ગુજરાતી સિનેમા Interviews

‘મિડનાઈટ વિથ મેનકા’ના ડિરેક્ટર સાથે વાતચીત

એક અમેરિકન વેબ સિરીઝ પરથી આ ફિલ્મનો આઈડિયા આવ્યો હતોઃ વિરલ શાહ

વિરલ શાહે એનડીટીવી પર આવતી ‘મીરા’ નામની સિરીયલ લખી છે. ઉપરાંત શોભના દેસાઈની ‘મુક્તિ બંધન’, જે હરકિશન મેહતાની નવલકથા પર આધારી હતી, તે સિરીયલ વિરલ શાહે લેખક-દિગ્દર્શક વિપુલ શાહ સાથે લખી છે. વિરલ શાહ કહે છે કે, ‘વિપુલ શાહ પાસેથી હું ઘણું શીખ્યો છું. તેઓ મારા ગુરુ છે…’

-‘મધ્યાંતર’ કૉલમ

(જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’)

viral shah
લેખક-દિગ્દર્શક વિરલ શાહ

ગયા અઠવાડિયે ‘મિડનાઈટ વિથ મેનકા’ નામની ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ, જેમાં મલ્હાર ઠાકર, એશા કંસારા, હાર્દિગ સાંગાણી, વિનીતા મહેશ અને પાર્થ ઓઝા સહિતના કલાકારો હતા. ફિલ્મના ડિરેક્ટર વિરલ શાહ તથા લેખક અમાત્ય ગોરડિયા અને વિરલ શાહ છે.

ફિલ્મનું નામ હટ-કે છે અને સ્ટોરીલાઈન પણ રુટીન ફિલ્મોથી અલગ છે. ફિલ્મની ટેગલાઈન ‘રિઅલ સુપરસ્ટારની ફૅક બાયોપિક’ છે! જેમાં સુપરસ્ટાર તરીકે મલ્હાર ઠાકર છે. તેના મૂળ નામે જ તે ફિલ્મમાં એક્ટ કરી રહ્યો છે. ઉપરાંત એશા કંસારા અને હાર્દિક સાંગાણી પણ તેમના મૂળ નામે જ-હિમ સેલ્ફ છે. એક વિનીતા મહેશ, ફિલ્મમાં મલ્હારની બહેનના રોલમાં છે.

ફિલ્મના ડિરેક્ટર વિરલ શાહે કરિયરની શરૂઆત એક્ટિંગથી કરી. તેમણે નાનપણથી કૉલેજ સુધી અભિનય કર્યો. શોભના દેસાઈની સિરીયલ ‘એક મહેલ હો સપનો કા’માં તેમણે ૧૦ વર્ષ કામ કર્યું. એ સિરીયલમાં તેઓ અપરા મહેતા અને રાજીવ મહેતાના દિકરાના પાત્રમાં હતા. ત્યાર પછી વિરલ શાહે એડવર્ટાઈઝિંગમાં બેચલર પૂરું કર્યું. તેમણે પાયલોટની ડિગ્રી પણ લીધેલી છે.

વિરલ શાહ કહે છે, ‘પણ આ રીતે આગળ વધવામાં વચ્ચે થોડો કપરો સમય પણ આવ્યો હતો. મારી પાસે લોન ચૂકવવાના પૈસા ન હતા. એ દરમ્યાન કોઈએ કહ્યું કે ટેલિવીઝન રાઈટિંગમાં સારો પૈસો છે, ત્યાં ટ્રાય કર! એટલે મેં વર્ષ ૨૦૦૮થી ૨૦૧૫ સુધી, ૭ વર્ષ ટેલિવીઝન માટે લખ્યું.’

વિરલ શાહે એનડીટીવી પર આવતી ‘મીરા’ નામની સિરીયલ લખી છે. ઉપરાંત શોભના દેસાઈની ‘મુક્તિ બંધન’, જે હરકિશન મેહતાની નવલકથા પર આધારી હતી, તે સિરીયલ વિરલ શાહે લેખક-દિગ્દર્શક વિપુલ શાહ સાથે લખી છે. વિરલ શાહ કહે છે કે, ‘વિપુલ શાહ પાસેથી હું ઘણું શીખ્યો છું. તેઓ મારા ગુરુ છે…’

Midnight with menkaવિરલ શાહે અધિકારી બ્રધર્સની સોની ટીવી પર આવતી ‘હોંગે જુદા ના હમ’ માટે પણ લેખન-કાર્ય કર્યું છે. વિરલે ત્રણ વર્ષ પહેલા અભિનેત્રી માસુમી મખિજા સાથે પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું અને તેના હેઠળ મિચ્યુઅલ ફંડ્સ, રિલાયન્સ વગેરે માટે એડ ફિલ્મો બનાવી. વિરલ શાહ વૉઇસ ઑવર આર્ટિસ્ટ તરીકે પણ કામ કરી રહ્યા છે. ડિરેક્ટર તરીકે પહેલી ગુજરાતી ફિલ્મ વિશે વાત કરતા વિરલ શાહ કહે છે કે, ‘અમે પ્રોડક્શન હાઉસ બનાવ્યું ત્યારે વિચાર્યું હતું કે કંઈક ગુજરાતીમાં બનાવીએ. કેમ કે, એ વખતે બે યાર, છેલ્લો દિવસ વગેરે ફિલ્મો રિલીઝ થઈ ચૂકી હતી. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી આગળ વધી રહી હતી. અને આપણા મૂળિયા ગુજરાતી એટલે અંદરથી ઈચ્છા હતી કે કંઈક કરીએ. એ વખતે હિન્દીમાં વેબ સિરીઝનો દોર શરુ થઈ ચૂક્યો હતો. મને વિચાર આવ્યો કે ગુજરાતીમાં વેબ સિરીઝ કેમ ન બને?’

‘મલ્હાર અને હું ૧૦ વર્ષથી એકબીજાને ઓળખીએ.’ વિરલ શાહ આગળ કહે છે કે, ‘મલ્હાર વિપુલ મહેતાના નાટકો કરતો અને હું તેમની સાથે લખતો. આ રીતે અમે એકબીજાના વર્ષોથી પરિચયમાં. ‘ઑન્ટ્રાજ’ કરીને અમેરિકન વેબ સિરીઝ આવતી હતી, જેમાં એક માણસ હોલીવૂડમાં રાતોરાત સુપરસ્ટાર બની જાય છે અને પછી તેની સફરની વાત છે. મને વિચાર આવ્યો કે મલ્હાર સાથે આવુ જ થયું છે, ચાલો ને ગુજરાતીમાં વેબ સિરીઝ બનાવીએ, મલ્હારને લઈને!  હું કોકોનેટ પ્રોડક્શન હાઉસના માલિક રશ્મિનભાઈ મજેઠિયાને મળ્યો. અમે એ વિશે વાત કરી. બહુ બધું વિચારીને, ચર્ચાઓ કરીને છેલ્લે નક્કી થયું કે આપણે વેબ સિરીઝના બદલે ફિલ્મ પર હાથ અજમાવીએ.’

વેલ, વિરલ શાહની ‘મિડનાઈટ વિથ મેનકા’ એઝ અ ડિરેક્ટર પહેલી ફિચર ફિલ્મ છે. વિરલ શાહ કહે છે કે, ‘મેં રાઈટીંગ કર્યું છે, પ્રોડક્શન પણ સંભાળ્યું છે પણ ડિરેક્શનમાં કોઈને આસિસ્ટ પણ નથી કર્યું! આ ફિલ્મના દરેક કલાકાર અને પ્રોડ્યુસરનો સપોર્ટ હતો અને પ્રોત્સાહન આપતા હતા એટલે જોખમ લઈ લીધું ડીરેક્શનમાં હાથ અજમાવી લીધો!’

આ ફિલ્મમાં મલ્હાર પોતાના જ પાત્રમાં છે. પરંતુ ફિલ્મની વાર્તા કાલ્પનિક છે. અહીં મલ્હારને ખુદ પર હસી નાખવાનું છે, પોતાની મજાક ઉડાડવાની છે. આ પ્રકારની વાર્તા કઈ રીતે સૂઝી એ વિશે વિરલ શાહ કહે છે કે, ‘મેં કહ્યું એમ મલ્હાર અને હું જૂના મિત્રો. એક વખત કામથી હું અમદાવાદ આવ્યો ત્યારે મલ્હારને ફોન કર્યો. વર્ષો પછી અમે મળતા હતા. ‘છેલ્લો દિવસ’ અને ‘થઈ જશે’ ફિલ્મ આવી ગઈ હતી. હું કોઈ રેસ્ટોરન્ટમાં રાહ જોતો હતો ત્યાં એક મોટી ગાડી આવી, એમાંથી બે બાઉન્સર નીકળ્યા અને પછી મલ્હાર આવ્યો. હું મલ્હારને ભેટવા જ જતો હતો ત્યાં વચ્ચે બાઉન્સરે અટકાવ્યો! હું તો છક થઈ ગયો! પણ મલ્હાર તો એવો જ હતો. અંદર આવ્યો તો રેસ્ટોરન્ટમાં આજુબાજુ બેઠેલા લોકો સેલ્ફી લેવા માંડ્યા. આ જોઈને મને થયું કે આ ભાઈ તો રાતોરાત સુપરસ્ટાર બની ગયો છે! પછી મલ્હારે પોતાની વાત કરી કે આ ફિલ્મો પછી કઈ રીતે તેની જિંદગીમાં બદલાવ આવ્યો છે.’

‘એ દિવસે રાતના મેં મલ્હારને મારો વિષય જણાવ્યો.’ વિરલ શાહ આગળ કહે છે, ‘મેં કહ્યું કે આપણે આ વિષયને કાલ્પનિક બનાવશું. મનોરંજક બનશે, મજા પડશે. હું અને મારો કૉ-રાઈટર અમાત્ય ગોરડીયા અમારી હોટેલની બહાર ઊભીને આખી રાત મલ્હારની વાતો સાંભળતા રહ્યા. તે અમને સુપરસ્ટાર બન્યા પછીના અવનવા, ચિત્રવિચિત્ર કિસ્સાઓ સંભળાવતો હતો. એણે કહ્યું હતું કે આમાથી તમારે જે વાપરવું હોય તે વાપરજો!’

@Parth Dave (Janmbhoomi Group- Kutchmitra)

Date: 14-12-2018

Viral shah midnight with menka 14-12
“મધ્યાંતર”, જન્મભૂમિ ગ્રુપ-કચ્છમિત્ર, પાના નં. 2; તારિખઃ 14-12-2018

0 comments on “‘મિડનાઈટ વિથ મેનકા’ના ડિરેક્ટર સાથે વાતચીત

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: