Movies Review

૨.૦ 

સ્પેશ્યલ ઇફેક્ટથી ખીચોખચ મેસેજ સાથેનું મનોરંજન

Rating: 2.9 Star

2point0_1_IT_1536382553110૨.૦ ઑબ્વિયસ્લી રજનીકાન્તની ફિલ્મ છે. સૉરી, રજનીકાન્તોની ફિલ્મ છે. તેમની સામે અક્ષયકુમાર છે. પોણી ફિલ્મમાં વિઝ્યુઅલ ઇફેક્ટ દ્વારા સાયન્સ-ફિક્શન ઍક્શન ડ્રામા રજૂ કરવામાં આવ્યો છે. વાર્તા દમદાર નથી પણ વિઝ્યુઅલ્સ જોવાની મજા પડે છે. ટિપિકલ સાઉથની ફિલ્મોની જેમ ગીતો વચ્ચે નડતાં નથી. હિન્દી ડબિંગ નબળું છે, પણ મોટા પડદે (શક્ય હોય તો ૩Dમાં જ) જોવાય. મસાલા એન્ટરટેઇનર અને રજનીકાન્તના ચાહકો માટે જલસો! નમ્ર વિનંતી: ૧૪૭ મિનિટ લગી લૉજિક નામનો શબ્દ મગજમાંથી કાઢી નાખવો

૮ વર્ષ પહેલાં ડિરેક્ટર એસ. શંકરે ‘એન્ધિરન’ નામની તમિલ ભાષાની સાયન્સ-ફિક્શન ઍક્શન ફિલ્મ બનાવી હતી જે હિન્દીમાં ‘રોબોટ’ નામથી રિલીઝ થઈ હતી. શંકરના ફેવરિટ થલાઇવા રજનીકાન્ત ફિલ્મમાં માણસ અને રોબોટ, બેઉના રૂપમાં હતા. સૌને તેમનું આ રૂપ ગમ્યું. ફિલ્મની વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને સ્ટન્ટ સીન્સ ખૂબ વખણાયાં, ફિલ્મ ચિક્કાર ચાલી. એની સીક્વલ એટલે `૨.૦’, જેમાં વિલન તરીકે હિન્દી ફિલ્મના અભિનેતા અક્ષયકુમારે સાઉથની ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું. કહે છે કે આ ફિલ્મ સાડાપાંચસો કરોડના બજેટમાં બની છે. ‘રોબોટ’માં ડૉ. વસીગરને સર્જેલા ચિટ્ટીએ લોકોને મજા કરાવી હતી. અહીં તે ફરી પાછો આવે છે. પણ શું તે પહેલાં જેવી મજા કરાવી શકે છે? રજનીકાન્તે રિલીઝ પહેલાં એકાધિક વખત કહ્યું કે અક્ષયકુમારનું પાત્ર મારા કરતાં પણ દમદાર છે. ખરેખર છે? આવો એને મુદ્દાસર જોઈએ.

પહેલાં જ… રાક વાર્તા જોઈ લઈએ.

ઍક્ચ્યુઅલી વાર્તા છે જ જરાક! શંકરની અન્ય ફિલ્મોની જેમ સારા માણસમાંથી બનેલા ડેવિલની વાર્તા છે, જે બદલો વાળવા માગે છે. બદલા માટે તેણે પસંદ કરેલો રસ્તો ખોટો છે, પણ ભાઈની વાત સાચી છે. તે ભાઈ એટલે પક્ષીરાજન (અક્ષયકુમાર). તામિલનાડુના શહેરમાં અચાનક એક દિવસ ઊંચનીચના ભેદભાવ વગર દરેક લોકોના મોબાઇલ ફોન હવામાં ફંગોળાઈને આકાશમાં અદૃશ્ય થઈ જાય છે. લોકો ફરિયાદ લખાવે છે. ટેલિકૉમ મિનિસ્ટ્રી સફાળી જાગી જાય છે. નેટવર્ક પ્રોવાઇડ કરતી કંપનીઓ ચિંતામાં પડી જાય છે. સરકાર વૈજ્ઞાનિકોની બેઠક બોલાવે છે, જેમાં ડૉ. વસીગરન રજનીકાન્ત હોવાથી સ્વાભાવિક રીતે એનો ઉકેલ આપે છે. તે તેના પુરાના રોબો ચિટ્ટી (અગેન રજનીકાન્ત!)ને પાછો લાવવાનું કહે છે. એ બેઠકમાં ધીરેન્દ્ર ભોરા (સુધાંશુ પાંડે) પણ છે, જે ગત ફિલ્મના વિલન ડૉ. ભોરા (ડૅની)ના સુપુત્ર છે. તેમને સ્વાભાવિક વાંધો પડે છે અને વાર્તા આમતેમ થયા પછી ચિટ્ટી આવે છે. વિઝ્યુઅલ ઇફેક્ટ્સ (સ્જ્હ્)ની મદદ વડે રોબો સામે પેલું ટ્રેઇલરમાં દેખાય છે એ પક્ષી લડે છે. (જે અક્ષયકુમારે ધારણ કરેલું રૂપ છે!) અને ઑબ્વિયસ્લી સત્યની જીત થાય છે.

મુદ્દાઓ 

સૌથી પહેલા તો આ ફિલ્મ રજનીકાન્તની છે. તેમની છેલ્લી આવેલી ‘કાલા’ ફિલ્મમાં તેઓ સામાન્ય માણસના અવતારમાં હતા. આ વખતે તેઓ ફરી પાછા રજનીકાન્ત તરીકે આવ્યા છે. તેમની પર્સનાલિટીને સૂટ થતા ડાયલૉગ્સ, સ્વેગ, સ્ટન્ટ બધું જ છે. પાછા અહીં એક પોતે ડૉ. વસીગરન, તેમણે સર્જેલો તેમના જેવો જ લાગતો સારો ચિટ્ટી, બીજો થોડો નટખટ; જે ઐશ્વર્યા રાયના પ્રેમમાં પડી ગયો હતો અને આખી રામાયણ સર્જા‍ઈ હતી તે, અને ત્રીજો પણ અહીં એક ચિટ્ટી છે. ઇન શૉર્ટ, દરેક ફ્રેમમાં થોડી-થોડી વારે અલગ-અલગ અવતારમાં સ્ક્રીન પર તમને રજનીકાન્ત દેખાય છે. ઇન્ટરવલ પછી તેમના ફૅન્સ લોકોને સીટ પરથી કૂદકા મરાવે તેવી મોમેન્ટ્સ મુકાઈ છે. જેમ કે રજની પોતાની જાણીતી હાથની મુદ્રા કરીને જાહેર કરે છે કે એક-બે નંબર તો નાના છોકરાઓની રમત છે, આપણે તો સૌથી ઉપર છીએ!

રજનીકાન્ત પછી આ ફિલ્મમાં મહkવના એલિમેન્ટ્સ VFX અને સ્પેશ્યલ ઈફેક્ટ્સ છે. ફિલ્મનું બજેટ જેટલું પણ હોય, મોટા ભાગનું એમાં રોકાયું છે. પહેલા સીનથી જ તમને શંકરના સ્ક્રીનપ્લેના ચમકારા દેખાવાના શરૂ થઈ જાય છે. (વાર્તામાં ખાસ દમ નથી છતાંય ખોલતો નથી. જેથી શરૂથી જોવામાં થોડી મજા આવે, વધુ એન્ગેજ રહી શકો!) હૉલીવુડની સુપરહીરો સાયન્સ-ફિક્શન ફૅન્ટસી થિþલર જેવું માળખું અહીં શંકરે રચવાની ટ્રાય કરી છે. અહીં બર્ડમૅન અને આયર્નમૅનનો ઉલ્લેખ પણ આવે છે. (એક જગ્યાએ તેલુગુ સ્ટાર મહેશબાબુનું પોસ્ટર પણ આવે છે!) ફિલ્મના VFX સુપરવાઇઝર શ્રીનિવાસ મોહને સુપર્બલી કામ કર્યું છે. દૃશ્યોને વધુ સચોટ બનાવતું સંગીત સાઉન્ડ સ્પેશ્યલિસ્ટ રેસૂલ પુકુટ્ટીએ આપ્યું છે. દરિયા પર ઊડતાં અધધધ પક્ષીઓથી મઢેલા અદ્ભુત લૉન્ગ શૉટ્સ સિનેમૅટોગ્રાફર નીરવ શાહે લીધા છે. લૉન્ગ શૉટ્સ તો જોકે અન્ય ઘણા છે. સારા છે. અડધાથી વધુ ફિલ્મમાં વિઝ્યુઅલ ઇફેક્ટ્સનો ઉપયોગ થયો છે. એના કારણે અક્ષયકુમાર અક્ષયકુમાર જેવો આપણને ઇન્ટરવલ પછી લાગવાનું શરૂ થાય છે! અક્ષયકુમારનો રોલ ઇન્ટરેસ્ટિંગ છે, પણ જેટલી હાઇપ ઊભી કરવામાં આવી છે એવો નથી.

કહ્યું એમ `૨.૦’માં શંકરની અન્ય ટિપિકલ વાર્તાની જેમ સિસ્ટમથી દાઝેલો પ્રામાણિક ને અચ્છો માણસ છે, જે હવે બદલો લેવા માગે છે. અહીં તે સિસ્ટમને બદલે ટેક્નૉલૉજીથી દાઝેલો છે ને હવે તેણે માણસને બદલે કદાવર પક્ષી જેવું રૂપ ધારણ કર્યું છે. એકને બદલે સમૂહમાં લોકોને નક્ટ કરી રહ્યો છે. ફિલ્મનો સોશ્યલ મેસેજ પણ તે વિલનના મોઢે જ કહેવાયો છે. શંકર સામાજિક સંદેશાઓ ફિલ્મમાં અસરકારક રીતે સેટ કરવામાં માહેર છે. અહીં પણ આપણને એકાધિક વખત આ સાચી વાત છે પ્રકારની ફીલિંગ આવી જાય છે.

૨૦૧૦માં આવેલી ‘રોબોટ’માં મુખ્ય વાત માણસે બનાવેલું મશીન જ તેની વિરુદ્ધ થઈ જાય ત્યારે કેવી ખૂનામરકી સર્જે એ દર્શાવવામાં આવ્યું હતું. એમાં માનવીય લાગણીનો કૉમ્પ્લીકેટેડ મુદ્દો હ્યુમર સાથે ઉપાડવામાં આવ્યો હતો. અહીં એ ઇમોશનલ ઇમ્પૅક્ટનો અભાવ છે. પક્ષીરાજન બનતા અક્ષયકુમારની ફ્લૅશબૅક સ્ટોરી લાગણીસભર છે, પણ એટલી નહીં. તમે એની સાથે જોડાઓ ત્યાં પૂરી થઈ જાય છે. હા, મોબાઇલ સાથેનું માનવજાતનું ગાંડપણ શરૂઆતની ચંદ મિનિટોમાં શંકરે બખૂબી રજૂ કર્યું છે. એમાં કૉમેડી ડાયલૉગ્સના ચમકારા છે. મોબાઇલ વગરનો માણસ કેવો અને મોબાઇલના ઉપયોગને કારણે પર્યાવરણને કેટલું નુકસાન થાય છે એ સિફતપૂર્વક દર્શાવવામાં આવ્યું છે. `૨.૦’ના હિન્દી ડાયલૉગ્સ અબ્બાસ ટાયરવાલાએ લખ્યા છે, જે અમુક જગ્યાએ બહુ જ નબળા છે. ઇન્ટરવલ પછીના અક્ષયકુમારના મોઢે બોલાયેલા ડાયલૉગ્સ બરાબર ફિટ જ નથી થયા. ડબિંગમાં ગરબડ સ્પક્ટ દેખાઈ આવે છે. એ જ રીતે લાર્જર ધૅન લાઇફ ચાલતી ઍક્શન સીક્વન્સિસમાં પણ લૂપહોલ્સ આવ-જાવ કર્યા કરે છે. ક્યાંક ઓવરડોઝ અને ક્યાંક ઓવરલોડ થઈ ગયું છે. (પણ હૂ કૅર્સ, વેન રજની સર ઇઝ ધેર!)

ફિલ્મની સ્ટોરીલાઇન વીક છે. કહ્યું એમ બે લીટીની વાર્તા છે, પણ હજારો મોબાઇલ ઢસડાતાં-ઢસડાતાં માણસ જેવા આકારમાં તબદીલ થાય એ આઇડિયા રોચક છે. પાછો તે માણસ પક્ષીપ્રેમી છે, એટલે તેને પાંખો પણ આવે છે- આ જોવાની મજા પડે છે. સ્ટેડિયમમાં બેઠેલી દરેક વ્યક્તિના હાથમાં રહેલા ફોનમાં રિન્ગ વાગે તો કેવું થાય- આ સીન ફિલ્મમાં સરસ ફિલ્માવવામાં આવ્યો છે. મ્યુઝિક એ. આર. રહમાનનું છે. ત્રણ ગીતો છે પણ શંકરની સ્ટાઇલથી અલગ આ વખતે માત્ર એક ગીત ફિલ્મમાં ખાસ આવે છે, એ પણ એન્ડ ક્રેડિટ્સની સાથે. બાકીનાં બે ગીત વાર્તા સાથે જોડવામાં આવ્યાં છે, જે બહુ જ સારું કર્યું છે. હિન્દી ગીતો પણ અબ્બાસ ટાયરવાલાએ લખ્યાં છે. ફિલ્મમાં ચાર-પાંચ રજનીકાન્ત અને અક્ષયકુમાર સિવાય ઍમી જૅક્સન (રોબો નીલા), સુધાંશુ પાંડે, આદિલ હુસેન (હોમ મિનિસ્ટર), અનંત મહાદેવન (વૈજ્ઞાનિક), વગેરે કલાકારો છે. ઑબ્વિયસ્લી તેમના ખાતે બહુ કામ ન જ આવ્યું હોય!

મેસેજ અચ્છા હૈ

દર વખતની જેમ આ શિયાળામાં પણ અઢળક સંખ્યામાં ફ્લૅમિંગો કચ્છના રણમાં સેંકડો કિલોમીટરનું અંતર કાપીને આવશે. આ વખતે અમદવાદના ફતેહવાડી પાસેના સાબરમતી નદીના પટ વિસ્તારમાં પણ બહોળી સંખ્યામાં આવ્યાં છે. સામાન્ય રીતે એ નળસરોવરમાં દેખા દે છે. આ તથા અન્ય યાયાવર પક્ષીઓની સંખ્યા ટેક્નૉલૉજીના વધતા ઉપયોગને કારણે દર વર્ષે ઘટતી જાય તો એના કારણે સામાન્ય માણસની જિંદગી પર શું અસર થાય એ વાત `૨.૦’માં રજૂ કરવામાં આïવી છે. માનવજાતની પ્રગતિ પક્ષીઓનો નાશ કરીને ન થવી જોઈએ, ટેક્નૉલૉજી ઉપકારક છે, પણ એનો બૅલૅન્સ્ડ ઉપયોગ થવો જોઈએ એ વાત દર્શાવાઈ છે, જે સરસ છે, પૉઝિટિવ છે.

જોવી કે નહીં?

ભારતમાં થ્રી ડાઇમેન્શલ (૩D) ફિલ્મો જેટલી પણ બની છે એમાં આ સરસ છે. ફિલ્મનો લૉન્ગ ક્લાઇમૅક્સ જોવાની મજા પડે છે. ઇન્ટરવલ સુધી વાર્તામાં ખાસ કંઈ છે નહીં છતાંય એ બિલ્ટ-અપ થાય છે અને પછી પક્ષીરાજનનો ફ્લૅશબૅક આવે છે. એના પછી ફિલ્મ-નરેશન થોડું ડલ પડે છે. થોડી કંટાળાજનક ક્ષણો પછી તરત જ રજની સર આવીને પોતાની જાણીતી સ્ટાઇલ મારવાનું શરૂ કરી દે છે!

ઇન શૉર્ટ, માસ એન્ટરટેઇનર અને મસાલા ફિલ્મોના ચાહકોને જલસો પડવાનો છે. ફિલ્મમાં લવ-ટ્રૅક, લૉજિક તથા રોબોની જેમ વચ્ચે-વચ્ચે ટપકી પડતાં ગીતોની ગેરહાજરી છે. જોકે લૉજિક વિશે તો વિચારવાનું બનતું જ નથી. (રજની સર એનાથી પર છે!) અક્ષયના અમુક ડાયલૉગ્સ, ચિટ્ટી (રજનીસર)ની હ્યુમરસ મોમેન્ટ્સ મજા કરાવે છે.

તો… રજની સરના ફૅન્સ, અક્ષયના આશિકો અને જૂની ‘રોબોટ’ના પ્રેમીઓને મજા પડશે. બાળકોને વધુ મજા પડશે. (વચ્ચેનાં અમુક દૃશ્યો તો રમકડાં રમતાં હોય એવાં જ લાગે છે!) ૩D ઇફેક્ટ અસરકારક છે, એમાં પહેલાં પ્રિફર કરજો!

છેલ્લી વાત : આખી ફિલ્મમાં અક્ષયકુમાર અને રજનીકાન્ત, બેઉએ મોબાઇલ કેટલો ખતરનાક અને નુકસાનકારક છે એ લડતાં-ઝઘડતાં-મારામારી કરતાં કહ્યું. આખા શહેરનું ધનોતપનોત કાઢી નાખ્યું એ સમજાવવામાં, પણ ફિલ્મ પૂરી થતાં જ ચાર છોકરીઓ સેલ્ફી લેતી હતી, બાકીના ચાલુ ફિલ્મે ઇન્સ્ટાગ્રામ પર વિડિયો અપલોડ કરવામાં મશગૂલ હતા! રજની સર પણ શું કરે?!

@Parth Dave

(Review for Mid-day, Mumbai:  30 November 2018)

2.0 review
Mid-day, Mumbai. Page No. 28, Date: 30-11-2018

0 comments on “૨.૦ 

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: