Movies Review

ઝીરો

કસમ સે… જીયરા ચકનાચૂર!

Rating: 1.5 Star

 સુપરસ્ટાર શાહરુખ ખાન અને બ્રિલિયન્ટ ડિરેક્ટર આનંલ એલ. રાયનું કોલૅબરેશન ‘ઝીરો’ નબળું સાબિત થયું છે. ‘રાંઝણા’ જેવો પ્રણય કે ‘તનુ વેડ્સ મનુ’ જેવી કૉમેડી અહીં મિસિંગ છે. અનુષ્કા શર્માની એક્ટિંગનું લેવલ પણ અપેક્ષાથી નીચું છે. કૅટરિના-શાહરુખને જોવાની મજા પડે છે. ફિલ્મની શરૂઆતની પચીસેક મિનિટ મજેદાર લાગે છે, પણ પછી મંગળ ગ્રહ તરફ જતી સફર અમંગળ થવા લાગે છે… ફિલ્મની વાર્તા અને એક્ઝિક્યુશન શાહરુખના પાત્ર કરતા પણ વામન છે. આનંલ એલ. રાયના ફૅન્સ સો ટકા નિરાશ થશે. શાહરુખના ફૅન્સ રિવ્યુ જોઈને ભડકશે!     

timthumb2011માં આર. માધવન અને કંગના રણૌત અભિનિત ‘તનુ વેડ્સ મનુ’ નામની એક ફિલ્મ આવી હતી. સામાન્ય લાગતી આ રોમૅન્ટિક-ડ્રામા મજાની નીકળી અને કમર્શિયલ પણ હિટ રહી. તેની તેલુગુમાં રિમેક બની અને જર્મનમાં ડબ થઈ. 4 વર્ષ પછી ‘તનુ વેડ્સ મનુ રિટર્ન’ નામથી તેની સીક્વલ બની, જે પહેલી ફિલ્મ કરતાં વધુ ચાલી, વધુ અવૉર્ડ્સ મેળવ્યા. બેઉ ફિલ્મના ડિરેક્ટર હતા આનંદ એલ રાય, જેમણે આ બેઉની વચ્ચે એક અફલાતૂન રોમેન્ટિક ફિલ્મ બનાવી, ‘રાંઝણા’. જેમાં ત્રણ અધૂરા પ્રેમીની વાર્તા હતી જે લોકોના હૃદય સોંસરવી ઉતરી ગઈ હતી. આ ત્રણેય ફિલ્મના લેખક હિમાંશુ શર્મા હતા.

ઉપરોક્ત ટ્રૅક રેકૉર્ડના કારણે જ આ વર્ષના પહેલા મહિનાની પહેલી તારિખે જ્યારે શશી કપૂરના ગીતવાળું અનાઉન્સમેન્ટ ટાઈટલ ટીઝર આવ્યું ત્યારથી ‘ઝીરો’ની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી. પાછો તેમાં ઉમેરો થયો રોમૅન્ટિક સ્ટાર શાહરુખ ખાનનો, ટૅલન્ટેડ એક્ટ્રેસ અનુષ્કા શર્માનો. હા ભાઈ, કૅટરિનાનો પણ!

પણ આતુરતાની સ્ટીમર પર ઑલમોસ્ટ પાણી ફરી વળ્યું છે. કોઈ મહાન વાત રજૂ કરવાની લ્હાયમાં સામાન્ય વાતો ચૂકાઈ ગઈ છે, જે દર્શાવી શક્યા હોત. આવો ને, નિ-રાં-તે કરીએ મંગળની સફર…

અમંગળ ઉડાન…

‘ઝીરો’નું કહ્યું એમ અગિયારેક મહિના પહેલા આવેલું ટીઝર અદભૂત હતું, જેમાં શાહરુખ ચડી-બનિયાન પહેરીને શશી સાહેબના સૉન્ગ પર નાચે છે. પછી સલમાન ખાનનો કૅમિયો છે તે દર્શાવતું ઈદના દિવસે ટીઝર આવ્યું હતું. આ બેઉ સ-રસ હતા. પછી આવ્યું ટ્રેઈલર, જેમાં ઑલમોસ્ટ વાર્તા રજૂ થઈ ચૂકી છે. ઉત્તર પ્રદેશના મેરઠનો 38 વર્ષનો કુંવારો, બટકો બૌઆ સિંહ(શાહરુખ ખાન) છે. તે હાઈટમાં નીચો છે પણ જિંદગી ઠાઠથી જીવે છે. તેને કોઈ કશું કહે એ પહેલા જ તે સામેનાની અને પોતાની મશ્કરી કરી નાખે છે! બૌઆ ભારતની સુપરસ્ટાર એક્ટ્રેસ બબીતા કુમારી(કેટરીના કૈફ)ના સ્વપ્નો જૂએ છે. કારણ કે ‘કદ નાનું હોવાથી સપના નાના હોય એ જરૂરી નથી’ એવું તે માને છે! દરમ્યાન બૌઆની મુલાકાત નાસાની સાયન્ટિસ્ટ આફિઆ યુસુફઝઈ ભીંડર(અનુષ્કા શર્મા) સાથે થાય છે. આફિઆને સેરિબ્રલ પૉલ્ઝી છે. વ્હિલચૅર પર બેઠેલી આફિઆનું શરીર ધ્રૂજતું રહે છે. બૌઆ આજુબાજુના નૉર્મલ લોકોથી પરેશાન છે. તેના પિતા અશોક(તિગ્માંશુ ધુલિયા) પણ તેને સંભળાવતો રહે છે. બાપ-દીકરાનું જરાય બનતું નથી.

‘આફિઆ અને બૌઆ બે શારિરીક રીતે અધૂરા વ્યક્તિઓ છે. તેમના મિલન થકી જ અધૂરપ પૂર્ણતામાં પરિણમે છે.’-આવું કંઈ તમે વિચાર્યું હોય તો શરૂઆતની પચ્ચીસ મિનિટ પછી ફિલ્મ જોવાનું બંધ કરી દેજો. તમારી અપેક્ષા પર મંગળ ગ્રહ લાગી જશે! કેમ કે, ફિલ્મમાં બૌઆ કોઈ કારણસર અફિઆને છોડીને બબીતા કુમારી પાસે જાય છે. પછી કોઈ કારણસર બબીતાને છોડીને પાછો આફીઆ પાસે આવે છે. પછી ફિલ્મમાં કોઈ કારણસર એક મંગળ ગ્રહની વાત આવે છે. પછી કારણ વગર એક વાંદરો આવે છે. કારણ વગર સલમાન ખાન આવે છે. એના પાછળ પાછળ રેમો ડિ’સુઝા આવે છે. બહુબધા કલાકારો ‘ઓમ શાંતિ ઓમ’ની જેમ આવે છે. મેરઠનું મુંબઈ થઈ જાય છે. મુંબઈનું અમેરિકા થઈ જાય છે. બૌઆ અમેરિકામાં પણ ચડી-બનિયાન પહેરીને દોડા-દોડી કરે છે. એક સારા વિષયની પત્તર રગડી નાખવા માટે માથું પકડીને તમને થિએટરમાં દોડવાનું મન થઈ જાય છે!

બાકી બધું…

આનંદ એલ. રાય અને હિમાંશુ શર્મા કાનપુર, વારાણસી જેવા શહેરોને પડદા પર ઊપસાવવામાં માહેર છે. તેમની ફિલ્મોમાં ત્યાંની ભાષા અને લહેજો મુખ્ય નાયકના મિત્ર સહિતના મોઢે સાંભળવા તમને ગમે છે. ‘ઝીરો’માં તે વાત જ શરૂઆતની ચંદ મિનિટો પછી મિસિંગ છે. ‘ઝીરો’નો પડદો આલાતરિન સીક્વન્સ સાથે ખૂલે છે. તમારા નાકમાં સીધી મેરઠની ખુશ્બૂ ઘૂસે છે, પણ પછી મુંબઈ અને અમેરિકાની પ્રેડેક્ટિબલ અને ક્લિશે બદબૂ આવવા માંડે છે! ફિલ્મના ટ્રેઈલર અને પછીના ગીતોમાં શાહરુખ ક્યાંક લાઉડ લાગતો જ હતો. તેના પાત્રનું વર્તન ક્યાંક અતિશયોક્તિવાળું, ક્યાંક વિચિત્ર થઈ ચૂક્યું છે. તે વામન છે, વર્ટિકલી ચૅલેન્જ્ડ પર્સન છે; પણ પાગલ નથી. એની વે, તો શરૂઆતમાં બૌઆના મિત્ર ગુડ્ડુ સિંહ બનેલા મોહમ્મદ ઝિશાન અય્યુબના મોઢે અમુક સ-રસ ડાયલૉગ્સ મુકાયા છે. હિમાંશુ શર્માની પંચ લાઈન તમને સાંભળવા મળે છે. અમુક શાહરુખના ફાળે પણ આવ્યા છે. આનંલ એલ. રાયની ‘તનુ-મનુ’ અને ‘રાંઝણા’ યાદ અપાવતા અમુક દ્રશ્યો છે. પણ તે ફિલ્મો વધુ સારી હતી તેવું ફિલ થયા વગર રહેતું નથી.

‘ઝીરો’ના મુખ્ય ત્રણ પાત્રો વ્યક્તિગત રીતે રસપ્રદ છે. એક ઠીંગણો માણસ છે જેને દુનિયાની પરવા નથી પણ સ્વીકૃતિ ઝંખે છે.(કદાચ!) શાહરુખની 4-5 ફુટની હાઈટ બતાવવા માટે VFXનો ઉપયોગ કરાયો છે. આ ફિલ્મમાં કંઈ નવીન પાસું હોય તો તે આ જ છે. તેની ઊંચાઈ નૉર્મલ હોત તો વધુ ક્લિશે અને પ્રિડિક્ટેબલ ફિલ્મ થઈ જાત!(માઈનસ ઝીરો?!) એક સેરિબ્રલ પૉલ્ઝીગ્રસ્ત વ્યક્તિ છે, જે અત્યંત હોશિયાર છે. તે પ્રેમની રાહમાં છે. અને એક પૈસા અને પ્રસિદ્ધી મેળવી ચૂકેલી પણ ભાંગેલા હૃદયવાળી-એકલી વ્યક્તિ છે. પણ આ ત્રણેય સાથે શું કરવું તેમાં રાઈટર-ડિરેક્ટર માર ખાઈ ગયા છે. ત્રણેય વ્યક્તિ એકબીજા સાથે વાત કરે, પ્રેમ કરે, ઝઘડે, હસે-રડે ત્યારે તમને ફિલ જ નથી થતું. ઈમ્પૅક્ટ નથી બોસ! એટલે ઈન્ટરવલ પછી ફિલ્મમાં એક પછી એક કંઈ પણ થયા કરે છે! એકાદ શાહરુખનો વિચિત્ર ડાયલૉગ કે સીન પૂરો થાય એટલે તમને થાય કે ઑકે, હવે કંઈક સારું આવશે! પણ એથીય વધુ કંટાળાજનક અને વિચિત્ર અહીં તમને વિઅર્ડ થાળીમાં પરીસવામાં આવ્યું છે. તમામ દ્રશ્યોની વાત કરીશ તો સ્પૉઈલર જેવું લાગશે.(જોકે આવી ફિલ્મોમાં સ્પૉઈલરની પરવા ન કરાય પણ તમારી ‘આતુરતાપૂર્વક’ જોવાઈ રહેલી રાહની મજા નથી બગાડવી. એટલિસ્ટ મારે તો નથી બગાડવી!) પણ એક દ્રશ્ય વિષે વાત કરીએ જે ટ્રેઈલરમાં છે. જેમાં અનુષ્કા શર્મા રસ્તા પર વ્હિલચૅર પર બેસીને જઈ રહી છે. આફિઆનું પાત્ર સાયન્ટિસ્ટનું છે. તે મંગળ ગ્રહ પર સ્પેસ મોકલવાની તૈયારી કરી છે અને તે બૂન રસ્તા પર એમ ને એમ નીકળી જાય છે, બસ કે કાર કર્યા વિના! ટિપિકલ બૉલીવૂડ ફિલ્મોમાં આવું હોય પણ આ આનંદ એલ. રાયની ફિલ્મ છે. ફિલ્મમાં લૉજિકને મંગળ સિવાયના ગ્રહ પર મોકલી દીધેલા આ પ્રકારના દ્રશ્યો એકાધિક છે.

38 વર્ષના પાત્રમાં 53 વર્ષના શાહરુખ ખાનને શરૂઆતમાં જોવો ગમે છે.(અરે! ખરેખર ગમે છે.) તેની એનર્જી, તેની કૉમિક ટાઈમિંગ લા-જવાબ છે. કહ્યું એમ, અમુક મજેદાર ડાયલૉગ્સ તેના ફાળે આવ્યા છે. અમુક જગ્યાએ ઓવર પણ લાગે છે. ફિઝિકલી ચૅલેન્જ્ડના પાત્રમાં અનુષ્કા શર્મા ડલ લાગે છે. તેના હાવભાવ, બોલવાની લઢણ અસંગત લાગે છે. ‘માર્ગરીટા વિથ અ સ્ટ્રૉ’માં આવું જ પાત્ર કલ્કિ કોચલિને જબરજસ્ત ભજવ્યું હતું. એક દ્રશ્યમાં અફિઆ બૌઆને કહે છે કે, હું તારા લાઈનની નથી. અને પછીનો જ ડાયલૉગ છે કે, મને ગંવાર પસંદ છે! હિમાંશુ શર્માનું સૌથી નબળું કામ કદાચિત આ છે. સૅડ.

આંખો પર મસ્કરા અને ચહેરા પર બિદાસ અંદાજમાં કૅટરિના કૈફ ઠિક છે. તેની સ્ક્રીન પ્રેઝન્સ પ્રમાણમાં ઓછી છે. બાકીના પાત્રોમાં બૌઆના માતાના રોલમાં શીબા ચઢ્ઢા છે. બબીતાના એક્સ બૉયફ્રેન્ડના પાત્રમાં અભય દેઓલ છે. બાકી કહ્યું એમ બહુબધાના કૅમિયોસ છે.(એકેએક વેડફાયા છે.) સ્વર્ગસ્થ શ્રીદેવી પણ છે. આનંદ એલ.રાય-હિમાંશુ શર્મા બ્રૅન્ડના સાઈટ કૅરૅક્ટર અહીં એકપણ એસ્ટાબ્લિશ્ડ નથી થઈ શક્યા. ‘ઝીરો’ના અંતમાં સંભળાતો વૉઈસ ઑવર ‘રાંઝણા’ની યાદ અપાવે છે, પણ એ રાંઝણાનું એ ડાયલૉગ્સનું રાઈટિંગ 100 હતું તો આ 0 છે. ઝી-રો.

કૅટરિના પર ફિલ્માવાયેલું ‘હુસ્ન પરછમ’ નબળું ગીત છે.(‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાં’વાળા કરતાં સારું છે!) બાકીનીં ગીતો ‘ઈશ્કબાજી’ અને ‘હિર બદમાન’ પણ ઠિકઠાક છે. ભૂલી જવાશે. એક અજય-અતુલનું ક્રીએશન ‘મેરે નામ તૂં’ સાંભળવાની અને પડદા પર જોવાની મજા પડે છે. એ સારું છે. અજય-અતુલનો બૅકગ્રાઉન્ડ સ્કૉર પ્રમાણમાં સારો છે.

જોવી કે નહીં?

‘ઝીરો’ ફિલ્મ સતત બે મોરચે લડ્યા કરે છે. તેમાં બૌઆ સિંહ એટલે કે શાહરુખની બેફિકરાઈ, એનર્જેટીક પર્સનાલિટી, કૉમિક ટાઈમિંગ, સટલ ડાયલૉગ્સ એ બધું દર્શાવવું છે; અનુષ્કાની બીમારીને લડીને સાયન્ટિસ્ટ તરીકેની સફળ કારકીર્દી અને મંગળ ગ્રહ પર માનવીનું પર્દાપણ- આવું કંઈક પણ રજૂ કરવું છે. અને સામે છેડે આ બેઉ અને બબીતા સિંહના પાત્રને જોડીને કંઈ ગંભીર-અર્થસભર-ગૂઢ વાત રજૂ કરવી છે, જેનું એક્ઝિક્યુશન ફેઈલ ગયું છે. એક્ચ્યુલી તે લખવામાં જ ફ્લૅટ ગયું છે. મેટાફોરિકલ રીતે પણ કોઈ વાત ગળે ઉતરે તેવી નથી. પરાણે અર્થ કાઢીને અહીં વાત કરવાનો મતલબ જ નથી.

165 મિનિટની સખત લાં…બી ફિલ્મમાં શારિરીક તકલીફ નાથીને આગળ વધો કે પ્રેમ પામી-મેળવીને માણસ પૂર્ણ થાય છે પ્રકારનું મોટિવેશનલ કે ફિલોસૉફિકલ દ્રશ્ય એકપણ ઢંગનું નથી. એના બદલે અગડંબગડં ખયાલી પુલાવ છે.

તો… શાહરુખના ફૅન હો, બહુબધી અપેક્ષા હોય, વર્ષથી રાહ જોતા હો, રાયની ‘રાંઝણા’, ‘તનુ-મનુ’ના ચાહક હો તો આ ફિલ્મ અચૂક ન જોવી. ધીરજ, ક્ષમતા અને સમય હોય તો ચોક્કસ જોવી. રિવ્યુ વાંચીને ઓછી ખરાબ લાગશે.

@Parth Dave

(Review for Mid-day, Mumbai:  22 December 2018

zero 22-12
Mid-day, Mumbai. Page No. 22, Date: 22-12-2018

 

 

0 comments on “ઝીરો

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: