Literature

વિરહની વેદના, વેદનાનું સુખ, પીડાની મજા!

પૂરી ન થયેલી આશ, અધૂરી અપેક્ષા, અધૂરો પ્રેમ આ બાબત દર્શાવવી ભયંકર અઘરું છે. તમને જે વ્યક્તિ નથી મળી, તમે તેને જે-તે સમયે દિલની વાત નથી કહી શક્યા એ તમે ધાર્યા કરો છો, કલપ્યા કરો છો. કાશ તેને આમ કહ્યું હોત તો, કાશ તેને બોલાવી લીધી હોત તો, કાશ તેને રોકી રાખ્યો હોત તો.. કાશ!

-‘અક્ષરત્વ’ કૉલમ

(જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’)

ક્યારેય તમારા સાથે એવું થયું છે કે, તમને કોઈ વાતની તકલીફ હોય, કોઈ વાતનું દુઃખ હોય, પ્રશ્ન હોય, કચવાટ હોય, ચેન ન પડતું હોય અને તેમ છતાં તમને અંદર અંદરથી મજા આવતી હોય?!

વિચિત્ર પ્રશ્ન છે પણ શાંતિથી વિચાર કરજો. તમને કોઈ સાથે ઝઘડવાની મજા આવતી હોય એવું થયું છે? જેમ કે, બે સગા ભાઈ કે બહેન હોય, દરરોજ લડતા-ઝઘડતા હોય તેઓ કોઈક દિવસ ફાઈટ ન કરે તો મજા ન પડે. તાજેતરમાં આવેલી રાજેસ્થાની લેખક ચરણસિંહ પથિકની ટૂંકી વાર્તા પરથી બનેલી વિશાલ બારદ્વાજની નબળી ફિલ્મ ‘પટાખા’ આ વિષય પર જ આધારિત હતી. બેઉ બહેનો નાનપણથી ઝઘડતી આવી છે. જુવાન થાય છે ત્યાં સુધી લડતી-ઝઘડતી રહે છે. લગ્ન પણ સંયોગથી એક જ ઘરમાં થાય છે. ઝઘડવાનું ચાલું રહે છે. અંતે બેઉ છૂટી પડે છે. છૂટી પડતા જ બેઉનું બીમાર રહેવાનું શરૂ થઈ જાય છે. અંતે બેઉને ડૉક્ટર પાસે લઈ જવાતા નિદાન નીકળે છે કે, બીમારીનું કારણ બે બહેનો સાથે નથી તે છે! આપણે જેને ‘અસાંગ્રો’ કહીએ તે છે! વેલ, ફિલ્મમાં તો ફિક્શન વધારે છે. તે વાર્તા છે. આપણે થોડી હકીકતની વાત કરવી છે.

તો ફરી એ જ પ્રશ્ન પર આવું. ક્યારેય એવું થયું છે કે તમે રડતા હો અને રડવાની તમને મજા આવતી હોય? સબકૉન્શસલી તમે એન્જોય કરતા હો રડવાને? ‘મીઠડી આ સજા છે, દર્દોની સજા છે…’ પ્રકારનું?! આવું મોટાભાગે પ્રેમમાં થતું હોય છે. બે પ્રેમીઓ મળે એ પહેલા અને મળી લીધા પછીના સમયમાં વિરહની વેદનાની મજા માણતા હોય છે!

***

પ્રેમીઓને જૂદાઈ રોમાંચક લાગતી હોય છે. દર્દો મીઠા લાગતા હોય છે. થોડી ટીસ, થોડી ચુભન ખરજવા પર ચર કરવા જેવી લાગતી હોય છે! બહુ કરો તો લોહી નીકળે પણ આવે મજા. એ જ રીતે વિખુટા રહેવાની પણ એક મજા છે, જો ખબર હોય કે એક દિવસ મળવાના છીએ તો!

હવે એક સ્ટેપ આગળ વધીએ. પ્રેમ થઈ ગયો, દુઃખની મજા લઈ લીધી, જેને પ્રેમ કર્યો તેની સાથે લગ્ન કરી લીધા. પછી બે પ્રેમીઓ લડે, ઝઘડે અને મજા આવે તેને શું કહેવાય? અથવા તો કોઈ માર મારતું હોય, લોહી નીકળતું હોય અને માર ખાનાર વ્યક્તિ એન્જૉય કરતી હોય તેને શું કહેવાય?

ફરી કહું છું પ્રશ્ન વિચિત્ર છે. આજકાલ બહુ બધી બીમારીઓના નામ આવી રહ્યા છે. આ પ્રકારની બીમારીનું નામ છે ‘સેડિસ્ટિક પર્સનાલિટી ડિસોર્ડર’. આમ તો આ બીમારી લૈંગિક એટલે સેક્સ સાથે વધારે જોડાયેલી છે. પણ જે બીજાના કે પોતાના દુઃખ અને યાતનામાંથી આનંદ મેળવતો હોય તેને સેડિસ્ટિક પર્સન કહેવાય. આ વિશે બહુબધા શોધ-સંશોધનો થઈ રહ્યા છે.

આમ તો દુનિયામાં માનસિક જેટલી પણ બીમારીઓ અને તકલીફ છે, રાધર, તેમના નામો શોધાયા છે, એમાની મોટા ભાગની વત્તાઓછા અંશે આપણામાં હોવાની! –આવું ક્યારેક આ લખનારને તો લાગે જ છે! તમે ડિપ્રેશનના લક્ષણો વાંચો તો સાલું થાય કે આ તો મને જ છે! હું આવું જ કરું છું બે દિવસથી!

***

પ્રેમ વિશેની જેટલા માણસો પૃથ્વી પર છે એટલી વ્યાખ્યાઓ હોવાની. એટલી રાય હોવાની. એટલી સમજ હોવાની. પ્રેમ ઊગે છે. પ્રેમ પાંગરે છે. પ્રેમ વિકસે છે. પ્રેમ થાય છે. પ્રેમમાં પડાય છે. એક છોકરા અને છોકરીની આંખો ટકરાય, નજદિકી વધે, મિટિંગો થાય, વાતો થાય અને પ્રેમ પાંગરે. આ પ્રેમ છે. કોઈના માતા-પિતા એટલે કે અંકલ-આન્ટી પણ પ્રેમ કરી શકે. પ્રેમ કરવાની કોઈ ઉંમર નથી હોતી. ઊંચ-નીચ વગેરાહ વગેરાહ નથી હોતું તે ચવાઈ ગયેલું વાક્ય છે. પ્રેમ વિશે ફિલ્મોમાં અને નવલકથાઓમાં બહુ બધી રીતે લખાય-દર્શાવાય છે. એમાં જૂદી જૂદી વ્યાખ્યાઓ છતાંય એક બેઝિક સમજ છે કે, બે વ્યક્તિઓ મળે અને પ્રેમ કરે. લગ્ન કરે. ન કરે અને છતાંય મળતા રહે અને પ્રેમ કરે; લિવ-ઈનમાં રહે, વગેરે. પણ એવો પ્રેમ પણ હોય છે જેમાં બે પ્રેમીઓ એકબીજાને કહી

96-Movie-Release-Poster-1
તમિલ ફિલ્મ’96’નું પોસ્ટર

નથી શક્તા પણ જાણે છે. એકબીજાને મળી નથી શક્તા પણ પ્રેમ કરે છે. અને આમ શરૂઆતના વર્ષો નહીં આખી જિંદગી નીકળી જાય છે. આ બહુ વિચિત્ર લાગણી છે!

થોડા દિવસો પહેલા એક રોમેન્ટિક તમિલ ફિલ્મ આવી હતી, ‘૯૬’. જેમાં ફિલ્મના નામ મુજબ ૧૯૯૬ના વર્ષમાં દસમા ધોરણની બેચના વિદ્યાર્થીઓ આજે મળે છે. ૨૨ વર્ષ વિતી ચૂક્યા છે. એમાં એ વખતે એકબીજાને પ્રેમ કરતા છોકરો અને છોકરી મળે છે. સંજોગોવસાત સાથે ન થઈ શક્યા એ બંને. કોઈને ગીલાસીકવા નથી એકબીજા માટે. અને એ બંને ૧૨ કલાક સાથે પસાર કરે છે…

ફિલ્મની વાત અહીં નથી કરવી પણ આ તમિલ ફિલ્મમાં આ ન મળી શક્યાની અદભૂત લાગણી આખી ફિલ્મ દરમ્યાન દર્શાવી છે. ફિલ્મનું મ્યુઝિક પણ વિરહની વેદના જાણે રજૂ કરે છે. તેના ગીતો, દરમ્યાન વાગતું સંગીત, વાયોલિયન, ગિટાર વગેરે જાણે જૂદાઈ વ્યક્ત કરતા હોય તેવા છે. તમારા ગળામાં સતત એક ડૂમો રહે છે તે સાંભળતી વખતે. એ બેઉને ખબર છે કે હવે મળી નથી શકવાના, કોઈનો એમા વાંક નથી પણ અમે તો પ્રેમ કર્યો છે અને પ્રેમ તો પ્રેમ છે! મ્યુઝિકને કોઈ સીમાળા નથી હોતા એવું તમે સાંભળ્યું હશે. અનુભવવું હોય તો ૨૦૧૫માં આવેલી રોમેન્ટિક મલ્યાલમ ફિલ્મ

220px-Premam_film_poster
મલ્યાલમ ફિલ્મ ‘પ્રેમમ’નું પોસ્ટર

‘પ્રેમમ’નું એક બૅકગ્રાઉન્ડ સ્કોર કહી શકાય તેવું ગીત છે. ફિલ્મ જોતી વખતે વાગે છે ત્યારે અને તમે માત્ર ઈઅર ફોન ભરાવીને સાંભળો તો પણ અનુભવાય કે, ક્યાંકથી દર્દ ટપકી રહ્યું છે! એ સ્કોરનું નામ પણ ‘અનફિનિશ્ડ હોપ’ અપાયું છે. ‘પૂરી ન થયેલી ઈચ્છા!’ એક એ અને બીજું, વાત કરી તે ‘૯૬’ ફિલ્મનું ગીત ‘કાધલે કાધલે…’ પણ એ જ ડૂમામિશ્રિત લાગણી હૃદયમાં ઘોળતું અદભૂત કમ્પોઝ થયું છે, રજૂ થયું છે.

***

પૂરી ન થયેલી આશ, અધૂરી અપેક્ષા, અધૂરો પ્રેમ આ બાબત દર્શાવવી ભયંકર અઘરું છે. તમને જે વ્યક્તિ નથી મળી, તમે તેને જે-તે સમયે દિલની વાત નથી કહી શક્યા એ તમે ધાર્યા કરો છો, કલપ્યા કરો છો. કાશ તેને આમ કહ્યું હોત તો, કાશ તેને બોલાવી લીધી હોત તો, કાશ તેને રોકી રાખ્યો હોત તો.. કાશ!

આ ભૂતકાળ યાદ અપાવતો ને ખોતર્યા કરતો ‘કાશ’ પછી આખી જિંદગી તમારી સાથે રહે છે. એ સ્ક્રિન પર કશું જ કહ્યા વિના દર્શાવવું કે રજૂ કરવું અઘરું છે. તમે સખત પ્રેમ કર્યો હોય પણ કહી જ ન શક્યા હોય તે વ્યક્તિ તમારી સામે આવે તો તમે શું કરો? કશું જ નહીં. પણ તમારું મન ઘણું કરી નાખે એ વખતે…

96-celebrity-reviews-trisha-vijay-sethupathi-990x557
અભિનેતા વિજય સેતુપથી અને અભિનેત્રી ત્રિશા ક્રિશ્નન અભિનિત ફિલ્મ ’96’ની ઈમેજિસ

***

પ્રેમ, જિંદગી, લાગણીઓ આ બધું ફિલ્મો અને નૉવેલની જેમ સાદું-સરળ નથી હોતું. તે અસ્તવ્યસ્ત જ હોય છે. તે બધું જ સમેટી નથી શકાતું. કંઈક છૂટી જ જાય છે. અધૂરું રહી જાય છે. બાકી રહી જાય છે. સ્કૂલ-કૉલેજોમાં ભાંગેલા મન અને તૂટેલા હૃદયના ખંડેરો મળી આવે એમ છે. મનોમન ચાહવું અને ચાહી હોય તે જ વ્યક્તિ મળવી તે આશીર્વાદ છે. એક ને એક વસ્તુ એકથી વધારેને ગમી શકે છે. આધાર છે તે વસ્તુ ઉપર..

બાકી, તો અધૂરમ મધુરમ…

જે બાત!

જયારે હૃદયમાં કોઈ કશો ગમ નહીં રહે,
મારો સ્વભાવ આવો મુલાયમ નહીં રહે.

-મરીઝ

@Parth Dave (Janmbhoomi Group- Kutchmitra)

Date:14-11-2018

Vednanu sukh, pida ni maja... 14-11 (2).jpg
“અક્ષરત્વ”, જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’; પાના નં. 6  તા. 14-11-2018

0 comments on “વિરહની વેદના, વેદનાનું સુખ, પીડાની મજા!

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: