વી. નરસિંહ રાવ, વગેરે રાષ્ટ્રકક્ષાના રાજકારણીઓ દેખાયા કરે છે. મિસિસ મનમોહન સિંહના પાત્રમાં દિવ્યા શેઠ શાહ છે. ‘ધ હિન્દુ’ અખબારના તંત્રીના પાત્રમાં ગુજરાતી અભિનેતા દીપક ઘીવાલા છે.  માટે રાજકારણ અને ફિલ્મ રસિયાઓને આ ભાઈ આ છે અને આ ભાઈ પેલા છે એમ ચેક-આઉટ કરવામાં જલ્સા પડી જશે!

જોવી કે નહીં?

એક દ્રશ્યમાં સંજય બારુ મનમોહન સિંહને કહે છે કે, ભૂતપૂર્વ વડાપ્રધાન પી.વી. નરસિંહ રાવ નથી રહ્યા ત્યારે મનમોહન સિંહ ઊભા થઈને પીઠ ફેરવીને કહે છે કે, તેઓ બહુ મહાન વ્યક્તિ હતા. આ દ્રશ્ય ઈફેક્ટિવ હતું, સ-રસ હતું. આવા અમુક સીન્સ અને અમુક રમૂજી ડાયલૉગ્સ માટે આ આપણા નજીકના ભૂતકાળનું પૉલિટીકલ ડ્રામા જોઈ શકાય. કોઈ એવી વાત નથી જે અજાણી હોય. ન્યુક્લિઅર ડીલને વિસ્તારથી દર્શાવવામાં આવી છે અને તે પછીની-2009ની ચૂંટણી મનમોહન સિંહજી જીત્યા હતા, પાર્ટી નહીં એ દર્શાવવામાં આવે છે. બાકીના કૉલગેટ, 3જી વગેરે કોંભાડોની માત્ર ઝલક દર્શાવવામાં આવી છે!

તો… જેમણે પુસ્તક વાંચ્યુ છે તેઓ તેનું ફિલ્મમાં રૂપાંતર કેવું થયું છે તે જોવા માટે થિએટર સુધી કદાચ પહોંચશે. જેમણે પુસ્તક વાંચ્યું નથી પણ રાજકારણમાં રસ છે તેમને આ ફિલ્મ આકર્ષશે. બની શકે કે પુસ્તક વાંચવાની પણ ઈચ્છા થાય! પણ જેમને રાજકારણમાં ઈન્ટરસ્ટ જ નથી અને આવું કોઈ પુસ્તક છે તે આ ફિલ્મ આવી પછી ખબર પડી છે તેમને આ ફિલ્મ નહીં ગમે. રાધર, અઘરું પડશે!

સો, રાજકારણમાં ગતાગમ પડતી હોય, ન્યુઝ ચૅનલો પર જાણીતા રાજકારણીઓને સાંભળવાની, તેમના ફુટેજ જોવાની મજા પડતી હોય અને ફિલ્મનું ટ્રેઈલર થોડું પણ ગમ્યું હોય તો આ ફિલ્મ જોઈ શકાય.

છેલ્લી વાતઃ અહીં દરેક રાજકારણીઓના નામ એ જ-ઓરિજનલ રાખવામાં આવ્યા છે. ઉરી ફિલ્મની જેમ નથી કરાયું. બીજું એ કે, દરેક રાજકારણીના ચહેરાને મળતો જ કલાકાર લેવામાં આવ્યો છે અથવા તો તેના વાળ એવા રાખવામાં આવ્યા છે! જેમ કે, ફિલ્મમાં પળભર માટે દેખાતા અર્નબ ગોસ્વામી અને વીર સંઘવી! બાકી એક જેમનું સૌથી વધુ ફૉકસ કરાયું છે એવા સંજય બારુ એટલે કે અક્ષય ખન્નાની બૉડી લૅન્ગવૅજથી કરીને એકેય જેસ્ચરમાં બેઉ વચ્ચેની સામ્યતા દેખાતી નથી!

@Parth Dave

(Review for Mid-day, Mumbai:  13 January 2019)

the accidetal prime minister 13-01
Mid-day, Mumbai. Page No. 18, Date: 13-01-2019

 

 

 

 

0 comments on “ધ ઍક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: