Movies Review

કેદારનાથ

અહીં બચાવકામગીરી શક્ય નથી

Rating: 2.9 Star

૨૦૧૩ના જૂન મહિનામાં ઉત્તરાખંડમાં આવેલા વિનાશક પૂરની વાસ્તવિક ઘટના પર પ્રણયની કાલ્પનિક વાર્તા લેખિકા કનિકા ઢિલ્લોં અને ડિરેક્ટર અભિષેક કપૂરે ઊભી કરી છે. એ ઊભી કરેલી વાર્તા બૉલીવુડની ૭૦-૮૦ના દાયકાની, વાસી છે. યાત્રાધામ કેદારનાથ સ્ક્રીન પર જોવું ગમે છે, પણ હોનારત દર્શાવતાં VFXથી સર્જેલાં દૃશ્યો નબળાં લાગે છે. સુશાંત સિંહ-સારા અલી જામે છે. વાર્તા જામતી નથી. VFX-CGI જામતા નથી. ડાયલૉગ્સ જામતા નથી. બે કલાક તમે જૅમ થઈ જાઓ છો…

kedar_0૧૯૯૬માં વિપુલ હાંડા ડિરેક્ટેડ ટ્વિન્કલ ખન્નાની એક ફિલ્મ આવી હતી ‘ઉફ્ફ! યે મોહબ્બત’. એમાં ટ્વિન્કલની સાથે લીડ રોલમાં ડેબ્યુટાન્ટ ઍક્ટર હતો અભિષેક કપૂર. તેણે હજી એક ફિલ્મમાં ઍક્ટિંગ કર્યા પછી સોહેલ ખાનને લઈને ‘આર્યન’ નામની નબળી ફિલ્મ બનાવી. અને એના પછી ૨૦૦૮માં મ્યુઝિકલ ડ્રામા ‘રૉક ઑન!’ આવી, જેણે નૅશનલ સહિતના ઘણા અવૉડ્ર્સ ઉસેડ્યા. ત્યાર પછી નવા ચહેરાઓ લઈને ચેતન ભગતની નૉવેલ ‘થથ્રી મિસ્ટેક્સ ઑફ માય લાઇફ’ પર આધારિત ઇન્ટેન્સ અને ક્લેવર ‘કાઇ પો છે’ ફિલ્મ આવી, જેમાં એક નવો ચહેરો હતો સુશાંત સિંહ રાજપૂત.

એ જ રાજપૂતસાહેબ અને કપૂરસાહેબ સાથે આજે ફરી ભેગા આવ્યા છે કેદારનાથમાં, જે સવર્વિહદિત છે એમ ૨૦૧૩ના જૂન મહિનામાં ઉત્તરાખંડના કેદારનાથમાં આવેલા વિનાશક પૂર-જળપ્રકોપ ઘટનાની આસપાસ ફરે છે. જોકે આ ઘટના ફિલ્મના છેવાડે દર્શાવવામાં આવે છે, બાકીના ભાગમાં અભિષેકભાઈએ કાલ્પનિક પ્રણયકહાણી ઊભી કરી છે જેમાં સુશાંતની સાથે છે સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાન.

‘કાઇ પો છે’માં જેમ અભિષેક કપૂરે ગુજરાતમાં થયેલા ભયંકર ભૂકંપનો એક પ્લૉટ રજૂ કર્યો હતો અને એનાથી થતી માન અને જાનહાનિ તેમની રીતે દર્શાવી હતી એ રીતે અહીં કેદારનાથ હોનારતને બૅકડ્રૉપમાં ગોઠવીને વાર્તા વણી છે. જોકે ઇન્ટેન્સિટી અને એક્ઝિક્યુશેન બેઉ મોરચે ‘કેદારનાથ’ ઊતરતી ફિલ્મ બની છે. નથી વાસ્તવિક ઘટનાનું પ્રૉપર દદર્‍ થતું આપણને અને નથી કાલ્પનિક પ્રયણની ફીલ આવતી.
આવોને ડીટેલમાં તણાઈએ, આઇ મીન વાત કરીએ!

વારતા જેવું

ફિલ્મની શરૂઆત કેદારનાથમાં પિઠ્ઠé એટલે કે પીઠ પર પાલખીમાં બેસાડીને યાત્રાળુઓને દર્શન કરાવવા લઈ જતા મજૂર મન્સૂર ખાન (સુશાંત સિંહ રાજપૂત)થી થાય છે. મંદાકિની નદીના લૉન્ગ શૉટ અને કેદારનાથની વાદીઓના પૅનોરમા શૉટ્સ દેખાય છે. બૅકગ્રાઉન્ડમાં અમિત ત્રિવેદીનું આ ફિલ્મનું પ્રમાણમાં સારું સૉન્ગ નમો નમો વાગે છે. ફિલ્મનો ટોન હળવો લાગે છે. સુશાંતની બૅલૅન્સ્ડ, મજાની ઍક્ટિંગ તમને ગમે છે. બીજી બાજુ શહેરના પંડિત કુટુંબની ઉસ્તાહી દીકરી મંદાકિની(સારા અલી ખાન), જેને લોકો મુક્કુ કહીને બોલાવે છે તેનો ઇન્ટ્રો થાય છે. આ બેઉ છોકરડાનો ધાર્યા પ્રમાણે પરિચય થાય છે. ‘કાઇ પો છે’ જેવી એક ક્રિકેટ-સીક્વન્સ આવે છે. વાતો થાય છે. દોસ્તી થાય છે. વર્ષોથી બૉલીવુડની ફિલ્મોની જેમ દોસ્તી પ્રેમમાં પરિણમે છે. પણ ભાઈ મુસ્લિમ છે, છોકરી હિન્દુ છે. ધર્મ અલગ છે. પણ છોકરી ‘ઇશકઝાદે’ની પરિણીતી જેવી છે. તે પપ્પા સામે બોલે છે. ઘર છોડીને જાય છે. છોકરો ડાહ્યોડમરો છે. માર ખાય છે. વગૈરહ-વગૈરહ.
અભિષેક કપૂર અને કનિકા ઢિલ્લોંએ આ અતિશય પ્રિડિક્ટેબલ અને સ્ટ્રિરિયોટાઇપ પટકથામાં એક એલિમેન્ટ નવું ઉમેર્યું છે. એ છે ૨૦૧૩ની ૧૫ જૂને આવેલો પ્રલય, જેમાં સેકંડો યાત્રાળુઓની યાત્રા આખરી બની ગઈ હતી. આ આખી વાર્તા ટ્રેલરમાં આમ તો દર્શાવાઈ જ ગઈ છે એટલે તમને શરૂઆતથી જ ખબર છે કે હવે શું થવાનું છે અને તમે શરૂઆતથી જ રાહ જુઓ છો કે પ્રલય ક્યારે આવશે જેથી જોઈ શકીએ કે આ ફિલ્મમાં VFXનો ઉપયોગ કેવોક થયો છે!

બાકી બધું

ભારત દેશ સુંદરતાથી ખચોખચ ભરેલો છે. એનાં ભિન્ન-ભિન્ન રાજ્યો, વિસ્તારો, સરહદોની વિશેષતા છે. લાક્ષણિકતાઓ છે. કેદારનાથનાં બરફથી ઢંકાયેલાં શિખરો, મંદાકિની નદીનો ધસમસતો પાણીનો પ્રવાહ, ઊંડી ખીણો, ખીણો વચ્ચે સાંકડા રસ્તાઓ, વૃક્ષોની હારમાળા વગેરે તમામ કુદરતે કરેલું નકશીકામ આ ફિલ્મમાં આપણને સિનેમૅટોગ્રાફર તુષાર કાન્તિ રેએ દર્શાવ્યું છે અને અદ્ભુત દર્શાવ્યું છે. ફિલ્મનો પહેલો શૉટ જ ખળખળ વહેતી નદીનો છે. પાણી રાધર, વરસાદ આ ફિલ્મનો મોસ્ટ ઇમ્ર્પોટન્ટ પાર્ટ છે. અલબત્ત, મેકર્સ એ રીતે પેશ કરી શક્યા હોત. પણ છેલ્લી ત્રીસ મિનિટમાં નબળી CGIના કારણે એની અસર ઘટી જાય છે.

અભિષેક કપૂર અને કનિકા ઢિલ્લોંએ કેદારનાથ જેવાં સ્થળોનું લાલચના કારણે થઈ રહેલું કમર્શિયલાઇઝેશન, ત્યાં બની રહેલાં હોટેલ, મૉલ્સ અને એના કારણે થતા કુદરતી સંપત્તિના નુકસાન સંબંધિત મુદ્દાને સ્પર્શ્યા છે, પણ ઉપરછલ્લા. ઍક્ચ્યુઅલી આ પૉઇન્ટમાં પોટેન્શિયલ હતું, પણ એને અડીને આગળ નીકળી જવાયું છે. બીજું, હિન્દુ-મુસ્લિમ પ્રેમકહાણીમાં દેખીતી રીતે બે કોમ વચ્ચે પડતી ફાંટ દર્શાવી છે. ઍક્ચ્યુઅલી આ વાર્તા અને એની ટ્રીટમેન્ટ ૭૦ અને ૮૦ના દાયકામાં ફિલ્મો બનતી એવી છે. છોકરી અલ્લડ છે, બિન્દાસ છે. તેનો બાપ બ્રજરાજ મિશ્રા (બી. આર. ચોપડાની ‘મહાભારત’માં શ્રીકૃષ્ણ બનતા નીતીશ ભારદ્વાજ) ‘હું તને રૂમમાં પૂરી દઈશ, ચૂપ રહે, કહું ત્યાં લગ્ન કરવાનાં’ પ્રકારનાં કથન કરનારા છે. માતા (સોનાલી સચદેવ) પતિથી ડરેલી છે. મોટી બહેન (પૂજા ગોર) ચૂપ છે. મુક્કુનો મંગેતર કુલ્લુ (નિશાંત દહિયા) પણ છે, જે તેને સ્વાભાવિક છે કે ન જ ગમતો હોય. (અહીં બધાનાં નામ ચુલુ-મુલુ-કુલ્લુ પ્રકારનાં જ છે!) આ વાર્તાનું માળખું જ જૂનુંપુરાણું છે એટલે બે કલાક અને એકત્રીસ સેકન્ડની ફિલ્મ હોવા છતાંય તમને લાંબી લાગે છે, તમે બોર થઈ જાઓ છો.

સુશાંત સિંહ રાજપૂતની ઍક્ટિંગ સારી છે. તે સીધાસાદા પાલખી ઊંચકનારા અને પ્રેમીના રોલમાં જામે છે. તેને સ્ક્રીન પર જોવો ગમે છે. બીજી બાજુ સારા અલી ખાન, જેને જોઈને ‘બેતાબ’ અને ‘ચમેલી કી શાદી’ વખતની અમૃતા સિંહ યાદ આવી જાય છે તેણે પહેલી ફિલ્મના પ્રમાણમાં સરસ કામ કર્યું છે. તેના કૅરૅક્ટર પ્રમાણે તેણે ભજવવાની પૂરતી ટ્રાય કરી છે, કેમ કે આ કૅરૅક્ટર કોઈ મહાન, હટકે કે નવું નહોતું. પરિણીતી ચોપડા, અનુષ્કા શર્મા, ડાયના પેન્ટી વગેરે મોટા ભાગની હિરોઇન આ પ્રકારનું પાત્ર ભજવી ચૂકી છે. અરે! સોનાક્ષી સિંહા પણ ભજવી ચૂકી છે બોલો!

કલાકારોનું કામ સારું છે, પણ સ્ક્રિપ્ટ અને ડિરેક્શન લેવલે કાચું કપાયું હોવાથી બેઉના બિલ્ટ-અપ થતા પ્રેમ સાથે પણ દર્શકો કનેક્ટ નથી થતા. એટલે બન્નેની જુદાઈ પણ ટચ નથી કરતી.

ફિલ્મનો પહેલો વિલન મંદાકિનીનો મંગેતર છે અને બીજો કુદરતી આપત્તિ છે. ફિલ્મની છેલ્લી વીસ-ત્રીસ મિનિટ એને ફાળવવામાં આવી છે. પણ એ સાથે રોના-ધોના, મનાના, મરના વગેરે ટાઇપનો મેલોડ્રામા પણ ચાલે છે. પાણીનો વિશાળ ધોધ ગામ બાજુ આવી રહ્યો હોય, વાદળ ફાટીને મેઘવિસ્ફોટ થતો હોય, ત્રણ માળનાં મકાનો જમીનદોસ્ત થતાં હોય, જમીન ફાટીને માણસ અંદર ગરકાવ થતા હોય વગેરે દૃશ્યો તમને સ્પેશ્યલ ઇફેક્ટ્સની મદદથી જોવા મળે છે. અને એ સ્પેશ્યલ ઇફેક્ટ્સ બાલિશ છે. ફિલ્મની VFX અત્યંત નબળી છે અને એના કારણે જ વિધ્વંસ સર્જનારી એ વિનાશક હોનારતની ભયાનકતા તમને નથી અનુભવાતી. કનિકા ઢિલ્લોંએ લખેલો સ્ક્રીનપ્લે પણ ક્યાંક ઉપરચોટિયો જાય છે. હવામાન ખાતાની કામગીરી, ઑફિસરો એ બધા એકાદ વખત માંડ સ્ક્રીન પર દેખાય છે.

જોવી કે નહીં?

ફિલ્મની સારી વસ્તુ ત્રણ સ છે. સારા અલી ખાન (ભલે ઓછી સારી, પણ સારી!), સુશાંત સિંહ રાજપૂત અને સિનેમૅટોગ્રાફી. આ સિવાય વાર્તા સ્ટાર ક્રૉસ્ડ-લવરની વર્ષો પુરાણી છે. પ્રેમી પંખીડાંઓ અને પછી મોટેરાઓના ડાયલૉગ્સ પણ પ્રિડિક્ટેબલ અને સાંભળેલા છે. અરિજિતના અવાજમાં આવતું કાફિરાના ગીત સારું છે, પણ ફિલ્મમાં એટલી મજા નથી પડતી. બૅકગ્રાઉન્ડ સ્કોર ઠીકઠાક છે.
આ વિષય પર વાસ્તવિકતાને અડીને એક અદ્ભુત થ્રિલર ફિલ્મ બની શકે. માનવ ઇતિહાસની આ મોસ્ટ ટ્રૅજિક હોનારતમાં ૪૦૦૦ લોકો મૃત્યુ પામ્યા, ૪૩૦૦ લોકોને બચાવાયા, ૭૦,૦૦૦ લોકો મYયા નહીં અને ૫૦,૦૦૦નું સ્થાળાંતર થયું. આ બધા આંકડાઓ છેલ્લે દર્શાવાય છે, પણ આ આંકડાઓમાં જ સ્ટોરી છે. ઍની વે, નબળી વાર્તા અને ફ્લૅટ એક્ઝિક્યુશનના પ્રવાહમાં આ નૈયા પોણી ડૂબી ગઈ છે. ચાર ધામોમાંના એક કેદારનાથનું સ્થાનિક વાતાવરણ-લોકાલ, આજુબાજુની સીનસીનેરી અને સુશાંતની ઍક્ટિંગ જોવી હોય (અને સારાની પહેલી ફિલ્મ તો જોવી જ છે પ્રકારનું તમારા મગજમાં હોય!) તો પોતાના જોખમે ને ખર્ચે જવાય. VFX જોવી હોય તો ‘૨.૦’ જોવાય. હર હર મહાદેવ!

ઉત્તરાખંડમાં રિલીઝ ન થઈ કેદારનાથ

‘કેદારનાથ’ને ઉત્તરાખંડ રિલીઝ કરવામાં નથી આવી. સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂતની આ ફિલ્મ કેદારનાથમાં આવેલા ભયાવહ પૂર પર આધારિત એક લવ-સ્ટોરી છે. ફિલ્મમાં લવ-જેહાદ દેખાડવામાં આવી હોવાનું કહી આ ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ટૂરિઝમ મિનિસ્ટર સતપાલ મહારાજે ફિલ્મને લઈને એક કમિટીની રચના કરી હતી અને એનો રિવ્યુ રિપોર્ટ રાજ્યના મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્ર સિંહ રાવતને મોકલ્યા બાદ એક ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી. રાજ્ય સરકારે તમામ ડિસ્ટ્રિÿક્ટ મૅજિસ્ટ્રેટને આ ફિલ્મને રિલીઝ કરવી કે નહીં એનો નિર્ણય પોતે લેવા માટે કહ્યું હતું. આ ફિલ્મને ઉત્તરાખંડમાં બૅન કરવા માટે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. આ મીટિંગ બાદ તમામ ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટે પોતાના જિલ્લામાં ફિલ્મને રિલીઝ ન કરવાનો નિર્ણય લીધો છે.

કેદારનાથમાં ૨૦૧૩માં આવેલા વિનાશક પૂરની સ્ટોરી દર્શાવતી આ ફિલ્મનું શૂટિંગ જ્યારથી શરૂ થયું છે ત્યારથી જ વિવિધ હિન્દુ સંગઠનો એનો વિરોધ કરી રહ્યાં છે અને ફિલ્મ વિવાદોના વમળમાં ફસાઈ છે. એમનો આરોપ છે કે આ ફિલ્મ હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચાડે છે અને સાથે જ લવ-જેહાદને પણ બળ આપી રહી છે. આ ફિલ્મ રાજ્યની રાજધાની દેહરાદૂન, હરિદ્વાર, પૌરી, તેહરી, નૈનીતાલ, અલ્મોડા અને ઉધમસિંહનગરમાં રિલીઝ નહીં થાય. આ સિવાયના જિલ્લાઓમાં થિયેટર્સ નથી. આ ફિલ્મનું શૂટિંગ ત્રિયુગીનારાયણ, ગૌરીકુંડ, સોનપ્રયાગ, રંબાડા, કેદારનાથ અને ચોપટામાં થયું છે. ઉત્તરાખંડ હાઈ કોર્ટે પણ ગુરુવારે ફિલ્મ પરથી પ્રતિબંધ હટાવી અપીલકર્તાને ડિસ્ટ્રિÿક્ટ મૅજિસ્ટ્રેટ પાસે ફરિયાદ લઈ જવા કહ્યું હતું.

@Parth Dave

(Review for Mid-day, Mumbai:  08 December 2018)

Kedarnath 08-12
Mid-day, Mumbai. Page No. 22, Date: 08-12-2018

 

0 comments on “કેદારનાથ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: