Movies Review

ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક

અસરદાર વિકી, સાધારણ ફિલ્મ

Rating: 2.4 Star

2016માં જમ્મુ-કશ્મીરના ઉડીમાં થયેલા અટૅક અને તેના 11 દિવસ પછી વળતા જવાબરૂપે ઇન્ડિયન આર્મીએ પાકિસ્તાન અધિકૃત કશ્મિરમાં કરેલી સર્જિકલ સ્ટ્રાઈક પર આધારિત ફિલ્મ ઉરી ઠીકઠાક છે. વિકી કૌશલ દમદાર છે, બાકીની સ્ટારકાસ્ટ પણ જોરદાર છે પણ તેમના ફાળે કામ ઓછું આવ્યું છે. દેશદાઝની ભાવના ઑવર નથી દર્શાવાઈ પણ રોમાંચ અને તીવ્રતાની કમી છે. ઑલઓવર ઠિક છે. ફિલ્મનું ટ્રેઈલર અને વિકી કૌશલ ગમતા હોય તો વૉટ કરાય, આઈ મિન ટ્રાય કરાય! તમારી મરજી!

uri

હિન્દી ફિલ્મોમાં વિષયવૈવિધ્ય ભરપૂર આવી રહ્યા છે પરંતુ સાલું એમાં અમુક-અમુક એવા વિષય પસંદ કરવામાં આવે છે કે રિવ્યુઅરો ઠેઠ સુધી રાહ જોતા રહે છે કે આ ફિલ્મ રિલીઝ થશે કે કેમ! આ અઠવાડિયે આવેલી બેઉ હિન્દી ફિલ્મોના વિષય નોખા અને આપણા એકદમ નજીકના ભવિષ્યમાંથી ઉપાડેલા છે! એક છે, ‘ધ ઍક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’, જેની આપણે કાલે વાત કરીશું અને બીજું છે ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક’.

બંને ફિલ્મોની રિલીઝ ડેટ અને આવનારી ચૂંટણી ડેટ વચ્ચેના ‘ઈત્તફાક’નું લેવલ જોતા તેને પ્રૉપગૅન્ડા ફિલ્મો કહેવાઈ રહી છે. ત્રણ વર્ષ પહેલા, 2016ની 18 સપ્ટેમ્બરના રોજ સવારે સાડા પાંચના સુમારે જમ્મુ ઍન્ડ કશ્મીરના ઉરીમાં ઈન્ડિયન આર્મી બ્રિગેડના હેડક્વૉર્ટર પર ચાર આતંકવાદીઓએ હુમલો કર્યો. 6 કલાક સુધી અંધાધૂન ગોળીઓની મારામારી ચાલી હતી અને કહે છે કે ત્રણ મિનિટમાં 17 ગ્રેનેડ્સ એટલે કે હાથ બોંમ્બ લોડ થયા હતા. ભારતના 19 આર્મી જવાનો મૃત્યુ પામ્યા હતા અને 80-100 જેટલા જખ્મી થયા હતા. સિક્યૉરિટી ફોર્સિસ પરનો બે દાયકાનો આ સૌથી ભયાનક અટૅક હોવાનું કહેવાય છે. આના જવાબમાં તારિખ 29 સપ્ટેમ્બર, 2016ના રોજ ભારતે લાઈન ઑફ કન્ટ્રોલ ક્રૉસ કરીને, પાકિસ્તાન અધિકૃત કાશ્મિરમાં જઈને આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો હતો. આ હતી ભારતની સર્જિકલ સ્ટ્રાઈક, જેના પરથી ડિરેક્ટર આદિત્ય ધરે ‘ઉરી’ બનાવી છે. ફિલ્મનું મસમોટું જમાપાસું મુખ્ય પાત્ર ભજવનાર વિકી કૌશલ છે.

એ વખતે પાકિસ્તાને આ અટૅક થયું હોવાનું સ્વીકારવાની ના પાડી હતી. ઘણા આ ફિલ્મને સ્વીકારવાની ના પાડે છે, પણ ફિલ્મ રિલીઝ થઈ છે. અને શરૂઆતી ક્રેડિટમાં સૈનિકોની બહાદુરીને ટ્રિબ્યુટ આપે છે અને પછી ‘ન્યુ ઈન્ડિયા’-નવા ભારતને પણ આ ફિલ્મ સમર્પિત કરાઈ છે! ત્યાર પછી બેઝ્ડ ઑન ટ્રુ ઈવેન્ટ્સ લખેલું આવે છે.

સો, કેવી છે આ ભારતીય મિશન-ઍક્શન ડ્રામા? આવો જોઈએ…

વ્હેર ઈઝ ધ તીવ્રતા?

‘ઉરી’ની શરૂઆત ઈન્ડિયન આર્મી પર મણિપુરના ચંડેલ જિલ્લામાં 4 જૂન 2015ના રોજ થયેલા ભયાનક હુમલાથી થાય છે. તેના 6 દિવસ પછી એટલે કે 10મી જૂને ઈન્ડિયન આર્મી એક ઓપરેશન પાર પાડે છે. તે ઓપરેશન ચંડેલમાં થયેલા હુમલાનો જવાબ હતો અને તે મેજર વિહાન શેરગિલ (વિકી કૌશલ)ના નેતૃત્વમાં પાર પડાયો હતો. આ બે વૉર સીકવન્સ બાદ આપણે જોઈએ છીએ કે, મેજર વિહાન શેરગિલ  ગોવિંદ એટલે કે પરેશ રાવલ, જેઓ નૅશનલ સિક્યૉરિટી ઍડવાઈઝર અજિત દોવલના પાત્રમાં છે, તેમને કહે છે કે મારે હવે રિટાયરમેન્ટ લેવું છે. વિહાન શેરગિલની માતા(સ્વરૂપ સંપટ)નું સ્વાસ્થ્ય ખરાબ છે. ત્યાં વડાપ્રધાન ‘સાહેબ’(રજિત કપૂર, ઑબ્વિઅસ્લી નરેન્દ્ર મોદીના પાત્રમાં છે!) કહે છે કે, તમે દિલ્હીના સાઉથ બ્લૉકમાં આવી જાઓ જેથી તમારા માતાની પણ નજીક રહી શકો અને અમારી પણ. તમારે ભારત માતાની પણ રક્ષા કરવાની છે ને!(હા સાહેબના મોઢે આવો ડાયલૉગ છે!)

હવે કહ્યું એમ, ઉરી અટૅક થાય છે જેમાં જવાનો શહીદ થાય છે. આ નવું ભારત છે એટલે રાતોરાત અજીત ડોવલ, ડિફેન્સ મિનિસ્ટર મનોહર પર્રિકર, હોમ મિનિસ્ટર રાજનાથ સિંહ, સુષમા સ્વરાજ અને ‘સાહેબ’ બેસીને નક્કી કરે છે કે આપણે ભારતે ક્યારેય ન કરેલી સર્જિકલ સ્ટ્રાઈક કરીશું. (‘પછી તેના પર ફિલ્મ બનાવશું’- આવું કોણ બોલ્યું?!) (કોન્ફરન્સ ટૅબલ પર આ ચહેરાઓ એકાધિક વખત દેખાય છે પરંતુ કોઈને સાચા નામ નથી આપવામાં આવ્યા. નરેન્દ્ર મોદીનું પાત્ર ‘બ્યોમકેશ બક્ષી’વાળા રજિત કપૂરે ભજવ્યું છે.) આ મિશન પાર પાડવા માટે કમાન્ડો વિહાન શેરગિલ કમબૅક કરે છે. ડોગરા અને બિહાર રેજિમેન્ટમાંથી જવાનોને પસંદ કરવામાં આવે છે. કારણ કે ત્યાંના વધુ જવાનો અટૅકમાં શહિદ થયા હતા. બીજી બાજુ અજીત ડોવલ અને ‘સાહેબ’ વચ્ચેના ગંભીર, ટેન્શનની મુદ્રામાં સંવાદો આપણને જોવા મળે છે. ફિલ્મમાં વિકીભાઈ જવાનો અને આપણો જોશ ચડાવવા જોર, એકદમ જોરથી બોલે છે, ‘હોવ્ઝ જોશ?’ જવાબ મળે છેઃ ‘હાઈ સર!’

અને આપણે કહીએ છીએ, વ્હેર ઈઝ ધ ઈન્ટેન્સિટી? વ્હેર ઈઝ ધ તીવ્રતા?

ડિરેક્શન, મ્યુઝિક, ઍક્ટિંગ     

કહે છે કે ડિરેક્ટર આદિત્ય ધર પાકિસ્તાની કલાકાર ફવાદ ખાન અને કૅટરીના કૈફને લઈને એક ફિલ્મ બનાવી રહ્યો હતો. ત્યાં આ ઉરી અટૅક થયો, પાકિસ્તાની કલાકારો બૅન થયા. ઉરી અટૅકની સામે સર્જિકલ સ્ટ્રાઈકના સમાચાર આવ્યા અને દરમ્યાન મુખ્ય કલાકાર ન મળવાના કારણે તેમની આ ફિલ્મ પડતી મૂકાઈ. આદિત્ય ધરને આ વિષયમાં રસ પડ્યો, છાપાના સમાચારો વાંચ્યા. સેનાના નિવૃત અધિકારીઓને મળ્યો અને સર્જિકલ સ્ટ્રાઈક વિશે, ઉરી અટૅકની આખી વાર્તા લખી.

એક મિશન ઑરિએન્ટેડ કે વૉર ફિલ્મનું પહેલું મહત્વનું પરિબળ એ છે કે તે ટાઈટ હોવી જોઈએ. રોમાંચનું તત્વ તેનામાં પહેલા દ્રશ્યથી સાથે હોવું જોઈએ. 2012માં એક અમેરિકન થ્રિલર ફિલ્મ આવી હતી, ‘ઝિરો ડાર્ક થર્ટી’, જેનામાં 26-11ના અટૅકનો બદલો લેવા અલ કાયદાના વડા ઓસામા બિન લાદેનને જે ઠાર મરાયો હતો તે દિલધડક ઓપરેશન દર્શાવવામાં આવ્યું હતું. ઉરી ઝિરો ડાર્ક થર્ટીથી વધારે જે.પી. દત્તાની બોર્ડર જેવી લાગે છે! જોકે, અહીં દેશભક્તિનો ઑવરડોઝ નથી પણ ચંદ ડાયલોગ્સ જરૂર છે. ઈન્ટરવલ પહેલા અમુક મેલોડ્રામેટિક દ્રશ્યો પણ છે. પરેશ રાવલના મોઢે ‘યે નયા હિન્દોસ્તાન હૈ, ઘુસેગા ભી ઔર મારેગા ભી’ ફોર્સફૂલી મુકાયો હોય તેવું લાગે છે.

ફિલ્મમાં વિકી કૌશલ કહ્યું એમ દમદાર જોરદાર છે. તે ‘રાઝી’માં પાકિસ્તાની ઑફિસર બન્યો હતો તેમાંય જામતો હતો અને અહીં ભારતીય આર્મી જવાનમાં પણ જચે છે. તેણે વજન વધાર્યું છે તે દેખાય છે. સ્ક્રિન પર તેને જોવો ગમે છે. શરૂઆતથી બૅકગ્રાઉન્ડ મ્યુઝિકના કારણે રોમાંચનો એક હળવો ટૉન રહે છે પરંતુ અહીં આપણને અંત ખબર છે, એટલે ઈમ્પૅક્ટ ત્યાં ઘટે છે. બીજું એ કે, ફિલ્મના એક્શન, કહો કે મારફાડના દ્રશ્યોમાં તીવ્રતાની કમી વર્તાય છે. વિકી રાડો પાડીને બોલે, ‘હોવ્ઝ ધ જોશ?’ પણ પછી તે આક્રમકતા જળવાતી નથી. આ ફિલ્મમાં કાં વિકી ચિલ્લાય છે કાં રડે છે, આમ તો!

ધાણીફૂટ ગોળીઓ, હાથબૉમ્બ, સ્નાઈપર શૉટ્સ, વિસ્ફોટ અને લડાઈના સીક્વન્સીસ પ્રમાણમાં સ-રસ ફિલ્માવાયા છે. એ માટે સિનેમૅટોગ્રાફર મિતેશ મિરચંદાણીને દાદ દેવી ઘટે. મોટાભાગના ચેઝિંગના દ્રશ્યમાં કૅમરો સિફતપૂર્વક જવાનની પાછળ-પાછળ જાય છે. આ પ્રકારના શૉટ્સના કારણે તમે એ જગ્યાએ હોવ એવી તમને ફિલ થાય છે. અને આ દ્રશ્યોમાં મ્યુઝિક લાઉડ નહીં, માઈલ્ડ રખાયું છે. બીજું એ કે, આ ફાઈટ સીક્વન્સિસ મોટાભાગની રાતની છે, છતાંય વેલ-ક્રાફ્ટેડ હોવાના લીધે મહદઅંશે કન્વિન્સિંગ લાગે છે.

વિકી કૌશલ ઉપરાંત ‘મહાદેવ’ સિરીયલથી જાણિતા થયેલા મોહિત રૈના અહીં મેજર કરન કશ્યપના પાત્રમાં છે. તેની પત્ની નેહા કશ્યપના રોલમાં ગુજરાતી અભિનેત્રી માનસી પારેખ છે. વિહાન સિંહ શેરગિલ(વીકી) અને નેહા કશ્યપ ભાઈ-બહેન છે. તેમની માતાના પાત્રમાં કહ્યું એમ સ્વરૂપ સંપટ છે. ડિટેલમાં એટલે કહ્યું કે આ તમામ સબકાસ્ટનો અભિનય દાદુ છે. સ્વરૂપ સંપટ અને મોહિત રૈનાની સ્ક્રિન પ્રેઝન્સ લા-જવાબ છે. મોહિત રૈના હજુ ઔર ફિલ્મોમાં દેખાવો જોઈએ! એક્ટ્રેસિસમાં માનસી પારેખ ઉપરાંત યામી ગૌતમ(રૉ એજન્ટ પલ્લવી શર્મા) અને કિર્તી કુલ્હારી(ઐર ફોર્સ પાયલોટ સિરત) પણ છે. બંને ‘હિરોઈનો’નો કૅમિયો છે એમ કહી શકાય!

ફિલ્મમાં ઑવર મેલોડ્રામા કે ઑવર દેશભક્તિ સદનસીબે નથી પણ અચાનક આપણો હિરો વિકી કૌશલ વિલન એટલે કે આતંકવાદીઓ સાથે હાથોહાથ મારામારી પર ઉતરી જ આવે છે!  પાછો માર્યા પહેલા ડાયલૉગ પણ બોલે છે. જોકે, આથી આપણને યાદ રહે કે આ બોલીવૂડની ફિલ્મ છે! કહેવાની જરૂર નથી કે અહીં પાકિસ્તાની સોલ્જર કે પોલિસ દરેકને ડફોળ દર્શાવ્યા છે. મ્યુઝિક સાશ્વત સચદેવનું છે. ત્રણેક ગીત વાર્તા સાથે જોડાયેલા આવે છે. એમાના એકાદ ગીતનું પિક્ચરાઈઝેશન ટૂંકું થઈ શક્યું હોત. 138 મિનિટની ફિલ્મ હજુ વધુ ટાઈટ થઈ શકી હોત.

જોવી કે નહીં?

જેમને  ટ્રેઈલર જોઈને ફિલ્મ જોવાની ઈચ્છા થઈ હોય તેમને એટલું જ કહેવું છે કે, એટલી અસરકારક ફિલ્મ નથી. વિકી કૌશલની એક્ટિંગ મજબુત પાસું છે, બાકી પાંચ ચૅપ્ટરમાં વહેંચાયેલી ઑલઓવર ફિલ્મ નબળી છે. બાકીનાની એક્ટિંગ સારી છે પણ તેમના ફાળે બહુ કામ નથી આવ્યું. આ કોઈ ઐતિહાસિક ઘટના પરથી નહીં બલ્કે તાજા ભૂતકાળની ઘટના પરથી બનેલી ફિલ્મ છે એટલે જાણકારી ન હોય એવું પણ એમાં નથી. માટે સંપૂર્ણ પ્રેડિક્ટેબલ છે. જેમને વૉર-ડ્રામા ફિલ્મો જોવી ગમતી હોય અને વિકી કૌશલની ઍક્ટિંગ સ્કિલના પ્રશંસક હોય તો કદાચ ટ્રાય કરી શકાય. ઠીક છે.

નોંધઃ મૉર્નિંગ શોમાં પચીસેક જણામાંથી ચાર જણા પબજી રમતા આ લખનારે સગી આંખે જોયા છે. તમે જાણો જ છો, પબજી રમવામાં કેટલું ધ્યાન પરોવવું પડતું હોય છે!

@Parth Dave

(Review for Mid-day, Mumbai:  12 January 2019)

uri 12-01-2019
Mid-day, Mumbai. Page No. -, Date: 12-01-2019

 

 

0 comments on “ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: