Literature

માફીની કક્ષા, સ્વાંતત્ર્યની ભૂખ અને ધ નેલ્સન મંડેલા!

આપણે પાંચ દિવસ પણ આપણા પોતાના ઘરમાં એકલા રહી શકીએ એમ નથી. અરે! આજે તો મોબાઈલ વગર આખો દિવસ કાઢવો પણ અશક્ય જેવું થઈ ગયું છે ત્યારે આ માણસે સત્યાવીસ વર્ષ એક નિર્જન ટાપુની એકાંત કોટડીમાં પસાર કરી નાખ્યા. મંડેલાએ કહ્યું છે, ‘હું સ્વંતત્ર થવાની ભૂખ સાથે જન્મ્યો નહોતો. હું સ્વતંત્ર જન્મ્યો હતો…

-‘અક્ષરત્વ’ કૉલમ

(જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’)apartheid

‘માફી આપવી’, ‘માફી આપી દેવી’, ‘માફ કરી દેવા’ આ શબ્દો કહેવા-વાંચવામાં એકદમ સરળ લાગે છે. પણ સામે વાળાએ કરેલી ભૂલ કે ગૂના કે પાપ મુજબ આપણી માફી નક્કી થતી હોય છે. અહીં નાના-મોટા મતભેદ કે વિવાદની વાત નથી, અહીં તમારી આખી જિંદગી બરબાદ કરી નાખી હોય અને પછી માગવામાં આવેલી માફીની વાત છે. તમારી જિંદગીના કિંમતી ૨૭ વર્ષ છીનવી લેવામાં આવ્યા હોય અને મનોમન આપી દેવાયેલી ક્ષમાની વાત છે!

નેલ્સન મંડેલા. નામ તો સાંભળ્યુ જ હશે! આખું નામઃ નેલ્સન રોલિહલાહલા મંડેલા. જન્મ ૧૮ જુલાઈ, ૧૯૧૮ અને મૃત્યુ ૫ ડિસેમ્બર ૨૦૧૩. યસ, એમની મૃત્યુતિથિ ગયા બે સપ્તાહ પહેલા જ ગઈ.

નેલ્સન મંડેલાએ જિંદગીના ૨૭ વર્ષ જેલમાં વિતાવ્યા. એમાંથી ૧૮ વર્ષ રોબેન ટાપુની એક કોટડીમાં વિતાવ્યા. આપણે પાંચ દિવસ પણ આપણા પોતાના ઘરમાં એકલા રહી શકીએ એમ નથી. અરે! આજે તો મોબાઈલ વગર આખો દિવસ કાઢવો પણ અશક્ય જેવું થઈ ગયું છે ત્યારે આ માણસે સત્યાવીસ વર્ષ એક નિર્જન ટાપુની એકાંત કોટડીમાં પસાર કરી નાખ્યા. મંડેલાએ આત્મકથા ‘લૉંગ વૉક ટુ ફ્રિડમ’માં લખ્યું છેઃ ‘હું ત્રણ કદમ ચાલું તો મારી કોટડી પૂરી થઈ જતી હતી…’

નેલ્સન મંડેલાની જેલની કોટડી એ પ્રકારની હતી કે માણસ સુએ તો પગ દિવાલને અડે અને માથું ક્રોંકિટ સાથે ઘસાય! કોડડીની પહોળાઈ માત્ર છ ફીટની હતી. કોટડીની છત પર જાળી ઢાંકેલો એક બલ્બ ચોવીસ કલાક- રાતદિવસ જલતો રહેતો. જેલના કેદીઓ ચાર પ્રકારના હતાઃ એ, બી, સી અને ડી. રાજનીતિક કેદીઓની કક્ષા ડી હતી.

ડી વર્ગના કેદીઓને છ મહિને એક પત્ર બહારથી મેળવવાની, એક પત્ર લખવાની અને એક મુલાકાતીને મળવાની પરવાનગી હતી. પોતે પત્નીને પાંચસો શબ્દનો લખેલો પત્ર મંડેલા વૉર્ડનને આપતા પણ તે પોસ્ટ ન કરતો! ટાપુ ઉપર ઘડિયાળો નહોતી, માટે દિવાલો પર લીટીઓ કરીને ગણી ગણીને કેટલા દિવસો-મહિનાઓ-વર્ષો પસાર થયા એ ધારવામાં આવતું! દરેક કેદી પોતાનું કેલેન્ડર બનાવી લેતો! નવા ટુથબ્રશ માટે અરજી કર્યા પછી છ મહિનામાં તે મળતું. કોટડીમાં ટોઈલેટ માટે એક નાની બાલટી જેવું હતું, તેના ઉપર એક ઢાંકણું હતું. આ ઢાંકણાના પાણીથી શેવિંગ કરી શકાતુ, મોઢું ધોવાતું. પીસેલી મકાઈનો સૂપ અથવા ખીચડી જેવું કંઈક ખાવા મળતુ. મંડેલા લખે છે કે, ‘અમારી સોલિટરી એટલે કે નાની કોટડીમાં ઉપર એક જ નાનું હવા માટે બાકોરું હતું. ચોવીસ કલાક પેલો બલ્બ ચાલુ રહેતો. માણસનો અવાજ સંભળાતો નહીં. મને એક કલાક એક વર્ષ જેટલો લાંબો લાગતો. અંદર થતું કે અડધી રાત છે અને બહાર બપોર હોય. સમય-કાળનું ભાન રહેતું નહીં..’

 

કોટડીમાં નાહવાનું પાણી દરિયાનું હતું, ભયંકર ઠંડુ! મંડેલા સહિતના કેદીઓ ઠંડી ઓછી પડે એ માટે નાહતી વખતે જોરજોરથી ગાતા. મંડેલાના નામનો પત્ર છ મહિને આવતો ત્યારે વૉર્ડન કહેતો કે તારો પત્ર આવ્યો છે પણ તે આપતો નહીં!

મંડેલા જેલમાં હતા એ વખતે તેમના પત્ની વીનીની સાથે કોઈ સગું રહી ન શકે એ માટેનો સરકારી હુકમ જારી થયો હતો. તેની નોકરી બે વખત લઈ લેવામાં આવી. મંડેલાની માતાનું અવસાન થયું. ૨૫ વર્ષીય મોટા પુત્ર માડીબા થેમ્બેકીલેનું કાર અકસ્માતમાં અવસાન થયું. પણ મંડેલાને અંતિમવિધિમાં જવા માટે મંજૂરી ન આપવામા આવી.

75567-004-6585DB51આ કોઈ નવલકથા કે ફિલ્મની વાતો નથી, હકિકત છે. યાતાના, દર્દ, દુઃખ, વેદના, જેવા શબ્દો આ વાસ્તવિક વર્ણન સામે વામણા લાગે. મંડેલાએ એ વિશે ઘણું લખ્યું, આખી દુનિયા જાણે છે તેમણે કઈ રીતે સત્યાવીસ વર્ષ ગુઝાર્યા છે. આટલી સજાનું કારણ તેમણે ગાંધીજીની જેમ આફ્રિકામાં નોન-વોયલેન્સ ફ્રિડમની લડત ચલાવી તે છે. મંડેલાને બહાર કાઢનારા પી.ડબલ્યુ બોથા હતા. આટઆટલી યાતનાઓ બાદ નેલ્સન મંડેલા જેલમાંથી બહાર આવ્યા. આફ્રિકા મુક્ત હતું, મંડેલા લોકપ્રિય અને લોકલાડીલા હતા. લોકો જાણતા હતા કે આફ્રિકન નેશનલ કોંગ્રેસ સત્તામાં આવશે અને તે આવી પણ ખરી. મંડેલા રાષ્ટ્રપતિ બન્યા. એક પત્રકારે તેમને પૂછ્યું હતું કે, તમે આજે રાષ્ટ્રપતિ છો. તમે ૨૭ વર્ષ જેલમાં રહ્યા. આજે એકએક વ્યક્તિ તમને મળવા ઈચ્છે છે, તમારી ચાહક છે. તમે પી. ડબલ્યુ. બોથા, જેમણે તમને આવી જિંદગી આપી, તેમના માટે શું કહેવા માગો છો?

આટઆટલા અન્યાય, અવહેલના, અપમાન અને ત્રાસ સહન કરનાર મંડેલા જવાબ આપે છે, ‘આજે મારી પાસે સત્તા છે અને હું ધારું તેમ કરી શકું એમ છું. પણ હું આજે બોથાને મળીશ, હેન્ડશેક કરીશ અને કહીશ કે ચાલો સાથે મળીને સાઉથ આફ્રિકાને ડેવલોપ કરીએ!

પત્રકારે આ સાંભળી બીજો પ્રશ્ન કર્યો, ‘માફીની આ કક્ષા?’ મંડેલાએ કહ્યું, ‘હું વર્ષો સુધી જેલમાં રહ્યા પછી તેમના પ્રત્યે રાગદ્વેશ રાખું અને મનમાં ગાંઠ બાંધી લઉં કે તેમણે મને જેલમાં નાખ્યો અને હવે હું તેમને સજા કરીશ તો એનો અર્થ એ થયો કે હું કેદમાંથી છૂટ્યો જ નથી! અંદરથી હું કેદી જ કહેવાઉં. હું આજીવન કેદી ન રહું એટલે મેં તેમને માફ કર્યા છે.’

એક સામાન્ય મનુષ્ય માટે સત્યાવીસ વર્ષ જેલમાં આટઆટલી યાતનાઓમાં પસાર કર્યા બાદ સ્વસ્થ મન-મગજ સાથે બહાર આવવું અસંભવ છે. અને પાછા આવીને ફરી બેઠા થવું, આગળ વધવું, દેશના રાષ્ટ્રપિતા બનવું… આપણે અમુક વ્યક્તિ માટે ‘મહામાનવ’ શબ્દ વાપરતા હોઈએ છીએ. નેલ્સન મંડેલા ખરા અર્થમાં મહામાનવ હતા. ગાંધીજીની જેમ તેમને પણ રંગભેદના કડવા અનુભવો થયા હતા. ગાંધીજી તેમના પ્રેરણાસ્ત્રોત હતા. મંડેલા સાહસી હતા, નીડર હતા.

Dynamic-7bb895de-ea4c-530f-bb5d-4dce96337173૨૦૦૬થી ૨૦૧૩ સુધી ‘ટાઈમ’ મેગેઝિનના એડિટર રહેલા અમરિકન જર્નાલિસ્ટ અને લેખક રીચાર્ડ સ્ટીંગલે મંડેલા વિશે, મંડેલા સાથેની વાતચીત પર તથા મંડેલા સાથે મળીને પુસ્તકો લખ્યા છે. મંડેલાની આત્મકથા ‘લૉંગ વૉક ટુ ફ્રિડમ’માં લેખક તરીકે રીચર્ડ સ્ટીંગલેનું નામ પણ છે. એક જગ્યાએ રીચર્ડે એક કિસ્સો લખ્યો છે: એક વખત હું અને મંડેલા નતાલ જતા હતા. મંડેલા ફ્લાઈટમાં બેઠા અને છાપું વાચવા લાગ્યા. તેમને છાપું વાંચવુ બહુ ગમતું. તે નાનામાં નાના સમાચાર પણ વાંચતા. ફ્લાઈટ હવામાં હતી ત્યારે મંડેલાએ જોયું કે, ફ્લાઈટના પાંખિયા પર લાગેલા પ્રોપેલરે કામ કરવાનું બંધ કરી દીધું છે.

મંડેલાએ મને આ વાત પાયલટને જણાવવાનું કહ્યું. આ કહેતી વખતે તેઓ એકદમ શાંત હતા. હું તો ડરી ગયો! પ્રોપેલર બંધ હોવાનો અર્થ એ થાય કે ફ્લાઈટ ગમે ત્યારે ક્રેશ થઈ શકે છે. હું ઉઠ્યો અને પાયલટની કેબિન તરફ ભાગ્યો! પાછો આવ્યો ત્યારે મંડેલા છાપું વાંચતા હતા. મેં તેમને કહ્યું કે, પાયલટને ખ્યાલ આવી ગયો છે અને તેઓ નજિકના એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિગ કરવાની કોશિશ કરી રહ્યા છે. મંડેલા ફરી છાપું વાચવા લાગ્યા!

મૃત્યુનો ડર મારા સહિતના તમામના ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો પણ મંડેલા બેખબર થઈને, જાણે કંઈ થયું જ ન હોય તેમ, છાપું વાંચતા હતા.

ફ્લાઈટનું સફળતાપૂર્વક લેન્ડિગ થયું પછી મેં હિંમત એકઠી કરીને મંડેલાને પૂછી જ લીધું, શું તમને ડર નહતો લાગતો? મંડેલાનો જવાબ હતો, ડર! હું મનમાં ને મનમાં કાંપતો હતો ભાઈ! પણ જો કહી દેત તો તમે, પાયલટ અને બાકીના લોકો વધુ ગભરાઈ જાત!

રિચર્ડ આગળ લખે છે, ‘ત્યારે મને ખબર પડી કે સાહસ એટલે શું! પોતાના ડરને ચહેરા પર ન આવવા દેવું એ પણ સાહસ છે. જ્યારે તમને લોકો આદર્શ માને છે ત્યારે તમારું આચરણ જોવામાં આવે છે. મંડેલા આ વાત હંમેશ યાદ રાખતા.’ મંડેલાએ લખ્યું છે, ‘હું શીખ્યો કે સાહસ એ ભયની અનુપસ્થિતિ નથી, પણ ભય પર વિજય છે… હું સ્વંતત્ર થવાની ભૂખ સાથે જન્મ્યો નહોતો. હું સ્વતંત્ર જન્મ્યો હતો…’

*જે બાત!*

રાતે ધરતી પર
ઢળી પડેલા આકાશને
પ્રભાતે
પંખીઓની પાંખોએ
ઊંચકી લીધું, અધ્ધર !

– જયન્ત પાઠક

@Parth Dave (Janmbhoomi Group- Kutchmitra)

Date: 19-12-2018

mafi ni kaksha, svatantra ni bhukh ane nelson mandela 19-12
“અક્ષરત્વ”, જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’; પાના નં. 6,  તા. 19-12-2018

 

 

0 comments on “માફીની કક્ષા, સ્વાંતત્ર્યની ભૂખ અને ધ નેલ્સન મંડેલા!

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: