Literature

જૉન એલિયાઃ ઔર હમ અપના નામ કર રહેં થે…

પોતાના પહેલા પુસ્તક માટે શાયરીઓની પસંદગી અને તેના એડિટિંગમાં જૉન એલિયાએ ૧૫ વર્ષ લગાડ્યા હતા!

-‘અક્ષરત્વ’ કૉલમ

(જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’)

જૉન એલિયાઅપને સબ યાર કામ કર રહે હૈ

ઔર હમ હૈં કિ નામ કર રહે હૈ

*

અપને સર ઈક બલા તો લેની થી

મૈંને વો જુલ્ફ અપને સર લે લી

*

અપના રિશ્તા જમીં સે હી રખો

કુછ નહીં આસમાન મેં રખા

*

આજ મુઝ કો બહુત બુરા કહ કર

આપ ને નામ તો લિયા મેરા

*

ઈતના ખાલી થા અંદરું મેરા

કુછ દિનોં તો ખુદા રહા મુઝ મેં

 

***

            અમુક કાવ્યો, વાક્યો, નિબંધો, નવલકથાઓ કાળજયી હોય છે. તે ક્યારેય મરતા નથી. તે ભૂલાતા નથી. વચ્ચે થોડો સમય લોકોથી કદાચ તે સર્જન દૂર થઈ જાય પણ ફરી ભૂગર્ભમાંથી તે કોઈ ને કોઈ રીતે ધરા પર આવી જ જાય છે. ઉપર લખ્યા તે પાંચેય શેર પાકિસ્તાની અફાલાતૂન શાયર જૉન એલિયાના છે. આમ તો તેમના નામની આગળ અફલાતૂન ઉપરાંત મરહૂમ શાયર, કવિ અને દાર્શનિક જેવા વિશેષણો લાગે છે. લોકો તેમને ‘હરદિલ અઝિઝ’ કહીને પણ બોલાવે છે! જૉન એલિયા ભૂલાયા નથી પણ સમય સાથે વધુ રિલેવન્ટ થયા છે. એટલે જ ડિજિટલ યુગના યુવાનોને ગમવા લાગ્યા છે. તેમના એક એક શેર એકાધિક વખત શેર થાય છે. તેમના વિડીયોઝને ચિક્કાર વ્યુઅર્સ મળે છે. યુવાનો પોતાના એટિટ્યુડને દર્શાવવા જૉન એલિયાના શેર ટાંકે છે!

જૉને પોતાના વિશે લખ્યું છે કે, ‘અપના ખાકા લગતા હૂં, એક તમાશા લગતા હૂં.’ ‘ખાકા’ એટલે ઢાંચો, માનચિત્ર. કહો કે, ‘બ્લુપ્રિન્ટ’! ‘મારુ માળખું તમાશા જેવું છે જાણે!’ આ શેર જૉને પોતાના માટે લખ્યો છે પણ આજની તારિખમાં ફેસબુક અને ટ્વિટર પર સેકંડો લોકોએ પોતાના પરિચયમાં મૂકી દીધો છે! માણસ મરે છે, વિચારો મરતા નથી ને સર્જન અમર છે તે આનું નામ! સમય બદલાય પણ ગાંધી પ્રસ્તુત રહેશે, ગુલઝાર-ઈર્શાદ કામિલ પ્રસ્તુત રહેશે, જૉન એલિયા પ્રસ્તુત રહેશે…

બ્રિટિશ ઈન્ડિયા વખતના ઉત્તર પ્રદેશના અમરોહામાં ૧૪ ડિસેમ્બર, ૧૯૩૧ના રોજ જૉન એલિયાનો જન્મ થયો. પિતા અલ્લામા શફીક હસન એલિયા વિદ્વાન અને શાયર હતા. પાંચ ભાઈઓમાં જૉન સૌથી નાના હતા. તેમના જન્મના ૧૬ વર્ષ બાદ એટલે કે ૧૯૪૭માં ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા, તેમને ન ગમ્યુ; ભારે વિરોધ કર્યો. તેમણે પોતાની જન્મભૂમી ન છોડી પણ પરિવારથી વિખુટા પડ્યા. એટલે કમને તેઓ પણ પાકિસ્તાન જઈ વસ્યા. એ વર્ષ હતું, ૧૯૫૬નું. ભાગલા પછી ૧૦ વર્ષ ભારતમાં ગુઝારીને તેઓ પાકિસ્તાન ગયા.

જૉને પહેલી શાયરી ૮ વર્ષની ઉંમરે લખી હતી. શાયરી લખવા ઉપરાંત તેમને અન્ય લેખનમાં પણ રુચિ હતી. તેમણે પાકિસ્તાની અખબાર ‘જંગ’ અને ત્યાર બાદ પત્રિકા ‘ઈંશા’માં સપાદક તરીકે કામ કર્યું. ‘ઈંશા’માં કામ કરતી વખતે તેમની મુલાકાત જાણીતા પત્રકાર જાહિદા હિના સાથે થઈ. (યસ, હાલ જેમની કૉલમ એક ગુજરાતી અખબારમાં પ્રસિદ્ધ થઈ રહી છે, એ જ.) થોડા સમયના પ્રેમ બાદ બેઉએ લગ્ન કરી લીધા. તેમને ત્રણ સંતાનો થયા. વર્ષ ૧૯૮૪માં બેઉ જૂદા પડ્યા. જૉન એલિયાને દુઃખ થયું. હૃદય તૂટ્યું. એ ભાંગેલા હૃદયે તેમના સ્વાસ્થ્ય અને શાયરી બંને પર અસર કરી.

જૉન એલિયાની શાયરીમાં જેવું લડકપન અને ક્યાંક અકડુ મિજાજ, આજની ભાષામાં કહીએ તો ‘ડેરિંગ એટિટ્યુડ’ દેખાય છે, તેવા જ તેઓ વાસ્તવિક જિંદગીમાં હતા. તેમને જાણતા લોકો કહે છે કે, ‘તેમને જિંદગીની જેમ લખાણમાં પણ મક્કારી અને નકલ પસંદ નહોતી. તેમણે પોતાના મૂલ્ય અને આદર્શ સ્થાપિત કર્યા હતા. તેમને સાહિત્યની દુનિયાના રાજકરણ અને ટાંટિયાખેંચ સાથે કોઈ લેવા-દેવા નહોતા.’ તેમના કુલ પાંચ પુસ્તકો આવ્યા છે: ‘શાયદ’, ‘યાની’, ‘ગુમાન’, ‘લેકિન’ અને ‘ગોયા’. જોકે, તેમના જીવતેજીવ એક જ પુસ્તક, ‘શાયદ’ પ્રકાશિત થઈ શક્યું હતું. કહે છે કે, પોતાના પહેલા પુસ્તક માટે શાયરીઓની પસંદગી અને તેના એડિટિંગમાં જૉન એલિયાએ ૧૫ વર્ષ લગાડ્યા હતા!

કમાલની વાત એ છે કે, આ તમામ પુસ્તકની રચનાઓ, અથવા જ્યારે એલિયાએ આ શાયરીઓ લખી એ વખતે જેટલી લોકપ્રિયતા કે પ્રશંસા તેમને ન મળી એટલી આજે સોશિયલ મીડિયા પર મળી રહી છે! (એ જોઈને તો આ લેખ લખવાનો સૂઝ્યો!)

***

            ભાષા નદી જેવી હોય. વહેતી જાય, થોડી થોડી બદલાતી જાય. અન્ય શબ્દો સ્વીકારતી જાય. જૉનની ભાષા એવી હતી, એટલે કદાચ લોકોને વધુ ગમે છે. તેઓ હિન્દી, ઉર્દૂ, ઈંગ્લિશ, હિબ્રુ અને સંસ્કૃતના જાણકાર હતા. તેના કારણે તેમના લખાણમાં એક બેલેન્સ જોવા મળે છે. શરૂઆતના પાંચ શેર ફરી વાંચો અને માર્ક કરો, એકપણ શેરમાં એકપણ એવા શબ્દનો ઉપયોગ નથી થયો જેનો અર્થ તમને ખબર ન હોય. ઘણા શાયરો યુવાનોથી એટલે કટ-ઑફ થઈ જાય છે કેમ કે તેમના લખાણમાં (ન જાણતા હોય તેમના માટે) ઉર્દુનો ઓવરડોઝ થઈ ગયો હોય છે.

અમુક શેર એવા હોય છે જે મુશાયરામાં લાઈવ સાંભળવાની મજા પડે. એમાં પણ રાહત ઈંદોરી જેવા જબરદસ્ત રજૂકર્તા હોય ત્યારે તો મહેફિલ જામે. તેમાં નબળા શેર પણ સાંભળવાની મજા આવી જાય! પણ પછી વિચારીએ એટલે કંઈ ન મળે! અર્થ ન સરે! જૉન એલિયામાં એવું નથી. તેમના સામાન્ય-સરળ શેર વાંચવામાં પણ મજા આવે અને પછી બીજી વાર નજર ફેરવતા કંઈક અર્થ નીકળે! આ જૂઓ.

હમ જો અબ આદમી હૈ પહલે કભી

જામ હોંગે છલક ગયે હોંગે

બીજી વાર વાંચી લો, પછી વાત કરીએ! અહીં કોઈક રેફરન્સન છે જે માત્ર જૉન જ જાણે છે, પણ તેમ છતાંય તમને ફિલ કરાવે છે! જૉનની ઈમેજ એક મનમૌજી ને સિરફિરા શાયર તરીકેની રહી છે, અને શરાબી પણ ખરા!

પ્રેમીઓના ભગ્નહૃદય માટે બહુબધું લખાયું છે. પેશ છે જૉન એલિયાનો એક શેર:

આપ અબ પૂછને કો આયે હૈં,

દિલ મેરી જાન મર ગયા કબ કા

‘એકલાઓ’ને ડર લાગે એવી ઢળતી ઠંડી સાંજ, હાથમાં ગરમાગરમ આદુ-મસાલાવાળી- થોડી મીઠી ચાય, બૅકગ્રાઉન્ડમાં વાગતું કોઈ તમિલ કે મલ્યાલમ ઈન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક અને આ શેર; જિંદગી જીવી નાખવા માટે આટલું કાફી છે દોસ્ત!

કયો શેર? આ શેર:

       નયા એક રિશ્તા પૈદા ક્યોં કરે હમ

બિછડના હૈં તો ઝઘડા ક્યોં કરે હમ

*જે બાત!*

 

જો ગુઝારી ન જા સકી હમ સે

હમ ને વો ઝિંદગી ગુઝારી હૈ…

-જૉન એલિયા (૮ નવેમ્બર, ૨૦૦૨ના રોજ જૉન એલિયાએ કંરાચીમાં આખરી શ્વાસ લીધા.)

@Parth Dave (Janmbhoomi Group- Kutchmitra)

Date:21-11-2018

jon elia aur ham apna naam kar... 21-11
“અક્ષરત્વ”, જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’; પાના નં. 6  તા. 21-11-2018

0 comments on “જૉન એલિયાઃ ઔર હમ અપના નામ કર રહેં થે…

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: