Movies Review

ઠગ્સ ઑફ હિંદોસ્તાન

દિવાળીનું ‘દર્શક ઠગ અભિયાન’ આ વર્ષે પણ ચાલુ…

Rating: 0.3 Star

‘ઠગ્સ ઑફ હિંદોસ્તાન’ કોઈ ફિલ્મ કે પુસ્તકથી ઈન્સપાયર્ડ નથી. તે મૌલિક રીતે બનેલી વાહિયાત ફિલ્મ છે. આમિર ખાન, બચ્ચન સાબ જેવા બ્રિલીયન્ટ કલાકારો, ‘દંગલ’ ગર્લ ફાતિમા શૈખ તથા સુંદરી કેટરીના અને ડિરેક્ટર વિજય કૃષ્ણ આચાર્ય; આ બધાએ ભેગા થઈને નવા વર્ષે એક ન જોવા જેવી ફિલ્મ આપી છે. ટ્રેલર જોઈને જે અપેક્ષા હતી અદ્દલ એવી જ ફિલ્મ છે. આમિર-બચ્ચનની એક્ટિંગ સિવાય કંઈ દમદાર નથી. રજાઓમાં થઈ શકે તો સ્કીપ કરવી.

MV5BMTA3ODUxMzUzMzleQTJeQWpwZ15BbWU4MDMzMzkyNDYz._V1_ભારતમાં તહેવારોમાં બિગ બજેટ ફિલ્મ રિલીઝ કરવાનો એક વણલખ્યો નિયમ છે. દર્શકો પોતાનો તહેવાર તે જોઈને ઉજવે. એમાંય દિવાળી તો એક એવો તહેવાર છે જે ભારતનો લગભગ દરેક વ્યક્તિ પોતપોતાના સમય-પૈસા-શક્તિ પ્રમાણે ઉજવે છે. તો આ વખતે મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે જાણીતા આમિર ખાન એક વેરી ઈમ્પરફેક્ટ ફિલ્મ લઈને આવ્યા છે, નામ છેઃ ‘ઠગ્સ ઑફ હિંદોસ્તાન’. તેને ઈમ્પરફેક્ટ બનાવવામાં સૌથી વધુ મહેનત ડિરેક્ટર વિજય કૃષ્ણ આચાર્યે કરી છે! અગાઉ તેમણે કથિત એક્શન-થ્રિલર ‘ધુમ 3’ આપણા માથે મારી હતી અને એ પહેલા ફ્લૉપ ‘ટશન’. આમિર અને વિજય કૃષ્ણ આચાર્ય બીજી વખત ભેગા થયા છે અને આમિર ખાન અને અમિતાભ બચ્ચન અહીં પહેલી વખત સાથે આવ્યા છે. તેમને બંનેને પડદા પર સાથે જોવાની બેશક મજા પડશે એવું સૌકોઈએ ધાર્યું હતું પણ…

આવો, ડિટેલમાં ‘ઠગિસ્તાન’ વિશે વાતો કરીએ..!

       ‘ઠગ્સ ઑફ હિંદોસ્તાન’ નામની કોઈ ફિલ્મ બની રહી છે એવી જાહેરાત થઈ ત્યારે આનંદ આવ્યો હતો. ઈતિહાસકાર ફિલિપ ટેલરના ‘કન્ફેશન્સ ઑફ ઠગ’ નામના પુસ્તક આધારિત ફિલ્મ હશે એવી વાતોય વહેતી થઈ હતી. હરકિશન મહેતાની અફલાતૂન નવલકથા ‘અમીરઅલી ઠગની પીળા રુમાલની ગાંઠ’થી પ્રેરિત હશે એવું પણ સાંભળવા મળ્યું, ત્યારે પણ રોમાંચ અનુભવાતો હતો પણ જ્યારે ફિલ્મનું પહેલું પોસ્ટર અને ગધેડા પર આમિર ખાનને બેઠેલો જોયો ત્યારે આ બધા આનંદ અને રોમાંચ પર દરિયાઈ ચાંચિયા ફરી વળ્યા! છતાંય થોડીઘણી અપેક્ષાઓ હતી તે ટ્રેઈલર જોઈને ઘટી ગઈ. અને હજુય યશરાજ જેવા બીગ-બેનર તથા જબ્બર સ્ટારકાસ્ટના કારણે ‘કંઈક તો નવું હશે’ પ્રકારની જે રહીસહી આશ હતી તે ફિલ્મ જોયા બાદ ‘તૃપ્ત’ થઈ ગઈ!

પીરિયડ હિસ્ટોરિકલ ડ્રામા જેવો માહોલ ઊભો કરવાનો છે માટે ફિલ્મ 1975માં રોનીત રૉયના વૉઈસ ઑવરથી શરૂ થાય છે. રૌનકપુરના રાજા મિર્ઝા સિકંદર બૈગ(રોનીત રૉય) અને તેની દિકરી રેતીનો કિલ્લો બનાવી રહ્યા છે. રેતીનો કિલ્લો છે એટલે ઑબ્વિઅસલી નબળો હોવાનો, જરા જોરથી હવા લાગે તો પણ તૂટી પડવાનો. એક્ઝેટ એવી હાલત રૌનકપુરના કિલ્લાની છે. ભારત પર રાજ કરતી ઈસ્ટ ઈન્ડિયા કંપની રાજાઓને રંજાડી રહી છે, જૂલમ કરી રહી છે. બ્રિટિશરોના હેડ જૉન ક્લાઈવ (લ્યોડ ઑવેન) રાજા સિકંદર અને તેના પરિવારને મારી નાખે છે, બચી જાય છે તેની એકમાત્ર દિકરી ઝફીરા બૈગ(ફાતિમા સના શૈખ). 11 વર્ષ વિતી જાય છે. ઝફીરા ખુદાબક્ષ આઝાદ(અમિતાભ બચ્ચન)નામના ઠગોના સરદાર, જે બ્રિટિશરોના જહાજ તોડીને, તેમને મારીને હંફાવી રહ્યો છે, તેની પાસે ઉછરે છે, ટ્રેઇન થાય છે. તીરંદાજમાં તે કુશળ છે એવું ફિલ્મમાં CGIની મદદથી ક્યાંક ક્યાંક લાગે છે. તમને ખ્યાલ આવી ગયો હશે કે આ ઝફીરાની અંગ્રેજ ઑફિસરને પતાવવાવાળી ‘બદલે કી આગ’ની વાર્તા છે. હા છે, પણ આ આટલી સરળ વાર્તા નથી. આપણા કંટાળામાં વધારો થાય તે માટે તેમાં બીજા પણ ‘મહત્વ’ના વળાંક ને પાત્રો છે!

આ ખુદાબક્ષને પકડવા માટે જૉન ક્લાઈવ એક બેઈમાન ને બદમાશ ફિરંગી મલ્લા નામના ભારતીય(આમિર ખાન)ની મદદ લે છે. આ ફિરંગી મલ્લા ભયંકર વિચિત્ર છે. ક્યારેક તો આપણને કન્ફ્યુઝ્ડ લાગે એટલો વિચિત્ર છે. તે કઈ બાજુ ક્યારે નમશે તેનું કાંઈ નક્કી નહીં. તે ગધેડા પર સવારી કરે છે. તે સુરૈયા(કેટરિના કૈફ) સાથે ઈશક કરે છે. તે ગામઠી ભાષામાં વાતો કરે છે. તેના વર્ષો જૂના દોસ્ત સનિચર(મોહમ્મદ ઝિશાન આય્યુબ)ની મદદ લે છે. તે આપણને ઈન્ટરવલ પછી બોર કરે છે…

‘ઠગ્સ ઑફ હિંદોસ્તાન’નું સ્ટોરી-ટેલિંગ જાણે કોઈ મહાગાથા કહેવાની હોય એ રીતનું છે. પહેલા દ્રશ્યથી જ તેનું નરેશન લાર્જર-ધેન-લાઈફ અપાયું છે. અમિતાભ બચ્ચન-ફાતિમા શૈખ-આમિર ખાન-કેટરીના આ બધાની એન્ટ્રી ટિપીકલ માસ ફિલ્મ જેવી છે. પણ અમિતાભ સિવાય એકેયની એન્ટ્રી અસર નથી છોડી શક્તી. VFXનો ઉપયોગ, વિઝ્યુઅલ, પ્રોડક્શન ડિઝાઈનિંગ (સુમીત બાસુ), સિનેમેટોગ્રાફી(મનુષ નંદન) આ બધા ડિપાર્ટમેન્ટમાં પ્રમાણમાં સારું કામ થયું છે. કહેવાની જરૂર નથી કે બોલીવૂડની એ-વન સ્ટારકાસ્ટ સાથે છે. પણ ફિલ્મનું પાયાનું ડિપાર્ટમેન્ટ ખાડે ગયું છે: સ્ક્રિપ્ટ ડિપાર્ટમેન્ટ! એવરેજ અને જૂના-પુરાણા ડાયલૉગ્સ, પ્રેડિક્ટેબલ સિચ્યુએશન્સની ભરમાર છે અહીં. નથી એકેય ઢંગની સરપ્રાઈઝ, નથી એકેય ટ્વીસ્ટ. અહીં આમિર અને બચ્ચનની જગ્યાએ બીજું કોઈ હોત તો ટ્રેલર જોઈને ફિલ્મ જોવા ચકલુંય ન ફરકત. હા તો, લાર્જર ધેન લાઈફ અને હિસ્ટોરીકલ નરેશનના કારણે દર્શકો શરૂઆતથી ફિલ્મના એક ટૉન સાથે જોડાવાની કોશિશ કરે છે. જેમાં સમુદ્રી ચાંચિયાઓ, ભારતીય ઠગો, સારા અને ખરાબ અંગ્રેજ અફસરો, દરબારમાં નાચનારી લલનાઓ, મહેલો વગેરે બધું હોય. પણ પછી વાર્તા યોગ્ય રીત બિલ્ટ-અપ નથી થઈ શક્તી. તમે છેવટ સુધી તેની સાથે જોડાઈ નથી શક્તા.

ભારતના ઈતિહાસ સાથે સંકળાયેલો એક રસપ્રદ અને રોમાંચક વિષયનો અહીં કચ્ચરઘાણ વળ્યો છે. ઠગોનું જીવન, તેમની દિલધડક લૂંટ, તેમણે રૂમાલની ગાંઠ વડે સિફતપૂર્વક કરેલા ખૂન વગેરે કેટકેટલું દર્શાવી શકાય. જૉની ડેપની સુપર સક્સેસફૂલ સિરીઝ ‘પાઈરેટ્સ ઑફ ધ કૅરિબિયન’ની સસ્તી નકલ જેવું ટ્રેલર પરથી લાગતું હતું, પણ એમ કહેવું પણ એ ફિલ્મનું અપમાન કહેવાશે! અહીં વાર્તા જ જૂની હિન્દી ફિલ્મો જેવી છે. 19મી સદી પડદા પર દર્શાવવા માટે જરૂરી નથી કે સ્ટોરીટેલિંગની ટેકનિક પણ એ જ એક્સપાયરી ડેટ વટાવી ચૂકેલી દર્શાવવી!

ફિલ્મના મુખ્ય ત્રણ પાત્રો છે. એમાંય ફિરંગી મલ્લા બનતો આમિર ખાન સૌથી મુખ્ય છે! તેની ઈર્દગીર્દ જ વાર્તા ઘૂમે છે. તેની સૂરમા આંજેલી ઊંચી-નીચી થતી આંખો, ચહેરાના ભાવો, દેશી ભાષા, મજાક-મશ્કરી આ બધું જોવાની મજા પડે છે. શરૂઆતના તેના સીકવન્સીસ પણ મજા કરાવે છે. અમુક ડાયલૉગ્સ પણ સ-રસ છે. ફિરંગી મલ્લાનું પાત્ર કાફી ચડાવ-ઊચાર વાળું છે. પણ એક પૉઈન્ટ પછી તે રિપીટેટિવ થઈ જાય છે. અને આ પાત્રના કારણે બાકીના પાત્રો પણ સાઈડટ્રેક થઈ ગયા છે. સેકન્ડ લીડ રોલ ખુદાબક્ષ બનતા અમિતાભ બચ્ચનનો છે. તેમનું કામ, અફ કોર્સ, મજાનું છે. પણ તેમના ફાઈટ સીકવન્સ નબળા ડિરેક્ટ થયા છે. ખ્યાલ આવી જ જાય છે કે, અહીં તરકટ રચાયું છે! ત્રીજું પાત્ર ‘દંગલ’ ફૅમ ફાતિમા સના શૈખનું છે. તે તીરદાંજી કરતી સ-રસ લાગે છે પણ ઈમોશનલ સીનમાં બેવકૂફ લાગે છે. તેના અને બચ્ચન તથા તેના અને આમિર વચ્ચેના લાગણીશીલ દ્રશ્યો નબળા ફિલ્માવાયા છે.  એક સીનમાં તો ગંભીર ઘમાષાણ-યુદ્ધ પ્રકારના દ્રશ્ય વચ્ચે તે અને બચ્ચન સાબ હાલરડું ગાવા માંડે છે! (આઈ મિન, રિઅલી?) જોકે, અહીં ફરી પાછા ડિરેક્ટર વિક્ટર સા’બને જશ આપવો પડશે! બીજો એક મસમોટો માઈનસ પૉઈન્ટ એ છે કે આખી ફિલ્મમાં અંગ્રેજ અફસર ક્લાઈવનું પાત્ર હિન્દીમાં જ વાતો કરે છે, એની સાથે વાત કરનાર કોઈ અંગ્રેજ હોય તો પણ! ખાલી એક વખત એ ભૂલથી અંગ્રેજીમાં વાત કરી નાખે છે!

ફિલ્મમાં ખુદાબક્ષની ફૌજની સાથે તેનો સાથીદાર પક્ષી બાજ પણ છે. તેને એટલો ગંભીરતાથી લેવાયો છે કે એક જગ્યાએ ફિરંગી મલ્લા તેની સાથે દોડતો દોડતો વાતો પણ કરે છે! આમિરના દોસ્ત બનતા મોહમ્મદ ઝિશાન અય્યુબને ડિરેક્ટરે શું વેડફ્યો છે! હજુય તે ‘રાંઝણા’ના ધનુષના દોસ્ત તરીકે જ યાદ રહેશે.

ફિલ્મમાં વચ્ચે આવતા ગીતો ‘રેસ 3’ના ગીતો કરતા પણ ખરાબ છે. (ખરેખર! પણ ફિલ્મ ‘રેસ ૩’ જેટલી નબળી નથી.) અને તે ગીતો પર થતો ડાન્સ બેહૂદો છે. હા, આમિર ખાન અને બચ્ચન એક ગીત પર સાથે ડાન્સ કરે છે તે જોવો ગમે છે. એકચ્યુલી આ બેઉ એક્ટિંગની પાઠશાળા છે. તેમને સાથે જોવા તે એક લ્હાવો છે. પણ આ રીતે જોવા તે પીડાદાયક છે. ફિલ્મનું જૉન સ્ટીવર્ટ ઈદુરીનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક એવરેજ છે. એટલીસ્ટ, તે ગમે તેટલા નબળા દ્રષ્યોમાં પણ તમારું ધ્યાન ખેંચેલુ રાખે છે.

જોવી કે નહીં?

હા તો… આ કોઈ મહાન અને હટકે ફિલ્મ નથી તે પોસ્ટર જોઈને જ ખ્યાલ આવી ગયો હતો. આ ફિલ્મમાં આમિર ખાન અને બચ્ચન સાથે હોવાથી કંઈક રોમાંચક અને નવું હશે તેવી માન્યતા ટ્રેલર જોઈને પૂરી થઈ ગઈ હતી. બાકી વધ્યા વિઝ્યુઅલ્સ. તો ક્લિશે સનસેટ અને દરિયાઈ જહાજોના શૉટ્સ છે. એક્શન દ્રશ્યો પણ કહ્યું એમ, નબળા કૉરિયોગ્રાફ થયા છે. ફિલ્મ સંપૂર્ણપણ પ્રેડિક્ટેબલ છે. અંત સુધી કંઈ નવું થતું નથી ને 165 મિનિટ સુધી ફિલ્મ પૂરી થતી નથી. સો, ત્રીજ-ચોથ-પાંચમ ફિલ્મ જોઈને ઉજવવી જ હોય તો આ વખતે હિન્દી સિવાય તમિલ અને મરાઠીમાં સારા ઑપ્શન છે, ટ્રાય કરી શકાય!

નોંધઃ આ નોંધ મારી છે પણ તમે નોંધ્યું હશે કે આખા રિવ્યુમાં ક્યાંય મહત્વના પાત્રોમાં કેટરીના કૈફ વિશે નથી લખાયું. એનું કારણ એ છે કે, તે આ ફિલ્મની હિરોઈન માત્ર પોસ્ટર પૂરતી જ છે, બાકી તેના લેખેલા ત્રણેક સીન છે; બે ગીત છે, એકાદ-બે ડાયલૉગ સીકવન્સ છે. અહીં તેનો ખેંચેલો અને વેડફેલો કૅમિયો રોલ જ છે. આમિરના દોસ્ત બનતા મોહમ્મદ ઝિશાન અય્યુબનો રોલ કેટરિના કરતા મોટો છે! અને આમેય કેટરિનાનો અહીં ડાન્સ પણ તેની એક્ટિંગ જેવો જ છે. અસ્તુ.

@Parth Dave

(Review for Mid-day, Mumbai:  10 November 2018)

thugs of hindostan 10-11.jpg
Mid-day, Mumbai. Page No. 19, Date: 10-11-2018

0 comments on “ઠગ્સ ઑફ હિંદોસ્તાન

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: