Movies Review

સિમ્બા

મનોરંજનનો સરવાળો, લૉજિકની બાદબાકી

Rating: 2.7 Star

અડધો દબંગનો ચુલબુલ પાન્ડે અને અડધો સિંઘમનો બાજીરાવ એવો સિમ્બા મસ્તીખોર પોલીસવાળો છે. રણવીર સિંહે પાત્ર બખૂબી ભજવ્યું છે. બાકી તો ડિરેક્ટર રોહિત શેટ્ટી છે; બહરહાલ ગાડીઓ ઓછી ઊડે છે, ઍક્શન-સીન્સ પણ કન્ટ્રોલ્ડ છે. રણવીર સિંહ-અજય દેવગન-રોહિત શેટ્ટીના ફૅન્સ લોગ અને મસાલા ફિલ્મોના ચાહકો ઝટ સિંગલ સ્ક્રીન પહોંચી જાય. ત્યાં ટિકિટ ન મળે તો મલ્ટિપ્લેક્સમાં જાય. લૉજિક, કંઈક અર્થસભર, નવું અને હટકે જોઈતું હોય તો રાહ જુઓ. નેટફ્લિક્સ પર ‘અંધાધુન’ જુઓ

106243૨૦૧૧માં અમિતાભ બચ્ચનને લીડ રોલમાં ચમકાવતી એક ફિલ્મ આવી હતી, ‘બુઢ્ઢા… હોગા તેરા બાપ’. ફિલ્મની ટ્રીટમેન્ટ ઑલમોસ્ટ સાઉથમાં બનતી ફિલ્મો જેવી હતી. એનું કારણ એ બનાવનાર તેલુગુ ડિરેક્ટર પુરી જગન્નાથ હતા. તેમણે ત્રણ વર્ષ પહેલાં જુનિયર NTR અને કાજલ અગરવાલને લઈને તેલુગુમાં ‘ટેમ્પર’ નામની ફિલ્મ બનાવી, જે કમર્શિયલી હિટ રહી. આ ‘ટેમ્પર’ પરથી રોહિત શેટ્ટી ઍન્ડ મંડળીએ રણવીર સિંહ અને સારા અલી ખાનને લઈને ‘સિમ્બા’ બનાવી.

સાઉથ ઇન્ડસ્ટ્રીની મોટા ભાગની ફિલ્મો હવે હિન્દીમાં ડબ થાય છે. એની કદાચિત શરૂઆત થઈ સલમાન ખાનની ‘વૉન્ટેડ’ સુપરહિટ ગઈ ત્યારથી. એ ‘વૉન્ટેડ’ જેના પર આધારિત હતી એ તેલુગુ ફિલ્મ ‘પોકિરી’ના ડિરેક્ટર પણ પુરી જગન્નાથ હતા! ટિપિકલ સાઉથની ફિલ્મોના નૉર્થ ઇન્ડિયન ચાહકો મહેશ બાબુ અભિનીત ‘બિઝનેસમૅન’ ફિલ્મથી અચ્છી તરહ વાકેફ હશે. એ ‘બિઝનેસમૅન’ના ડિરેક્ટર પણ પુરી જગન્નાથ. ઇન શૉર્ટ, લાઉડનેસ પણ ત્વરાથી દર્શાવવામાં પુરી જગન્નાથ માહેર છે. તેમની ફિલ્મની વાર્તા રેગ્યુલર હોય પણ નરેશન ઇમ્પૅક્ટફુલ હોય.

‘ટેમ્પર’ના લેખક વક્કથમ્મ વમ્સીએ લખેલી મૂળ વાર્તા જૂનીપુરાણી જ છે, પણ જુનિયર NTRનો ગુસ્સો, ઍક્શન-સીક્વન્સિસ ઍન્ડ તેલુગુ ડાયલૉગ્સે લોકોને મજા કરાવી હતી. ‘ટેમ્પર’માં વિલન તરીકે પ્રકાશ રાજ હતા. અહીં ‘સિમ્બા’માં સોનુ સુદ છે.

તો… જેના દાદાના જીવન પર ફુલફ્લેજ્ડ બાયોપિક આવી રહી છે એવો જુનિયર NTR ખાટે કે પછી નવો-નવો પરણેલો રણવીર સિંહ ખાટે? આઓ દેખતે હૈ…

પોલીસવાલા ગુંડા

ફિલ્મની વાર્તા બાજીરાવ સિંઘમના અવાજથી ઊઘડે છે. તેઓ જ્યાં ઇન્સ્પેક્ટર હતા એ શિવગડ ગામમાં સંગ્રામ ભાલેરાવ ઉર્ફે સિમ્બાનું બાળપણ વીતી રહ્યું છે. અનાથ સિમ્બા જુએ છે કે સૌથી વધુ તાકાત પૈસામાં છે અને પૈસા તેની પાસે વધુ હોય જ્યાં પાવર હોય અને પાવર પોલીસ બનવાથી મળે! (હા ભાઈ! ‘ટેમ્પર’માં પણ આવું જ છે!) નાનકડો સિમ્બા નક્કી કરી લે છે કે આપણે પોલીસ બનવું છે. અને તે સૌથી પહેલું કામ હાથમાં પોલીસનું ટૅટૂ બનાવવાનું કરે છે! તો ટ્રેલરમાં બતાવે છે એ મુજબ મોટો થયેલો સિમ્બા (રણવીર સિંહ) કરપ્શન કરે છે, ગુંડાઓને લૂંટીને પોતે જ પૈસા હડપી લે છે. ત્યાં તેની બદલી શિવગઢથી મીરામર પોલીસ-સ્ટેશને થાય છે જ્યાં તેનો ભેટો ફિલ્મના વિલન દૂર્વા રાનડે (સોનુ સૂદ) સાથે થાય છે. સિમ્બા શરૂઆતમાં દૂર્વા માટે કામ કરે છે, પણ આગળ જતાં તેની સાથે વાંકું પડે છે.

આ દરમ્યાન સિમ્બાને તેની સિમ્બી એટલે કે શગુન સાઠે (સારા અલી ખાન) મળે છે. ગોતવા છેટે ન જવું પડે એટલે મીરામર પોલીસ-સ્ટેશનની સામે જ શગુનની ફૂડની દુકાન જેવું કંઈક છે! બેઉ પ્રેમમાં પડે છે. બે જૂનાં ગીતો આવે છે. ઇન્ટરવલ પડે છે. એક અનહોની પછી સિમ્બા સુધરે છે. આમ તો એ અનહોની પણ ટ્રેલરમાં રિવીલ કરી જ દેવાઈ છે. સિમ્બા અનહોનીનો બદલો લે છે. ફિલ્મ પૂરી થાય છે. એક ટકો પણ ફિલ્મમાં કંઈ નવું નથી. બધું રોહિત શેટ્ટીની ડિઝાઇન મુજબ ચાલ્યા કરે છે.

રોહિતભાઈ કા હૈ યે જલવા!

‘સિમ્બા’ કહ્યું એમ, તેલુગુ ફિલ્મ ‘ટેમ્પર’ની રીમેક છે. એટલે એની ટ્રીટમેન્ટ પણ સાઉથ ઇન્ડિયન ફિલ્મો જેવી જ છે. હા, એમાં રોહિત શેટ્ટી બ્રૅન્ડ થોડો તડકો ઉમેરાયો છે! ‘ટેમ્પર’ ફિલ્મમાં મુખ્ય પૉઇન્ટ (જે હવે ‘સિમ્બા’નો પણ છે) રેપનો હતો – છોકરી સાથે થતી છેડતી – બળાત્કાર અને મોડા મળતા ન્યાયનો હતો. બાકી એમાં લાઉડ ઍક્શન, ટિપિકલ ડાયલૉગ્સ હતા. અહીં ઍક્શન-સીક્વન્સિસ ‘ટેમ્પર’ કરતાં સારી છે. અમુક વેલ કોરિયોગ્રાફ્ડ મૂવ્સ છે. બાકી સાઉથની ફિલ્મોની જેમ ઓવરઍક્શન અને ઓવરમેલોડ્રામાના ખાનામાં સહેલાઈથી ‘સિમ્બા’ ઢળી શકી હોત. જોકે રોહિતની ઍક્શન પહેલાથી જ ઓવરના કિનારે અડેલી રહે છે!

હવે ‘ટેમ્પર’ને એક પણ વાર યાદ ન કરતાં માત્ર ‘સિમ્બા’ની જ વાત કરીએ તો ‘સિમ્બા’ બૉલીવુડના ૮૦ના દાયકામાં બનતી રિવેન્જ ડ્રામા ફિલ્મ જેવી છે, જેમાં એક ઈમાનદાર પોલીસવાળા ભાઈ હોય. તેની એક બહેન હોય. બહેનને કોઈ ઉપાડી જાય. બહેન પાછી ન આવે. ભાઈનું મગજ જાય અને તે બદલો વાળે. ઑડિયન્સ ખુશ! ઑડિયન્સ ખુશ એટલે પ્રોડ્યુસર ખુશ! અને ડિરેક્ટર તો હોય જ!

અહીં તેની સાથે શરૂઆતમાં બેઈમાન પોલીસ- ઑફિસરનો ટ્રૅક ઉમેરાયો છે (જે આપણે ‘દબંગ’માં જોઈ ચૂક્યા છીએ) અને બીજો મુદ્દો ભારતમાં થતા રેપનો ઉપાડ્યો છે. ઇન્ટરવલ પછીની એક ર્કોટ-સીક્વન્સમાં અચાનક જ સિમ્બા (હા, ખુદ રણવીર સિંહ) ભારતમાં નર્ભિયા રેપકેસ બાદ દર વર્ષે થયેલા બળાત્કારના આંકડા બોલે છે. અને કહે છે કે એ હજી પણ બંધ નથી થયા. એક જ રસ્તો છે, હેવાનોને પતાવી નાખો. લેખક બેલડી સાજિદ-ફરહાદ અને યુનુસ સેજવાલે સરકારના ‘બેટી પઢાઓ’વાળા સ્લોગનનો પણ ઉપયોગ કર્યો છે.

સાજિદ-ફરહાદ પરથી યાદ આવ્યું કે ઇન્ટરવલ સુધીની ‘સિમ્બા’માં તમને આ લેખકોના ‘ગોલમાલ’ સિરીઝ ટાઇપના ફની ડાયલૉગ્સ સાંભળવા મળે છે. રણવીર સિંહ પોતાની આગવી અદામાં ગજબ કૉમિક ટાઇમિંગ સાથે ડાયલૉગ ડિલિવરી કરે છે. પોલીસ-સ્ટેશનનાં તથા સારા અલી ખાન સાથેનાં અમુક રમૂજી દૃશ્યો છે. શરૂઆતનો અડધો ભાગ હળવો છે. ઇન્ટરવલ પછી ભાઈ સિમ્બા સિંઘમ થઈ જાય છે. (સિંઘમ થયો એ દર્શાવવા સિંઘમની સિગ્નેચર ટ્યુન પણ સંભળાય છે!)

આ ફિલ્મનો પ્લસ પૉઇન્ટ કે બૉલીવુડ મસાલા ફિલ્મોના ચાહકોને ગમે એવી વાત એ છે કે એમાં બાજીરાવ સિંઘમ છે. આખી ફિલ્મ દરમ્યાન તમને યાદ રહે છે કે ગમે ત્યારે અથવા છેલ્લે સિંઘમ ખુદ આવશે. ફિલ્મનું શરૂઆતી નરેશન તેના અવાજમાં થાય છે અને અંતમાં તેનો શૉર્ટ કૅમિયો છે, પણ અજય દેવગનના ફૅન્સ માટે એ નકરો જલ્સો છે. એક ફ્રેમમાં રણવીર સિંહ અને અજય દેવગનને જોવા એ લહાવો છે.

પફોર્ર્મન્સની વાત કરીએ તો રણવીર સિંહે દર વખતની જેમ જીવ રેડ્યો છે. તેના મરાઠી ઍક્સન્ટ સાથે શરૂઆતમાં આપણને થોડી વાર લાગે છે, પણ પછી સેટ થઈ જવાય છે. સિમ્બા જૂની હિન્દી ફિલ્મોનાં ગીતો ગાય છે, અમુક ડાયલૉગ ભેળસેળ કરીને બોલે છે. ફુલ ટુ મસાલેદાર ફિલ્મમાં હીરોનું જે પાત્ર હોય અને તે જે કરે, તેણે એવું કર્યું છે. ફિલ્મનાં લાગણીસભર દૃશ્યો ઍક્શન કરતાં વધુ અસરકારક છે. સારા અલી ખાનનો રોલ ટૂંકો છે. (‘કેદારનાથ’ કરતાં પણ ટૂંકો!) કહી શકાય કે તે માત્ર બે રીમિક્સ ગીત પર નાચવા આવે છે. મીરામરના હેડ કૉન્સ્ટેબલ નિત્યાંનદ મોહિલેના પાત્રમાં આશુતોષ રાણા છે. તે પાત્ર એકદમ ઈમાનદાર છે અને આજુબાજુના વાતાવરણથી ત્રસ્ત છે. તેને અને રણવીરને સાથે જોવાની મજા પડે છે. કહ્યું એમ વિલન તરીકે સોનુ સૂદ અને તેની સિક્સ-પૅક ઍબ્સ છે. તેના બે ભાઈઓ, જેઓ દરિંદા છે અને જેમણે રેપ કયોર્ છે. પણ લોચો એ છે કે તે બે એટલા ડરાવના લાગતા જ નથી જેટલા કહેવામાં આવ્યા છે! સોનુ સૂદ જામે છે. તેની માતાના પાત્રમાં ગુજરાતી દિગ્ગજ કલાકાર સરિતા જોશી છે. ઉપરાંત જેના સાથે રેપ થાય છે તે આકૃતિ દવેના પાત્રમાં વૈદેહી પરશુરામી, જજના પાત્રમાં અશ્વિની કાળસેકર, કૉન્સ્ટેબલ સંતોષ તાવડેના પાત્રમાં સિદ્ધાર્થ જાધવ વગેરે કલાકારો છે. સિદ્ધાર્થ જાધવના ઇન્ટરવલ સુધીના અમુક કૉમિક સીન્સ મજેદાર છે.

ફિલ્મનાં ગીતો તનિષ્ક બાગચીએ કમ્પોઝ કર્યા છે. ફિલ્મમાં સાંભળવાં-જોવાં ગમે છે. બે ગીતો રીમિક્સ કરેલાં છે. ટાઇટલ નવું છે, જે ઠીક છે.

બૅકગ્રાઉન્ડ મ્યુઝિક લાઉડ છે અને ક્યાંક-ક્યાંક રણવીર સિંહ એનાથી વધારે લાઉડ છે! પણ મોટા ભાગે ગમે તેવો છે. બાકીની જગ્યાએ સહન થઈ શકે તેવો છે.

જોવી કે નહીં?
રોહિત શેટ્ટીની મોટા ભાગની ફિલ્મોને ક્રિટિક્સ વખોડે છે ને દર્શકો પસંદ કરે છે. (એમાંની ‘દિલવાલે’ ને ‘ચેન્નઇ એક્સપ્રેસ’ તો ખરેખર હથોડો હતી!) રોહિત ‘સિમ્બા’ના પ્રમોશનમાં કહેતો હતો કે મારી ઇચ્છા છે કે ક્રિટિક્સને પણ મારી ફિલ્મ ગમે. રાધર, કોઈક દિવસ ગમશે. આ વખતે તેણે બહુ ગાડીઓ નથી ઉડાડી, અતિશયોક્તિ સાથેના સ્લો-મોશન વૉક અને ચહેરાના ક્લોઝઅપ પણ નથી લીધા. (જોકે એ અજયમાં જ સારું લાગે, રણવીરમાં એક હદથી વધારે ન લાગે કદાચ!)

‘ટેમ્પર’માં જ્યાં-જ્યાં ફૂવડતા લાગે છે કે વધારે પડતું થઈ ગઈ ગયું છે એવું લાગે છે એ સિચુએશન્સ-સંવાદ અહીંથી હટાવી દેવાયાં છે. ને બૉલીવુડની સુપરહિટની ફૉમ્યુર્‍લામાં ફિટ થાય એવી વસ્તુઓ ઉમેરવામાં આવી છે. એમ કરવામાં ફિલ્મ ખાસ્સી એવી લાંબી પણ બની છે. બે કલાક ને ચાલીસ મિનિટમાં ફિલ્મમાં છેલ્લે-છેલ્લે વુમન એમ્પાવરમેન્ટ ને જેન્ડર ઇક્વાલિટી જેવા મુદ્દાઓ વિચિત્ર રીતે રજૂ કરાયા છે. છતાંય એકંદરે ફિલ્મ મનોરંજક છે. રણવીર સિંહને જોવાની મજા પડે છે. છેલ્લે-છેલ્લે પકડ છૂટે છે ત્યાં આંખોથી લઈશું કામવાળા ભાઈ અજય દેવગન આવે છે ને સીટીઓ-તાળીઓ ઉઘરાવી જાય છે.

રોહિત શેટ્ટીની ફિલ્મના ચાહકો, રણવીર સિંહના આશિકો ને અજય દેવગનના દીવાનાઓ પહોંચી જાય. કહ્યું એમ ટિપિકલ સાઉથ ઇન્ડિયન તથા બૉલીવુડની લૉજિક વિનાની મસાલા ફિલ્મના રસિયાઓને મજ્જો પડી જશે. અર્થસભર, કંઈક નવું, અલગ, હટકે, ગંભીર જોવું હોય તો પ્રાઇમ કે નેટફ્લિક્સ, જે પણ સબસ્ક્રાઇબ કરાવ્યું હોય એ જુઓ!

છેલ્લી વાત : રોહિત શેટ્ટી ઍન્ડ મંડળીએ અજય દેવગન સિવાયની ઓર એક સરપ્રાઇઝ આપી છે. સોશ્યલ મીડિયા પર કોઈ એનો પાડેલો ફોટો અપલોડ કરીને તમારી મજા છીનવે એ પહેલાં પહોંચી જાઓ થિયેટર.

નોંધ : ચિચિયારીઓ, તાળીઓ અને સીટીઓ મારવાના શોખીન હો તો ભરાયેલા થિયેટરમાં જ જજો, ઓર મજ્જો પડશે. ડીસન્ટ લોકો વચ્ચે આવી ફિલ્મ ઓછી ગમતી હોય છે! અસ્તુ.

@Parth Dave

(Review for Mid-day, Mumbai:  29 December 2018

Simbba 29-12
Mid-day, Mumbai. Page No. 28, Date: 29-12-2018

0 comments on “સિમ્બા

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: