ગુજરાતી સિનેમા Interviews

કેવી રીતે ઉજવશે ગુજરાતી કલાકારો ઉત્તરાયણ?

મલ્હાર ઠાકર કહે છે કે હું ઉત્તરાયણમાં તમામ પ્રકારના કામોને એવોઈડ કરું છું. તો લવની ભવાઈમાં તેની કૉ-સ્ટાર રહેલી આરોહી પટેલ કહે છે કે, મને પતંગ ચગાવતા નથી આવડતી પણ ધાબા પર નાચીને હું ઉત્તરાયણ એન્જોય કરું છું! મોનલ ગજ્જરને પતંગો લુંટવાની બહુ મજા પડતી તો ચેતન ધનાણી નખત્રાણામાં દોડીને પતંગો પકડતા, તે વખતની યાદોં વાગોળે છે.

-‘મધ્યાંતર’ કૉલમ

(જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’)

ઉત્તરાયણ દરેકનો મનગમતો તહેવાર છે. ફિલ્મો તથા સિરીયલોમાં ઉત્તરાયણને લઈને ઘણુ બધું બન્યું છે. હિન્દી ફિલ્મોના ગીતોમાં પણ ઉત્તરાયણ આપણે જોઈ છે. સંજય લીલા ભણસાલીની અફલાતૂન ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમમાં આખું એક ગીત ઉત્તરાયણ પર હતું, જેને સાંભળવાની આજે પણ એટલી જ મજા આવે અને આ વખતે પણ તે ઘણા ધાબા પર સાંભળવા મળશે. તો વાયા ‘કાઈ પો છે’ ફિલ્મ, છેલ્લે શાહરુખ ખાનની ‘રઈસ’ ફિલ્મમાં પણ પતંગની ઝલક જોવા મળી હતી. ફિલ્મોમાં કલાકારો તો પતંગ ઉડાડીને ઉત્તરાયણ ઉજવે  છે પણ આ જ કલાકારો રિઅલ લાઈફમાં મકરસંક્રાંતિ કઈ રીતે મનાવે છે તે જાણવું રસપ્રદ રહેશે.

ગુજરાતી ફિલ્મના કલાકારોએ, તેઓ આ વખતે ઉત્તરાયણમાં શું કરવાના છે તથા ઉત્તરાયણ સાથે જોડાયેલી તેમની નાનપણની યાદો કેવી છે અને તેમની આવી રહેલી ફિલ્મો વિષે ‘કચ્છમિત્ર’ સાથે ખાસ વાતચીત કરી છે.

તો પેશ છે…

 મારી ઉત્તરાયણ મોટાભાગે અમદાવાદની પોળમાં જ ઉજવાયઃ તુષાર સાધુ

tushar sadhu‘રોમિઓ એન્ડ રાધિકા’, ‘દેશ બુક’ અને ‘રતનપુર’ના મુખ્ય અભિનેતા તુષાર સાધુ કહે છે કે, ‘મારી ઉત્તરાયણ મોટાભાગે અમદાવાદની પોળમાં જ પસાર થાય. બે દિવસ પહેલાથી જ બધા મિત્રો અને સગાવ્હાલાઓ ભેગા થઈએ, પતંગ દોરા લાવીએ. આગલી રાતે કિનીયા બાંધવાનો અમારો ખાસ પ્રોગ્રામ હોય અને પછીનો આખો દિવસ ધાબા પર. રાતના જમવાનું બહાર જ હોય કેમ કે પતંગ ચગાવીને બધા થાક્યા હોય!’ તુષાર સાધુ ટૂંક સમયમાં એક ગુજરાતી ફિલ્મના શૂટિંગ માટે મોરેશિયસ જવાના છે. એ ફિલ્મ વિશેની જાહેરાત જૂન સુધી કરવામાં આવશે.

નાનપણમાં હું પતંગો લૂંટતી!: મોનલ ગજ્જર

monal-gajjarગયા વર્ષની અર્થસભર ફિલ્મ ‘રેવા’માં ચમકી ચૂકેલી મોનલ ગજ્જર કહે છે કે, ‘નાની હતી ત્યારે મને પતંગ ચગાવતા નહોતી આવડતી, એટલે હું તેને પકડવા પાછળ દોડતી! મારા પપ્પા ઘણી બધી પતંગો લાવતા પણ હું તો બહાર નીકળી જતી. સામાન્ય રીતે છોકરીઓ આ રીતે રસ્તા પર પતંગ પાછળ ન દોડે પણ હું બહાર નીકળી જતી! મને કાના બાંધેલી પતંગ તૈયાર મળતી તે વધારે ગમતી. ઈન શૉર્ટ, નાનપણમાં હું ખુબ પતંગો લૂંટતી!’

‘મિસ ગુજરાત’ રહી ચૂકેલી મોનલ ગજ્જર આ વર્ષે ‘આઈ વિશ’ અને ‘કલાકાર’ નામની ગુજરાતી ફિલ્મ તથા ‘કાગઝ’ નામની હિન્દી ફિલ્મમાં દેખાવાની છે. મોનલ કહે છે કે, ‘હમણા તો હું છેલ્લા બે વર્ષથી મારી બહેનના ઘરે જ ઉત્તરાયણ ઉજવું છું. બધા કઝિન્સ ભેગા થઈને અમે પતંગ ઉડાડીએ છીએ અને નાસ્તાની મહેફિલ માણીએ છીએ.’

બધા બૂમો પાડે એટલે હું પણ લપેટની બૂમો પાડું! :આરોહી પટેલ

aarohi patel‘પ્રેમજીઃ ધ વૉરિયર’ અને ‘લવની ભવાઈ’ની મુખ્ય અભિનેત્રી આરોહી પટેલ કહે છે કે, ‘હું બહુ ઉત્તરાયણ નથી ઉજવતી કેમ કે મને પતંગ ચગાવતા જ નથી આવડતી! પણ સામાન્ય રીતે હું દર વર્ષે ફ્રેન્ડ્સના ઘરે જાઉં છું. કેમ કે મારા ઘરે પણ કોઈ ઉત્તરાયણ નથી ઉજવતું. જોકે ફ્રેન્ડના ઘરે મારું ધ્યાન ખાવા અને નાચવા પર હોય, કેમ કે ધાબા પર મજાના ગીતો વાગતા હોય! તો બેઝિકલી મારા માટે ઉત્તરાયણ એટલે ફ્રેન્ડ્સ સાથે મળીને મજા કરવાની! બાકી મને ચગાવવામાં ટપો નથી પડતો, પણ હા બધા ‘લપેટ’ની બૂમો પાડે એટલે મારે પણ પાડવાની એટલી ખબર પડે!

આરોહી પટેલની ૧લી ફેબ્રુઆરીએ ‘ચાલો જીવી લઈએ’ નામની ગુજરાતી ફિલ્મ આવી રહી છે, જેમાં તેની સાથે સિદ્ધાર્થ રાંદેરીયા અને યશ સોની સહિતના કલાકારો છે.

વડોદરાની ઉત્તરાયણ મિસ કરું છુઃ અંશુલ ત્રિવેદી

anshul trivediગયા વર્ષે આવેલી ‘ઑક્સિજન’ ફિલ્મમાં દેખાયાલા ટીવી સિરીયલ તથા ફિલ્મોના જાણીતા ગુજરાતી અભિનેતા અંશુલ ત્રિવેદી કહે છે કે, ‘મોટાભાગે ઉત્તરાયણ વખતે હું ગુજરાતમાં હોતો નથી અને હોંઉ તો કામમાં હોઉં અને હવે મુંબઈમાં હું જ્યાં રહું છું તે અંધેરી એરિયામાં પતંગો બહુ ઓછી ઉડે છે. એટલે ઉત્તરાયણનો દિવસ મારા માટે સૅમ જ હોય છે.’

‘નાનપણમાં હું તૂટેલી પતંગો પકડી ન શકતો તો બહુ દુઃખી થઈ જતો!’ અંશુલ નાનપણની ઉત્તરાયણ સાથે જોડાયેલી યાદો શેર કરતા કહે છે કે, ‘નાનો હતો ત્યારે બહારથી ખરીદેલી પતંગોની મને ન પડી હોય પણ લુંટેલી પતંગ મને વધુ વ્હાલી લાગતી! મને પતંગ ચગાવવા કરતા લુંટવામાં વધારે રસ રહેતો. આના કારણે ઘરવાળા મને વાલ્મિકી લુંટારો કહેતા! પણ મને તે લુંટેલી  પતંગો બેશકિમતી લાગતી. પાછું દિવસે જે પતંગ હું લુંટુ તે કોઈને ચગાવવા પણ ન આપતો અને પોતે પણ ન ચગાવતો! કિના બાંધેલી તૈયાર પતંગો હું ન ચગાવતો. ખેર, વડોદરાની એ ઉત્તરાયણ હું મિસ કરતો હોઉં છું.’

નખત્રાણામાં પતંગ પકડવા દોડતો ને હાઈટને લીધે જલ્દી પકડી પણ લેતો! :ચેતન ધનાણી

‘રેવા’ ફિલ્મના અભિનેતા ચેતન ધનાણી કહે છે કે, ‘મારું ફેમિલી કચ્છ રહે છે. એટલે એક ઉત્તરાયણ જ એવો તહેવાર છેમારો પરિવાર અહીં-વડોદરા આવે. અમુક દોસ્તો જે મુંબઈ છે તેઓ પણ ત્યાંથી અહીં આવે. કેમ કે, આપણી અમદાવાદ-વડોદરાની ઉત્તરાયણ બહુ વખણાય છે. ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી ભેગા થાય. બીજા કોઈ તહેવારમાં થાય કે ન થાય પણ ઉત્તરાયણમાં બધા ભેગા થતા હોય છે. અને જલેબી-ફાંફડાથી માંડીને ઉંધુયી સુંધીનું બધું જ અમે ભેગા માંડીને ઝાપટીએ છીએ.’

chetan dhanani

‘નખત્રાણા વખતે હું નાનો હતો.’ ઉલ્લેખનીય છે કે, ચેતન ધનાણી મૂળ નખત્રાણાના છે. તેઓ ત્યાંની ઉત્તરાયણ યાદ કરતા કહે છે કે, ‘ નખત્રાણાની શેરીઓમાં તો ખૂબ દોડ્યો છું. ત્યારે પતંગ પકડવા જતો અને હાઈટને લીધે ફાયદો પણ થતો, હું પતંગ બીજા કરતા જલ્દી પકડી લેતો!’

ઉત્તરાયણમાં હું મોટા મોટા કામો છોડી દઉં છું :મલ્હાર ઠાકર

malhar thaakarગુજરાતી સ્ટાર મલ્હાર ઠાકર કહે છે કે, ‘ઉત્તરાયણમાં હું મોટા મોટા કામો છોડી દઉં છું. મારે ઉત્તરાયણ કરવાની એટલે કરવાની જ એવો ફિક્સ નિયમ છે! છેલ્લા થોડા સમયથી એવું કરું છું કે હું શુટિંગ, ઈવેન્ટ કે મોટા ઈન્ટરવ્યુ બધું જ એવોઈડ કરતો હોઉં છું. કેમ કે હું ઉત્તરાયણનો શોખીન માણસ છું. એટલો શોખીન કે ઉત્તરાયણની પતંગ-દોરા-ફિરકા લેવાની મારી બધી તૈયારી ૫ જાન્યુઆરી પહેલા પૂરી થઈ જાય છે. આ વખતે પણ થઈ ગઈ છે! બીજું એ કે, છેલ્લા બે વર્ષથી હું એવું કરું છું કે મારા બધા કઝિન્સને ભેગા કરું છું. અને અમે સાથે ઉત્તરાયણ સેલીબ્રેટ કરીએ છીએ.’

મલ્હારની આગામી ફિલ્મ ‘સાહેબ’ ૮મી ફેબ્રુઆરીએ રિલીઝ થશે, જેનું દિગ્દર્શન શૈલેષ પ્રજાપતિએ કર્યું છે.

@Parth Dave (Janmbhoomi Group- Kutchmitra)

Date: 11-01-2019

kevi rite ujve chhe gujarati kalakaro uttarayan 11-01-2019
“મધ્યાંતર”, જન્મભૂમિ ગ્રુપ-કચ્છમિત્ર, પાના નં. 6; તારિખઃ 11-01-2019

0 comments on “કેવી રીતે ઉજવશે ગુજરાતી કલાકારો ઉત્તરાયણ?

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: