Literature

ગિલ્ટ દૂર કરવા શું કરશો?

 માણસ-મન બડું વિચિત્ર છે. તેનાથી કંઈ ખરાબ-ખોટું-અરુચિકર- વિકૃત-ન કરવા જેવું થઈ જાય પછી પોતે જ અફસોસ કરે. જે-તે ક્ષણે તેનામાં વિવેકબુદ્ધિ નામનું ડિપાર્ટમેન્ટ બંધ થઈ ગયું હોય. એ જાગે એટલે ભેગું ગિલ્ટ પણ આવે!

-‘અક્ષરત્વ’ કૉલમ

(જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’)

guiltઅંગ્રેજી ભાષામાં એક શબ્દ છે, ‘ગિલ્ટ’. જેનો ગુજરાતી લેક્સિકોન મુજબ સામાન્ય અર્થ થાય ‘ગુનો’, ‘દોષ’, ‘અપરાધ’, ‘પાપ’ અને ‘પાપ કર્યાની લાગણી’! આમાંથી સૌથી નજીકનો અર્થ ‘પાપ કર્યાની લાગણી’ કરી શકાય. પણ તેનો એક્ચ્યુઅલ અર્થ એથી કંઈક ઊંડો, એનાથી કંઈક વધુ થાય. ગિલ્ટ જે અનુભવે તે પણ કદાચ તેનો એક્ઝેક્ટ અર્થ કહી ન શકે! કોઈને વઢી લીધા કે કોઈ સાથે ઝઘડો કરી લીધા પછી થતું ગિલ્ટ કે પછી કોઈને શારિરીક નુક્શાન પહોંચાડ્યા પછી થતું ગિલ્ટ તમે અનુભવ્યું હશે. કોઈ વસ્તુ ચોરી લીધા પછી કે પોતાનો સમય પોતે જ બરબાદ કર્યા પછી કે વધુ પડતી શોપિંગ કર્યા પછી કે વજન વધી ગયા પછી કે વધુ ખાઈ લીધા પછી કે કોઈનું કામ જાણીજોઈને ન કર્યા પછી કે કોઈને છેતર્યા પછી, નજીકનાનો વિશ્વસ તોડ્યા પછી થતી અલગ પ્રકારની-ન ગમે એવી લાગણી એટલે ગિલ્ટ.

કોઈ વસ્તુ કે હોદ્દો કે સત્તા કે પૈસા આપણને મળે અને આપણે તેટલા કાબેલ ન હોઈએ અને અંતરઆત્મા જાગતો હોય ને ત્યારે જે નેગેટિવ-દુઃખની લાગણી થાય તે ગિલ્ટ. જરૂરી નથી કે બધાને થાય. સંતાન જન્મથી જ અપંગ હોય ત્યારે તેના માતા-પિતાને ક્યારેક કોઈ ક્ષણે ગિલ્ટ થતું હશે. એમા કોઈનો વાંક નથી પણ આ લાગણી છે. કોઈ મિત્ર સામે આવેશમાં આવીને વધુ બોલી જવાય પછી મગજ શાંત પડે ત્યારે અફસોસ થાય. પણ પછી તમારી સાથે એ મિત્ર બોલવાનું બંધ કરી દે એટલે તમારામાં ગિલ્ટ થવાની શરૂઆત થાય. ગિલ્ટ ઉતારવા માટે પણ માણસ નોખા-અનોખા રસ્તા અપનાવતો હોય છે! શોપિંગ વધુ થઈ જાય તોય ગિલ્ટ થાય અને ઘણી જગ્યાએ બિનજરૂરી શોપિંગ કરીને પણ માણસ પોતાના મનનો કંટાળો દૂર કરતો હોય છે! તરુણાવસ્થામાં વિજાતીય વ્યક્તિ વિશે વિચાર આવી જાય પછી પણ ઘણા બાળકોને ગિલ્ટની લાગણી થતી હોય છે. તેમને સમજાતું નથી હોતું કે આ શું થઈ રહ્યું છે!

મુન્દ્રાના પ્રાગપર ખાતે આવેલા ‘અંહિસાધામ’ સાથે વર્ષોથી સંકળાયેલા  ગિરીશભાઈ નાગડાએ એક રસપ્રદ કિસ્સો કહ્યો હતો. અહિંસાધામ ખાતે એક દિવસ ટ્રક ડ્રાઈવર આવ્યો, બધું જોયું અને તેણે ૧૫૦૦ રૂપિયા લખાવ્યા. ગીરીશભાઈએ તેની સાથે વાતો કરી. વાત વાતમાં ખબર પડી કે થોડા દિવસો પહેલા એક ગામડામાં તેની ટ્રક એક ગાય સાથે અથડાઈ હતી. આ અચાનક બન્યું અને ત્વરિત મનમાં વિચાર આવ્યો એ મુજબ- તે સહજવૃત્તિથી પ્રેરાઈને ત્યાંથી નીકળી ગયો. પછી તે ડ્રાઈવરને મનમાં મજા નહોતી આવતી. તે પ્રાગપર પાસેથી પહેલા પણ પસાર થતો, જમણી બાજુ નજર નાખતો પણ અંદર ન જતો. આ વખતે અંદર ગયો. બીમાર, ખોડખાપણવાળી ગાયો જોઈ. તેણે તેમની સારવાર માટે પોતાની ઈચ્છા અને શક્તિ મુજબ પૈસા આપ્યા. તેને મનમાં શાંતિ વળી!

ટ્રક સાથે પેલી ગાય અથડાઈ, તે ભાગ્યો અને તેને મજા નહોતી આવતી. તે ‘મજા ન આવવાની’ લાગણી એટલે ગિલ્ટ! તેણે ગિલ્ટ ઉતારવા આ કર્યું. માણસ વ્યક્તિગત કેવો છે; કોઈ આજુબાજુ નથી હોતું, માત્ર પોતાના સાથે હોય છે ત્યારે તે કેવો છે તેનો ખ્યાલ તેના ગિલ્ટ પરથી આવે!

માણસ-મન બડું વિચિત્ર છે. તેનાથી કંઈ ખરાબ-ખોટું-અરુચિકર- વિકૃત-ન કરવા જેવું થઈ જાય પછી પોતે જ અફસોસ કરે. જે-તે ક્ષણે તેનામાં વિવેકબુદ્ધિ નામનું ડિપાર્ટમેન્ટ બંધ થઈ ગયું હોય. એ જાગે એટલે ભેગું ગિલ્ટ પણ આવે! ‘આ નહોતું કરવું મારે…’ આ લાગણી બહુ રંજાડે પછી.

***

આ બધું પ્રમાણમાં હોય તો સારું. ગિલ્ટ એ નૈતિકતાની નિશાની છે આમ તો. તે તમને હોકાયંત્રની જેમ કઈ દિશામાં જઈ રહ્યા છો અને જવું જોઈએ તે દર્શાવતું રહે. પણ તે વધી જાય, રોજબરોજની જિંદગીમાં તમને નડવાનું ચાલું કરે તો ખરાબ. તેમના માટે ‘અનસ્ટક’ નામની વેબસાઈટે જિંદગીમાંથી ગિલ્ટ દૂર કરવા માટેના ઉપાયો સુચવ્યા છે. આમ તો આ બધી લાગણીઓની રમત છે, પણ લાગણીઓનો કાબૂ મન પાસે છે. તો થોડું તેને કેળવીએ. વેબસાઈટ પર બહુબધી વાતો ને મુદ્દાઓ છે, અહીં ગરણીમાં ચાળી ને પછી તારવીને રજૂ કરી છે.

૧. ઉચ્છીની લીધેલી માન્યતાઓને ફેંકી દોઃ તમને ઘણી વખત એવું લાગતું હશે કે હું આ જે કરી રહ્યો છું તે અયોગ્ય છે.(ગિલ્ટ) તો વિચારો કે, તે અયોગ્ય કે ખોટું કોના માટે છે? સોસાયટી માટે, તમારા માતા-પિતા કે સગા-સંબંધીઓ માટે કે તમારા સ્કુલ ટિચર કે મિત્રો માટે? તમે જેને ખોટું સમજો છો તે ખરેખર ખોટું છે કે પછી તમારી માન્યતા માત્ર છે? તમને શું લાગે છે? પોતાને અનુસરો, પોતાના જજમેન્ટનો આદર કરો, બીજાના નહીં.

૨. પરિણામોને નજરમાં રાખોઃ કોઈપણ કામ કરતા પહેલા કે તે કરવા માટેનો નિર્ણય લેતા પહેલા તેના પરિણામ વિશે વિચાર કરી લેવો. તમે જે-તે કામમાં ભાગીદાર છો અને તે નિષ્ફળ જશે તો તમે શું કરશો? કોઈ પ્રકારનો વિરોધનો વંટોળ ઉઠશે કે પાસા પોબારા નહીં પડે તો તમે તે સ્થિતિને થાળે પાડવા શું કરશો? આ વિશે એકાદ-બે આઈડીયા આગોતરા સ્પેરમાં રાખવા! જેથી પરિસ્થિતિ વિપરીત સર્જાય તો બહુ મૂંઝારો ન થાય અને મૂંઝારા પછી ગિલ્ટભાઈ ન આવે! તમે આવનારા પરિણામ વિશેના વિચારને કાઉન્ટર બેલેન્સ પણ કરી શકો. જેમ કે, તમે ડાયટિંગ પર છો પણ પાક્કા ભાઈબંધ કે બહેનપણીની બર્થ ડે પાર્ટીમાં કે કોઈ લગ્ન-સમરોહમાં નિયમ તોડીને બહુબધી કૅક ખાઈ લીધી છે તો બીજા દિવસે સવારે ઉઠીને જિમ કે બગીચાના ટ્રેક પર પહોંચી જાવ. બધી કૅલેરી બાડી નાખો!

આ બધી સામાન્ય બાબતો છે પણ આમ કરવાથી સૌથી આખરે આવતો ગિલ્ટ તમારા સુધી પહોંચશે જ નહીં! ઉઠતા પહેલા જ તેનો નિવેડો આવી જશે.

૩. પોતાને માફ કરતા શીખોઃ સદીઓથી સાધુ-મહાત્મા-ઋષિ-મુનીઓ દ્વારા કહેવાતી રહેલી આ જબરજસ્ત અને અસરકારક બાબત છે! પણ અહીં તેનો સંદર્ભ જ-રા-ક જૂદો છે. તમે કંઈક એવું કર્યું છે જેનો તમને આનંદ નથી. તમને સારું નથી લાગ્યું. તો વિચારો કે તમે ‘માણસ’ છો! એઝ અ હ્યુમન બીઈંગ તમારાથી ભૂલ થઈ શકે. તમારો ઈરાદો ખરાબ ન હતો. વેલ, આવી પરિસ્થિતિમાં મંદિર-મસ્જિદ સામે ઊભા રહીને પોતાને માફ કરવા સહેલા નથી. પણ જો તમારો પોતાના માટેનો જ પરસ્પેક્ટિવ બદલાશે તો કદાચ તમે તે કરી શકશો. પોતાના દોષ કે ગિલ્ટ વિશે બીજા સાથે વાત કરવાથી તમારા ગિલ્ટનો બોજ ઘટે છે, આ તમે અનુભવ્યું હશે.  કેમ કે, તમે એમ કહીને પોતાના વિશેનો નજરિયો બદલી રહ્યા છો. તમે પોતાની જે-તે ભૂલ બીજા સામે કબૂલો છો ત્યારે તમારી અંદરનું તમારા માટેનું જ ઝેર ઓછું થાય છે.

થોડી કૉમ્પલિકેટેડ વાત છે, પણ વિચારવા જેવી છે. ‘ટુ સ્ટેટ્સ’માં ચેતન ભગતે પોતાના પિતાને થપ્પડ મારી હતી તે બનાવની માફી માગતો કિસ્સો લખ્યો છે. કઈ રીતે ગિલ્ટ ઉતર્યું તેનું વર્ણન છે તેમાં, જોઈ જજો.

૪. પોતાને પત્ર લખોઃઅનસ્ટક’ પર આ મુદ્દાની બદલે ‘બ્રેક અપ વિથ યોર ગિલ્ટ’ છે. પણ તેમાં વાત ગિલ્ટની લાગણી સાથે છેડો ફાડવા માટે પદ્ધતિની કરાઈ છે. બેસ્ટ પદ્ધતિ છેઃ ‘પોતાને પત્ર લખવો.’ પોતાનાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, તેનું ગિલ્ટ સતત કોરી ખાય છે, તે વ્યક્તિ કે બાબત વિશે હવે કશું થઈ શકે એમ નથી, રીવર્સમાં જઈ શકાય એમ નથી, તો કાગળ-પેન ઉપાડી પોતાને પત્ર લખો. ચર્ચમાં પાદરી સામે જેમ કન્ફેશન થાય તેમ પોતાના માહ્યલા સામે ઉઘાડા થઈ જાવ. અથવા તો પોતાને જ મેઈલ કરો! એ તમામ વાતો, બનાવ-ઘટના ઠાલવી દો. તમને હળવું મહેસૂસ થશે, ટ્રાય ઈટ!

૫. કૂલ રહો, નિષ્ફળતા સ્વીકારોઃ તમે નોંધ્યું હશે કે અમુક વ્યક્તિઓના સ્વભાવ જ કૂલ હોય. તેઓ હરહંમેશ ‘મજામાં’ જ હોય. ક્યાંક જવામાં પોતાને મોડું થાય કે કોઈએ આપેલા સમય કરતા તેઓ બહુ મોડા કે વહેલા આવી જાય પણ આ ભાઈ કૂલ જ રહે! તેમને કોઈમાં વાંધો ન હોય. આવી વ્યક્તિઓથી ગિલ્ટ જોજનો દૂર રહે. અને આ જ વ્યક્તિઓ નિષ્ફળતાને પોઝિટિવ-વેમાં સ્વીકારી શકતી હોય છે.

બહુ ગંભીર અને ફોર્મેટમાં રહેનારા લોકો જ લાંબે ગાળે ગિલ્ટ અને ડિપ્રેશન જેવી બીમારીઓના શિકાર બનતા હોય છે. સો, નિષ્ફળતા મળી હોય તો તેમાંથી શીખીને વધુ બુદ્ધિશાળી, સ્માર્ટ અને દયાવાન થવાનું, નહીં કે તે નિષ્ફળતાને વાગોળ્યા કરવાની.

*જે બાત!*

સુખ સમયમાં છકી નવ જવું, દુઃખમાં ન હિંમત હારવી,

સુખ-દુઃખ સદા ટકતાં નથી, એ નીતિ ઉર ઉતારવી

-કવિ કલાપી

@Parth Dave (Janmbhoomi Group- Kutchmitra)

Date: 28-11-2018

guilt dur karva shu karsho 28-11
“અક્ષરત્વ”, જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’; પાના નં. 6,4  તા. 28-11-2018

0 comments on “ગિલ્ટ દૂર કરવા શું કરશો?

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: