Interviews Movies

અહીં ફેમિલી બૅકગ્રાઉન્ડનું મહત્વ નથીઃ બોબી દેઓલ

તમારું ફેમિલી કેટલું મજબૂત છે એ જરાય મેટર નથી કરતું: બોબી દેઓલ

બોબી દેઓલની જીવન-ઝરમર; તેને મળેલી ‘રેસ 3’, પોતાના પરિવાર અને સલમાન સાથેના સંબંધો, આગામી ‘હાઉસફૂલ ૪’ કઈ રીતે મળી, વગેરે વિશે વાત કરે છે…

-‘મધ્યાંતર’ કૉલમ

(જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’)

24_08_2016-bobby_deol_newછેલ્લે બોબી દેઓલને ક્યારે આપણે વ્યવસ્થિત-નિરાંતે-શાંતિથી જોયો હતો એ યાદ કરવા બેસીએ તો ફિલ્મોની ફિલ્મો પસાર થઈ જાય પણ મગજમાં ન આવે! હાં પણ અંતાક્ષરી રમતા રમતા ૧૯૯૮ની વિધુ વિનોદ ચોપરાની ફ્લૉપ ફિલ્મ ‘કરીબ’નું શાયર રાહત ઈંદોરી લિખિત ‘ચોરી ચોરી જબ નજરે મિલીં…’ કોઈ ગણગણે ત્યારે ભલે ઑવરએક્ટિંગ કરતો પણ બોબી દેઓલ યાદ આવે ખરો, કદાચ! કે પછી રાજકુમાર સંતોષીની ‘બરસાત’માં મિસિસ ફનીબોન્સ(ટ્વિન્કલ ખન્ના) સાથે પીળા કલરના ટી-શર્ટમાં પ્રેમી-યુવક ‘નહીં યે હો નહીં શક્તા…’ ગાતો દેખાય, કદાચ! તેની આમ બીજી અને આમ (‘ધરમવીર’માં યુવાન ધરમ બનતા બોબીને ગણીએ તો)ત્રીજી ફિલ્મ ‘ગુપ્ત’ તે વખતે(૧૯૯૭) ૨૫ કરોડ(આજના ૯૧ કરોડ)નું બૉક્સ ઑફિસ કલેક્શન ઉસેડી લાવી હતી. ત્યાર બાદ આવી એશ્વર્યા રાય સાથેની રાહુલ રવૈલની ‘ઔર પ્યાર હો ગયા’, જે બજેટ કરતા બમણું ચાલી હતી. વર્ષ ૧૯૯૮માં બોબી દેઓલની બે ફિલ્મો આવીઃ ‘કરિબ’ અને સસ્પેન્સ થ્રિલર તથા સ્યુટેડ બ્યુટેડ સ્ટાઇલીશ ફિલ્મો માટે જાણીતા સફેદીમાં ચમકતા-દમકતા અબ્બાસ-મસ્તાનની એક્શન-થ્રીલર ઝોનરની ‘સોલ્જર’. પ્રોડ્યુસર હતા કુમાર તૌરાની અને રમેશ તૌરાની. ફિલ્મ વખણાઈ, ગીતો ચાલ્યા. ત્યાર પછી અબ્બાસ-મસ્તાન જોડીએ બોબી સાથે અજનબી, હમરાઝ, નકાબ અને છેલ્લે, વર્ષ ૨૦૧૨માં ‘પ્લેયર્સ’ કરી. અંગ્રેજી ફિલ્મ ‘ઇટાલિયન જોબ’ની ઑફિશિયલ રિમેક એવી ‘પ્લેયર્સ’ સદંતર નિષ્ફળ રહી.

વર્ષ ૨૦૦૫ પછી બોબી દેઓલના વળતા પાણી શરૂ થઈ ગયા હતા. અક્ષય કુમાર સાથેની ‘દોસ્તીઃફ્રેન્ડ્સ ફૉરેવેર’(એ કઈ?!), એના પછી આવેલી બુન્ટી સુરમાની ‘હમકો તુમસે પ્યાર હૈ’,( બોબીએ આવા અજાણ્યા ડાયરેક્ટર્સ સાથે ઘણી ફિલ્મો કરી છે. ફિલ્મ આવી ગયા બાદ ડાયરેક્ટર્સ ક્યાં ગાયબ થઈ જાય તે ખબર જ ન પડે!) ‘શાકાલાકા બુમ બુમ’, ‘ઝુમ બરાબર ઝુમ’, આ બધી સુપર ફ્લૉપ સાબિત થઈ. અને ફ્લૉપ ફિલ્મોનો ક્રમ જળવાઈ રહેતા ૨૦૧૩માં આવેલી ‘યમલા પગલા દિવાના ૨’ બાદ બોબી દેઓલ ગાયબ થઈ ગયો. પહેલી ‘યમલા પગલા દિવાના’ પ્રમાણમાં સફળ રહી હતી. એમાં દેઓલ પરિવારના ત્રણેય સભ્યો ‘અપને’ ફિલ્મ બાદ ફરી ભેગા થયા હતા. જેથી બોબી ભેગા સનીના ડચુક ડચુક થતા ગાડાને ધક્કો લાગી જાય!

‘રેસ ૩’ રિલીઝ વખતે બોબીએ કહ્યું હતું કે, ‘હું દિવસો સુધી ઘરે બેસી રહેતો. મારા દિકરા હવે મોટા અને સમજુ થઈ ગયા હતા. એ જોતા હતા કે એમનો બાપ દરરોજ ઘરે જ હોય છે. મારે એમના માટે કામ કરવું હતું, મારી જાતને પ્રૂવ કરવી હતી જેમ મારા પપ્પાએ અમારા માટે કર્યું છે.’

કહે છે કે નિષ્ફળતા માણસને વધુ વિનમ્ર બનાવી દે છે. નિષ્ફળતાની બદોલત ખુદની વાસ્તવિક સ્થિતિ તથા ઓળખની જાણ થાય છે. બોબી દેઓલ નિખાલસતાથી કહે છે કે, ‘મેં મારી જાતે બનાવી દીધેલા કવચને તોડીને બધા પાસે કામ માગવાનું શરૂ કરી દીધું. હું લોકોને સામેથી મળવા જતો. એમને કહેતો કે મારે કામની જરૂર છે. લોકો મને પૂછતા કે, ‘તમને કઈ રીતે કોઈ કામની જરૂર પડી?’ લોકો એવું વિચારતા હતા કે આ એવો સ્ટાર છે જેને કામની કોઈ જરૂર જ નથી!’

સૌ જાણે છે તેમ કેટરીનાથી લઈને ડેઇઝી શાહ, ઝરિન ખાન, સોનાક્ષી સિન્હા વગેરે ઘણી અદાકારાઓને તથા સૂરજ પંચોલી સહિતના ઘણા એક્ટર્સપુત્રોને સલમાન ભાઈએ ફિલ્મોમાં કામ અપાવ્યું છે. તેમની કારકિર્દીને યદાકદા રીતે ધક્કો માર્યો છે. મહેશ માંજરેકરની દીકરી અશ્વામીને પણ સલમાન ‘દંબગ 3’ દ્વારા લૉન્ચ કરવાનો છે તેવા સમાચાર પણ આવ્યા છે. બોબીનું કરિયર ઠપ્પ પડ્યું હતું એ દિવસો દરમિયાન સલમાન અને બોબી સેલિબ્રિટી ક્રિકેટ લીગમાં ભેગા થઈ જતા.(બોબીને ક્રિકેટ રમવાનો ખાસ્સો શોખ છે. પાછો ફ્રી હતો એટલે બહુ રમતો!) એક દિવસ બોબીના વધેલા દાઢી-વાળ જોઈને સલમાને પૂછ્યું કે, ‘આ તને શું થઈ ગયું છે? કોઈ ઑફબિટ ફિલ્મ કરી રહ્યો છે કે શું?’ બોબીએ પોતાની મનોવ્યથા વર્ણવી. સલમાને કહ્યું, ‘જો ભાઈ, જ્યારે મારી પાસે કામ નહોતું ત્યારે હું તારા ભાઈની પીઠ પર ચડી ગયો હતો! (ફિલ્મ: જીત, વર્ષ: ૧૯૯૬) પછી સંજય દત્તની પીઠ પર પણ ચડી ગયો હતો!(ફિલ્મ: ચલ મેરે ભાઈ, વર્ષ: ૨૦૦૦)’ તો બોબી તરત સામે બોલ્યોઃ ‘મામુ, મને તારી પીઠ પર ચડવા દે ને! મને કામ આપ. મારે કામ જોઈએ છે!’ સલમાને કહ્યું, ‘સૌથી પહેલા તું ક્લિન શેવ કરાવી લે!’ સલમાન અને બોબી એકબીજાને કારણ વિના ‘મામુ’ કહીને બોલાવે છે.

સલમાને આ વાત યાદ રાખી. ઈન બિટવિન, બોબીએ શ્રેયસ તલપડે દિગ્દર્શિત ‘પોસ્ટર બોય્ઝ’ નામની ફિલ્મ કરી. વિષય નસબંધીનો- અલાયદો હતો, ક્રિટિક્સ દ્વારા ફિલ્મના વખાણ પણ થયા હતા પરંતુ ફિલ્મ બૉક્સ ઑફિસ પર ન ચાલી. અને સની-બોબી બેઉની હાલની સ્થિતિ એવી છે કે બૉક્સ ઑફિસના આંકડા કંઈક દેખાય તો ગાડું આગળ વધે. એવામાં બોબીએ ‘યમલા પગલા ૩’નું શૂટિંગ શરૂ કર્યું. બોબી એક સ-રસ વાત કરે છે કે, ‘યમલા પગલા સિઝનમાં ભાઈ અને પપ્પા સાથે કામ કરવાની મજા જ આવે છે, પણ મારે હવે પરિવારમાંથી બહાર નીકળવું છે. વારંવાર શું સાથે ફિલ્મો કર્યા કરવાની? પછી બધા પેલો ‘નેપોટિઝમ’નો આરોપ મૂકી દે છે!’

‘પોસ્ટર બોય્ઝ’ રિલીઝ થઈ. બોબી પોતાના બાવડા મજબૂત કરવામાં લાગેલો હતો ત્યાં -એક દિવસ સલમાનનો ફોન આવ્યો. સલમાને સીધો જ સવાલ પૂછ્યોઃ ‘મામુ, શર્ટ ઉતારીશ?’ બોબી કહે, ‘હું કંઈ પણ કરવા તૈયાર છું!’ વાત એમ છે કે, ‘સોલ્જર’ ફિલ્મ વખતે રમેશ તૌરાનીએ બોબીને એક સિનમાં શર્ટલેસ થવા કહ્યું હતું. બોબી સ્વભાવે શરમાળ છે અને લૉજિક વગર શર્ટ ઉતારવાનું કોઈ કારણ નથી એમ કહીને તેણે નનૈયો ભણી દીધો હતો.(‘રેસ ૩’માં લૉજિકના ભુક્કા બોલાવાયા હતા અને દર્શકોએ તેને નાક્કારી પણ દીધા!) આ વાતની ચર્ચા ‘રેસ ૩’ના બેઉ પ્રોડ્યુસર રમેશ તૌરાની અને સલમાન વચ્ચે થઈ હતી. સલમાનની ઇચ્છા હતી કે ‘રેસ ૩’નો નક્કી કરાયેલો રોલ બોબી જ ભજવે. પણ હવે તો બૉડી, આઈ મીન, બોબી દેઓલ તૈયાર હતો કંઈપણ કરવા! સલમાન ખાનની ‘રેસ 3’નું કાસ્ટિંગ આ રીતે થયું છે.

બોબી દેઓલ ‘હાઉસફૂલ ૪’માં પણ દેખાવાનો છે. આ ફિલ્મ મળવા પાછળની કહાની પણ રસપ્રદ છે. વર્ષો પહેલા સાજિદ નડિયાદવાલાને એક ફિલ્મ બોબી દેઓલ સાથે કરવી હતી. પણ કોઈ કારણસર તે શક્ય ન બન્યું. બોબી કહે છે કે, ‘હવે મારે ફિલ્મ કરવી હતી. પહેલા સાજિદ મારી પાસે આવ્યો હતો હવે હું તેની પાસે ગયો. તેને જૂનું યાદ હતું. મેં કહ્યું, ભાઈ, મને કામની જરૂર છે! આજે હું આવ્યો છું કામ માગવા. મને આપ!’ આ રીતે ‘હાઉસફૂલ ૪’ ડન થઈ.

બોબી દેઓલ પ્રમાણીકતાપૂર્વક પોતાના ઘેરા અવાજમાં કબૂલે છેઃ ‘આ રીતે કામ માગવાનું, લોકોને મળવાનું મારે પહેલા જ શરૂ કરી દેવું જોઈતું હતું. હું મારી જાતને નેગ્લેટ કરતો હતો. મેં આટલા વર્ષો ખોટા વેડફી માર્યા…’

કઈં નહીં ભાઈ, દેર આયે દુરસ્ત આયે. બીજું શું?

આજકાલ ઇન્ડસ્ટ્રીમાં પનપતા નેપોટિઝમની વાત ઉપડતી રહે છે. એ વિશે બોબીનું સ્પષ્ટ માનવું છે કે, ‘તમારે પોતે જ પોતાને સાબિત કરવા પડશે. તમારું ફેમિલી કેટલું મજબૂત છે એ જરાય મેટર નથી કરતું. એ તમને અસ્તિત્વ ટકાવી રાખવા માટે સ્ટ્રેન્થ પૂરી પાડી શકશે પરંતુ જીવનમાં કામ કરવા અને આગળ વધવા માટે તો જાતે જ મહેનત કરવી પડશે. પરિવાર તમને કેટલે સુધી સપોર્ટ કરશે? ઉલટું મને તો મારા પપ્પા અને ભાઈ સાથેની કમ્પેરિઝનનો ભોગ બનવું પડે છે.’

@Parth Dave (Janmbhoomi Group- Kutchmitra)

Date: 30-11-2018

bobby deol 30-11
“મધ્યાંતર”, જન્મભૂમિ ગ્રુપ-કચ્છમિત્ર, પાના નં. 6; તારિખઃ 30-11-2018

0 comments on “અહીં ફેમિલી બૅકગ્રાઉન્ડનું મહત્વ નથીઃ બોબી દેઓલ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: