Literature

તમને સાલ મુબારક, તમારા હાલ મુબારક!  

આવતું સાલ તમારું છે. એ સાલના ઉપયોગ પ્રમાણે તમારા હાલ નિશ્ચિત થવાના છે!

-‘અક્ષરત્વ’ કૉલમ

(જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’)

28Oct_Diwaliરોજ-બ-રોજની ભાગતી જિંદગીમાં પોરો ખાવાનો સમય આવી ગયો છે. મજૂર હોય કે મેમસાબ, પ્લમ્બર હોય કે પોલિસ-મૅન, શેઠ હોય કે સાહેબ, દુકાનદાર હોય કે દુશ્મન, માલિક હોય કે માળી, શર્મન હોય કે સલમાન ખાન; તમારી આસપાસ નજર કરજો તમામ વ્યક્તિઓની આંખોમાં એક રાજીપો હશે, તહેવારનો રાજીપો. ભારત દેશ મહાન છે એવું સાબિત કરતા અઢળક સુવાક્યો વૉટ્સએપ-ફેસબુક પર ઘૂમી રહ્યા છે. એમાં એક વાક્ય ઉમેરી દઈએઃ ‘ભારત તહેવારોનો દેશ છે એટલે મહાન છે.’ ઓશો કહેતા, લાઈફ ઈઝ સેલિબ્રેશન! આપણી સંસ્કૃતિ એટલે મહાન છે કેમ કે તે દરેક સમય-કાળ પ્રમાણે સેટ થઈ જાય છે. નહીંતર તો ફેંકાઈ ગઈ હોત. સતત ભૂતકાળમાં રહેતો ભારત દેશ ભૂગર્ભમાં જઈ ચૂક્યો હોત પણ નહીં, આપણી સંસ્કૃતિ-રિતી રિવાજો-ધર્મ-આધ્યાત્મિકતા વગેરે આ બધું અમુક વસ્તુઓને બાદ કરતા મજબૂત છે. એટલે જ તે દરેકને આકર્ષે છે. દિવાળી-નવું વર્ષ-ભાઈ બીજ-ત્રીજ-લાભ પાંચમ અને દિવાળી પહેલા કાળી ચૌદશ-તેરસ-વાઘ બારસ-અગ્યારસ આ બધા દિવસો ઉજજવા પાછળના કારણો અને કથા તમને ખબર જ છે. ભારતમાં જન્મતા દરેક છોકરાની ગળથુથીમાં આ હોય છે. ન હોય તો દિવાળીઓ ઉજવતો જાય તેમ સમજતો જાય અને ન સમજે તો પ્લીઝ તેને માત્ર સમજાવજો. આ દિવસો પાછળની તમામ કથાઓ-વાર્તાઓ તેને રસપ્રદ રીતે કહેજો. તેને સાંભળવી ગમશે. નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઈમના જમાનામાં સળંગ હપ્તાઓની કાલ્પનિક સિરીઝો હવે બને છે ને બધા જૂએ છે, આપણી પાસે તો આખી જિંદગી પૂરી ન થાય એટલી રોચક અને રોમાંચક કથાઓ છે, વાર્તાઓ છે. ભારત દેશ વાર્તાઓનો દેશ છે. દંતકથાઓનો દેશ છે. અને એમાં કશું જ ખોટું નથી…

હા તો ઉપર લખ્યા તે તમામ નાના-મોટા માણસો આજનો તહેવાર ઉજવશે. કોઈ બહાર જઈને તો કોઈ ઘરમાં રહીને. હવે દિવાળીના તહેવારોમાં ઘરથી બહાર, બીજા કોઈ રાજ્ય કે દેશમાં જવાની ફેશન ચાલુ થઈ છે. પણ આજના અને આવતી કાલના દિવસે બહાર ફરતા ગુજરાતીઓને જોજો; તેઓનું મન પોતાના ઘરે જ હશે. ફોન પર આખો દિવસ ‘હેપ્પી દિવાલી’, ‘સાલ મુબારક’ કહેતા નજરે ચડશે!

દરરોજની હાડમારી, ટેન્શન, માથાકૂટ, લમણાઝિંક, બીમારી, વગેરે બધું જ ભૂલીને મજા કરવાની મોસમ એટલે તહેવાર. એટલે દિવાળી એટલે પડવો! પાછળ વાત કે મર્મ કોઈપણ હોય અલ્ટિમેટલી માણસજાતને મજા કરવી છે. રોજિંદા જીવનનો થાક ઉતારવો છે. પોરો ખાવો છે. તેના નજિકીદી દોસ્તોયારોં, સંબંધીઓને મળવું છે.

***

       આજથી લેવા હોય તો જાત-જાત અને પ્રકાર-પ્રકારના સંકલ્પો પણ તમે લઈ શકો! આ કૉલમની પ્રણાલી મુજબ આ વખતે પણ એક સંકલ્પની વાત તો આપણે કરશું જ! કાલે પડવો છે તો આજે જ એ સંકલ્પ લો કે આવતી કાલથી કોઈને ખોટેખોટો આગ્રહ નહીં કરીએ! આપણામાંથી મોટા ભાગના લોકો દુરાગ્રહ ને હઠાગ્રહ ને પૂર્વગ્રહથી ગ્રસ્ત લોકો છે! એ દુરાગ્રહ ચાહે કાજુકતરી ખવડાવવા માટેનો હોય કે સંતાનને પરણાવવા માટેનો હોય! જેટલા માણસો ભૂખબરાને કારણે મરે છે એનાથી વધુ ખાઈ ખાઈને હોસ્પિટલના બીછાને પડેલા છે. તો મહેરબાની કરીને પ્રેમપૂર્વક આગ્રહ કરો, દુરાગ્રહ નહીં. અને કોઈપણ વસ્તુને લઈને હઠાગ્રહ તો નહીં જ!

***

વેલ, જિંદગીની ગતિ કેટલી પ્યારી અને ન્યારી છે તે આ દિવસોમાં ખબર પડે, જો શાંતચિત્તે વિચારીએ તો. શેરડીનો સાંઠો છોલીને ખાવાની શરૂઆત કરીએ, બટકા ભરીએ ને જ્યાં રસ ચૂંસવાની મજા આવે ત્યાં જ વચ્ચે ગાંઠો આવે. હવે ગમે તેટલી મહેનત કરો મોઢાથી આ ગાંઠો ન ઉકલે; તેને ચાવી શકાય નહીં અને દાંતથી તૂટે નહીં. તેને થૂંકવા જ પડે. ને થુંકીને ફરી શેરડીના રસના ચટાકા ભરવાનું શરુ કરાય. જિંદગી આવી જ છે! આજ-કાલના દિવસો શેરડીનો રસ છે, તેને ચસોચસ ચૂંસો. મૌજ કરો! આ તહેવારો તો સામે ચાલીને આવેલી મજા છે…

એક વાર એક માણસે આવીને મહાત્મા ટૉલ્સટૉયને પૂછ્યુઃ જીવન એટલે શું? થોડી વાર શાંત રહીને ટૉલ્સટૉય બોલ્યાઃ એક વખતે એક માણસ જંગલમાંથી પસાર થતો હતો. એવામાં એક જંગલી હાથીની નજર તેના ઉપર પડી અને એ તેને પકડવા દોડ્યો.

પેલો માણસ તો આવી પડેલા આ સંકટને જોઈને ગભરાઈ ગયો. શું કરવું અને શું નહીં, એની તેને સમજ પડી નહીં. ઝાડ પર પણ શી રીતે ચડી શકાય? હાથી તો ખૂબ નજીક આવી ગયો હતો! તેથી તેણે હિંમતભેર ઝડપથી દોડવા માંડ્યું. પાછળ હાથી પણ દોડતો હતો. એટલામાં રસ્તા ઉપર એક કૂવો નજરે પડ્યો. હાથીના સંકજામાંથી બચવાનો બીજો માર્ગ ન હોવાથી તે માણસે એ કૂવામાં ઝંપલાવ્યું!

કૂવામાં વડલાનાં કેટલાંક મૂળિયાં બહાર નીકળેલા હતા, એમાંના એક મૂળિયાની જડ તેના હાથમાં અચાનક આવી ગઈ. એટલે તેણે એ પકડી લીધી. થોડી વાર પછી તે માણસે કૂવામાં ડોકિયું કર્યું તો એ પુરાણા કૂવાના પાણીમાંથી મગરો બહાર નીકળીને મોં ફાડી ઊભા હતા! ક્યારે તે માણસ નીચે પડે અને ગળી જાઉં, એની જ રાહ જોતા હતા. ઉપરની બાજુએ પેલો માતેલો હાથી એ માણસ ક્યારે બહાર નીકળે એની રાહ જોતો ઊભો હતો!

હવે જે જગ્યાએ પેલો માણસ લટક્યો હતો એની ઉપરની બાજુએ મધપૂડો હતો અને તેમાંથી મધ ટપક્યા કરતું હતું. એ મધનાં ટીપાં પોતાનાં મોંમાં ઝીલી લઈને પેલો માણસ નભી રહ્યો હતો.  પરંતુ આ શું! જે મૂળને પકડીને તે લટકી રહ્યો હતો એને એક કાળો અને એક સફેદ ઉંદર નિરંતર કાપી રહ્યા હતા!

બસ, આટલું કહીને ટૉલ્સટૉય જરા અટક્યા અને પછી બોલ્યાઃ પેલો હાથી એ કાળ હતો; મગર એ મૃત્યુ હતું; મધ એ જીવન-રસ હતો; અને કાળો અને સફેદ ઉંદર એ રાત-દિવસ હતા. બસ આ બધું મળીને જે થાય તેનું નામ ‘જીવન’!

‘અમે તો કેટલીય દિવાળીઓ જોઈ છે’ કહેનારાઓ આવતી દિવાળી જોશે કે નહીં તે ખબર નથી. ભવિષ્યની વાર્તા શું છે તે કોઈ આવીને કહેવાનું નથી. માટે બધું ભૂલીને મધના ચટાકા ભરવાના છે! ખબર નથી ક્યારે હાથી કે મગરનો શિકાર થઈ જઈશું. એમ નહીં થઈએ તો ઉંદર તો છે જ, દિવસ-રાતરૂપી વડલાના મૂળિયા કાપવા માટે! સો, જો હૈ યહી એક પલ હૈ. જીલો… જી ભર કે! આવતું સાલ તમારું છે. એ સાલના ઉપયોગ પ્રમાણે તમારા હાલ નિશ્ચિત થવાના છે!

હેપ્પી દિવાલી અને એક દિવસ આગોતરા હેપ્પી ન્યુ યર! આ વર્ષ આખું સ્વસ્થ રહ્યા એ બદલ કુદરતનો આભાર અને આવતા વર્ષ માટે અરજી.

જે બાત!

કોણ ખરું છે ખોટું શું છે? હું પણ જાણું તું પણ જાણે,
મનમાં કોના ઓછું શું છે? હું પણ જાણું તું પણ જાણે.

સૌનું હસવું રડવું સરખું, ચઢવું ને ઓસરવું સરખું,
તોય બધામાં નોખું શું છે? હું પણ જાણું તું પણ જાણે.

ક્યારે કેવી ચાલ રમાશે જો જાણો તો જીતશો, બાકી,
ઊંટ, વજીર ને ઘોડુ શું છે? હું પણ જાણું તું પણ જાણે.

-મકરંદ મુસળે

@Parth Dave (Janmbhoomi Group- Kutchmitra)

Date:07-11-2018

tmne sal mubarak... tamra 07-11
“અક્ષરત્વ”, જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’; પાના નં. 3  તા. 07-11-2018

0 comments on “તમને સાલ મુબારક, તમારા હાલ મુબારક!  

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: