Movies

મારા ઘરમાં દીકરીઓનું રાજ ચાલે છેઃ અનિલ કપૂર

anil-sonam-rhea

ગોવામાં યોજાયેલા ૪૯માં ‘ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયા’માં દીકરી રેહા કપૂર સાથે હાજર રહેલા અનિલ કપૂરે કરી વાતો.

-‘મધ્યાંતર’ કૉલમ

(જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’)

શું છે અનિલ કપૂરની ફિટનેસનું રાઝ?

 અનિલ કપૂરે ૬૨ વર્ષે જાળવી રાખેલી ફિટનેસ વિશે વાત કરતા કહ્યું હતું કે, ‘જ્યારે મેં કરિયરની શરૂઆત કરી ત્યારે તમામ લોકો મને કહેતા હતા કે તું એક્ટર છે, સ્ટાર નથી. તારી પાસે લૂક નથી. અને એ સમયે સંજય દત્ત, જેકી શ્રોફ, સની દેઓલ, મિથુન ચક્રવર્તી- આ બધા સ-રસ ચહેરાવાળા અભિનેતાઓ મેદાનમાં હતા. ત્યારથી મેં મારા શરીર પર ધ્યાન આપવાનું નક્કી કરી નાખ્યું. મેં નક્કી કર્યું કે કૅમેરાની સામે હું જ્યારે પણ જાઉં ફીટ દેખાઉં. એક વખત મેં મારી ફિટનેસ બનાવી દીધી પછી તેને સતત જાળવી રાખી છે.’

‘ફિટનેસ જાળવવી એ નવી લીધેલી કારને સર્વિસીંગ કરાવવા જેવું છે!’ અનિલ કપૂરે આગળ જણાવ્યું હતું કે, ‘તમે નવી લીધેલી કારમાં ખરાબ પેટ્રોલ નાખો કે બરાબર મેન્ટેઈન ન કરો અને રેગ્યુલર સર્વિસ ન કરાવો તો તે ખટારો જેવી બની જાય. આપણા શરીરનું પણ એવું જ છે. તમે અમુક કારની બ્રાન્ડ જોશો જે એવરગ્રીન છે. જેમ કે, ઓલ્ડ રોલ્સરોયલ્સ, એમ્બેસેડર, ફિયાટ, ડોજ, સેર્વોલેટ આ બધી કાર એટલે બગડતી નથી કેમ કે તેના માલિક તેની સારી સાર-સંભાળ રાખે છે. આપણે પણ આપણી બોડી અને આત્માની રેગ્યુલર સર્વિસીંગ કરાવવી જરૂરી છે.’

અનિલ કપૂરે કહ્યું હતું કે, ‘તાતા-બિરલા જેવા ઉદ્યોગપતિઓ પોતાનું નામ-કામ લાંબા ગાળા સુધી ટકી રહે તે માટે ખૂબ મહેનત કરે છે. પોતાનો વારસો જાળવી રાખે છે. લાંબે સુધી ટકી રહેવા માટે મારી પાસે આ મોંઢુ જ છે! અને હું સો મીટરની રેસમાં વિશ્વાસ રાખતો જ નથી, મને મેરેથોન ગમે છે. હું 5-6 વર્ષ શરીર જાળવું અને પછી પડતું મુકી દઉં એવો નથી. હું 38 વર્ષથી આ બિઝનેસમાં છું અને હજુય વર્ષો સુધી રહેવાનો છું..’

અનિલ કપૂરને ગુસ્સો બહુ જ ઓછો આવે છે. તે મોટાભાગે હસતો જ રહે છે. ગોવામાં યોજાયેલા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયામાં આ વિશે અનિલ કપૂરે કહ્યું હતું કે, ‘હા, સાચી વાત છે. મને બહુ જ ઓછો ગુસ્સો આવે છે. મારી પત્ની અને બાળકો પણ એ જ કહે છે. મને ગુસ્સો આવે છે પણ તે હું કન્ટ્રોલ કરું છું. હું હંમેશ એમ વિચારું છું કે ઉપરવાળાએ આપણને કેટલું બધું આપ્યું છે. હું કેટલો નસીબદાર છું કે આ સુંદર પૃથ્વી પર મારો જન્મ થયો છે જ્યાં હું તમામ વસ્તુઓ એન્જોય કરી શકું છું. મારો પરિવાર છે. કેટલું સારું છે અહીં જીવવા માટે. આવું વિચારું તો મને આવેલો ગુસ્સો અદ્રશ્ય થઇ જાય છે!

અનિલ કપૂરે આગળ કહ્યું હતું કે, ‘મારું શરીર મેન્ટેન્ડ છે એનું કારણ પણ એ જ છે. બીજું કારણ એ છે કે, હું હંમેશ ખુશ રહું છું. પોઝિટિવ રહું છું. નેગેટિવ વસ્તુને પણ હું પોઝિટિવ બનાવી દઉં છું. મારો દોસ્તો, સગાઓ, ફિલ્મમેકરો ડિપ્રેસ થાય છે ત્યારે મને ફોન કરે છે. એમને ખબર છે કે હું કોઇપણ નબળી-નેગેટીવ વસ્તુને પોઝીટીવ બનાવી દઈશ!’

2018_7$largeimg24_Tuesday_2018_112027768
‘લાંબે સુધી ટકી રહેવા માટે મારી પાસે આ મોંઢુ જ છે! અને હું સો મીટરની રેસમાં વિશ્વાસ રાખતો જ નથી, મને મેરેથોન ગમે છે.’ અનિલ કપૂર

સેશન દરમ્યાન એક ચાહકે અનિલ કપૂરને પૂછ્યું કે, ‘તમે ‘નાયક’ ફિલ્મમાં એક દિવસ માટે CM બન્યા હતા. તમે એક દિવસ માટે ખરેખર PM બનો તો ભારત માટે કઈએક વસ્તુ કરવા ઈચ્છો? અનિલ કપૂરે કહ્યું હતું કે, ‘મારા માટે હેપિનેસ અને શાંતિ સૌથી મહત્વની વસ્તુ છે. અશોકા અને ગૌતમ બુદ્ધના વિચારો મને ખૂબ આકર્ષે છે. અલબત્ત, મને ભારત સુપરપાવર મેળવે અને રીચેસ્ટ દેશ બને એ ગમે જ, પણ વધુ મજા ત્યારે આવે જ્યારે એમ કહેવાય કે ભારતના લોકો પણ ભુટાન દેશની જેમ વિશ્વના હેપિએસ્ટ લોકો છે.’

છોકરીઓને કારકિર્દીમાં આગળ વધવામાં તકો ઓછી મળે છે. આ વિશે વાત નીકળતા દીકરી રેહા કપૂર સાથે સ્ટેજ પર બેઠેલા રહેલા અનિલ કપૂરે કહ્યું હતું કે, ‘હું માનું છું દીકરીઓ દીકરાઓ કરતા સુપિરિઅર છે. મારા ઘરનું વાતાવરણ પણ એવું જ રહ્યું છે. મારા ઘરમાં દીકરીઓનું વર્ચસ્વ રહ્યું છે. તમે એક વાર દીકરીઓને- છોકરીઓને સ્પેશયલ માનવાનું શરૂ કરી દેશો ત્યાર પછી ઓટોમેટિકલી તેમને વધારે તક મળશે. છોકરીઓ મલ્ટિટેલેન્ટેડ હોય છે. હું એમના વગરની દુનિયા જ ઈમેજિન નથી કરી શક્તો.’

અનિલ કપૂરની ટેક્નિકલી પહેલી ફિલ્મ તેલુગુ હતી!

       ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયામાં યોજાયેલા ‘માસ્ટર ક્લાસ વિશ મિસ્ટર ઈન્ડિયા’ નામના સેશનમાં અનિલ કપૂરે પોતાના કરિયરના શરૂઆતના દિવસો વિશે વાતો કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘વર્ષ ૧૯૭૫માં બેંગ્લોરમાં સત્તીરાજુ લક્ષ્મી નારાયણ, જેઓ ‘બાપુ’ તરીકે ઓળખાતા હતા, તેમની ‘હમ પાંચ’ ફિલ્મનું શૂટિંગ ચાલું હતું. હું ફિલ્મનો કાસ્ટિંગ ડિરેક્ટર પણ હતો અને પ્રોડક્શનનું તમામ કામ કરતો હતો. તમામ એટલે સ્પોટ બોય પણ હું જ હતો! બાપુ સાહેબ અદભૂત ડિરેક્ટર અને કાર્ટુનિસ્ટ હતા. તેમણે ‘હમ પાંચ’ વખતે મારું કામ અને પેશન જોયું પછી તેમની તેલુગુ ફિલ્મ ‘વમસા વૃક્ષમ’માં મને કામ આપ્યું. તો ખરેખર ટેક્નીકલી એઝ અ લીડ મારી પહેલી ફિલ્મ તેલુગુ હતી! તે ફિલ્મની રસીઝ લઈને જ હું મુંબઈ આવ્યો ગચો. તે મેં શબાના આઝમી અને જાવેદ અખ્તરને બતાવી હતી. પછી રમેશ સિપ્પીએ મને ફિલ્મ ‘શતરંજ’ માટે સાઈન કર્યો હતો. જેમાં હું, અમિતાભ બચ્ચન અને અમજદ ખાન હતા. જોકે તે ફિલ્મ પછી નહોતી બની!’

@Parth Dave (Janmbhoomi Group- Kutchmitra)

Date: 21-12-2018

mara ghar ma dikrio nu raj chale che... 24-12
“મધ્યાંતર”, જન્મભૂમિ ગ્રુપ-કચ્છમિત્ર, પાના નં. 3; તારિખઃ 21-12-2018

0 comments on “મારા ઘરમાં દીકરીઓનું રાજ ચાલે છેઃ અનિલ કપૂર

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: